| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૨-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી |
મચ્છર એક ઘરેલું
જંતુ છે, પણ એ પાલતુ જંતુ નથી એટલું સારું છે. હજુ કોઈએ સારી બ્રીડના મચ્છર પાળ્યા
હોય એવું સાંભળ્યું નથી. ભારતના ખૂણે ખૂણામાં એ મળી આવે છે. આમ છતાં ભારતમાં એની
કેટલી વસ્તી છે એ અંગે આરોગ્ય મંત્રાલય કે WHO જેવી સંસ્થાઓ પાસે
પણ કોઈ નક્કર માહિતી નથી. મચ્છરોની વસ્તી ગણતરીનાં ટેન્ડર આપણે ત્યાં હજુ બહાર નથી
પડ્યા એ બતાવે છે ભારત હજુ વર્લ્ડ ભ્રષ્ટ્રાચાર કૅપિટલ નથી બન્યું!
ચોમાસું બેસે એટલે
મચ્છરોની વસ્તી મનુષ્યોની વસ્તીને ધ્રુજાવવા મેદાને પડે છે. માનવવસ્તી નેસ્તનાબૂદ
ન થાય એ માટે મ્યુનિસિપાલિટીમાં એક મેલેરિયા ખાતું હોય છે. આ ખાતું મશીન થકી આપણા
ટૅક્સનાં રૂપિયાના ધુમાડા કરે છે, જેના પરિણામસ્વરૂપે મચ્છરો ધુમાડો ન હોય તેવાં અંતરિયાળ
વિસ્તારોમાં સ્થાનાન્તર કરે છે. મચ્છરોના ડોક્ટરો મચ્છરોને આવા સ્થળોએ હવાફેર કરવા
માટે જવા ચિઠ્ઠી લખી આપતાં હશે. મચ્છરોની દુનિયામાં આવા સ્થળ લોહી પીવાલાયક સ્થળ
તરીકે ઓળખાતાં હશે. જોકે અંતમાં મચ્છર કોને કરડશે તે દવા છાંટનારની મુનસફી પર આધાર
રાખે છે, અને અમુક તમુક સોસાયટીમાં આ ધુમ્રકર્તાની સાળીની નણંદના જેઠ રહેતાં હોય તો એ
સોસાયટીના મચ્છરો અને દમિયલ વડીલોનું આવી બને છે.
મચ્છરને કરડવા
સિવાય આપણાં કાન પાસે આવીને ઑડિશન આપવાનો શોખ સામાન્ય રીતે જોવા મળે છે. ભમરા અને
મચ્છર બંને ગુંજારવ કરતા હોવા છતાં ભમરાના ગુંજારવને જ ગીતોમાં સ્થાન મળ્યું છે
(ગુન ગુના રહે હૈ ભંવરે...) એ મચ્છરનાં જીવનની કરુણતા છે. જો કે મચ્છર બેલડીમાં
ટીમવર્કનો અભાવ હોઈ એક સાથે એક જ મચ્છર આપણા કાનમાં ગાય છે. આમ બેઉ કાનમાં એક સાથે
મચ્છર ડ્યુએટની સ્ટીરિયોફોનિક ઇફેક્ટ આપણા નસીબમાં નથી લખાઈ. મચ્છરનો અવાજ એ કાનની
નજીક આવે એટલે સંભળાય એ કારણે મચ્છરો ગોપનીયતામાં માનતા હોય એવું પણ માની શકાય.
મચ્છરો કોઈ ધર્મ
કે સંપ્રદાયમાં માનતા નથી. અથવા તો એવું કહી શકાય તો મચ્છરો બિનસાંપ્રદાયિક હોય
છે. આથી જ્યાં ભજન કે ગરબા ચાલતાં હોય અથવા તાળીઓ પડે એવા અન્ય કોઈ કાર્યક્રમો થતા
હોય ત્યાં મચ્છર સમાજની સ્થાપિત આચારસંહિતા મુજબ જતાં નથી. તાળીઓ પાડી રૂપિયા
ઉઘરાવતાં લોકો મચ્છરોને સૌથી વધારે ભયભીત કરે છે. આવા લોકો હોય ત્યાંથી પચાસ પચાસ
ગાઉ દૂર મચ્છરોની મા એમના બચ્ચાઓને સાવધાન કરી દેતી હોય છે.
ડોક્ટરોની સિઝન
વરસાદ પડે અને મચ્છરો થાય એનાં પંદર દિવસ પછી બેસે છે. આ સીઝનમાં કોઈ પણ જનરલ
પ્રેકટીશનર કાશ્મીર કે યુરોપ ફરવા જતો નથી. ખરેખર તો ચોમાસાની સિઝન સારી જાય તો એ
પછી દિવાળીમાં ડૉક્ટર એની ઉજવણી કરવા દેશદેશાવર જાય છે. એવું જાણવા મળ્યું છે કે
ડોક્ટરોના ઘરમાં પણ મચ્છર પ્રતિરોધક દવાઓ અને ધુમાડા થતા હોય છે, આમ છતાં ડૉક્ટર
પરિવારોમાં મચ્છરને ઘૃણાની દ્રષ્ટિએ નથી જોવામાં આવતા. એટલે જ ડૉક્ટર પરિવારોમાં ‘તને મચ્છરની જેમ
મસળી નાખીશ’ જેવા ક્રૂર શબ્દ પ્રયોગો પણ કદી પ્રયોજવામાં આવતાં નથી. આમ મચ્છરોને ડોક્ટરોના
મિત્ર પણ કહેવાય છે.
જિંદગીમાં દરેક
માણસને કોઈનું કોઈ લોહી પીનાર મળી આવે છે. પતિનું લોહી પત્ની પીવે છે, પત્નીનું લોહી
કામવાળો, ઇસ્ત્રીવાળો, શાકવાળો વગેરે પીવે છે, આ બધાં વાળાઓ જો ખુલ્લામાં સૂઈ જાય તો
એમનું લોહી મચ્છરો પીવે છે. મચ્છરોનું લોહી પણ કોઈ પીતું હશે, પણ એ અંગે અમારી
પાસે ચોક્કસ માહિતી નથી તો વાચકો દરગુજર કરે. જનરલી આપણને ક્યુલેક્સ અને એનાફીલીસ
પ્રકારના મચ્છરો દ્વારા કરડવામાં આવે છે. એમાં એનાફીલીસ મચ્છરની માદા કરડે એનાથી
મેલેરિયા નામનો રોગ થાય છે. આમ, માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે એ હકીકતનો સહારો લઈ
અમુક પુરુષો સ્ત્રીઓને બદનામ પણ કરે છે.
જો કે મચ્છરો
માત્ર મનુષ્યોને જ કરડે છે એ ઘણું હીણપતભર્યું કૃત્ય છે. મચ્છર પ્રાણીઓને કરડતાં
હશે, પણ પ્રાણીઓને મેલેરિયા થયો હોય એવું અમે કદી સાંભળ્યું નથી. કદી કૂતરાને
ટાઢિયો તાવ આવ્યો હોય એવું અમે તો જોયું નથી, તમે પણ નહીં જ જોયું હોય. જો કૂતરાને ટાઢિયો તાવ ચઢતો હોત
તો ગુજરાતી જીવદયા પ્રેમી જનતા કૂતરાને પણ ધાબળા ઓઢાડવા જાત એ બાબતમાં શંકાને કોઈ
સ્થાન નથી. ■
ડ-બકુ
શું તું સાચે જ છે આટલી
પ્યારી બકા ?
કે બહેર મારી ગઈ છે
બુદ્ધિ મારી બકા?
No comments:
Post a Comment