|મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |
છેલ્લા બે દાયકાથી આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે
એરેન્જડ-મૅરેજ સારું કે લવ-મૅરેજ? અમારા મત મુજબ ખૂન અને આપઘાત
વચ્ચે જે ફેર હોય છે તે એરેન્જડ મૅરેજ અને લવ-મૅરેજ વચ્ચે હોય છે, મરવાનું બંનેમાં હોય છે. ચોઈસ ઇઝ
યોર્સ. હવે જ્યારે લવ મેરેજનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજકીય પક્ષો આ આત્મઘાતી
પગલાને સરકારની નિષ્ફળતા તરીકે બતાવી વોટ ઉઘરાવી શકે છે. હાસ્તો, એવું કહી શકે કે આજકાલ
યુવાનો બેરોજગાર છે એટલે નોકરી ધંધો કરવાને બદલે પ્રેમમાં પડે છે એટલે લવ-મેરેજને બેરોજગારી સાથે સીધો
સંબંધ છે, વગેરે ... વગેરે ..., ડ્યુડ, કહેવામાં શું જાય છે?
લવ થાય એટલે મૅરેજ થાય એવું જરૂરી નથી. પણ લવ-મૅરેજમાં
પહેલાં લવ થાય પછી જ મૅરેજ થાય છે. આમાં મેઇન વસ્તુ લવ છે, અને એ થવો એ મૂળભૂત જરૂરિયાત છે.
પણ પ્રેમ કરનારા એવું કહે છે કે પ્રેમમાં પડાતું નથી, પડી જવાય છે. રસ્તે જતાં કોઈને
લપસવું નથી હોતું, લપસી જવાય છે એમ જ. માણસ ખાડામાં પડ્યો હોઈ શકે, પણ પ્રેમમાં પડ્યો હોય એ
જરૂરી નથી. આમેય બે વચ્ચે ઝાઝો ફેર પણ નથી. બંનેમાં પડવાનું હોય છે, વાગે છે, ખર્ચો આવે છે. પણ
ખાડામાં પડો તો પંદર દહાડા મહિનામાં રિપેર થઈ જાવ છો, પ્રેમમાં પડો તો એવું
ખાતરીપૂર્વક કહી ના શકો. કલાપીએ કહ્યું છે કે ‘ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે,
તેમાં ન કાંઈ
બનતું પરાણે’. પ્રીતમે પ્રેમપંથની જ્વાળાને પાવક કહી ઉમેર્યું છે કે ‘માહિ પડ્યા તે મહાસુખ માણે
દેખનહારા દાઝે જોને’, એ જે સંદર્ભમાં કહ્યું હોય, પ્રેમ કરનાર પ્રેમ માણે છે અને બાકી ઈર્ષ્યા કરે છે એવું
આપણને સમજાય છે. કવિ મુકુલ ચોકસીએ તો પ્રેમને ‘ગાલોના ખાડામાં ડૂબી જતો
ચોર્યાશી લાખ વહાણોનો કાફલો’ કહી આડકતરી રીતે આમાં કેટલો બધો ખર્ચો છે એ બાબતે લોકોને
ચેતવ્યા પણ છે.
પ્રેમ એ વરસાદ જેવી આકસ્મિક ઘટના છે. આપણી ટીમ
ક્યારેક હારવાની અણી ઉપર હોય એ ટાણે વરસાદ પડવાથી મેચ પડતી મુકાય છે અથવા
તો ડકવર્થ લુઈસ નિયમને આધારે આપણે જીતી જઈએ છીએ. પણ ઈન્ડીયન ટીમ જેવું નસીબ બધાનું
હોતું નથી. આકસ્મિક રીતે પ્રેમ થાય એ પછી લગ્ન થાય છે. લગ્ન આકસ્મિક નથી થતાં. કોઈ
શાક લેવા નીકળ્યું હોય ને રસ્તામાં પલળીને કે પ્રેમમાં પડીને ઘેર પાછું આવે,
પણ શાક લેવા
નીકળેલું કદાચિત્ જ પરણીને ઘેર પાછું આવતું હશે. આમ લગ્ન એ પૂર્વયોજિત અસાધારણ
વ્યવસ્થા છે; અસાધારણ એટલાં માટે કારણ કે મોટેભાગે પરિણીત લોકોનો લગ્ન વિષેનો અનુભવ વિશિષ્ટ
અને વૈરાગ્યપ્રેરક હોય છે. ટૂંકમાં સાધારણ નથી હોતો. તેથી પ્રેમલગ્નને અસાધારણ
અનુભવ પણ ગણી શકાય.
