| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૪-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |
કોલસા મંત્રી જયસ્વાલના પત્ની સંબંધિત ઉચ્ચારણોથી મહિલાઓ ખુબ નારાજ થઇ ગઈ છે.
મંત્રીશ્રી કાનપુરમાં યોજાયેલ એક કવિ સંમેલનમાં રંગમાં આવી જઈ ‘જીત અને પત્નીઓ
જૂની થાય પછી મઝા નથી આવતી’ એ મતલબની કોમેન્ટ કરી વિવાદમાં સપડાયા છે. પત્નીનું
નામ આવે ત્યાં પુરુષ માફી માંગે એ વાતની કોઈ નવાઈ નથી હોતી, એ દાવે જયસ્વાલે પણ
માફી માંગી લીધી છે. પણ આ કિસ્સાને મામલે મહિલાઓનો રોષ હજુ શમ્યો નથી. એક ભડકેલી મહિલાએ
લખેલો (કાલ્પનિક) પત્ર અમારા મિત્ર જૈમીન જાણભેદુનાં હાથમાં આવી ગયો છે, જે અહીં
રજુ કર્યો છે.
--
જયસ્વાલજી,
કોલસાની દલાલીમાં હાથ કાળા થાય એ કોઈએ ખોટું નથી કીધું. તમે પણ કોલસાનાં
વહીવટમાં રહી જબાન કાળી કરી છે. તમે સ્ત્રીઓ વિષે એલફેલ બોલી સ્ત્રીઓની લાગણીને
ઠેસ પહોંચાડી છે. ખરેખર તો સ્ત્રીઓ વિષે બોલવાનો તમને પુરુષોને કોઈ અધિકાર જ નથી.
એવું કહે છે કે પુરુષો નિંદામણ જેવા હોય છે વિષમ વાતાવરણમાય ટકી રહેવાની
ક્ષમતા હોય, પણ ક્યાં ઊગવું એની સૂઝ ના હોય. તમારુંય કંઇક એવું જ છે. નેતા થયા એટલે
જ્યાંત્યાં ભરડ્યા કરો છો. તમે પત્નીને જૂની ગણાવી તો દીધી પણ એ ભૂલી ગયા કે, ઓલ્ડ ઈઝ ગોલ્ડ.
પત્ની સોના જેવી હોય છે, એમાં અનુભવની સુગંધ ઉમેરાય છે. જુનાં ચોખામાં વધારે
સુવાસ આવે. પણ તમારા જેવું સામાન્ય કક્ષાનું બુદ્ધિસ્તર ધરાવતા પુરુષો લોખંડ જેવા
હોય છે, એ જેટલા જુનાં થાય
એટલા વધારે કટાય અને બોદા બને, પણ જવા દો તમને આ બધું નહિ સમજાય, કોલસા મંત્રી
છોને એટલે તમને બધું કાળું જ દેખાવાનું !
પુરુષો તો જુવાન હોય તોયે એમનામાં ઠેકાણાં ક્યાં હોય છે? પાન મસાલા ખાઈને
પુરુષોના દાંત જલ્દી સડી જાય છે. દાંત બચ્યા હોય તો લાલ રંગના હોય અને મ્હોમાંથી
તમાકુ કે સિગરેટની ગંધ આવતી હોય છે. પાછા તમે પુરુષો કંજૂસના એ દીકરા છો કે ચોખઠું
આવી જાય ત્યાં સુધી ડેન્ટીસ્ટને રૂપિયો આપવામાં માનતા નથી. ફિલસૂફોએ કહે છે કે ‘આખી
દુનિયા એક કેનવાસ છે જેમાં ઈશ્વરે મેઘધનુષનાં રંગ પૂર્યા છે’. પાન ખાધા પછી તમે
પુરુષો દુનિયાનાં આ કેનવાસને ચિતરી મારો છો. વોશ બેઝિન, ચાલુ બસ કે કારમાંથી,
બાલ્કનીમાંથી, નિસરણી ઉતરતા, તમે ચાહો ત્યાં ‘પુચૂક’ કરીને તમારી હાજરી નોંધાવતા
જાવ છો. આ હાજરી નોંધાવવા બાબતે કૂતરાં અને તમારામાં કોઈ ફેર ખરો? તમે સૂંઘીને
પિચકારી નથી મારતાં એટલો જ! આવું સ્ત્રીને કરતાં જોઈ કદી?
