| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |
બરફી નામની ફિલ્મ હમણાં રીલીઝ થઈ. અમે હજુ જોઈ નથી, એટલે વાત એ ફિલ્મની નહિ
પરંતુ ફિલ્મ ટાઇટલ્સની કરવી છે. બરફી નામ વાંચીને અમારા જેવા કે, જેમનો ‘ગળ્યું એ ગળ્યું, બીજું બધું
બળ્યું’ એ જીવનમંત્ર છે એવા લોકોનાં મ્હોમાં પાણી આવી જાય. જોકે કોઈએ આ ફિલ્મ ન જોવી
હોય તો બહાના તરીકે ‘ડોક્ટરે ગળ્યું ખાવાની ના પાડી છે’ એવું પણ કહી શકે. બધાંને આ
ફિલ્મમાં ચોકલેટી બોય રણબીરનું કેરેક્ટર ગળ્યું લાગ્યું છે. પણ એનાં વખાણનાં અતિરેકથી
જાણે ગળ્યું ખાવાથી મોંઢું ભાંગી ગયું હોય એવું લાગે છે.
હવે તો જૂની ફિલ્મનાં ગીત પણ ફિલ્મ અને સિરીયલનાં ટાઈટલમાં વપરાવવા લાગ્યા છે. ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘હોંગે જુદા ન હમ’, ‘કુછ તો લોગ
કહેંગે’, ‘દેખા એક ખ્વાબ’, જેવી સિરિયલ્સનાં ટાઈટલ ફિલ્મના ગીતો પર આધારિત
છે. અમિત કુમારે ગાયેલું ‘બાલિકા બધૂ’ ફિલ્મનું ‘બડે અચ્છે લગતે
હૈ’ ગીત એ તો અમારું ફેવરીટ ગીત હતું. પણ પછી સિરીયલ આવી, હવે તો આ ગીત ગણગણતા પણ અમને
ડર લાગે છે, ક્યાંક અમારા મોઢે આ ગીત સાંભળીને રખેને કોઈ એમ સમજી બેસે કે અમે આ સીરીયલ જોઈએ
છીએ! એમ તો શાહરુખની
નવી ફિલ્મ ‘જબ તક હૈ જાં’ આવી રહી છે જે ‘શોલે’નું હેમા માલિની
પર ફિલ્માવેલું પ્રખ્યાત ગીત છે. આ ગીત શરું થતાં ધર્મેન્દ્ર ‘બસંતી ઈન કુત્તો
કે સામને મત નાચના’ એવી વોર્નિંગ પણ આપે છે, પણ બસંતી નાચીને જ રહે છે. એવું કહે છે
શાહરુખ પણ રૂપિયા લઈને લગ્નમાં ડાન્સ કરે છે. આ તો અમસ્તી જ સરખામણી
થઈ ગઈ!
આમેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભણતર ઓછું ચઢ્યું છે, એટલે એમાં અંધશ્રદ્ધા
વધારે જોવા મળે છે. એકતા કપૂરની સિરિયલ્સ, અર્જુન હિંગોરાની અને
રાકેશ રોશનની ફિલ્મો સામાન્ય રીતે ‘ક’ અથવા ‘કે’ થી શરું થતી જોવા મળે છે. એકતાએ ‘ક્યુંકી સાંસ ભી કભી
બહુ થી’, ‘કહાની ઘર ઘરકી’, ‘કુસુમ’ જેવી સિરિયલ્સ અને ‘ક્યા કુલ હૈ હમ’ નામની ફિલ્મ પણ
બનાવી છે. હિંગોરાની બંધુઓએ ‘કબ, કયું ઓર કહાં’, ‘ખેલ ખિલાડી કા’,
‘કહાની કિસ્મત કી’, ‘કૌન કરે
કુરબાની’ અને કાતિલોં કે કાતિલ’ જેવી ત્રિપલ કે ફિલ્મો બનાવી છે. રાકેશ રોશનની એક્ટર
તરીકે ‘ખેલ ખેલમે’, ‘કામચોર’, ‘ખુબસુરત’ જેવી ફિલ્મ હીટ ગઈ
હતી. રાકેશ પ્રોડ્યુસર, ડિરેક્ટર બન્યા તે પછી અંગ્રેજી ‘કે’ થી શરું થતી
ફિલ્મો જેવી કે ‘ખુદગર્ઝ’, ‘ખુન ભરી માંગ’, ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘કોયલા’ બનાવી. કોયલા તો અમે
માધુરી દીક્ષિત માટે જ જોઈ હતી (ચોખવટ!). આ ફિલ્મમાં શાહરુખ ખાનના મોઢામાં જમીનદાર સળગતા
કોલસા નાખી દે છે એટલે શાહરુખ મૂંગો થઈ જાય છે. રાકેશ રોશન જો કોયલા ફિલ્મની
સિક્વલ બનાવે તો એનું નામ ‘કૌભાંડ કોયલે કા’ એવું રાખી શકે, અને આ ફિલ્મમાં મુખ્ય
ભૂમિકા કરવા માટે મૂંગામંતર મનુ સરને સાઈન કરે એવી લોકલાગણી છે!
