Monday, July 23, 2012

કોલેજસ્ય પ્રથમ દિવસે


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |  


ઘણી બધી વસ્તુ માણસ કોઈને કોઈ વખત તો જિંદગીમાં પહેલી વાર કરતો જ હોય છે. આ દરેક પહેલી વખતે એને થોડો ડર હોય છે, તોડો રોમાંચ હોય છે. બાળક જન્મે પછી પહેલી વાર જાતે ચાલે, પહેલી વાર સાઈકલ ચલાવે અને પડે, પહેલી વાર સ્કૂલ જાય, પહેલી વાર બોર્ડની પરીક્ષા આપે. પહેલી વાર જુઠ્ઠું બોલી પિક્ચર જોવા જાય. પણ પહેલી વાર કૉલેજ જાય ત્યારે. કૉલેજ પહેલી વાર જવાનું હોય એટલે ઘેરથી દાદી દહીં ખવડાવીને મોકલે. ક્યાંક ચાંલ્લા અને આરતી પણ થાય. ક્યાં ખાઈશ અને શું ખાઈશ એ અંગે મમ્મી સલાહ સૂચન આપે. કાકાનો દીકરો અભિ અને મામાની દીકરી હેલિએ એજ કૉલેજ કરી હોઈ કયા પ્રોફેસરથી સાચવવું અને કયાનાં ક્લાસમાં મોબાઈલ પર એસએમએસ એસએમએસ રમાય એ ટીપ્સ પણ આપે. એટલું જ નહિ, એ લોકો પ્રોફેસરોને કેવાં હેરાન કરતાં હતાં એની વાતો ચાટ મસાલો ભભરાવીને કરે!

કૉલેજના પ્રથમ દિવસે નવા જિન્સ અને નવા ટી-શર્ટ પહેરવાનો રિવાજ છે. પીઠથેલો બોલે તો રક્સેક પણ નવો હોય, થેલાનાં સત્તર ખાના પૈકીના એકમાં પાણીની બોટલ પણ ખોસી હોય. હાસ્તો, આપણાં હિસાબે, જોખમે અને રૂપિયે ચાલતી સરકાર પર જો પાણીની ક્વૉલિટી માટે ભરોસો ન કરાય તો સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ પર થોડો કરાય? એમાં પાછી આપણાં આ ધાડપાડુએ જો રિઝલ્ટમાં ધાડ મારી હોય તો બાઈક કે સ્કૂટર પણ નવું મળ્યું હોય. એટલે એકંદરે જીગો કોરો કડકડતો કે જીગી કોરી કડકડતી કૉલેજમાં આવે, એ પણ રુઆબથી, એટલે એ અલગ તરી આવે. ધ્યાનથી જુઓ તો બે પાંચ નોટો તો લેબલ ઉખાડ્યા વગર જ કપડાં ચઢાવીને આવી હોય!

સરકાર ગમે તેટલાં પ્રયત્ન કરે, અપર અને મિડલ ક્લાસની જ્યાં બહુમતી હોય એવી કૉલેજ અલગ તરી જ આવે છે. અપર ક્લાસ કૉલેજમાં રણબીર, ઈમરાન, કેટ અને પીગી ચોપરાની સ્ટાઈલ્સ દેખાતી હોય તો મિડલ ક્લાસમાં હિમેશ અને સોનાક્ષી જેવું ડ્રેસિંગ દેખાય. એકમાં કાર અને બાઈકનો ઝમેલો હોય તો બીજી કૉલેજમાં નજીકના બસ સ્ટેન્ડ સુધી ચાલતા જતા-આવતાં નવા કોલેજીયા (નવા નિશાળિયાની જેમ નવા કોલેજીયા) જોવા મળે. અને માત્ર ડ્રેસિંગ જ નહીં, એમનાં વજનમાં પણ દેખીતો ફેર જોવા મળે.

આ નવું ટોળું કૉલેજમાં દાખલ થાય એટલે આખી કૉલેજના બધાં નોટિસબોર્ડ અને જુનાં ટાઈમટેબલ જોઈ વળે. નોટિસબોર્ડ પાસે નીચે પડેલું હેન્ડબિલ પણ એ ઊંચકીને વાંચી નાખે. પણ નવું ટાઈમ ટેબલ તો કોક સિનિયર (કૉલેજ જોઈન કર્યા તારીખ પ્રમાણે) લાગતાવેત જ ઉખાડી ગયો હોય. નવાં નમૂનાઓમાં પાછો ઉત્સાહ બહુ હોય. એવામાં કોઈ જુનો સહપાઠી મળી જાય તો એનો ઉત્સાહ બમણો થઈ જાય. પછી ભલે સ્કૂલમાં એ બે જણે કદી વાત પણ ન કરી હોય. નાખી દેવા જેવી બાબતમાં એ હસતા હોય. મોબાઈલ નવો છે એ દેખાડવા જરૂર વગર વારેઘડીએ મોબાઈલમાં મૅસેજ ચેક કરતાં હોય. જોકે જુનાં મોબાઈલધારકો પણ બેટરીનો ટેસ્ટ કરવા અને કવચિત કોઈ ફોન એવોઈડ કરવા ભવિષ્યમાં બેટરી લો છે, મુકુંએવું બહાનું કાઢી શકાય એટલે પણ એ મોબાઈલ દર બે મીનીટે જોતાં હોય છે. આ બધામાં છોકરી જો કોઈ પરિચિત ન મળે તો શાંત ઊભેલી જોવા મળે. અલબત્ત મોબાઈલનું ટેસ્ટીંગ ચાલુ જ હોય!

કૉલેજના પ્રથમ દિવસે જુનાં જોગીઓ જરૂર કૉલેજ આવે. ક્લાસ શરુ થયા હોય કે ન હોય. એમાં છોકરાઓ તો નવો પાકકેવો છે એનો જાણે ક્યાસ કાઢવા આવતાં હોય એમ આવે. તો છોકરીઓ પણ વ્હાય બોયઝ શુડ હેવ ઓલ ફન?’ એ દાવે હાજર હોય. કૉલેજના પ્રથમ દિવસે જુનાં અને નવા છોકરાં જુદાં તારવવા હોય તો જે સ્કૂટર, ઓટલા, પાળી પર ખાલી હાથ બેઠાં હોય એ જુનાં. એમાં પણ બાઈક પર ડબલ સવારી બેસવું એ એમનું ફેવરીટ. પાર્કિંગ, અને એમાંય બાઈકની સીટ સિવાય એમને કોઈ જગ્યા આખી દસ એકરની કૉલેજમાં ન જડે! ભાર વગરનું ભણતરવિચાર જુનાં જોગીઓએ બરોબર જીવનમાં ઉતાર્યો હોય છે, એટલે સુધી કે ઘણીવાર તો પરીક્ષામાં પણ એ પેન-પેન્સિલ લીધા વગર જતાં હોય છે. નવા કોલેજીયાનું આવા જુનાં જોગીમાં પરિવર્તન ઝડપથી અને અભૂતપૂર્વ થતું જોવા મળે છે.

ડ-બકા
તારો હાથ, તારી બોલી અને તારો જ વિજય,
લે ઉછાળ શોલેનો આ ઐતિહાસિક સિક્કો બકા.

1 comment: