Tuesday, May 22, 2012

ગુજ્જેશોના કમ્ફર્ટવેર

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી


ઘરમાં કેવાં કપડાં પહેરવાં એ દરેકનો અંગત વિષય છે. કંપની તમને મહિને લાખ રૂપિયાનો પગાર આપતી હોય એનો મતલબ એ નથી કે ઘરે બરમુડા ચડ્ડી પહેરવાં પર કંપની પ્રતિબંધ મૂકી શકે. એટલે જ કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટને ઘરે જાવ તો એ ચડ્ડો પહેરીને ફરતો હોય. એને જોઈ આપણને બે ઘડી થાય પણ ખરું કે, 'આ શું કંપની ચલાવતો હશે?' પણ આ જ આઇટમ સૂટ પહેરીને તૈયાર થાય તો ઓળખાય પણ નહીં. ઘરમાં ચડ્ડો પહેરી રિલેક્સ થયેલ મેનેજર જ્યારે સુટેડ-બૂટેડ થાય ત્યારે દુનિયાના લાટસાહેબોને પહોંચી વળે છે. આમ, કંપનીને કરોડો ટર્નઓવર કરાવવામાં મેનેજરના ચડ્ડાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો ફાળો તો ગણવો પડે!

નવું નવ દા'ડા એ નાતે નવપરણીત યુવાન નવો લીધેલો નાઇટ ડ્રેસ ઘસાય, ફાટે કે ચાના ડાઘથી પહેરવાલાયક ન રહે એટલે પોતાની જાત પર આવી જઈ નાઇટડ્રેસ ત્યજી ચડ્ડા પર આવી જાય છે. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં ચડ્ડા ઉપર ટી-શર્ટ હોય છે, પણ એક વાર ખાતરી થાય કે હું ઘરમાં ગમે તેવો ગોબરો ફરીશ આ (ઘરવાળી) ભાગી જવાની નથી, ત્યારે ચડ્ડી-ગંજી જેવા ગરમીમાં વધારે આરામદાયક નાઇટવેર પર આવી જાય છે. આ એ જ સમય છે જ્યારે નિવૃત્ત સસરાજી લુંગી પરથી લેંઘા પર આવી ગયા હોય છે. ઘરમાં નવી વહુ આવે એટલે સૌ ભેગાં થઈ, ટોકી ટોકીને, બિચારા પપ્પાને એરકન્ડિશન્ડ લુંગીમાંથી એરકુલ્ડ લેંઘો પહેરતા કરી દે છે. જે લોકોને એરકન્ડિશન શું એ ખબર ન હોય એમને એરકન્ડિશનની સાદી વ્યાખ્યા આપી દઉં. એરકન્ડિશન એટલે બહાર જેવી એરની કન્ડિશન એવી જ અંદર એરની કન્ડિશન!

ગુજરાતમાં સ્લિવલેસ ટી-શર્ટ કે ગંજી પહેનાર બગલનું અને ચડ્ડી પહેરનાર પોતાના પગનું શેવિંગ કરવું જરૂરી નથી સમજતા. એક જમાનામાં તો વાળ એ મર્દાનગીનું પ્રતીક હતું. એ વખતે લોકો છાતીના વાળ દેખાડવા શર્ટનાં બટન ખુલ્લાં રાખતા હતા, પણ હવે ચડ્ડી બનિયાનધારી વાળને કારણે હવે વરવો લાગે છે. એમાં ઘરમાં ખણવા અંગે કોઈ કાયદા બન્યા નથી, એટલે આવા ચડ્ડીસમ્રાટો પોતાની મરજી મુજબ ખુલ્લા પગને મનફાવે એમ પસવારતા જોવા મળે છે. પાછું વજન વધારે કે બહુ ઓછું હોય તો આ ચડ્ડીવીરો એકદમ કાર્ટૂન જેવા લાગે. ચોકડીવાળી અને પાતળા કાપડની ચડ્ડીઓમાં એ કેદી જેવા લાગે અને જો ચડ્ડીનો ઘેરાવો કમર પર ઓછો અને નીચે જતાં વધુ હોય તો એ હવાલદાર જેવો લાગે. આ મોટી ચડ્ડીમાં સળી જેવા પગ હોય તો પાતળી સળેકડી પર ઝંડો ફરકાવ્યો હોય એવું લાગે છે. જોકે આવી ચડ્ડીઓ હવાદાર હોય છે.

લેંઘો હવે પચાસ ઉપરની વયના નિવૃત્ત ગુજ્જેશ જ પહેરે છે. નાડું બાંધવામાં થતી પારાવાર મુશ્કેલીઓ છતાં હજુ નાડાવાળા લેંઘા એટલા જ પહેરાય છે. પહેરનારે પાછું ઇન-ગંજી કર્યું હોય. ઇન-ગંજી એટલે શું? ન સમજ પડી? જો શર્ટ પેન્ટમાં ખોસ્યું હોય તો ઇનશર્ટ કહેવાય, એમ જ ગંજી લેંઘામાં ખોસી હોય તો પછી એ ઇન-ગંજી જ કહેવાય. આવા લોકોમાં લેંઘો ફાંદની ઉત્તરે એટલે કે છાતી તરફ ઉપરથી પહેરવાની ફેશન હોય. ઘણા તો એટલે ઉપર સુધી લેંઘો પહેરતા હોય છે કે ગંજી જો નવ ઇંચ ટૂંકી લે તો કપડાની ઘણી બચત થાય. લેંઘો ઉપરથી પહેરવામાં ફેશન કરતાં સલામતી વધારે કારણભૂત હશે. પાછો આ લેંઘો ગળી કરેલો આછા ભૂરાશ પડતો ઇસ્ત્રી ટાઇટ હોય. નાડાની ગાંઠ શાસ્ત્રીય રીતે મજબૂત, એકદમ મધ્યમાં અને સામેથી જુઓ તો અંગ્રેજીનો આઠડો એકદમ વ્યવસ્થિત દેખાય એમ બાંધી હોય. આમ, લેંઘા પહેરવામાં દેખાતી ચીવટ હકીકતમાં પહેરનારની નવરાશનો પુરાવો આપે છે.

પણ ઉનાળો આવે અને માથું ફાડી નાખે તેવી ગરમી પડતી હોય અને ગળામાં થયેલ પરસેવો પગની પાની સુધી ઊતરતો હોય ત્યારે ઓછામાં ઓછાં કપડાં પહેરવાનું દરેકને મન થાય. અરે, ક્યારેક તો કપડાં ફગાવી દેવાનું મન પણ થાય. આવામાં લેંઘો પહેરવો કે ચડ્ડી? એ ચોક્કસ દરેકનો અંગત પ્રશ્ન છે, પણ આપણા આ અંગત પ્રશ્નમાં ધોબી, દૂધવાળા, શાકવાળા, છાપાવાળા, કુરિયરવાળા, પિઝાબોય અને આખી દુનિયાને રસ પડે તેવાં કપડાં તો ન જ પહેરવાં જોઈએ એવું અમારું નમ્ર મંતવ્ય છે.

No comments:

Post a Comment