| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
ક્લાસિક ફિલ્મ ગાઈડમાં દેવ આનંદ એનાં ઑલ્ટર ઈગો,
બ્રહ્મ, સાથે વાત કરતો હોય એવું
દ્ગશ્ય છે. જે એને સત્ય તરફ વાળવા દલીલ કરે છે. પણ અમારા જેવા ઘણાં લોકોને
બ્રહ્મને બદલે માયાવી રાક્ષસ દોરવણી આપતો જોવા મળે છે. તમે કરવા કંઈક ઇચ્છતા હોવ
અને એ રાક્ષસ કરાવે કંઈક. અરીસામાં રહીને કે અદ્રશ્ય રીતે દોરી સંચાર કરનાર આ
મનોરાક્ષસ આપણું જીવન ધૂળધાણી કરી નાખે છે. કેવી રીતે? લો વાંચો.
આ રાક્ષસ દેખાવે ઘણો નિરુપદ્રવી હોય છે. તમે પૌરાણિક
કથાઓમાં એનું વર્ણન વાંચ્યું હોય કે કાર્ટૂન કથાઓમાં જોયો હોય એવો એ બિહામણો
શિંગડાવાળો રાક્ષસ નથી. ન એનાં બે દાંત કૂતરા જેવા અણીદાર હોય છે. ન એણે અડધી
લંગોટી પહેરી હોય છે, કે ન એનાં હાથમાં પથ્થરના બનાવેલા શસ્ત્ર હોય છે. એ તો તમે જેવા છો એવો જ,
સૌમ્ય શાંત,
વિવેકી પણ તમારાથી
વધારે પ્રભાવશાળી છે. ટૂંકમાં તમે અરીસામાં જોતાં હોવ એવું જ લાગે. તમે નાઇટ ડ્રેસમાં
હોવ તો એ પણ નાઇટ ડ્રેસમાં હોય અને તમે ફૉર્મલ ઓફિસ વેરમાં હોવ તો એ પણ ઓફિસવેરમાં
હોય. તમે વાસ્તવિક જિંદગીમાં કદાચ ગુસ્સામાં બોલતાં હોવ પણ એ તો ઇન્સ્યોરન્સ
એજન્ટની જેમ જ અત્યંત મીઠી ભાષામાં જ વાત કરશે, તમે ઓળઘોળ થઈ જાવ એવી. પાછો એ
ઘણો જક્કી હોય છે, કાચાપોચાં મનોબળ હોય એવાને તો એ અડધી સી.એલ. લેવડાવે પણ
પથારીમાંથી ઊઠવા તો ન જ દે.
આ મનોરાક્ષસ સવારે આપણી સાથે જ જાગી જાય છે. આપણે તો
હજી અડધી ઊંઘમાં હોઈએ ને એ પુરા હોશમાં હોય છે. તમારી વતી એ એલાર્મનું સ્નુઝ બટન પણ
દબાવી દે છે. કોઈ કોઈ વખત તો એ આગલી રાતનો સક્રિય થઈ એલાર્મ ઓન કરવાનું ભૂલવાડી દે
છે. તો ઘણીવાર આપણે બેઠાં થઈ ગયાં હોઈએ અને એ આપણને પાછો સુવાડી દે છે. આપણને જે ‘ઉઠાય છે, ઉઠાય છે, શું ઉતાવળ છે? થોડું ઊંઘી લે હજુ’
એવો રેશમ જેવો
અવાજ સવારમાં સંભળાય છે એ પણ આ માયાવી રાક્ષસનો જ છે, બાકી આપણી થોડી ઇચ્છા હોય કે
મોડા ઊઠીએ ને ઓફિસ મોડા પહોંચીએ? દોડતાં દોડતાં ટ્રેઇન કે બસ પકડીએ?
માની લો કે તમારું વજન પંચાસી કિલો છે. પેન્ટ થોડા
ટાઈટ પડે છે. ડોક્ટરે તમને વજન કાબુમાં રાખવા કહ્યું છે. તમે કોઈ લગ્ન પ્રસંગે
ભોજન સમારંભમાં ગયા છો. તમે યજમાનને કે કેટરરને ખોટું ન લાગે એટલે પહેલીવાર તો
થાળીમાં બધી વસ્તુઓ ભરી એને ન્યાય આપી ચૂક્યા છો. સમોસા, ગુલાબજાંબુ, પૂરી અને ક્રીમસલાડ તો
તમને સામેથી બોલાવતા હોય એટલે તમે એ પણ બીજી વાર પણ ભરી આવ્યાં અને સ્વાહા કરી
ચૂક્યા છો. એ પણ પીરસણીયો એક ગુલાબજાંબુ મૂકતો હતો એનાં હાથમાંથી આખો ચમચો લગભગ
ઝૂંટવી લઈને તમે બીજાં ત્રણ ઠપકારી દીધાં હોય. તોયે જ્યારે તમે ભાત લેવા જાવ
ત્યારે કોઈ અદ્રશ્ય શક્તિ તમને ક્રીમસલાડના બાઉલ તરફ દોરી જાય છે. તમારી પાસે
જબરજસ્તી વાડકી ભરાવે છે. અને ચમચીએ ચમચીએ એ તમને ક્રીમસલાડ ખવડાવીને જ જંપે છે.
