Monday, October 08, 2012

રૂપિયા ઝાડ પર જ ઊગે છે



| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૧૦-૨૦૧૨ |અધીર અમદાવાદી |

 
આખરે બાર વર્ષે બાવો બોલ્યો. અને એવું બોલ્યો કે સૌને મોજ પડી ગઈ. હા, આ સદૈવ મૌનવ્રતધારી  દૂરવર્તી નિયંત્રિત પ્રધાનમંત્રીની જ વાત છે. ન બોલવા નવ ગુણનાં પ્રખર હિમાયતી કે મનમાં જ બોલવા માટે જાણીતા એવા મનમોહન સિંઘે કહ્યું છે કે રૂપિયા કંઈ ઝાડ પર નથી ઊગતા’. લ્યો, પ્રજાને તો ખબર જ નહોતી ! અમને તો એમ કે સરકાર ક્યાંક ખેતી કરતી હશે. દસ, વીસ, પચાસ, સો, પાંચસો અને હજાર રૂપિયાના ઝાડ ઊગતા હશે. આસામમાં મહિલાઓ જેમ ચાની પાંદડી વીણે છે એમ સરકારી કર્મચારી બહેનો રૂપિયા તોડી તોડીને ટોપલીમાં નાખતી હશે. રિઝર્વ બૅન્કના કૅશિયર ભાઈઓ આ નોટોના બંડલો બનાવી રવાના કરતા હશે. અને આ રૂપિયાની હેરાફેરીમાં વેપારી બંધુઓ, દલાલો, કર્મચારીઓ, નેતાઓ વગેરે પોતાને ભાગ લાગે એટલું લૂંટતા કે લૂંટાવતા હશે. 

પણ રૂપિયા ઝાડ પર નથી ઊગતા (રુઝાનઊ) એ વાક્ય અમે કંઈ પહેલીવાર નથી સાંભળ્યું. મધ્યમવર્ગનાં છોકરાં કૉલેજમાં ભણતાં હોય અને ખર્ચા વધે એટલે નોકરિયાત મા-બાપ આ રુઝાનઊ ડાયલૉગ મારે મારે અને મારે જ. આપણાં માટે તો સરકાર જ માઈબાપ છે, અને આપણે મધ્યમવર્ગીય છોકરાઓ છીએ. આપણે નપાવટ છોકરાંની જેમ વરસમાં છ કરતા વધારે સિલિન્ડર ગેસ ફૂંકી મારીએ છીએ અને એસયુવી કારોમાં ડીઝલ ઉડાડીએ છીએ. પછી આપણી માબાપ એવી સરકારે આવું તો કહેવું જ પડે ને? છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડું થાય?

જે રીતે એક એકથી ચડિયાતાં કૌભાંડ બહાર આવી રહ્યા છે એ જોતાં સરકાર રૂપિયા ઝાડ પર નથી ઊગતા એ મજાકમાં કહી રહી હોય એવું પણ બને. રૂપિયા સાચે જ ઝાડ પર જ ઊગતા હોય એવું પણ બને. આપણા પ્રેસિડન્ટની હવાઈ યાત્રાનાં ખર્ચા વિષે સાંભળીને તો એવું જ લાગે છે રૂપિયા ખરેખર ઝાડ પર ઊગતા હશે. જે રીતે કોમનવેલ્થમાં રૂપિયાની વસ્તુ સો રૂપિયામાં ખરીદાઈ એ જોતાં લાગે કે રૂપિયા ઝાડ પર ઊગતા હશે. જે રીતે કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા રોડ એક ચોમાસામાં તૂટી જાય એ આપણને પોસાય છે એ જોતાં ચોક્કસ લાગે કે રૂપિયા ઝાડ પર જ ઊગતા હશે. અને જો રૂપિયા ઝાડ પર ઊગતા હોય તો એ ઝાડ ચોક્કસ બોડી બામણીનાં ખેતરમાં હશે, કારણ કે અમુક ભ્રષ્ટ મંત્રીઓ દેશને એક મોટું બોડી બામણીનું  ખેતર સમજી રાષ્ટ્રની સંપત્તિ ઘર ભેગી કરી રહ્યા છે. 

પણ ખરેખર જો રૂપિયા ઝાડ પર ઊગતા હોય તો આપણો દેશ ખેતીપ્રધાન રૂપિયાપ્રધાન દેશ બની જાય. કેશ ક્રોપમાં પછી કેશ ઊગે તો જોઈએ જ શું? પછી શું કામ કોઈ ચા, કોફી, અનાજ, કઠોળ વગેરે ઉગાડે હેં? સીધા રૂપિયા વાવવાનાં અને રૂપિયા લણવાના. પછી તો વિધાર્થીઓને પણ ભણવામાં રવિ પાક અને ખરીફ પાકને એવું બધું યાદ નહિ રાખવાનું. જો સફરજન અને તડબૂચ ચાઇના અને તાઈવાનથી આવતાં હોય તો પછી કાકડી અને કોબી પણ ભલેને ઈમ્પોર્ટ થતી.

નોટોની ખેતી કરવી પણ આમ તો સરળ જ હશે. નોટોને ભેજ બહુ સદે નહિ એટલે ઓછા પાણીમાં જ ઊગે. કદાચ એ પણ જમીન પર આધાર રાખતું હશે. ભેજવાળી જમીનમાં સિક્કાના ઝાડ ઊગતા હશે તો સૂકી રેતાળ જમીનમાં નોટો ઊગતી હશે. એટલે સિંચાઈ યોજનાઓની પણ ખાસ જરૂર નહિ. એટલે ક્રિશ્ના અને કાવેરી જળવિવાદ પણ ન થાય, પાણી માત્ર પીવા માટે જ જોઈએને? અને રૂપિયા ઝાડ પર જ પેદા થતા હોય એટલે પછી મ્યુનીસીપાલીટીનું રંગીન પાણી શું કામ પીવાનું? મીનરલ વોટર જ વાપરવાનું હોય ને? નોટોના ઝાડને પિવડાવવા માટે પાણી ન હોય તો એ પણ મીનરલ વોટર! હાસ્તો, કૌભાંડ એમ જ થાય ને?

પણ એમ દરેક માણસ રૂપિયા ઉગાડવા લાગે એવું થોડું સરકાર થવા દે? એટલે જેમ અફીણની ખેતીમાં બને છે એમ લાઈસન્સ ધરાવનાર જ રૂપિયા ઉગાડી શકે એવા કાયદા હોય, અને ઉગાડેલો માલ સરકારને સુપ્રત કરી દેવાનો. સરકાર કહે કે લાઈસન્સરાજ ખતમ થયું છે પણ હવે લાઈસન્સના બદલે હરાજી થાય છે, અને એમાં હું, બાવોને મંગળદાસ ત્રણ જણાની વચ્ચે જ કામ વહેંચાય છે ને? એટલે જે તે વિસ્તારમાં રૂપિયા ઉગાડવા માટે સરકારી જમીન ભાડાપટ્ટે અપાય. હવે વિચારો કે રૂપિયે કિલો પણ જેની કિંમત નથી તેવા કોલસામાં લાખો કરોડોનાં કૌભાંડ થાય છે તો જેના એક કિલોની કિંમત આઠ થી દસ લાખ રૂપિયા થતી હોય તેવી નોટોની ખેતીમાં કેટલા અબજ કરોડનાં કૌભાંડ થતા હોત? મગજ નથી કામ કરતું.

અને કૌભાંડો પણ કેવાં અજબ ગજબ થાય. જો રૂપિયા ઉતારવાનો કોન્ટ્રેકટ સરકારની કોઈ માનીતી કંપનીને આપ્યો હોય તો કંપની રૂપિયા સગેવગે કરી જાહેર કરત કે માવઠું થવાથી રૂપિયા બધા પલળી ગયા. લૉસ એસેસમેન્ટ કરવા પણ મળતિયા જ આવે, દરેકનો ભાગ એમાં. તો ક્યારેક આ વખતે ચાર આની પાક જ થયો એમ કહી બાકીના ઘરભેગા કરે. દલા તરવાડીની જેમ મંત્રીઓ પછી તો વારે તહેવારે રૂપિયાના ખેતરમાં પધરામણી કરે અને થેલાઓ ભરી ભરીને રૂપિયા લઈ જાય. પણ વાર્તામાં થાય છે એથી વિપરીત અહિં તો સીબીઆઈ નામનો વશરામ ભૂવો જ ડબકા ખાવામાંથી બચાવે પણ ખરો! 

સાઇડ કિક : યે પેડ કે પત્તે સારે રોટી બન જાયે ઓર તાલાબ કા પાની અગર ઘી, તો ફિર બંદા ઝબોળ ઝબોળ કે નહિ ખાવે ?

1 comment: