| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૧૦-૨૦૧૨ |અધીર અમદાવાદી |
જે લોકોને ગરબા નથી આવડતાં એ લોકો ગરબા કરનારને
ઈર્ષ્યાના ભાવથી જોઈ રહે છે. પણ ઉત્સાહી લોકો ગરબાના ક્લાસ ભરીને પણ ગરબા શીખીને
રહે છે. અમુક દેખાદેખીમાં પણ ક્લાસ જોઈન કરે છે. અમુક પ્રાઇઝ જીતવા માટે ક્લાસ ભરે
છે. આજકાલ કોર્પોરેટ કંપનીઓ રૂપિયા ખર્ચી સાંજે, ઓફિસ ટાઈમ પછી જ, પ્રોફેશનલ ટ્રેનર રોકી
સ્ટાફને ગરબા શીખવે છે. કંપનીઓને એમાંય ક્યાંક પ્રોફિટ દેખાયો હશે. અથવા તો પોતાની
કંપની બીજી કંપનીઓ કરતાં કોઈ રીતે પાછળ નથી છે એ બતાવવા આ કરતાં હોય. જાહેરાત કરી
શકે ને કે, ‘ફલાણા ફલાણા ગરબામાં
અમારા એમ્પ્લોયીએ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રેસ્ટિજિયસ બેસ્ટ ડ્રેસિંગ પ્રાઇઝ મેળવ્યું, માટે મોબાઈલ કનેક્શન
તો અમારી કંપનીનું જ લેવાય’.
પછી ભલે એ સેલ કંપનીનો કોલ ડ્રૉપ રેટ સરકારી સ્કૂલોનાં બાળકોના ડ્રૉપ-આઉટ રેટ
સાથે કમ્પીટીશન કરતો હોય!
જે લોકોના લોહીમાં ગરબા છે અથવા તો જે લોકોને ગરબાની
પ્રેક્ટિસરૂપી લોહીના બાટલા ચઢાવ્યા છે એવાને બાદ કરતાં જે શેષ વધે એ પબ્લિકની દશા
અભ્યાસ કરવા જેવી હોય છે. એમાં અમુક પુરુષો એવા હોય જેમના ભાગે આખી નવરાત્રી
ડ્રાઈવર, કૅશિયર ને બાઉન્સરનો
રોલ આવે છે. ઑફિસમાંથી નીચોવાઈને આવેલા ભાઈ સાડા આઠ વાગ્યામાં લેંઘો ઝભ્ભો પહેરીને
તૈયાર થઈ જાય. વહેલાં જઈએ તો વહેલાં અવાય એ શુદ્ધ આશયથી. પણ સામી પાર્ટી સાડા દસ
વાગ્યે તૈયાર થાય. સાડત્રીસ વખત તો બચારાએ ઘડિયાળમાં જોયું હોય કે આણે નવ વાગ્યે
નીકળવાનું કહ્યું’તુ. રસ્તામાંથી કોકને
લઈને જવાનું હોય પાછું. સ્થળ પર પહોંચીને પાર્ટીને ગેટ ઉપર ઉતારી કિલોમીટર દૂર
પાર્કિંગ કરીને આવવાનું. એમાં પાછી વાર થાય એટલે એનાં ખુલાસા આપવા પડે. એ પછી
ટીકીટ લેવાનું કામ પણ આપણાં આ બાવરિયાનું જ હોય છે ને?
ગરબા ગ્રાઉન્ડમાં પહોંચીને ખેલાડીઓ તો કંપની કે
એન્ટ્રી શોધી ગરબા કરવા ચાલુ પડી જાય. પણ જે પાછળ ચંપલ, પાણી બોટલ, મોબાઈલ સાચવવા રહે એણે
સૌથી પહેલાં તો ખુરશી શોધવી પડે. કોઈ પણ મેળાવડા, એ ગરબાના હોય કે લગ્નના હોય, આયોજકોનો મુખ્ય ઉદ્દેશ બેસવાલાયક લોકોની સંખ્યા કરતાં ૨૫% ઓછી ખુરશીઓ મૂકવાનો
હોય છે. આમાં આયોજકોને પૈશાચિક આનંદ આવતો હશે કદાચ. પણ નૉન-સ્ટોપ ગરબાનાં
મ્યુઝિકને સથવારે ‘ખુરશી ખાલી થાય તો
ઝડપી લઉં’ એ પ્રકારની મ્યુઝિકલ
ચેર રમવા બીજા ખુરશી-વંચિતો પણ તત્પર ઉભા હોય છે. આવામાં આપણા છેલાજીને જો એક
ખુરશી મળે તો પોતે બેસે છે. જો બે-ત્રણ ખુરશી હાથમાં આવે તો એ
ચંપલ-બુટ-દુપટ્ટા-પર્સ અને મોબાઈલ સુધ્ધાં જગ્યા રોકવા મૂકી દે છે. ખુરશી ખેંચવા
તૈયાર લોકોને એ ‘આવે જ છે હમણાં’ પ્રકારની ખોટી માહિતી
આપી ટીકીટના રૂપિયા પુરા વસૂલ કરે છે. જોકે આ આખી ખુરશી મેળવવાની અને સાચવવાની
પ્રક્રિયામાં સફળ સાબિત થનાર રાજકારણમાં જાય તો સફળ થાય ખરા!
આમ તો બિહારનાં ઇલેક્શનમાં તેલુગુદેશમ પાર્ટીનો
પ્રચાર કરવા મોકલ્યો હોય એટલો રસ આપણાં આ રંગરસિયાને ગરબામાં હોય છે. ટ્રેડિશનલ
કપડાં (લેંઘો-ઝભ્ભો) પહેર્યા હોય પણ કદી મેદાનમાં ઘૂસે નહિ, અને પાછું એમાં જ
બધાનું ભલું હોય. જોકે મેદાનમાં પાણીની બોટલ્સ, મોબાઈલ અને ચંપલ સાચવવા બેઠેલો નાવલિયો સાવ બેઠો રહે તો એ પુરુષ નહિ. એ જ્યાં
બેઠો હોય ત્યાંથી યથાશક્તિ સૌન્દર્યપાન કરતો રહે છે. વચ્ચે વચ્ચે મોબાઈલ પર ધંધાની
વાતો કરવાનો વ્યર્થ પ્રયાસ કરતો પણ જોવા મળે છે. પણ આ ગરબાનું મેદાન એક જ એવી
જગ્યા છે કે જ્યાં, જ્ઞાની અને ગધેડાં
સિવાયના એવા, એક જ ધંધાવાળા બે જણ
ભેગાં થાય તો પણ ધંધાની વાત નથી કરી શકતાં. અવાજના કારણે. બાકી શેરબજારવાળા બે જણા
સ્મશાનમાં મળે તો પણ માર્કેટની ચાલ વિષે ચર્ચા કરી લેતા હોય છે.
ઓડિયન્સમાં બેઠાં પછી આપણાં છબીલાનો એકાદ કલાક તો
જાણે ગરબા ગ્રાઉન્ડના સ્ટોક ટેકિંગમાં જાય છે. ઓળખીતાં પારખીતાની નોંધ પણ લેવાય
છે. પછી પહેલા જ રાઉન્ડમાં ગમી ગયેલા ફૂમતાંનું ટ્રૅકિંગ શરુ થાય છે. પ્રત્યેક
રાઉન્ડમાં એ સામેથી પસાર થાય અને રુમઝુમ કરતું ફૂમતું દેખાતું બંધ થાય ત્યાં સુધી
જોવામાં ને જોવામાં માણસ ટેબલ ફેનમાં ફેરવાઈ જાય છે! એ ફૂમતું ગરબા કૂટતા (એમ જ
કહેવું પડે એટલું ઝનૂન હોય છે) ખેલૈયાઓની ભીડમાં અંતરધ્યાન થાય અને ફરી પ્રગટ થાય
ત્યાં સુધી પોતાની ફિક્સ ડિપોઝીટથી નજર બચાવીને નાની નાની બચત યોજનાઓમાં મૂડી
રોકાણો ચાલુ રાખવામાં આવે છે. આ એક તપસ્યા છે અને એમાં તપોભંગ ત્યારે થાય છે જયારે
પડોશમાં સ્ટીમિંગ ઢોકળાં,
ગરમ ખીચું, ભેળની પ્લેટ કે સોફ્ટ ડ્રીંકની
બોટલો આવે છે.
પડોશમાં આમ સ્વાદિષ્ટ વસ્તુઓ ન આવે તો પણ ગરબા વેન્યુ
પર રાત્રે અગિયાર વાગે એટલે ઘણાની ભૂખ જાગી ઊઠે છે. અમુક મણિયારા તો કદાચ ગરબા
કરવા માટે નહિ ખાવા માટે આવતાં હોય એવું લાગે. ગાંધીનગર કલ્ચરલ ફોરમનાં ગરબામાં
જાવ તો ગ્રાઉન્ડ અંદર હોય એટલી જ ગિરદી ફૂડકોર્ટમાં જોવા મળે. કલાક પહેલાં જ ઘેર
જમીને આવ્યો હોય, પણ ફૂડકોર્ટ પર હક્કા
નુડલનાં વઘારની ખૂશ્બુથી ભુખ્ખડજનોનો જઠરાગ્નિ જાગૃત થઈ જાય છે. પણ સામાન સાચવવા
કોઈ બકરો હાથમાં આવે એટલે ચંપલ ભળાવી વીરો ફૂડકોર્ટ તરફ એકલો પ્રયાણ કરી જાય છે. પેલી
બાજુ ગોરી ગરબામાંથી બહાર નીકળી એને શોધી કાઢે ત્યારે વાલમાનો ચોથો રાઉન્ડ ચાલતો
હોય. જોકે આમ ખાનાર પર નજર ન લગાડવી જોઈએ, કારણ
કે સાંવરિયાએ આમ જોવાં જાવ તો ખાવા સિવાય બીજું કર્યું પણ ક્યાં હોય છે આખી
નવરાત્રિમાં?
સુપર્બ.... મોજે મોજ પાડી દીધી....
ReplyDeleteએલા.... એટલુ સચોટ નીર્દેશન કર્યુ તમે કે એમ જ લાગ્યુ જાણે મારી બાજુ મા જ બેઠા તા... ગરબા કરવા ઘુમતા ફુમતાઓ ને જોવા.....
ReplyDeleteસુપર સોલ્લીડ.....એક ફીક્સ ઇંવેસ્ટમેંટ... નાની બચત યોજનાઓ .... અને સ્ટીમ ઢોકળા વાળો પાર્ટ તો....ઓહોહો.......પાપારાપાપા... આઇ એમ લવીંગ ઇટ......;)
awesome :D
ReplyDelete