યુનોનાં એક સ્ટડી પ્રમાણે ૧૨૦૦૦ ભાષાઓ નાશ થવાને આરે છે. જોકે હિન્દી ફિલ્મ
ટાઈટ્લસમાં અંગ્રેજી શબ્દો વાપરવાથી હિન્દી ભાષાનું અસ્તિત્વ ખલાસ થાય એવી કોઈ
સંભાવના નથી. સલમાનની ‘વોન્ટેડ’, હ્રીતિકની ‘કાઈટ્સ’, અજયની ‘ઓલ ધ બેસ્ટ’, આમિરની ‘થ્રી ઈડિયટ્સ’, શાહરુખની ‘રા.વન’, આમ દરેક સ્ટારે અંગ્રેજી
નામવાળી હિન્દી ફિલ્મ કરી છે. શ્રીદેવીની કમબેક ફિલ્મ આવે છે એનું ટાઇટલ
જ ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ છે, જે પંજાબી હોય
એવું લાગે છે. શ્રીદેવીને હિન્દી માટે હજુ ટ્યુશન લેવા પડે છે
એટલે જ કદાચ ફિલ્મ તામિલ અને હિન્દીમાં બની છે. અમુક હિન્દી
ફિલ્મ ટાઈટલ હિંગ્લીશ હોય છે. જેમ કે ‘દાગ-ધ ફાયર’. વિચારો કે ફાયરથી ડાઘ લાગે, પણ ડાઘ ફાયર કઈ
રીતે બને? આપણે કુતૂહલનાં માર્યા ફિલ્મ જોવા જઈએ પછી ખબર પડે કે ટાઈટલ અને ફિલ્મનો સંબંધ
રાવણ અને પીઝા જેવો છે.
આ અંગ્રેજી નામવાળી ફિલ્મો જોઈને અમારું ચંચળ મન હંમેશની જેમ તરંગે ચઢ્યું છે. અમને થાય છે કે
જો ‘ઈનજસ્ટીસ’ કે ‘ડેવલોપમેન્ટ’ નામની ફિલ્મ બને
તો ગુજરાતમાં હીટ જાય. ગુજરાતમાં વિરોધપક્ષ ‘પ્રોમિસ’ નામની હીટ ફિલ્મ
બનાવી શકે, જયારે એમનાં સમર્થકોને ‘ધ બલુન’ જરૂર ગમે. ત્યાં કેન્દ્રમાં ‘સાઈલન્સ ઓફ ધ
લેમ્બ’ ત્રણ વરસથી ચાલે જ છે ને?
યલગાર, ગદર, ટશન અને રુદાલી જેવા ફિલ્મોના નામો તો આપણા ગુજરાતીઓને ભેખડે ભરાવવા કે દિમાગ
હટાવવા (સરફરોશ?) માટે જ પાડ્યા
હોય એમ લાગે છે. પેલા ફરદીન ખાનની ‘જાનશીન’ ફિલ્મ તો એવી
બનાવી હતી કે થિયેટરમાંથી ‘જા નાસી’ એવું મન થાય. ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ નામમાં ગુજરાતી
તરીકે આપણને તો ટોક ટાઈમ વેસ્ટ થતો હોય એવું લાગે. અમુક નામ તો ગુજરાતીઓની
પ્રકૃતિને અનુરૂપ નથી, જેમ કે ‘આમદની અઠન્ની ખરચા રૂપૈયા’. તો ગુજરાતીઓને રસ
પડે એવા નામવાળી ફિલ્મ ‘દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારીશ’ ૨૦૦૯માં બની અને
કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ પણ થઇ ગઈ, છતાં ગુજરાતીઓને હજુ જોવા નથી મળી.
અને એટલું સારું છે કે હિન્દી ફિલ્મો ગુજરાતીમાં કોઈ ડબ નથી કરતું કારણ કે
ગુજરાતીઓ કો તો અફલાતુન હિન્દી આવડતા હૈ. શોચો અગર હિન્દી ફિલ્મ કો ગુજરાતીમેં ડબ કરતે
તો ? ફિર, ‘બકા ભાઈ બી.એ.’, ‘ત્રણ મુર્ખીનાઓ’, ‘જ્યાં લગણ જીવ સે’, ‘રા.રા. એક’, ‘ગધની’, અને શ્રાવણ
મહિનામાં ‘ફરાળીની તૈયારી’ રજુ થાત. અમે ફોન કરીને અમારા ખાસ મિત્ર જસદણ નરેશ
હિમ્તા અદાને પૂછ્યું કે ‘બુઢઢા હોગા તેરા
બાપ’ ફિલ્મનું ગુજરાતીકરણ
કરવું હોય તો શું થાય? જવાબ મળ્યો, ‘ગવઢો તારો ડોહો’! ■
No comments:
Post a Comment