Monday, August 13, 2012

મોજાની જોડ સખી નહિ જડે રે લોલ ....


 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી |
શોધવાથી ભગવાન પણ મળી જાય છે એવું ભક્ત લોકો કહે છે, પણ મોજાની જોડ શોધવી એ ઘણીવાર ભગવાન શોધવા જેટલું અઘરું કામ સાબિત થાય છે. જનનીની જોડની જેમ, તેમ નવાં મોજાં વાપરવા કાઢો એટલે ટૂંક જ સમયમાં મોજાની જોડ જડતી નથી. કદી એક મોજું નથી જડતું તો ક્યારેક બંને ખોવાઈ જાય છે. મધ્યમવર્ગમાં તો ગણીને ચાર-પાંચ જોડી મોજા હોય, એમાંથી દર મહિને એક બે આમ ઓછાં થતાં જાય એટલે બ્લુ પેન્ટ નીચે કથ્થાઈ મોજા પહેરવાનો વારો આવી જાય. કમનસીબ લોકો સાથે આવું બને ત્યારે એમણે પેન્ટ પણ પાછું ટૂંકું પહેર્યું હોય, જેથી મોજું ઊડીને જોનારની આંખે વળગે છે.

એવું મનાય છે કે મોજાની જોડીમાં જો એકસૂત્રતા હોય તો બેઉ મોજાં એક સાથે ખોવાય છે, પણ જોડના બે મોજા વચ્ચે જો વિસંવાદિતા હોય તો એક મોજું એકલું પણ ખોવાઈ શકે છે. બેઉ ખોવાય તો મોજાના નામનું આપણે નાહી નાખવું પડે છે, પણ જો એક ખોવાય તો પૂરા સાડી સત્તર રૂપિયાનું એ મોજું શોધવા આપણી વધારે પત્તર ખંડાય છે. મોજા શોધવા ખાનામાં જુનાં બૂટ-ચંપલ ઊંચાનીચા કરી, ઢીંચણભેર પડી વાંકા વળી એને શોધવા યથાશક્તિ પ્રયત્ન કરવો પડે છે અને કમર દુખવા લાગે કે વધારે વાર વાંકા ન રહી શકાય એટલે એવી અઘરી જગ્યાઓ પર તપાસ કરવાનું પડતું મૂકી ઊભાઊભા શોધી શકાય એવી જગ્યાઓ પર તપાસ શરુ કરવામાં આવે છે. પણ મોજું એમ સહેલી અને નિર્ધારિત જગ્યા પર ખોવાવા માટે સર્જાયું નથી હોતું, તે શોધનારને ક્યારેય સમજાયું નથી અને આ વાંચ્યા પછી સમજાય તો નસીબ એમનાં!

સારસ બેલડી માટે એવું કહેવાય છે કે એ જોડીમાં જ રહે છે અને એક મરી જાય તો બીજું જીવી નથી શકતું. મોજાની જોડીમાં પણ કંઈક આવું જ છે. એક મોજું ખોવાય એટલે બીજું ફેંકી દેવું પડે. જોકે લોકો એમ કંઈ ફેંકી દેતાં હશે? મહિનો દા'ડો તો બીજું જડી જશે એ આશામાં એક મોજું સાચવી રાખવામાં આવે છે. પણ સુકાવવાની જગ્યાઓ, ઊડીને પડવાની જગ્યાઓ, કપડાં રાખવાના ખાનાઓની સર્વગ્રાહી તપાસ ત્રણ ચાર મહિને પૂરી થાય અને જેમ વણઉકેલાયેલો પોલીસ કેસ સી-સમરી ભરીને ફાઈલ થઈ જાય, એમ મોજાની તપાસ છેવટે પડતી મૂકવામાં આવે છે.