૯૦ના દાયકા સુધી કૉલેજો, ઓફીસો અને બસ-ટ્રેઇનમાં સહપ્રવાસ
(‘બાતો
બાતો મેં’ યાદ છે?) પ્રેમલગ્ન થવા માટેનું પ્રેરકબળ હતાં. નેવુના દાયકામાં જાતજાતના અને ભાતભાતનાં
ક્લાસને બહાને લવ પાંગરતો. છોકરો તબલાં શીખવા નીકળે અને છોકરી એકાઉન્ટન્સી. બેઉ
બગીચામાં મળે, ક્લાસના સમય જેટલો સમય ગાળી પાછાં પોતપોતાને ઘેર જાય. પણ સાયબરક્રાંતિ પછી 'ચેટ' મંગની 'નેટ' બ્યાહ જેવા નવા રસ્તાઓ
ખૂલ્યા છે. સામાન્યત: એમ માનવામાં આવે છે કે પ્રેમલગ્નમાં લગ્ન પહેલાનો પરિચય
હોવાથી બેઉ જણને માનસિક રીતે સુસજ્જ થવાનો પૂરતો સમય મળે છે; કદાચ એટલે જ લોકો રૂઢિગત લગ્નો કરતા લવ-મૅરેજ વધુ ઇચ્છનીય
છે. પરંતુ આજકાલ ચેટીંગમાં ચીટીંગના કિસ્સા વધી ગયા છે, એટલે ચોરીમાં બેઠાં પછી નહિ
પરંતુ લગ્ન કરતાં પહેલાં સાવધાન થવું જરૂરી બની ગયું છે.
પ્રેમ કરનારા માટે છાપાંઓએ પ્રેમી-પંખીડા શબ્દસમૂહ
શોધ્યો છે. નાત-જાત, ઊંચ-નીચ, આર્થિક અસમાનતા વગેરે મુદ્દાઓ પર કોઈ એકનાં ઘરમાં લગ્નની મંજૂરી ન મળે એટલે આ
પ્રેમી-પંખીડા ઊડી જાય છે. ઊડીને સૌથી પહેલાં કોઈ મંદિર જઈ લગ્ન કરે છે. આમ જિન્સ
ટી-શર્ટવાળી છોકરીનાં ગળામાં મંગલસૂત્રનો ઉમેરો થાય છે. ત્યાંથી એ ફરી ઉડાન ભરે
છે. મુંબઈથી પંખીડા ઊડીને માથેરાન, મહાબળેશ્વર કે લોનાવાલા જતાં હશે. ગુજરાતમાંથી ઊડેલા પંખીડા
બહુ બહુ તો અંબાજી, આબુ કે સોમનાથની કોઈ હોટેલમાં ઊતરી આવે છે. પાવાગઢમાં કદાચ સારી-બજેટ હોટેલના
અભાવે ‘પંખીડા
તું ઊડીને જાજે પાવાગઢ રે ...’ એ શિખામણ આપણાં દેશી પંખીડા અવગણે છે. પછી હોટેલમાં ઓછાં
બેગેજની અવેજમાં પેલું મંગલસૂત્ર અને ભરેલી માંગ સિક્યોરિટી ડીપોઝીટ તરીકે કામ આવે
છે. બે-ચાર દિવસની ફિલ્મી નાસ-ભાગ પછી ફોન વ્યવહાર અને કાળક્રમે બધાં વ્યવહાર
ચાલુ થાય છે. પણ છોકરી કે છોકરો ભાગીને પરણ્યો, એની રીસ કુટુંબમાંથી એકાદ જણ
આજીવન રાખીને ફરે છે.
લગ્ન એ જુગાર હોય તો લવ-મૅરેજ એ તીન-પત્તીની
બ્લાઇન્ડ ગેમ છે. ઘણું બધું દાવ પર લાગી જાય પછી અસલી પત્તા કેવાં ફાલતું છે એ ખબર
પડે છે. લગ્ન પહેલાં જીવ આપી દેવાની કસમો ખાતો સાવરિયો લગ્ન પછી ખરેખર જીવ આપી
દીધો હોત તો રોજના કકળાટ કરતાં સારું થાત એવું માનતો થઈ જાય છે. વર્ષો પહેલાં એક
બ્રાંડનું સ્કૂટર આવતું હતું જેમાં હેડલાઈટ સ્કૂટરના બોડી પર લાગેલી હોય, હેન્ડલ બાર પર નહિ એવું
અમને યાદ આવે છે. આ સ્કૂટરમાં એવું બનતું કે ચલાવનાર ખાડામાં પડે એ પછી લાઈટ
ખાડામાં પડે. અમુક લવ-મૅરેજ આ સ્કૂટર જેવાં હોય છે, એકવાર ખાડામાં પડો પછી બત્તી થાય,
કે ‘ઓત્તારી, આ ખાડો તો પહેલાં દેખાયો
જ નહિ!’. ■
No comments:
Post a Comment