બીજું કે ઘરમાં તમે કેવા કપડા પહેરો છો એનું તમને ભાન છે? સાવ સળી જેવા પગ હોય
ને અમુક બર્મુડા પહેરીને ફરતા હોય છે. પગ પર ગોરીલા જેવા વાળ હોય તો ચડ્ડા
પહેરવાના શોખ ન રખાય એ તમને શીખવાડવા માટે સ્કુલમાં અલગ વિષય રાખવો પડે? ગંજીનાં કાણામાંથી
આબરુ નીકળીને ધૂળ થતી હોય પણ બજારમાં નવા ગંજી લેવા જવાની કેટલી આળસ તમને? પાછું
શોપિંગ માટે સ્ત્રીઓને વગોવે. અરે ભાઈ, તમે એવા આળસુંના પીર છો જે જરૂરી શોપિંગ પણ
નથી કરતાં. દાઢી કરવાનો કંટાળો આવે એટલે અમુક દિવસ અને અમુક મહિનામાં દાઢી ન કરાય
એવા બહાના કાઢી ગોબરા ફરો છો. પ્રેમગોષ્ટિ દરમિયાન તમારા મોં પર કોઈ કાર્પેટ સાફ
કરવાનું બ્રશ ફેરવે તો તમને કેવું લાગે એ જરા વિચારી જોજો, પછી મહિલાઓ વિષે
કોમેન્ટ કરજો હા!
અમને તો એ જ સમજાતું નથી કે મોબાઈલ, લેપટોપ, આઈપેડ અને ફેસબુક હોવા છતાં પુરુષો પરણતા જ શું
કામ હશે? રાત્રે સુવે ત્યાં સુધી મોબાઈલ હાથમાંથી છૂટે નહિ. રાત્રે દસ વાગે બોસનો ફોન આવે તોયે
પથારીમાંથી ઉભા થઈ જાય એટલી તો ફટ્ટુસ જાત હોય છે તમારી. કેમ, એ વખતે એમ કહેવાની હિંમત ચાલતી નથી કે ‘બોસ સવારે વાત કરીએ?’ પત્ની સામે તો
બહુ જોર કાઢો છો!
પાછું પરણેલા હોવા છતાં પુરુષોનું ફેસબુક પર ફાંફા મારવાનું તો છૂટતું નથી. ફેસબુક જ શું કામ, અમારા અમદાવાદમાં
તો ટુ-વ્હીલર પર છોકરીઓ
બુકાની બાંધીને જતી હોય તોયે તમારા જેવા ધોળાવાળવાળા કાકાઓ પણ વળીવળીને ફાંફા
મારતાં હોય છે. બોસ, વાંદરો ઘરડો થાય પણ ગુંલાટ મારવાનું ન ભૂલે એ તમે
આદરણીય તિવારી કાકાની વિડીયો જોઈને જ શીખ્યા હશો ને?
હવે વધારે લખી તમારી રહીસહી આબરૂ ઉતારતી નથી, તો આ પત્રને રૂબરૂ માર ખાધા
બરોબર સમજી સુધરી જજો!
લી.
એક જૂની પત્ની
ડ-બકા
બકો પૂછે છે કે આ ‘આચાર
સંહિતા’ એ શું કોઈ પૌરાણિક પુસ્તક છે જેમાં અથાણાં બનાવવાની રીત આપી હોય ?
No comments:
Post a Comment