| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૫-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |
તમારા ભાઈના વાર ધોરા
થવા આયા પણ હજુ એવા ને એવા ભોરા રહ્યા. એકવાર હું ઘંટીએ લોટ દરાવવા ઉભી’તી. મેં
એમને કીધું કે જાવ સામે લારીમાંથી ટીંડોરા લઇ આવો તો એ પરવર લઇ આયા બોલો. એમને
ગુવાર લાવવાનું કો તો ચોરી લઇ આવે. આવા તો કેટલાય ગોટારા કર છ. અને ગુસ્સો પણ બહુ કરે.
આપડે કસુ બોલીએ તો ઉપરથી ડોરા કાઢે. પણ મેં તો બરયુ એજ સાક બનાઈ આલ્યું પણ એક
કોરિયો ખાધોને કે કે ‘આ તો મોરું છ’. તે ઉપરથી મીઠું ભભરાયું. હવે એમને પ્રેસર છ. તે
રોજ ગોરી લેવી પડ છ. તો તમે જ કો કે ઉપરથી મીઠુ લેવાય?
પણ એ ખાવાના તો એવાં
સોખીન કે વાત ના પૂછો. સનિવાર કર્યો હોય અને ફરારી ખાવામાં બટેટાની કાતરી જોઈએ,
નકરું તેલ તેલ. પાછો ડાયાબિટીસ છ પણ રોજ ગર્યું જોઈએ જમવામાં. કંઇ ન મરે તો મારે
એમને ગોરનો ટુકડો આપવો પડે. ચામાંય એમને બે ચમચી ખાંડ જોઈએ. દારમાંય એ ખાંડ નાખે. પછી
બુમો પાડઅ કે મોઢું ગર્યું ગર્યું થઈ ગયું છ, કંઇક તીખું આલ. ને મીઠાઈ તો એટલી ભાવઅ
કે ના પૂછોને વાત. બે દાડા ગર્યું ન મરે તો અકરાઈ જાય. એમાં મોહનઠાર એમને બહુ ગમે.
મહિનો થયો નથી કે કીધું નથી ‘કમરા, મોહનઠાર બનાયે બહુ દાડા થઈ ગ્યા નઈ?’ કમરા મારું
નામ. પણ કોક દાડો લાડમાં કમુ પણ કે !
રજાનો દાડો હોય તો એ
નવરા બેઠા હોય, તે બીજું શું કરે? નખ્ખોદ વારે. આપડ ને જપીને બે ઘડી બેસવા પણ ના
દે. વારેઘડીએ કે કે ચા બનાવ, ફલાણું લાવ ઢીકણું આપ. ચા પાછી ઠંડી ના ચાલે, વરાર
નીકરતી જોઈએ. એક દાડો તો મેં તો કંટારીને કહી દીધું કે બીજી કામવારી લઈ આવો,
મારાથી આ બધો કુથો નથી થતો. તો કે આ ઉંમરે બીજી સોધવા ક્યાં જઉ? એ દાડાનાં થોડા
હખણા ચાલ છ. હા, આપડને આડીઅવરી વાત કરતા નથી આવડતુ. જે હોય એ સીધેસીધું કહી
દેવાનું. હા પેલી જાહેરાતમાં આવે છે એવું, ‘સીધી બાત નો બકવાસ’. તમને થસે કે કમરા બુન
તમને તો ઈંગ્લીસ હારું પણ આવડ છ, તે આવડ જ ને, ઈંગ્લીસ અમને ભોરાભાઈ સાહેબે ભણાવેલું
કોઈ જેવાતેવાએ નહિ.
તે એક વાર અમઅ કાંકરિયા
ફરવા ગ્યા’તા. મેં કીધું આપડે ભેર ખાઈસુ? પણ એ મગનું નામ મરી પાડે તો ને? હાવ મુંજીની
જેમ ચાલ્યા કરે. એમાં એમનો દોસ્ત જીગ્નેસ મરી ગ્યો. તો એ બેઉ કાંકરિયાની પારી પર
બેઠા અને ક્યાંય સુધી વાતો કરી. બંને બારપણનાં દોસ્ત. નાનપણમાં બંનેના ઘર બાજુબાજુમાં,
એટલે એમના ફેમિલી હરીમરીને રહે. બારકોને તો આમેય વસ્તી જોઈએ. તે કોલેજ સુધી બેઉ સાથે
ભણ્યા. પણ તમારા ભાઇને તો આગર વધવાની કોઈ ધગસ નઈ. ને એમનો દોસ્ત આગર ભણવા અમેરિકા
ગયો. ને ત્યાં જ એક ગોરી છોકરીને પરણી ગયો. એ છોકરીનું નામ પણ સારું જ છ, હા યાદ
આવ્યું, મારિયા.
મારિયાથી યાદ
આવ્યું. એક વાર તમારા ભઈ એમની જૂની ડાયરી સોધવા મારિયામાં ચડ્યા’તા. પણ એમાં એટલી
ધુર હતી કે છીંકાછીંક સરુ થઈ ગઈ. એમાં પાછી ત્યાં એક ગરોરી દોડાદોડ કરે. ને તમારા
ભઈના સરીર પર જારા બાવા બાઝી ગ્યા. વારમાં પણ ચુનાથી ધોરા ધોરા થઈ ગ્યા. મને તો
બર્યું એટલું હસવું આવે કે રોકાય જ નહિ. પણ મેં તો એમને સાવરણી પકડાવી દીધી કે હવે
ઉપર ચઢ્યા છો તો ભેગા ભેગા મારિયું વારી નાખો. હાસ્તો, આજકાલ કામવારા કેટલા હેરાન
કર છ. અને એ તો આમેય નવરા જ હોય છ. હાસ્તો, સરકારી નોકરી છ ન. મારા પપ્પાએ એમની
નોકરી જોઈને જ નક્કી કર્યું’તુ. પપ્પા એમને મરીને આયા તો કેતા’તા કે ‘સોકરો થોડો
ઢીલો છ, પણ છ કાંકરા જેવો અને પાછી સરકારી નોકરી છ’. મને લગન પછી ઠેક ખબર પડી કે કાંકરા
જેવો નહિ પણ ધુર જેવો છ ! પણ સુ થાય બુન, પડ્યું પાનું નિભાવવું પડ છ. ■
ડ-બકા
તું તડકા, તું શ્રાવણ, અને
તું જ કુમળો શિયાળો બકા,
તું ઉપમા, તું ઉદાહરણ ને
તું જ અઘરો દાખલો બકા.
kya baat hai, bahot khub,
ReplyDeletesaras lakhyu chhe adhirbhai,