Monday, May 07, 2012

તમે કદી ગુજરાતી એરહોસ્ટેસ જોઈ ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૬-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
વિમાનમાં બેસવું આજકાલ લકઝરી નથી રહી. અમારા જેવા લેખકો અને કવિઓ સુધ્ધાં આજકાલ વિમાનમાં ઊડે છે. હમણાં જ મીઠાનાં અગરમાં કામ કરતાં શ્રમજીવીઓ રૂપિયા ભેગાં કરીને મુંબઈ ફરવા જવાના છે એવા સમાચાર હતાં. આજકાલ સસ્તી એરલાઈન્સ (અંગ્રેજીમાં લો કોસ્ટ એરલાઈન્સ વાંચવું) ટ્રેઇનનાં ભાવોભાવ તમને હવાઈ મુસાફરી કરાવે છે. સસ્તાં ભાડામાં થતી હવાઈ મુસાફરીમાં સમય બચે છે એ વાત નિર્વિવાદ છે. પણ ટ્રેઇન ગમે તેટલી ફાસ્ટ થાય, હજુ વધુ સસ્તી થાય, ભલે રેલવે બીજી લાખ સગવડ આપે, પણ જ્યાં સુધી ટ્રેઇનમાં એરહોસ્ટેસ નહિ આવે ત્યાં સુધી ટ્રેઇન હવાઈ મુસાફરીની તોલે નહિ આવી શકે. એરહોસ્ટેસ હોવાથી પુરુષોને બે કલાકની લાંબી મુસાફરી ટૂંકી લાગે છે.

ભારતમાં એરઈંડિયા જ્યારે એક માત્ર એરલાઈન હતી ત્યારે સાડી પહેરેલી એરહોસ્ટેસનો દબદબો હતો. ભારતીય એરહોસ્ટેસો આવી છે તો યુરોપ અને અમેરિકાની એરહોસ્ટેસો કેવી હશે?’ એ તો રસિક પુરુષો માટે માત્ર કલ્પનાનો વિષય હતો. જોકે આપણી માલ્યા સાહેબની એરહોસ્ટેસની તોલે વિદેશી એરહોસ્ટેસ દેખાવમાં ન જ આવે, એટલી ક્રેડીટ માલ્યા સાહેબને આપવી પડે. પણ હવે સમય બદલાયો છે. પહેલાનાં જમાનાની હિરોઈનો હેમા માલિની કે રાખી જેવી હૃષ્ટપુષ્ટ હતી. પણ આજકાલ માર્કેટમાં ઝીરો સાઇઝ ચાલે છે. એટલે કરિના બેબોની સાથેસાથે એરહોસ્ટેસ પણ પાતળી થતી જાય છે. જોકે વિમાનમાં આમ પણ ઘણી સંકડાશ હોય છે, એટલે ચાર હેમા માલિનીઓ જો વિમાનમાં આમથી તેમ દોડતી હોય તો એક તો પેસેન્જર ઓછાં લેવાય, પેસેજમાં ટ્રાફિક જામ થઈ જાય અને બે ચાર જણા અડફેટમાં ચઢે. આમ છતાં અમુક એરલાઈન્સ (મોટાભાગે સાઉથ ઇન્ડિયન જ હશે!) હજુ પણ ભરાવદાર એરહોસ્ટેસ ભરતી કરે છે.

પણ એરહોસ્ટેસ હૃષ્ટપુષ્ટ હોય કે પાતળી, મોટે ભાગે એક જ તાકાની બનાવટ હોય એમ સરખાં ઘાટની જોવા મળે છે. મોટેભાગે વાળ પણ સરખાં હોય, પાછળ નાનકડી અંબોડી હોય અને ખેંચીને ચપ્પટ બાંધ્યા હોય. એવા ચપ્પટ કે એમને અંદર અંદર લડાઈ થાય તો વાળ પણ ખેંચી ના શકે. અને આ એક જ તાકાના પીસ ઓળખાય એટલાં માટે નામ લખેલી તકતી ટોપ પર લગાવીને ફરે. આ તકતી પર નામ વાંચવામાં આપણા ગુજ્જેશ ભાઈઓનો સારો એવો સમય પસાર થઈ જાય છે, ખાસ કરીને જેમને બેતાલાંનાં ચશ્માં હોય એમનો!

