Friday, May 18, 2012

આપણું ભાવિ રાષ્ટ્રીય પીણું ચા


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૩-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |

આવતા વર્ષે આ જ સમયે તમે જ્યારે સવારે છાપું વાંચતાં હશો ત્યારે તમારા કપમાં ચા નહિ પણ આપણું નેશનલ ડ્રીંક હશે. હા, ચા એ ખાલી ચા મટી રાષ્ટ્રીય પીણું બની જશે. અમને તો ઘણો આનંદ થયો આ સાંભળીને. પણ ચા રાષ્ટ્રીય પીણું જાહેર થવાનું છે એ સાંભળી ઘણાંના પેટમાં તેલ રેડાયું છે. એટલે જ આજકાલ  ‘આપણું રાષ્ટ્રીય પીણું કયું હોવું જોઈએ ?’ એ ચર્ચા ઉનાળા કરતાં પણ વધારે હોટ છે. જુદી જુદી પ્રકૃતિ અને પ્રદેશનાં લોકો દૂધ, કોફી, છાશ, લસ્સી, નીરો, કાવો, નારિયેળ-પાણી, શેરડીનો રસ અને લીંબુપાણીને રાષ્ટ્રીય પીણા તરીકે પીવા ઇચ્છે છે. જોકે મિત્ર મુકુલભાઈ જાનીને આમાંના કોઈ વિકલ્પ પસંદ નથી. એમણે એમની પસંદગી પાણી પર ઢોળી છે. જોકે એ પોતે જ પછી સાવચેત કરે છે કે આઝાદીના ૬૫ વરસ પછી પણ શુદ્ધ પાણી ક્યાં લોકોને મળે છે ? આ આખી ચર્ચામાં મોરારજીભાઈનાં સમર્થકોએ હજુ ભાગ નથી લીધો એ વાત જાણવાજોગ. 

ચાનો ઇતિહાસ ઘણો જ ઇન્ટરેસ્ટીંગ છે. અમારો પરમ મિત્ર જૈમિન જાણભેદું શોધી લાવ્યો છે કે રામાયણમાં જે સંજીવની જડીબુટ્ટી માટે હનુમાનજી સુમેરુ પર્વત ઉઠાવી લાવ્યા હતાં એ સંજીવની જ પાછળથી ચા તરીકે જાણીતી થઈ છે. જેમ સંજીવની પીવાથી લક્ષ્મણ મૂર્છિત અવસ્થામાંથી બેઠાં થયાં હતાં એમ બેડ ટી પીધા પછી જ અમુક લોકો હોશમાં આવે છે. એટલે જ જૈમિનીયા જેવા અમુક લોકો ચાને ‘પૃથ્વી પરનું અમૃત’ પણ કહે છે. જોકે એવું પણ વાંચ્યું કે ચા ભારતમાં અંગ્રેજો લાવ્યા હતાં. અંગ્રેજો આવ્યાં એ પહેલાં ભારતમાં લોકો સવારે ઉઠી શું કરતાં હશે એ મારી કલ્પનાશક્તિની બહારનો વિષય છે. ચા એ ગાર્ડની લીલી ઝંડી જેવી અસર કરે છે. ચા પીવાથી લોકોના દિવસની ગાડી ઉપડે છે. અમુકને તો ચા વગર પ્રેશર પણ નથી આવતું.

ચા પીવાનો દરેકનો આગવો અંદાજ હોય છે. અમુકને રકાબી સિવાય ચા પીવી ફાવતી નથી. શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર તાયફો કરતો હોય છે ત્યારે અમિતાભ સિસકારા બોલાવીને રકાબીથી ચા પીતો હોય છે. અમારી બહુ જૂની માંગ છે કે આ દ્રશ્યને ચા પીવાના રાષ્ટ્રીય દ્રશ્યનો દરજ્જો આપવો જોઈએ. બાકી શિષ્ટાચારમાં માનનારા કપમાંથી ઘૂંટડે ઘૂંટડે ચા પીવે છે. એક-બે ઘૂંટડા ભરી કપ પાછો રકાબીમાં મૂકવો એ ચા પીવાનાં સ્થાપિત ધોરણો પ્રમાણે જરૂરી છે. બ્લેક ટી કે સર્વિસ ટીનાં શોખીનો પાણીમાં ટી-બેગ ડુબાડી કદીક એમાં થોડાક છાંટા દૂધનાં નાખી ચા તૈયાર કરે છે. આવી ચા ‘રેસ્ટ ઓફ ઇન્ડિયા’ના ચા રસિકોને જોકે ભાવતી નથી, કારણ કે એમાં ‘નકરું પાણી’ હોય છે. સામે છેડે સર્વિસ ટીના શોખીનો ‘કટિંગની ખિસકોલી બ્લેક ટીનો સ્વાદ શું જાણે’ કહી અડધી ચાના શોખીનોની ઠેકડી ઉડાડે છે.