આમ વિખૂટું પડી ગયેલું મોજું જવલ્લે જ બીજાં મોજા સાથે જોડી બનાવી પહેરવામાં આવે છે. પણ કરકસરમાં માનનારી આપણી પ્રજા, એક સાજું સમું મોજું ફેંકી થોડી દેતી હશે? એટલે બચેલું મોજું જો કોટન મટીરીયલનું હોય તો એને ધોઈને ચાના ડાઘ સાફ કરવા કે પોતા તરીકે ઉપયોગમાં લેવાય છે. અમદાવાદમાં તો પહેલાં ઉતરાણમાં ખપાટિયાની ફીરકી વપરાતી, એમાં દોરી ન ભરાઈ જાય એનાં માટે મોજું ચઢાવવામાં આવતું. તે પ્રજા આખું વરસ આવા અનાથ મોજા સાચવી રાખતી. જોકે ઉતરાણ સમયે એ સાચવી રાખેલા મોજા ક્યાં ખોવાઈ ગયાં હોય અથવા અઠવાડિયા પહેલાં જ કોઈકે ફેંકી દીધાં હોય એવું પણ ઘણી વાર બનતું.

ખોવાયેલું એક મોજું શોધવાની સૌથી સહેલી રીત એ છે કે તમે પહેલું મોજું કે જે ખોવાયું નથી તે ફેંકી દો. તરત જ તમને ખોવાયેલું મોજું જડશે. પણ જે તમે ફેંકી દીધું છે એ મોજું કચરાપેટીમાં શોધવા જવું શક્ય ન હોવાથી જડેલું મોજું પણ પછી ફેંકી દેવું પડશે. આ માનવજીવનની કરુણતા છે. આ મોજાં ખોવાય એ રોજીંદી ઘટનામાં પતિઓના સદનસીબે તમે ભૂલકણા છો અને બધું જ્યાં-ત્યાં ભૂલી આવો છોએવું પત્નીના મુખે સાંભળવા ટેવાયેલા પતિઓને પણ કદી મોજાં ખોવાવા માટે જવાબદાર ઠેરવવામાં આવતાં નથી, કારણ કે માણસ પહેરેલા મોજાં કદીયે રસ્તામાં, બસ ટ્રેઇન, બસ-સ્ટેન્ડ કે ઑફિસમાં ભૂલી જઈ શકતો નથી.

ખોવાયેલ કે માત્ર ખાનામાં પડેલા મોજા શોધવા બાબતે પતિઓના બે પ્રકાર પાડી શકાય. સ્વનિર્ભર પતિઓ અને પત્ની-નિર્ભર પતિઓ. સ્વનિર્ભર મોજાપતિઓ ઑફિસથી આવી જાતે મોજાં કાઢી ધોવાના કપડા ભેગાં મૂકી દે છે. સવારે એ જાતે જ કપડાની થપ્પીમાંથી મોજા શોધી પણ કાઢે છે. આવા પતિઓ ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યા હોય એવી સ્ત્રીઓને મળે છે. બાકીની સ્ત્રીઓનાં પત્નીનિર્ભર પતિઓ મોજાં શોધવા માટે પત્નીનો આશરો લે છે. ખાનું સામે જ હોય પણ એ શોધવાની તસ્દી લેવાને બદલે મારું ગ્રે કલરનું મોજું કાઢી આપએવા ઑર્ડર છોડે છે. એમાં પેલી જે મોજાને ગ્રે કલરનું સમજતી હોય એને પેલો એશ કહેતો હોય, એટલે એ ભાંજઘડમાં ઓફિસ જતાં મોડું જ થાય ને?

માનવ ચંદ્ર પર તો ક્યારનોય પહોંચી ગયો છે. મંગળ અને બીજાં ગ્રહો સુધી એ પહોંચવા થયો છે. પણ પગમાંથી મોજા કાઢ્યા પછી એ ધોવા માટે જાય, ધોવાય, સુકાય અને એનાં નિર્ધારિત સ્થાને પાછાં ગોઠવાય એ વચ્ચે એ વિખુટા ન પડે તેવી કોઈ શોધ હજુ સુધી અમેરિકા પણ કરી શક્યું નથી. મોજા એકબીજા સાથે જાતે જ જોડાઈને રહી શકતાં હોત અથવા એવું થાય તે માટે કોઈ ઉપકરણની શોધ થઈ હોત તો દુનિયાના ઘણાં પુરુષો ઓફિસ સમયસર પહોંચી શકત. જો આ લેખ વાંચીને કોઈ આવું ઉપકરણ શોધ કરે તો મહેરબાની કરીને આ લખનારને રોયલ્ટી પહોંચાડવા નમ્ર વિનંતી છે.

11 comments:

  1. ઘણા પતિદેવો એ અલગ અલગ પહેરેલા મોજા જેવા જ મોજા ની જોડી ઘરે કબાટ મા પણી પડી હોય છે...જે આળસુ પતિ અને ફુવડ ઘરવાળી ની જોડી ને લીધે દિવાળી ની સાફસફાઈ સુધી મળતી નથી...

    ReplyDelete
  2. ઘણા પતિદેવો એ અલગ અલગ પહેરેલા મોજા જેવા જ મોજા ની જોડી ઘરે કબાટ મા પણી પડી હોય છે...જે આળસુ પતિ અને ફુવડ ઘરવાળી ની જોડી ને લીધે દિવાળી ની સાફસફાઈ સુધી મળતી નથી...

    ReplyDelete
  3. મોજા હી મોજા....

    ReplyDelete
  4. ખોવાયેલ કે માત્ર ખાનામાં પડેલા મોજા શોધવા બાબતે પતિઓના બે પ્રકાર પાડી શકાય. સ્વનિર્ભર પતિઓ અને પત્ની-નિર્ભર પતિઓ. સ્વનિર્ભર મોજાપતિઓ ઑફિસથી આવી જાતે મોજાં કાઢી ધોવાના કપડા ભેગાં મૂકી દે છે. સવારે એ જાતે જ કપડાની થપ્પીમાંથી મોજા શોધી પણ કાઢે છે. આવા પતિઓ ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યા હોય એવી સ્ત્રીઓને મળે છે.
    ===
    મતલબ કે મારી પત્ની એ ગોરમાં ને પાંચે આંગળીએ પૂજ્યાં હતાં એ નક્કી થઇ ગયું. ;-)

    ReplyDelete
  5. ઃ)))
    આ ભાંજગડમાંથી બચવા જ હું તો બધા જ સફેદ કલરના એકસરખા મોજા જ રાખું છું જેથી એક ખોવાઇ જાય તો ય બીજું કામમાં લઈ શકાય અને ક્રોસમેચ નો કે મેચીંગનો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાયઃ))

    ReplyDelete
  6. અમ બેચલર લોકો માટે આગોતરા સુચનો જાણવા મળ્યા ...... :પ :પ :પ

    ReplyDelete
  7. અમ બેચલર લોકો માટે આ રેડી રેફરન્સ જેવું બની રહેશે

    ReplyDelete
  8. ગુજરાતીઓ મા ચાલુ થતા નવા ફાઇનાશીયલ વર્સ ની સાથે જ હું છ જોડી મોજા બચાવેલા ઇંકમટેક્સ મા થી લૈ આવ્યો તો..... દીવાળી થી નાતાલ સુધી પહોચતા પહોચતા બે જોડી જ વધે.... અને એ માસ્ટરકાર્ડ ના ડેબીટ કાર્ડ્ની જેમ પાછા સચવાઇ ને માર્ચ સુધી પહોચાડવા જ પડે....અવેસમ આપદા નીરુપણ કર્યુ પ્રભુ..... વીક ના ત્રણ દીવસ તમને સવાર ના પહોર મા હેડકી આવશે જ ......કંફર્મ.......

    ReplyDelete
  9. hostel ma rehta students mate pan khovayelu ek moju upadhi bani rahe chhe !! aava ma ek ne ek moja varam var perfume spray kari ne vaparva ma aave chhe !!

    ReplyDelete