તમારી ઇચ્છાની સદંતર વિરુદ્ધ. એટલું જ નહિ આ વાડકા ઉલેચવાની પ્રક્રિયા ચાલતી હોય
તે દરમિયાન તમને રોકવાના કનિષ્ઠ પ્રયત્નો કરી રહેલા કહેવાતા શુભેચ્છકોની બૂરી નજરથી
પણ એ તમને બચાવે છે.
ટ્રાફિક સિગ્નલ પર તમે તમારા ભણતરમાં
નાગરિકશાસ્ત્રનાં પાઠ અને અમેરિકાની ટ્રાફિક સેન્સના સાંભળેલા અનુભવો લઈને ઊભા હોવ
અને પાછો પેલો મી. ઇન્ડિયા સક્રિય થઈ જાય છે. સામેના ટ્રાફિકની લાઈટ ગ્રીન હોય પણ
એમાંથી નીકળવાવાળા નીકળી ગયાં છે એની એ આપણને જાણ કરે છે. ‘જરાક એક્સલરેટર દબાવીશ તો જમણી
બાજુનું સિગ્નલ ગ્રીન થશે એ પહેલાં તું તારે રસ્તે પડી શકીશ’ એવી લલચામણી ઑફર પણ આપે
છે. વધુ ત્રણ મિનીટ સિગ્નલ ખુલવાની રાહ જોવી એ પેટ્રોલનો વ્યય છે અને દેશહિતમાં
નથી એવું ઈમોશનલ બ્લેકમેઈલીંગ પણ એ કરે. અને તમને યાદ પણ દેવડાવે છે કે સવારે
ઊઠવામાં મોડું કર્યું હતું એમાં આજે ઓફિસ મોડા પહોંચવાની પુરેપુરી શક્યતા છે. આમ
અનેકવિધ રીતે તમને એ સિગ્નલ બ્રેક કરવા ઉશ્કેરે છે. જો પોલીસદાદા દોડીને દંડો
ઉલાળી ન શકે એટલી દૂરી પર હોય તો એ તમારા બાઈકને હળવો ધક્કો પણ મારી આપે છે. અંતે
તમે તમારી મરજી વિરુદ્ધ સિગ્નલ તોડો છો.
પણ આ રાક્ષસથી બચી શકાય છે. તો વાંચો આ રાક્ષસથી
બચવાના અધીર અમદાવાદી બ્રાંડ ઉપાયો. સૌથી પહેલાં તો મનોબળ મક્કમ કરી જેવો પેલો
દેખાય એટલે ‘હું આજે તારી વાત નથી માનવાનો’ એવું મોટા અવાજે બોલો, પછી પથારીમાં હોવ કે ભોજન
સમારંભમાં. એટલે એ ઝંખવાણો પડી જશે. તમારા ઇરાદાની લોકોને જાણ થશે એટલે પેલો તમને વાતચીત
કરી ભોળવે એ પહેલાં બીજાં લોકો તમારી મદદે આવી શકશે. એકલાં હોવ તો એને ગાળો પણ
અપાય, એ પણ
સુરતીમાં. બીજો ઉપાય પણ છે. રોજ અરીસા સામે ફાંદ દેખાય એમ આડા ઊભા રહો. રોજ વજન
કરો. રોજ કમરનો ઘેરાવો માપો. એ વરવું દ્ગશ્ય અને આંકડાઓ તમારા મગજમાં હથોડાની જેમ
વાગશે એટલે પેલા રાક્ષસને બોલવા નહિ દે. આ સિવાય પુરુષો આ રાક્ષસનો હવાલો અર્ચના
પુરણ સિંઘ જેવી પત્નીને સોંપી દે તો પણ રાક્ષસનું કામ તમામ થઈ જાય! ■
Khoob sachot upai batavyo. Ariso kharekhr best hathiyar che .biju best hathiyar camera banisake bhayank , ganda ane bhadda namuna juvo .....http://www.dailymail.co.uk/news/article-2181451/The-camera-lies-Amateur-models-pose-pout-mirrors-worlds-worst-self-taken-shots.html....
ReplyDeleteઆવા તો બીજા પણ ઘણા સ્થળોએ આ રાક્ષસ હેરાન હેરાન કરી મુકે છે.....
ReplyDelete૧) ફાંદ ના હોય એવા (અન્ડર વેઇટ- મારા જેવા) લોકો ને સવાર સવારમાં "એકાદ દિવસ કસરત નહિ કરે તો ચાલશે" જેવા વાક્યો રોજ રોજ કહે છે!
૨) કેટલાક કોલેજના માસુમ બાળકોને તેમની મરજી વિરુદ્ધ છોકરીઓને પ્રપોઝ કરાવવા માટે અને નંબર માંગવા માટે ઉશ્કેરે છે! (લાફો તો બાળક ને પડશે!, રાક્ષસ ને નહિ ને!)
૩) જુનો અને જાણીતો એવો એ રાક્ષસ નો સૌથી ખરાબ ગુણધર્મ છે કે "તું કરે રાખ તારી જાત ને પ્રોમીસો, હું બેઠો છું ને તોડવા માટે!"
આવા કિસ્સાઓ માં તો પેલો માસુમ માણસ ગમ્મે તેટલી બુમો પાડે રોકવા માટે, પેલો રાક્ષસ એનું મોઢું એના અદ્રશ્ય હાથો વડે એવું તો દબાવશે કે પેલો ફરી વાર રોકવાનું વિચારશે પણ નહિ!!