| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૧-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ગુગલ બૉસ જેવું છે. બૉસને દરેક બાબતની બધી જાણકારી
હોય. ગુગલ ફ્રૅન્ડ જેવું છે, તમારા બધાં ઠેકાણા એને ખબર હોય. ગુગલ મમ્મી જેવું છે,
કોઈ જાતના કકળાટ
વગર તમારું કામ કરી આપે. ગુગલ પપ્પા જેવું છે, એ તમને જોઈતું લઈ આપે. ગુગલ ટીચર
જેવું પણ છે, તમે સ્પેલિંગમાં ભૂલ કરો તો એ સાચો સ્પેલિંગ પણ બતાવે છે. અમદાવાદના દરેક
રસ્તે જેમ રખડતી ગાય મળે જ, એમ દરેક કોમ્પ્યુટર બ્રાઉઝરમાં ગુગલ ડિફોલ્ટ મળે છે.
આજકાલ ગુગલ ફૅશનમાં છે. કશું પણ શોધવું હોય તો ગુગલ
કરો. સરનામું હોય કે સલમાન ખાનની લેટેસ્ટ ગર્લફ્રેન્ડનું નામ, બધું ગુગલ કરવાથી મળે
છે. એટલે ગુગલ જિંદગીમાં જાણે સર્વસ્વ થઈ ગયું હોય એમ ઘણાં લોકો માનતા થઈ ગયાં છે.
જે લોકોને ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરની વિશેષ જાણકારી નથી એમને કદાચ ગુગલ કોઈ ધૂપ
હશે એવું લાગે, પણ ઇન્ટરનેટ વાપરનાર માટે ગુગલનું સ્થાન પવિત્ર છે, એ લોકો દિવસમાં ઓછામાં ઓછી એકવાર
તો ગુગલની પૂજા-સર્ચના કરે જ છે.
ગુગલની એક ખાસિયત છે, એને એક પ્રશ્ન પૂછો તો એ તમને
અનેક જવાબ આપે છે. ક્યારેક હજાર, લાખ કે કરોડ જવાબ મળે એવું પણ બને. એટલે જ અમુક લોકો ગુગલને
પત્ની સાથે સરખાવે છે. પત્નીઓ ગુગલની જેમ બધી જાણકારી રાખે છે એવું મનાય છે. જોકે
અમે આ સરખામણી સાથે જરા પણ સહમત નથી. જાણકારીની વાત બરોબર પણ પત્નીને પ્રશ્ન
પૂછવાની હિંમત કોણ કરે ? સિંહની બોડમાં હાથ કોણ નાખે ? વાઘને કોણ પૂછે કે તારા
મ્હોમાંથી આ વાસ શેની આવે છે? છતાં ધારો કે તમે કોઈ ખરાબ ચોઘડિયામાં પ્રશ્ન પૂછી નાખ્યો
તો શું તમને એમ લાગે છે કે એ તમને હજાર જવાબ આપશે? ના. એ તમને સામા દસ પ્રશ્ન
પૂછશે. જેનો એક જવાબ આપતાં તમને તતફફ થઈ જશે.
ઘણાંની જાણકારી જોઈ આપણને થાય કે આ લોકો ગુગલને સારી
એવી ટક્કર આપે એમ છે. કશું પણ પૂછો એમને ખબર હોય જ. પાછી એમની જાણકારીની રેન્જ પણ
જબરજસ્ત હોય. એમને બાળોતિયા ક્યાં સારા મળે છે ત્યાંથી માંડીને બાળ ઠાકરે આવતી
કાલે શું બોલવાના છે તે બધી જાણકારી હોય. અમે તો આવાં લોકોને ગુગલાણી કહીએ છીએ.
પાછાં આ મી. સર્વજ્ઞ ગુગલાણી બધી જાણકારી વોલન્ટરી બોલે તો વગર માંગ્યે આપે. હા,
એ ગુગલાણી છે,
માં થોડા છે કે
માંગ્યા વગર ના પીરસે ? અને અમુક જાણકારી તો એમની પાસે એવી હોય છે જે ગુગલ તો શું
સી.આઈ.એ. પાસે પણ ન હોય.
પણ આ ગુગલને તમે પ્રશ્ન પૂછો અને એ જવાબ આપે એમાં
સાચો જવાબ કયો એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. અનેક જવાબમાંથી તમારે સાચો અથવા મનગમતો
જવાબ અલગ તારવી લેવાનો હોય છે. એ માથાકૂટનું કામ છે. આપણને જવાબ ખબર જ હોય તો શું
કામ ગુગલ કરીએ, હેં ભઈ? ગુગલની આ અનેક જવાબ આપવાની નીતિ પરથી પ્રેરણા લઈ રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં અમુક
વિભાગ તમને એટલી બધી માહિતી આપી દે છે કે તમે ગૂંગળાઈ જાવ.
એવું કહે છે કે જે સવાલ નો જવાબ કોઈ આપી નહોતું
શકતું એનો જવાબ હકીમ લુકમાન આપતો. અને જે સવાલનો જવાબ હકીમ લુકમાનને ન આવડતો હોય
એને 'લાજવાબ'
ગણી ને પડતો
મૂકવામાં આવતો. વર્ષો પછી હકીમ લુકમાનનું સ્થાન ગુગલે લીધું છે. પણ ગુગલનાં ગુણગાન
ગાનારાઓને એટલું જ કહેવાનું કે ગુગલ સર્વસ્વ નથી. 'પહેલાં મરઘી કે પહેલાં ઈંડું?'
એ પ્રશ્નનો જવાબ
ગુગલ પાસે નથી. ખોવાયેલી વસ્તુઓ ગુગલ કરવાથી નથી મળતી. સવારે ઓફિસ જવાનો સમય થાય
અને મોજાની જોડ પૈકી એક મોજું ન જડે તો ગુગલ ન કરાય. રજનીકાંત અને નરેશભાઈ જેવા જો
ખોવાઈ જવાનું નક્કી કરે તો ગુગલ શોધી ન શકે. ખોવાયેલા ભાઈબંધ ગુગલ કરવાથી મળી જાય,
પણ છોડી ગયેલી ગર્લફ્રેન્ડ
ગુગલમાં નથી મળતી. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહીમ, છોટા રાજન, મુલ્લા ઓમર ગુગલ કરવાથી
હાજર નથી થઈ જતાં. અને ગુગલ જો બધું જ જાણતું હોય તો નેતાઓના સ્વીસ બૅન્કના
એકાઉન્ટ નંબર અને બે નંબરી આવક શોધી આપે !
ડ-બકા
એક છોકરી કડક અને
મીઠી બકા,
ઊંઘ ઉડાડે છતાં લાગે
સ્વીટી બકા.
No comments:
Post a Comment