Sunday, October 07, 2012

ગેસ ટ્રબલ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૩-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |    



ભારત દેશમાં ગેસ એ સળગતી સમસ્યા છે. અત્યાર સુધી આ સમસ્યા મહદંશે પાચનતંત્રમાં ઊર્ધ્વ અથવા અધોગતિ કરતા ગેસ ઉર્ફે વાયુની હતી, જે પુરુષોમાં વધુ જોવા મળતી હતી. વાયુની આ સમસ્યા એ કોઈની અંગત સમસ્યા નથી હોતી. એકવાર વાયુ વિસર્જન થાય પછી એ સાર્વજનિક સમસ્યા બની જાય છે. પણ હાલમાં જે ગેસની સમસ્યા ઊભી થઈ છે તે રાંધણ ગેસની છે, અને એ લાખો પરિવારને અસર કરશે. હમણાં જ પ્રધાનમંત્રીએ વાયુપ્રવચનમાં કહ્યા મુજબ ભારતની અડધી વસ્તીને જ છ કરતાં વધુ સિલિન્ડર જોઈએ છે. જેમ કુલ ઉપયોગનો દસ ટકા જેટલો જ વપરાશ કરતી ડીઝલ કાર સબસિડીનું બધું ડીઝલ પી જાય છે એમ જ વર્ષે છ કરતાં વધુ સિલિન્ડર માત્ર માલદાર લોકો જ વાપરતાં હશે, એવી સરકારની (ગેર)માન્યતા છે.

ગેસ સિલિન્ડરનાં મુદ્દે સરકારનું મમતા નામનું ટાયર ફાટી ગયું એટલે હવે સરકાર માયા અને મુલાયમ નામના સ્પેર ટાયરો વાપરી રહી છે. સરકારનું એવું કહેવું છે કે રૂપિયા ઝાડ પર નથી ઊગતા અને કંપનીઓ રાંધણ ગેસમાં ખોટ કરે છે. આ ખોટ ભરપાઈ કરવા સરકાર બાટલા પર રેશનિંગ લાવી રહી છે. હવે છથી સાતમો ગેસનો બાટલો વરસમાં વાપરો તો એ માટે ઊંચા દામ ચૂકવવા પડશે. રાંધણગેસનાં ભાવ વધારી આમ જે રૂપિયા ભેગાં કરશે તે સરકાર ગરીબો પાછળ વાપરશે. ગરીબો પછી સધ્ધર થતાં પહેલા જે ચૂલા પર રોટલા શેકતાં હતાં તે ગેસ પર ઢેબરા શેકતાં થઈ જશે. અંતે તો એ લોકો પણ છ સિલિન્ડર મળતાં દુઃખી જ રહેશે. આમ ગેસના રેશનિંગથી દેશના ગરીબો સુખી થશે એવું કોઈ માનતું હોય તો એ માન્યતા ભૂલભરેલી છે!

પણ ગેસ પૂરતા પ્રમાણમાં નહિ મળે તો? એ ચિંતામાં અમુક ઘરમાં તો અત્યારથી જ બીજી વાર ચા મળતી બંધ થઈ ગઈ છે. મારે તો ગરમ ખાવાનું જોઈશેએવા લવારા કરતાં લોકોને ઘરવાળા અત્યારથી પાગલખાનામાં ભરતી કરી જવા લાગ્યા છે. અમુકે તો અત્યારથી કાચું ખાવાની પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. અમુક કે જેમના ઘરમાં આમેય કાચુંપાકું જ ખાવાનું બને છે તેવા, કે નવપરણિત એકલાં રહેતા કપલ્સમાં ‘આપણને ખાસ ફેર નહિ પડે’ એ વિચારે ખાસ નિરાશા નથી જણાતી. બીજી તરફ વાંઢા અને એકલાં રહેતા લોકો પણ મૂછ હોય કે ન હોય મૂછે તાવ દઈને ફરતાં થઈ ગયા છે.

હવે ગેસના અભાવે લોકો બહાર ખાતાં થશે. છાશવારે ખાવાનાં મામલે થતા ગૃહક્લેશ હવે ઘટી જશે. ઘરનું ખાવાનું ભાવતું નથી એવું ખુલીને કહી ન શકતા પતિદેવોને તો હોટલો તરફ ગબડવુંતુ ને ગેસનો કાયદો મળ્યો એવો ઘાટ થશે. પછી તો હોટલ રેસ્ટોરાંવાળાનો ધંધો વધશે. કેટલાયને રોજગારી મળશે. સરકાર પછી આ રોજગારીના આંકડા છાપામાં આખા પાનાની જાહેરખબર આપી છપાવી પોતાની ઉપલબ્ધિનું ગાણું ગાઈ શકશે.

આમાં મઝા એ આવશે કે અમુક વહેલા તે પહેલાને ધોરણે પહેલા છ મહિનામાં જ છ સિલિન્ડર ફૂંકી મારશે, અને પછીના છ મહિના બહાર જમશે. તો અમુક પાછળમતિયા પહેલા છ મહિના બહાર જમી છેલ્લા છ મહિના ઘેર જમવાનું રાખશે, અને એ સમયે જે વાયુ કોઠી મામલે ઠનઠનગોપાલ છે એ બધાને વગર રાંધણવાયુએ જલાવશે. પછી ઘેરેઘેર શરબત યુગ પાછો આવશે. લાલ, લીલા, પીળા અને ઓરેન્જ કલરનાં પાણીમાં બનતા શરબત શું કરીએ, ગેસનો ક્વોટા પૂરો થઈ ગયો છેકહી જબરજસ્તી પિવડાવવામાં આવશે. ચાની અવેજીમાં ઠંડાપીણાં પિવાતાં કોલા કંપનીઓનો પણ ધંધો વધશે. આ જોતાં શું સિલિન્ડરનું રેશનિંગ એ કોલા કંપની પ્રેરિત કૌભાંડ છે?’ એ આવનાર દિવસોમાં રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની શકે છે. હા, માત્ર ચર્ચાનો જ! 

જોકે આ બધામાં બ્લેક મનીવાળા મઝાથી બજાર ભાવે કે બ્લેકમાં જોઈએ એટલાં સિલિન્ડર ખરીદશે. એટલું જ નહિ, જેમ સરકારી કર્મચારીઓના સંતાનો મોંઘી કારોમાં ફરી પોતાની સંપત્તિનું પ્રદર્શન કરતા હોય છે એમ જ ગેસ સિલિન્ડરની ગોઠવણી ડ્રોઇંગરૂમમાંથી દેખાય એવી કરવામાં આવશે. કદાચ આવા લોકો માટે કંપનીઓ ડિઝાઈનર સિલિન્ડર (કરીના કપૂરના ફોટાંવાળા, એ હવે ગૃહિણી બનવાની છે ને એટલે!) પણ કાઢે તો નવાઈ નહિ. જોકે ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટ જો છથી વધારે સિલિન્ડરની ખરીદી પર નજર રાખે તો પરિસ્થિતિ બદલાઈ જાય એવું બને!

ડ-બકા
બકો પૂછે છે કે ૨૦૦૧માં ગુજરાતની વસ્તી પાંચ કરોડ હતી જે ૨૦૧૨માં છ કરોડ થઇ. શું આને પણ વિકાસ કહેવાય?
 

1 comment: