Saturday, May 19, 2012

વજન ઘટાડવાના અકસીર ઉપાયો



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી


આ દુનિયામાં બે પ્રકારના લોકો વસે છે. એક કે જેમનું વજન કાબૂમાં હોય છે અને બીજા કે જેમનું વજન એમના ઘણા પ્રયત્નો છતાં ધારેલ આંકડે પહોંચતું નથી અને યદાકદા પહોંચી જાય તો એ ટકતું નથી. વજન એ તેલ ચોળેલા પહેલવાન જેવું હોય છે. પાર્ટી ગમે તેટલા દાવ લગાડે છેવટે એ છટકી જ જાય છે! પણ પહેલા પ્રકારના લોકો કે જેમનું વજન કાબૂમાં હોય એવા લોકો ઘણા બોરિંગ હોય છે. વર્ષોથી એમનું શરીર અને નાક-નકશો એકસરખો લાગે છે. એ લોકો ગમે એટલું ખાય, ગમે તે ખાય, ગમે ત્યારે ખાય, એમનું વજન સાઠ - પાંસઠનો આંકડો કુદાવતું નથી. એમાંય પુરુષો ખાસ ફેશનપરસ્ત ન હોઈ, સ્થિર વજનનો લાભ લઈ એકનું એક પેન્ટ દસ વરસ ખેંચી કાઢે છે. એમની જિંદગી મૃત વ્યક્તિના કાર્ડિયોગ્રામ જેવી એકધારી હોય છે.

આ બીજા પ્રકારના લોકોની હાલત ફિલ્મી વિલન અજિતના હીરો જેવી હોય છે. પેલા ફેમસ જોકમાં અજિત હીરોને લિક્વિડ ઓક્સિજનમાં નાખી દેવા એના ફોલ્ડરને કહે છે, એમ કહીને કે 'લિક્વિડ ઈસે જિને નહીં દેંગા ઔર ઓક્સિજન ઈસે મરને નહીં દેંગા'. આપણી વજનદાર પાર્ટી પણ સલાડ, ખાખરા અને ઘાસ જેવા સ્વાદનાં બિસ્કિટ ખાઈને વજન કાબૂમાં કરે ત્યાં સામે જમણવાર અને જંકફૂડ એમના વજનને ફરી પાછું ઉચ્ચસ્થાને લઈ જાય છે. આ લોકો શ્રમ ન પડે તેવી કસરત કે ચરી - પરેજી વગર માત્ર ગોળી, મંત્ર, માદળિયાં કે તાવીજથી વજન ઊતરતું હોય તો મોં - માંગ્યા રૂપિયા આપવા તૈયાર હોય છે. ટેલીશોપિંગવાળા આ જાણી ગયા છે એટલે એ લોકો 'કશું કર્યા વગર વજન ઉતારો' સૂત્ર આપી બોગસ પ્રોડક્ટસ 'ટમી ટાયકૂન' ને પધરાવી જાય છે!

પણ બીજા પ્રકારના લોકો ઘણા જિંદાદિલ હોય છે. એ લોકો 'જીવવા માટે ખાવા' જેવી નિર્માલ્ય ફિલસૂફીને બદલે 'ખાવા માટે જીવવાની' જિંદાદિલીમાં માને છે. વજન વધી જાય એટલે આ જાતકો અચાનક જાગૃત થઈ દોડવા લાગે છે. 'કરતાં જાળ કરોળિયો...' વાળી ઉક્તિને યથાર્થ કરતાં આ ફેટવીરો ઘટેલું વજન ફરી વધી જાય તોપણ પોતે 'ડાયટિંગ પર છે', 'ખાવા પર કંટ્રોલ ચાલે છે' જેવા પોઝિટિવ વિચારો કરી કરોળિયાની જેમ જ ફરીફરી પોતાનો લક્ષ્યાંક પાર કરવા પ્રયત્નશીલ રહે છે.

પણ વજન વધતું અટકાવવું ઘણું સહેલું છે. અમારી પાસે એના ઘણા ઉપાય છે. જેમ કે, ફૂડનું વિન્ડો શોપિંગ. પિઝાશોપમાં કાઉન્ટર સુધી આંટો મારી બહાર નીકળી જવું કે પછી જે આઇટમ માટે લાઇન લાગતી હોય એની લાઇનમાં ઊભા રહેવું. નંબર આવવાનો થાય એટલે અરેરે... બહુ મોડું થયું કહી લાઇનમાંથી સરકી જવું. આ ઉપાયથી રૂપિયા તો બચશે જ, પણ લાઇનમાં ઊભા રહેવાથી કેલરી પણ બળશે. પણ જો વિન્ડો શોપિંગ ન ફાવે તો પછી ન ભાવતી વસ્તુઓની એક યાદી બનાવવી. આ યાદી પત્નીને આપી કહેવું કે 'આ બધું મને બિલકુલ નથી ભાવતું'. એ યાદી પ્રમાણેની રસોઈ થોડા જ સમયમાં તમારા ઘરમાં બનતી થઈ જશે. હજુ એક ઉપાય છે. જો રસ્તે જતાં તમને ફાસ્ટફૂડનાં પાટિયાં લલચાવતાં હોય તો આંખે ઘોડાની જેમ ડાબલા બાંધીને નીકળવું. અને જો ખાદ્યપદાર્થની સોડમ તમને લલચાવતી હોય તો છીંકણીની ડબ્બી સાથે રાખવી. જેવી ભાજીપાઉં કે ચણા-પૂરીની સુગંધ નાકમાં ઘૂસે કે તરત છીંકણીનો તડાકો મારવો.

જો તમારું વજન વધારે હોય તો તમારાથી વધુ વજન ધરાવતી વ્યક્તિ સાથે ફરવું. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ તમે આપોઆપ પાતળા દેખાશો. ગુજરાતીમાં પણ મોટી લીટી નાની લીટીનો એક પાઠ આવતો હતો. એ વજનમાં પણ લાગુ પડે છે એ કોઈને શિક્ષકો કહેતા નથી. આમ છતાં ઘણા પ્રયત્નો પછી પણ વજન ઊતરતું ન હોય તો એવા લોકો માટે અધીરોપેથીમાં એક ઉપચાર બતાવ્યો છે તે પ્રયોગ કરવા જેવો છે. આ ઉપચારમાં વજન કરવાની રીતમાં થોડા ફેરફારો સૂચવ્યા છે. આમાં જેને બહુ ક્રોનિક પ્રોબ્લેમ ન હોય તેમણે નરણે કોઠે વજન કરવું. જેને વજનનો જૂનો પ્રોબ્લેમ હોય એમણે વાળ કપાવી, મૂછ મૂંડાવી, રાત્રે હરડે લઈ, સવારે પ્રાતઃ ક્રિયાઓ બાદ નહાઈધોઈ, ઓછા વજનવાળો પંચિયા જેવો પાતળો ટોવેલ પહેરી, ચાંલ્લો કર્યા પહેલાં અને ચશ્માં હોય તો એ કાઢીને ઉઘાડાપગે વજન કરવું !


No comments:

Post a Comment