Sunday, September 16, 2012

જયારે પત્નીઓને પગાર મળશે



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૬-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

કેન્દ્ર સરકાર પત્નીઓ દ્વારા થતાં ઘરકામને મજૂરી ગણી એનાં બદલે પગાર મળે એવો કાયદો લાવી રહી છે આ મતલબના સમાચાર તમે વાંચ્યા હશે. આ કાયદો લાવનારા પોતે પરણેલા નહિ હોય એવું અમારું અંગત મંતવ્ય છે. એવું પણ મનાય છે કે કેન્દ્ર સરકારની દરેક વાતનો વિરોધ કરતી નમો સરકાર આ કાયદાનો વિરોધ કર્યા સિવાય અમલ કરશે. જો આ કાયદો હકીકત બનશે તો પતિઓએ પોતાનાં પગારમાંથી મહિને ફિક્સ રકમ પત્નીના ખાતામાં જમા કરાવવાની રહેશે. જોકે પત્નીઓ પતિના ખીસામાંથી આડકતરી રીતે રકમ ઉડાવતી જ હોય છે જે હવે કાયદેસર રીતે લેવામાં આવશે, આમ પતિઓને આંકડાકીય રીતે કોઈ ફેર નહિ પડે. જોકે આ કાયદામાં ધંધો કરતાં, અને ઇન્કમટૅક્સ રિટર્નમાં કાયમ ખોટ દેખાડતાં પતિઓ પત્નીઓ (કે સસરા) પાસેથી આ ખોટ પેટે રૂપિયા લઈ શકશે કે કેમ? એ અંગે વેપારીવર્ગ પોતપોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછપરછ કરી રહ્યો છે.

પગાર લેનારા માત્ર પગાર લેતાં નથી. કાયમી કર્મચારીઓને તો પગાર ઉપરાંત બીજા હક પણ મળતા હોય છે. કૅઝ્યુઅલ, મેડિકલ અને અર્ન લીવ મળતી હોય છે. કન્વેયન્સ અને બીજા ભથ્થાં પણ મળતા હોય છે. હવે આ બધું પત્નીઓ માંગશે. તેઓ મહિને એક હક રજા લેશે, એ દિવસે એ ઘરમાં બેસી ટીવી જોશે. બપોરે બહેનપણીઓ સાથે રેડિયો સ્ટેશન દ્વારા આયોજિત કીટી પાર્ટીમાં જશે. સાંજે પાછી ઘરમાં બેસીને જ ટીવી જોશે. કામવાળાને કામ બતાવવાનું કામ પણ એ દિવસે એ નહિ કરે. બધું પતિદેવોને માથે. સુકાયેલા કપડાની ગડી વાળવાનું અને ઇસ્ત્રીવાળાને આપવાનું કામ પણ પતિ કરશે. છોકરાઓને તૈયાર કરવાનું અને સ્કુલે મુકવા જવાની જવાબદારી પણ પતિદેવને માથે. સવારની ચા, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ પતિદેવ સંભાળશે. આ ઉપરાંત પત્ની યુનિયનમાં હોદ્દેદાર હોય તેવી પત્નીઓને આ કાયદા અંતર્ગત ઘરકામમાંથી કાયમી મુક્તિ તથા યુનિયનની પ્રવૃત્તિઓ માટે મોકળાશ તથા સગવડ આપવાની રહેશે.

કાયદાનુસાર પત્નીને પિયર જવા માટે કન્વેયન્સ ભથ્થું આપવાનું રહેશે. પિયર જો બીજા રાજ્યમાં હોય તો ટૂંકામાં ટૂંકા રૂટનું એરેફેર વરસમાં એકવાર આપવાનું થશે. રાજ્યમાં પિયર હોય તો એસી વોલ્વો બસમાં દર ત્રણ મહિને એક વાર જવાનું ભથ્થું આપવાનું રહેશે. જો ગામમાં પિયરિયું અને ગામમાં જ સાસરિયું હોય તો દર મહીને એક દિવસ અને વારતહેવારે કચકચ કર્યા વગર પતિએ પણ પત્નીની સાથે એનાં પિયર જવાનું રહેશે, અને ત્યાં જઈ દરવખત સાસુના ઘૂંટણનાં દુખાવાની વાતો સહાનુભૂતિપૂર્વક અને સસરાનાં તડાકા-ફડાકા તેમજ ગપ્પાં રસપૂર્વક સાંભળવાના રહેશે. આથી વધીને જો ફ્લેટમાં પિયરિયું અને ફ્લેટમાં સાસરિયું હોય તે સંજોગોમાં પતિએ સાસરાપક્ષનાં ઇલેક્ટ્રિક, ટેલિફોન, મોબાઈલ, ગેસનાં બિલ સમયસર ભરવામાં પણ સહયોગ આપવાનો રહેશે. 

પછી તો ઘરગથ્થુ કામ બધાં નિયમ મુજબ થશે. આપવામાં આવતો પગાર પતિ-સાસુ-સસરા ઉપરાંત માત્ર એક નણંદ અથવા એક દિયરને લગતા કામ પુરતો જ લાગુ પડશે. આનાથી વધારે ફેમિલી મેમ્બર્સ હશે તો અલગથી ચાર્જ કરવામાં આવશે. મહેમાનોની આગતાસ્વાગતા અઠવાડિયે એક વખત જ કરવામાં આવશે. વધારે મહેમાનોની અવરજવર હોય તેવા સંજોગોમાં મહેમાન દીઠ અલગ ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત પતિઓની ખરાબ આદતોને જરાય પોષવામાં નહિ આવે. દિવસમાં બે કરતાં વધારે વખત ચા અથવા ઇન્ડિયા જીત્યું છે તો ભજિયા બનાવપ્રકારની મધરાતે થતી ફરમાયશ ચા અને ભજિયાના બજાર ભાવે તેમજ બનાવનારની મરજી મુજબ અને રોકડમાં જ પૂરી કરવામાં આવશે.

પણ જેમ સરકારમાં બને છે એમ, સ્થાયી કર્મચારીઓની દાદાગીરી, નિષ્ક્રિયતા અને ઘેર બેઠાં પગાર ખાવાની નીતિથી કંટાળીને સરકારમાં કામ આઉટ સોર્સ થાય છે એમ ઘરમાં પણ થશે. પત્ની હાજર હશે તો પણ બધાં કામ કરવા માટે બહારના માણસો રાખવા પડશે. આ બધી બબાલોમાંથી છૂટવા પ્રજામાં લીવ-ઇન રિલેશનશિપ વધશે. અરે, સરકાર જ જેમ સ્થાયી કર્મચારીઓને બદલે અમુક-સહાયક ભરતી કરે છે એમ પ્રજા પણ પત્નીને બદલે પત્ની સહાયકથી કામ ચલાવી લેશે. અને આમ થશે તો આપણી મહાન સંસ્કૃતિનું શું થશે એનો કોઈએ વિચાર કર્યો છે? પતિઓ માટે નહિ, પણ આપણી સંસ્કૃતિ માટે થઈને પણ આ પત્નીઓને પગાર ભથ્થું આપવાનો કાયદો પાછો ખેંચી લેવો જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે. પણ અમારું સાંભળે છે કોણ? • 

ડ-બકા
તું શ્રાવણ, તું વાદળા, ને તું ફોરાં બકા;
તારા વિના મારા ચોમાસા સાવ કોરાં બકા. 

No comments:

Post a Comment