Sunday, May 27, 2012

એ ઈસી કોમ્પ્યુટર આઈટી લઈ લો


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૭-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
એક અંદાજ મુજબ ગુજરાતમાં એન્જીનીયરીંગ અને ફાર્મસીની ૧૧૦૦૦ સીટ આ વખતે ખાલી રહેશે. બારમાં ધોરણનું રિઝલ્ટ એક તો કડક આપ્યું છે અને પાછી નવી નવી કોલેજો ખુલતી જાય છે. એટલે હવે તો આ કોલેજોના સંચાલકો લારી લઈને સીટો વેચવા નીકળે એવાં દિવસો આવશે. એક જમાનામાં સ્કૂલમાં  એડમિશન માટે બાળક ગર્ભમાં હોયને મા-બાપ ડોનેશન લઈ સ્કૂલો ફરી વળતાં. હવે પરિસ્થિતિ ઉંધી થાય એમ જણાય છે. બાળક ગર્ભમાં હશે ત્યારે કોલેજ મેનેજમેન્ટ તમારા આવનાર બાળકને એડમિશન ઓફર કરશે. અરે, પ્રેગ્નન્ટ સ્ત્રીઓનો ડેટાબેઝ પણ મેટરનીટી હોમ્સમાંથી તફડાવવામાં આવશે. આ વખતે કેવા દ્રશ્યો સર્જાશે એની અમે કેટલીક કલ્પના કરી છે.

દ્રશ્ય-૦૧
‘એ ઈસી કોમ્પ્યુટર આઈટી લઈ લો, એ ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફાર્મસી લઈ લો’
‘એ ભાઈ, કોમ્પ્યુટર કેમ આપી
‘લઈ લો ને બેન, તમારા બાબા માટે વધારે નહિ લઈએ’
‘પણ ભાવ તો કો’
‘અરે બેન ભાવ એકદમ રીઝનેબલ લઈશ, અને બધાં પ્રોફેસરો ક્વોલીફાઈડ છે અમારી કોલેજમાં’
‘તે ભણેલા પ્રોફેસરોને શું કરવાનું, અમારે તો ડીગ્રી જોઈએ’
‘તે ડીગ્રી પણ આપીશુને બેન, જી.ટી.યુ.ની’
‘તે અમારે શું ફેર પડે આ જટાયુની ડીગ્રીથી, અમારે તો નોકરી મળે એવું જોઈએ, બોલો નોકરીની ગેરંટી આલશો?
‘બેન, ગેરંટી તો કોણ આપે.’
‘સારું પણ કોલેજના ફોટાં બોટા તો બતાવો’
‘અરે, એકદમ સરસ કોલેજ છે બેન. ક્લાસરૂમ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવ્યા છે. છોકરાઓને કદી ક્લાસમાં ઊંઘ ન આવે. ઉપરાંત ક્લબ, ટેરેસ ગાર્ડન, જીમ, સ્પા બધું જ છે’
‘એમ ? પણ ફી કેટલી ?’
‘ફી તો કમિટી નક્કી કરે એ, એક રૂપિયો વધારે નહિ’
‘એમ નહિ, પણ કંઇ ડિસ્કાઉન્ટ બીસ્કાઉન્ટ કરી આલોને’
‘આમાં ડિસ્કાઉન્ટ ના થાય બેન, આ ડીગ્રી છે રીંગણા-બટાકા નથી’.
‘સારું, પણ કોલેજ જવા બસના ફીમાં આવી ગ્યા ને?’
‘એ તો એક્સ્ટ્રા થાયને બેન’
‘શેના એક્સ્ટ્રા, એ બધું ફીમાં આવી જતું હોય તો કો’
‘સારું, બેન. કેટલી સીટ લેવાની છે?’
‘એક ?’
‘બસ એક ? બેન બે-ત્રણ લેતાં હોવ તો ટ્રાન્સપોર્ટ ફ્રી કરી આપું’
‘પણ મારો લાલો એકલો જ બારમામાં હતો, ત્રણ લઈને કરવાનું શું’
‘બેન રાખી મુકજો, તમારો નાનો આવશેને બે ચાર વરસમાં’
‘ના ભાઈ મારે એડવાન્સમાં નથી લેવી’
‘લેવી ના હોય તો શું કામ ટાઈમ બગાડતાં હશે!’