અમદાવાદ તો પહેલેથી જ કંજૂસી માટે બદનામ છે. અમદાવાદમાં રતનપોળમાં સાડી ખરીદવા જાવ તો વેપારી હાથથી ઈશારો કરી ત્રણ અડધી ચા ઓર્ડર કરે. પણ એનાં હાથથી એ ખરેખર ‘ના’ લાવીશ એમ કહેતો હોય છે, ખરીદનાર છેવટે ચાની રાહ જોઈ કંટાળીને ચાલ્યો જાય છે. બીજી એક અમદાવાદી જોકમાં અડધી ચાનો ઓર્ડર કરતો અમદાવાદી ચાના એક કપ સાથે ‘પાણી આપ, આજનું છાપું લાવ, સાઈકલનું ધ્યાન રાખજે’ કહી ચા સાથે મળતાં બીજા આનુસાંગિક લાભ લઈ લે છે. પણ અમદાવાદનાં ચાવાળાં પણ પાછાં અમદાવાદી જ હોવાથી એ હવે સજ્જ થઈ ગયાં છે. હવે ચાનાં કપની જાડાઈ વધી ગઈ છે અને ચા ઘટી છે. અને જે પ્લાસ્ટિકના કપમાં ચા આપે છે, એ તો ગણીને ચાલીસ મિ.લી. જ ચા આપે છે, એ પણ છ રૂપિયામાં. પાછું આને કટિંગ ચા એવું રૂપાળું નામ આપ્યું છે. હિસાબ કરવાં જઈએ તો આ કટિંગ ચા દોઢસો રૂપિયે લીટર પડે. જોકે ફાઈવસ્ટાર હોટલોમાં દોઢસો રૂપિયામાં એક કપ ચા પણ ન મળે એ અલગ વાત છે !  

અ લોટ કેન હેપન ઓવર અ કપ ઓફ ટી. આવું સૂત્ર કોઈએ હજી નથી આપ્યું. એવાં સૂત્રો આપવાના અને માર્કેટિંગનાં કામ કોફી ચાહકોના. એટલે જ કોફીનાં બાર અને કોફી શોપ ખુલે છે, પણ ટી બાર કે ટી શોપ ખાસ જોવાં મળતાં નથી. ચા તો લારી પર જ પીવાય. પણ એથી ચાનાં એક કપ પીતાં દુનિયા સ્થગિત નથી થઈ જતી. ગુજરાતનાં આઈ.એ.એસ. ઓફિસર્સ એક અન-ઓફીશીયલ ‘સાઈડ લાઈન ઓફિસર્સ ટી ક્લબ (એસ.ઓ.ટી.સી.)’ ચલાવે છે. આમાં ભેગાં થનાર ઓફિસર્સ ચાની ચુસકી લેતાં તેમને સાઈડ લાઈન કરવાથી ગુજરાતની જનતાને શું નુકસાન થઈ રહ્યું છે તેની માહિતી અંગ્રેજી અખબારોને આપે છે. તો ભારતીય પરિવારોમાં ‘છોકરી જોવાનાં’ રીવાજમાં પણ ચાનાં કપનું મહત્વ છે. છોકરી ચાનાં કપ ભરેલી ટ્રે લઈને રૂમમાં પ્રવેશે ત્યારે એની ચાલવાની અને કપ આપવાની આવડત જોઈ અમુક મા-બાપ-બહેનો પોતાના લાડલા માટે કન્યાની યોગ્યતાનો નિર્ણય લઈ લે છે. ચાનો કપ પુરો થાય ત્યાં સુધીમાં તો એ બે જણની જિંદગીનો નિર્ણય લેવાઈ જાય છે. રીઅલી, અ લોટ કેન હેપન ઓવર અ કપ ઓફ ટી !

પણ માની લો કે ચા રાષ્ટ્રીય પીણું બની ગઈ તો કેવા દ્રશ્યો સર્જાશે? શું પછી ગરીબ લોકો ચા પી શકશે ? શું ચા ફૂટપાથ પર વેચી શકાશે ? અને વેચાય તો પણ ચાની કીટલીવાળો સવારની પહેલી ચા (જેને જગડખાની ચા પણ કહે છે) એ રસ્તા પર પહેલાની જેમ ઢોળી શકશે કે એમ કરવાથી એનાં પર કાનૂની કાર્યવાહી થશે ?

No comments:

Post a Comment