દિવાળીની રજાઓ પહેલાં વિદ્યા બાલનની સાડી જેવી લાંબી
હતી જે દિવસે દિવસે મલ્લિકા શેરાવતના કપડાં જેટલી ટૂંકી થતી જાય છે. દિવાળીની રજાઓ ઘટવાથી, મહિલાઓ વધારે અને
વધારે વ્યવસાયમાં પ્રવૃત્ત થવાથી બદલાતા સમય સાથે દિવાળી પણ બદલાઈ રહી છે.
પહેલાં તો દિવાળીના મહિના અગાઉ પુરુષો પેન્ટ શર્ટનાં
કાપડ ખરીદવા જતાં. પછી દરજીના ત્યાં કપડાં
સીવડાવવા નાખે. પછી ટ્રાયલ આપવાનો. એ પછી કપડાં મળે. પછી એને ધોઈને ઈસ્ત્રી
કરાવવાની. આમાં દરેક સ્ટેજ પર
ધક્કા તો ખરા જ. છેલ્લે દરજી શર્ટના
બટન તો તમારી હાજરીમાં જ ટાંકે. આટલું કષ્ટ લીધાં પછી કપડાં
બેસતા વર્ષે પહેરવા લાયક બનતાં. આટલી કડાકૂટ હોવાને
લીધે લોકો લગ્ન અને દિવાળી સિવાય કપડાં કરાવતા પણ નહિ. હવે કપડાં રેડીમેડ મળે છે. બે ખરીદો તો ત્રણ ફ્રી
મળે છે. એટલે બેસતા વર્ષે જ
નહિ પરંતુ આખું વર્ષ પહેરાય એટલે કપડાં ન ખરીદવા હોય તો પણ ખરીદાઈ જાય છે. જોકે ખરીદ્યા પછી ખબર
પડે છે એ આ રંગના પેન્ટનું મેચિંગ શર્ટ નથી, અને આ શર્ટનું મેચિંગ પેન્ટ એકેય નથી.
મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. આ જોડકણુ જુનાં સમયમાં
બહુ પોપ્યુલર હતું. એમાં છોકરાં સાથે દિવાળીની અને અન્ય રજાઓમાં પિયર ચાલી જતી ગૃહિણીની વાત આવે. હવે તો મોટી સંખ્યામાં
સ્ત્રીઓ નોકરિયાત હોવાથી કે છોકરાઓના ટ્યુશન, હોબી ક્લાસ કે દસમું-બારમું જેવા કારણોસર
મામાઓને પૂરતો લાભ આપવામાં આવતો નથી. આ કંઈ અમે ફરિયાદના
સુરમાં નથી કહેતા. હવે તો દિવાળી
વેકશનમાં હેસિયત પ્રમાણે દેશ કે વિદેશમાં ફરવા જવાનું હોઈ દિવાળીના દિવસોમાં
મહદઅંશે ઘર બંધ હોય છે. અને બેન છોકરાઓ જો
મામાના ઘેર ધામા નાખવાનો પ્રોગ્રામ કરે તો સામે મામા-મામી આણી મંડળી પણ થોડી ઘેર બેસી ટીવી જોવા નવરી હોવાની? કેમ એ લોકોએ દિવાળી પછી એમના પ્રોફેશનલ સર્કલમાં તેઓ દિવાળીમાં ક્યાં ફરી
આવ્યા એ કહેવાનું ન હોય?
સમયના અભાવે હવે ઘેર દિવાળીના નાસ્તા ઓછાં બને છે. મોટેભાગે રેડીમેડ
લાવવામાં આવે છે. અને એ એક રીતે સારું
પણ છે એવું અમે માણીએ છીએ! પહેલા તો સ્કૂલથી ઘેર
પાછાં આવીએ ત્યારે ઘૂઘરા, મઠીયા, તીખી સેવ જેવી આઇટમની
સુગંધ આવતી હોય. હવે તો હંમેશની જેમ
ઈડલી-સંભાર અને પંજાબી
સબ્જીની સ્મેલ ઓફિસથી ઘેર આવો ત્યારે તમારું સ્વાગત કરે છે. પહેલાં લોકો ટેસથી બેસતા વર્ષે અને એ પછીનું અઠવાડિયું મામા, માસી, કાકા, ફોઈના ઘરે જઈ પગે લાગી, વડીલોએ આપેલી કડકડતી
નોટો ગજવામાં સરકાવી, નાસ્તા ઝાપટતા. હવે બે દિવસમાં ઓફિસ
ચાલુ થતી હોઈ બધું એક દિવસમાં પતાવવાનો મહિમા છે. આને ‘ઘર ગણવા’ એવું રૂપાળું નામ
આપવામાં આવ્યું છે. હવે આટલી ઉતાવળમાં
બધાં ઘેર હાથ તો ક્યાંથી સાફ થાય? એટલે જ હવે જથ્થાનું (ક્વોન્ટીટી) નહિ ગુણવત્તાનું (ક્વોલીટી) મહત્વ વધી રહ્યું છે.