દ્રશ્ય-૦૨
છઠ્ઠા પગારપંચ પ્રમાણે જ્યાં પગાર આપાય છે એવી પ્રાઈવેટ કોલેજોનું મેનેજમેન્ટ પ્રોફેસરોનો કસ કાઢી નાખવા એડમિશન માટે નવશીખીયા પ્રોફેસરોને ઘેરઘેર મોકલશે. વસ્તીગણતરીમાં જેમ શિક્ષકો ઘેરઘેર ફરે છે એમ જ. એ લોકોનું કામ જેમના સંતાનો ૧૨મા ધોરણમાં હોય એમને સીટો વેચવાનું અને જેમનાં સંતાનો ભવિષ્યમાં ૧૨મા ધોરણમાં આવશે એમનું એડવાન્સ બુકિંગ કરવાનું. કામ બરોબર થાય એ માટે પ્રોફેસરોને માર્કેટિંગની ટ્રેનીંગ અને સીટ દીઠ ઇન્સેન્ટીવ પણ આપવામાં આવશે. પછી સર્જાશે આવાં દ્રશ્યો.
‘ગુડ મોર્નિંગ આન્ટી, હું એકે કોલેજમાંથી આવું છું.....’
‘આન્ટી તારી ...’. બારણું ધડામ કરીને પછડાય છે.

દ્રશ્ય-૦૩
‘ગુડ મોર્નિંગ મેડમ, હું એકે કોલેજમાંથી આવું છું અમદાવાદથી જષ્ટ શેવેનટી કિલોમીટર દૂર અમારી એન્જીનીયરીંગ કોલેજ આવેલી છે, એકદમ મોડર્ન ફેશીલીટી છે બધ્ધી. લેબોટરીઓ પણ બધી પોતાની છે’
‘તો શું ?’
‘તમારે શન, ડોટર કોઈ બારમામાં હોય તો’
‘નથી’
‘તમારા પિયરમાં તો હશે ને?’
‘કોઈ નથી’
‘બેન ઘરમાં કોઈ ભણતું તો હશે ને?’
‘નાની બેબી છે, પણ હજુ પાંચમા ધોરણમાં આવી’
‘તો તો બેન હવે માત્ર શાત જ વરસ રહ્યા, અમારી પાશે એક ઓફર છે... (થેલામાંથી એક સ્પાઈરલ બાઈન્ડ ચોપડી કાઢીને આંકડા વાંચે છે)
‘ભઈ, મારે કૂકર મૂક્યું છે, મોડું થાય છે જલ્દી કો કહેવું હોય એ’
‘હા મેડમ, તો અત્યારે તમારે ખાલી પચીશ હજાર ભરવાના અને શાત વરશ સુધી દર વરશે માત્ર દશ હજાર ભરવાના, તો કોલેજ તમને અત્યારથી કન્ફર્મ એડમિશન આપી દેશે. અને કોઈ ફાઈનાન્સિયલ તકલીફ હોય તો નેશનલાઇઝ્ડ બેંકનાં લોન પેપર્શ પણ કરાવી આપશું’
‘પણ, બેબી બારમામાં ફેઈલ થઈ તો ?’
‘તો એની ચિંતા નહિ કરવાની. તમે થોડાક એક્શટ્રા રૂપિયા ભરીને બીજાને નામે શીટ ટ્રાન્સફર કરી શકો છો’

ડ-બકુ
તું ડવ, તું પેપ્સોડન્ટ, ને તું જ ઈમામી બકા,
તું દવ, તું એક્સીડેન્ટ, ને તું જ સુનામી બકા !

5 comments:

  1. લોલ જટાયુ ની ડીગ્રી :D

    ReplyDelete
  2. આવા ઘરે-ઘરે ફરવા વાળા તો નહિ પણ એડમીશન મેળા ગોઠવાયાની વાતો સાંભળી જ છે.... જેમાં પણ એડમીશન આપવા માટે કોલેજ ના માણસો શાકમાર્કેટ ની જેમ બુમો પાડતા હોય છે..... ચેતન ભગતની Revolution2020 નોવેલમાં પણ એવા જ એક સીન નું મસ્ત ડીસ્કરીપ્શન આપેલું છે.....

    ReplyDelete
  3. દાડે દી એ તમારું ઓબજરવેસન(!) સૂક્ષ્મ થતું જાય છે!!! :)))

    ReplyDelete