| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ગર્લફ્રેન્ડ એ
મુક્તિ છે પત્ની એ બંધન છે. એક આઉટ ડોર ફન છે, બીજી ઈન ડોર જેલ છે. ગર્લફ્રેન્ડ
સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું ? એમ વિચારતાં કરી મૂકે. પત્ની કેરી જેવી
હોય છે, સિઝન પૂરતી સારી લાગે. ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે છે, ઘેર મોડા પહોંચો તો પત્ની તમારી ખબર લઈ નાખે છે. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચો થઈ
જાય છે, પત્ની ખર્ચો કરાવે છે. ગર્લફ્રેન્ડ અનેક હોઈ શકે, ભારતમાં પત્ની એક જ હોય છે. ગર્લફ્રેન્ડ ચોખ્ખા ઘીનો લાડુ છે, અને પત્ની લાકડાનો. પણ થવાકાળ થઈને રહે છે. ગાફેલ છોકરાંઓ ગર્લફ્રેન્ડને જ
પત્ની બનાવી બેસે છે. આવું અમે નથી કહેતા, પરણી ને પસ્તાયેલા અમારા મિત્રો
કહે છે.
જ્યારે
ગર્લફ્રેન્ડ પત્ની બને છે ત્યારે એના મગજમાં અમુક કેમિકલ ચેઇન્જ થાય છે. જે
વિષયોમાં એ ગોલ્ડમેડલીસ્ટ હતી એ સઘળા વિષયોની ફરી પરીક્ષા લો તો એ ફેઇલ થાય, એટલો કરુણ રકાસ લગ્ન થવાથી થાય છે. લગ્ન થાય એટલે સૌથી પહેલાં તો એને મોબાઈલ
સંભળાતા બંધ થઈ જાય છે. લગ્ન પહેલાં ફોનના આછાં સળવળાટથી એ ઊભી થઈ બધાથી દૂર જઈ
કોનો મૅસેજ કે કોનો ફોન છે એ ચેક કરતી, લગ્ન પછી લગભગ ૫૦% ફોન તો એ ઉપાડતી
જ નથી કરતી. જે મોબાઈલ એક જમાનામાં રેઢો નહોતો મૂકતી એ મોબાઈલ શોધવા માટે દિવસમાં
ચાર ચાર વાર તો રીંગો મારવી પડે છે.
જેને
કોલેજકાળમાં ટીવી જોવાનો સમય મળ્યો નથી એને લગ્ન પછી ટીવી જોવામાં અચાનક રસ પડવા
લાગે છે. બકો બચારો બેડરૂમમાં આંટા મારતો હોય ને અલી ટેસથી ટીવી પર સિરીયલ જોતી
હોય. ગર્લફ્રેન્ડ યુગમાં એનો સિરીયલ પ્રેમ છોકરાઓ બહુ સીરીયસલી નથી લેતાં. પણ લગ્ન
થાય, એક કે બેઉ જણ નોકરી કરતાં હોય, રાતે આઠ વાગે મળે, સાડા આઠે જમે, અને પછી દસ વાગ્યા સુધી પેલી સિરીયલમાં ઘૂસી જાય. એટલામાં તો પાછો ઊંઘવાનો સમય
થઈ જાય છે. હાસ્તો, પત્ની બને એટલે થાક પણ વધારે લાગે ને?
છોકરી પત્ની
બને એટલે એને વહેલી ઊંઘ આવવા લાગે છે. લગ્ન પહેલાં ઘરમાં બધાં સૂઈ જાય એ પછી
બેલેન્સ પૂરું થાય ત્યાં સુધી એસ.એમ.એસ. એસ.એમ.એસ. રમનાર કોડભરી કન્યા ક્રમશ:
કંટાળેલી કામિની બની મોબાઇલમાંથી રસ ગુમાવી બેસે છે. ક્યારેક એની સખીનો ફોન આવે તો
પણ ફોન હબીને સોંપી દે, ‘મને ઊંઘ આવે છે, તું ઉપાડ ને કહી દે કે સવારે ફોન કરશે’. પેલો બચારો એટલો સંદેશો કહેવામાં
પંદર મિનિટ ખેંચી કાઢે, ત્યાં સુધીમાં તો અલી નસકોરાં બોલાવતી પડી હોય.
લગ્ન થાય એટલે
જાણે એ તમને એક જ કપડામાં દેખાય. એજ નાઇટ ડ્રેસ રોજ, એજ પંજાબી દર આંતરે
દિવસે પહેરાય. નાઇટ ડ્રેસ તો સવારે બ્રેકફાસ્ટ બનાવતી વખતે પહેર્યો હોય એટલે એમાં
હિંગ અને ગરમ મસાલાની સુગંધ પણ આવતી હોય. જિન્સ ટી-શર્ટ તો પછી ઉતરાણના દિવસે જ
કબાટમાંથી બહાર નીકળે. એ પણ ઘણીવાર બહાર કાઢીને પાછાં મૂકવા પડે. લગ્નના છ
મહિનામાં મિડીયમ સાઇઝનાં જિન્સ ફીટ પડવા લાગે. પાછાં ચાર જોડી લીધા હોય એટલે નવા
લાર્જ સાઇઝનાં ખરીદતા જીવ ચાલે નહિ. જુનાં પહેરે તો કુશનનું કવર તકિયાને ચઢાવ્યું
હોય એવું લાગે. એકંદરે એ પંજાબી પહેરવા લાગે કારણ કે નાડા પદ્ધતિમાં દસેક કિલો
જેટલો વજન વધારો આરામથી સમાઈ જતો હોય છે.
પણ ગર્લફ્રેન્ડ
પત્ની બની જાય એ પછી એનાં બોડી બિલ્ડર ભાઈ કે હિટલર જેવા પપ્પાને મળવામાં તમને
પહેલાં જેટલી બીક નથી લાગતી. આનું પરિણામ એ આવે છે કે જે ભાઈ-બાપથી એક જમાનામાં
સંતાઈને ફરતાં હતાં એ જ ભાઈ-બાપને મળવાના પ્રોગ્રામ અવારનવાર ગોઠવાય છે. પહેલાં તો
રક્ષાબંધન અને ભાઈબીજ આ બે દિવસે બેઉ પોતપોતાનાં ઘેર હોય, એને બદલે હવે બકાને અલીની પાછળ પાછળ મામાજી, ફોઈજી, કાકાજી અને માસીજીના દીકરાજીઓને રાખડી બાંધવા લાંબા થવું પડે છે. પાછાં આ
ભાઈલોગ રાખડી બંધાવે પણ રૂપિયો પકડાવે
નહિ. એટલે એકંદરે પેટ્રોલ અને પેંડાનો ખર્ચો પણ માથે પડે છે. અંતે બધો ભાર બકાની
કેડ પર આવે છે!
ડ-બકા
આકાશમાંથી તો એ નથી આવતાં બકા,
કોક પાસેથી હવનમાં નાખે હાડકાં બકા.
No comments:
Post a Comment