નાસ્તામાં જુનાં સમયમાં ઘેર બનાવેલા નાસ્તાનો મહિમા
હતો. નાસ્તો મહેનત કરીને બનાવ્યો
હોય એટલે કે ‘પસીનેકી ખુશ્બુવાલા’ હોય એટલે એ બીજાને
ખવડાવવા તાણ પણ બહુ થતી. હવે તમારી ઇન્કમ
પ્રમાણે કે ક્લાસ પ્રમાણે નાસ્તો ધરાય છે. નીચલો વર્ગ હજુ ઘેર નાસ્તા બનાવે છે. લોઅર મિડલ ક્લાસ ચવાણાની દુકાનમાંથી નાસ્તા ખરીદે છે. મિડલ ક્લાસ નાસ્તા, મીઠાઈ સાથે બે લીટરિયા, અડધો સોડા ઊડી ગયેલી
કોલ્ડીંકની બોટલોમાંથી અમુક ચોક્કસ કેટેગરીના મહેમાનોને ઠંડા પીણા ધરે છે. અપર મિડલ ક્લાસ મીઠાઈ
સાથે ક્યાંકથી ગીફ્ટમાં આવેલ ડ્રાયફ્રુટ અને ચોકલેટસ પણ ઓફર કરે છે. એમાં પાછું મીઠાઈ કઈ
પ્રખ્યાત દુકાનની છે એ કહેવું લગભગ ફરજીયાત છે. અપર ક્લાસ મહારાજના હાથની બનાવેલી તાજી અને માત્ર હોટલોમાં જ ખાવા મળે તેવી
મેક્સિકન, ઇટાલિયન ડીશ અને સાથે
કીવી, સ્ટ્રોબેરી અને જેના
નામ આપણે ન સાંભળ્યા હોય એવા ફ્રુટનાં જ્યુસ પણ ધરે છે.
ગ્રીટિંગ કાર્ડઝ તો હજુ પંદર વરસ પહેલાં પણ ચલણમાં
હતાં. અમુક પોસ્ટ કાર્ડ પર
લાલ રંગથી ‘છાપેલી શુભેચ્છા’ મોકલતા. પછી મોબાઈલ અને ઈમેઈલ
સુલભ થતાં કાર્ડ અને રૂબરૂ મળવાને બદલે ફોન અને એસએમમેસમાં વાત પતવા લાગી. પહેલા દિવાળીનાં એક બે
દિવસ પછી ટપાલી થોકડો ગ્રીટિંગ્સ લઈને આવતો. એમાં જુનાં પડોશી, મિત્રો, સગા-વ્હાલા અને જેની સાથે
ન પરણી શકાયું એવી કોક પ્રિય વ્યક્તિના પતિનું પણ કાર્ડ હોય! આવી ટપાલ મોંઢા પર હર્ષ લાવી દેતી હતી. હવે તો એવી પ્રિય વ્યક્તિ જોડે ફેસબુક કે મોબાઈલ પર સંબંધ જીવંત રાખી શકાય છે. તો બેસતા વરસે બધાને મળવાને
બદલે અંગત લોકોને ફોનથી અને અન્યોને એસએમએસથી ‘પતાવી’ દેવામાં આવે છે, એ પણ પાછાં ફોર્વર્ડેડ. એકદમ બારોબાર. આમ છતાં, આત્મીયતા વગરના આ એસએમએસમાં
પણ કોનો આવ્યો અને કોનો ન આવ્યો એની નોંધ
તો આ પેઢી પણ લે છે જ!
ટપાલી તો હજુ પણ આવે છે. પણ હવે એ દિવાળી પછી આવે તો શેર કે મ્યુચ્યુઅલ ફંડનાં ફરફરિયા લઈને આવે છે. જોકે બોણીનો રીવાજ હજુ
પણ રહ્યો છે. બોણીની જેમ બોનસનો
રીવાજ હજુ પણ અકબંધ છે. એને ઇન્સેન્ટીવ એવા
નામ અપાય છે. હજુ પણ દિવાળીમાં રૂપિયાનો
ધુમાડો થાય છે. ને હજુ પણ બેસતા વરસે
છાપામાં વરસ કેવું જશે એ ભવિષ્યકથન વંચાય છે. હા, હજુ પણ વર્તમાન કરતાં
ભવિષ્યમાં આપણને વધારે રસ છે!
No comments:
Post a Comment