વિમાન યાત્રાની શરૂઆતમાં એરહોસ્ટેસ વિમાનમાં સુરક્ષા સંબંધિત જાણકારી હિન્દી અને અંગ્રેજી બે ભાષામાં આપે છે. અંગ્રેજી ઓછાંને ફાવે એટલે લોકો હિન્દી ધ્યાનથી સાંભળે. પણ આ હિન્દી ભાષા એટલી શુદ્ધ વાપરવામાં આવે છે કે કોઈ હિન્દીના પ્રોફેસરે આ સૂચનાઓનો હિન્દી અનુવાદ કર્યો હોય એવું લાગે. જેમ કે કુર્સીકી પેટી બાંધને કા સંકેતમાં કવિ કહેવા માંગે છે કે સીટ બેલ્ટ મજબૂત બાંધી લો. પણ અમે તો આ પટ્ટાને પેટી કેમ કહેતા હશે એ મામલે ગૂંચવાઈ જઈએ છીએ. પેલી પેટી બાંધવાનું કહે એટલે અમને ગામડાની નવવધૂ પરણીને પહેલીવાર સાસરે જાય ત્યારે પતરાની મોટી પેટી લઈને જતી હોય એ દ્ગશ્ય જ નજર સમક્ષ આવે. આવું જ ઇમર્જન્સી એક્ઝીટ માટે આપાતકાલીન સ્થિતિમેં બહાર જાને કે લીયે દો દ્વાર આગેકી ઓર, ચાર દ્વાર વિન્ગ્ઝ કે ઉપર ઓર દો દ્વાર પીછે કી ઓર લગે હૈકહે. પણ આમાં દ્વાર શબ્દ આપણા મગજમાં વાગે. શું કવિ સિવાય પણ કોઈ દરવાજાને દ્વાર કહેતું હશે? 

આ લખનારે દેશ-વિદેશના થોડા ઘણાં પ્રવાસ કર્યા છે એમાં કદી ગુજરાતી એરહોસ્ટેસ જોઈ નથી. સાચે જ. મનિષા પટેલ કે જીગીશા શાહ આવા નામ કદી જોવા નહિ મળે. અમને ઘણું આશ્ચર્ય થાય છે કે આવું કેમ ? પછી ઊંડા વિચાર પછી લાગ્યું કે એરહોસ્ટેસને વધારાની લપ નહિ કરવાની તાલીમ આપવામાં આવે છે. એમાં જો આપણી ગુજરાતી છોકરી એરહોસ્ટેસ બને તો આ ડ્રેસ ક્યાંથી લીધો ભાભી?’, ‘સેટ સાચો છે?’ ‘તમારા હમણાં મૅરેજ થયાં?’ જેવા અનેક પ્રશ્નો પૂછી મુસાફરોનું માથું જ ખાઈ જાય. એટલે જ કદાચ આપણી છોકરીઓ પ્લેઇનમાં ઝંપલાવતી નહિ હોય. અને તમે જ વિચારો કે ગુજરાતી છોકરી જો એરહોસ્ટેસ બને તો રોજ મુસાફરી દરમિયાન બે ત્રણ કલાક મોબાઈલ વગર કેવી રીતે રહી શકે? એટલે જ કદાચ ગુજરાતી એરહોસ્ટેસ જોવા મળતી નથી.

ડ-બકા
દિલની વાત કરી મેં તરન્નુમમાં બકા,
એણે હસીને કહ્યું: જા જહાન્નુમમાં બકા!

No comments:

Post a Comment