| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |
‘કેગના
અહેવાલથી ગુજરાત સરકાર હાલી જશે?’ કે ‘શું લશ્કરી વડાને લાંચ ઑફર થઈ હતી?’ જેવા પ્રશ્નોથી પણ વધુ સળગતો પ્રશ્ન આજકાલ ચર્ચામાં છે. આ
પ્રશ્ન છે ‘તમે આ વખતે ક્યાં જવાના ?’. પ્રશ્ન પૂછનાર પાર્ટીને જવાબ સાંભળવા કરતાં સામે સવાલ પુછાય
કે ‘તમે આ વખતે ક્યાં જવાના છો ?’ એમાં વધુ રસ હોય છે. ‘અમે
તો આંદામાન જવાના’, ‘ફ્લાઇટ બુક થઈ ગઈ છે’ એવી માહિતી અપાય કે એથી પણ ઉચ્ચતમ ‘દુબઈ તો ગીયા વરસે સોપિંગ ફેશ્ટીવલ ટાણે ગ્યા તા, શિંગાપોર પણ ઓલી સાલ જઈ આઇવા, હવે
યુરોપ રયું સે’. પણ આ રાતોરાત કરોડપતિને પાંચ વરસ
પહેલાં ક્યાં ગયા હતાં એવું પૂછો તો સોમનાથ અને વીરપુર જવાબમાં મળે !
અને આજથી વીસ-પચીસ વરસ પહેલાં ‘વેકેશનમાં તમે ક્યાં જવાના છો ?’ જેવા સવાલો પડોશીઓ અને મિત્રોના કોર્સમાં જ નહોતાં.
વેકેશનમાં બેન મોટે ભાગે પિયર જાય. છોકરાં સહિત. એમાં ટ્યૂશન નડે નહિ. બેનની નોકરી
નડે નહિ. અને ભાઈ ટેસથી નોકરી કરે. થોડા દિવસ મમ્મીના હાથનું ખાવા મળે એમાં ભાઈને
જલસા થઈ જાય. કોઈ સમભાગી જોડે નાનીમોટી પાર્ટી કરે. અને પત્નીને પિયર લેવા મૂકવા
જતાં કોઈ ધાર્મિક સ્થળ રસ્તામાં પડતું હોય તો ત્યાં દર્શને જઈ આવે એટલે વેકેશન
માણ્યું કહેવાય. અને જો પતિ કે પત્ની સરકારી નોકરીમાં હોય તો એલટીસી માટે ચારધામ
કે નાસિક-ત્ર્યમ્બક કે દક્ષિણ ભારતની જાત્રાએ નીકળી પડે. ત્યારે દેશના જાણીતાં
ધાર્મિક સ્થળોએ ફરેલો વ્યક્તિ માનની નજરે જોવાતો.
પણ આજકાલ ગુજરાતી ક્યાં ફરવા જાય અને કેવી રીતે જાય
તે એની હેસિયત પર આધાર રાખે છે. હજારપતિ ગામમાં તળાવે કે હનુમાન મંદિરે દર્શન કરી
રજા માણે છે. લખપતિ રાજ્યના ધાર્મિક સ્થાનો કે ઐતિહાસિક સ્થળોના પ્રવાસે એસ.ટી. કે
લકઝરી બસમાં બેસી જાય છે. નાના મિલિયોનર ટ્રાવેલ કંપની આયોજિત પેકેજ ટુર લઈ દેશમાં
ફરે છે. મોટા મિલિયોનર વિમાનમાં બેસી હિલસ્ટેશન કે દરિયાકિનારે જાય, અને થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટેલમાં રોકાય. કરોડપતિ
વિદેશમાં ફરવા જાય છે. આ બધું આ પ્રમાણે જ થવું જરૂરી છે. કરોડપતિ ભૂલેચૂકે જો
ઉનાળામાં આબુ જાય તો એની આબરૂ ધૂળધાણી થઈ જાય છે. ‘અરેરે...
આટલાં મોટા કરોડપતિ અને આબુમાં વેકેશન ગાળે છે?’ એવા
પ્રશ્નો લોકો કરે છે. અમુક તો ‘ધંધામાં ખોટ ગઈ હશે’ જેવા તારણ પણ કાઢી નાખે. પછી જનારે ‘છોકરાની એન્ટ્રન્સ છે, વચ્ચે
ત્રણ દિવસ જ હતાં એટલે ફ્રૅશ થવા આવ્યાં, આબુ
નજીક ખરુને ..’ એવા ખુલાસા કરવા પડે છે. એટલે જ
કરોડપતિએ આબુ જવું હોય તો માત્ર વીક-એન્ડમાં જ જવાય.
વેકેશનમાં વિદેશ ફરવા જનારા બે પ્રકારનાં હોય છે. એક
જુનાં જોગીઓ. અને બીજાં નવા નિશાળિયા. ગયા વરસે વિદેશ પર્યટનની શરૂઆત કરી હોય એવા
નવા નિશાળિયા સિંગાપોર યાત્રામાં જે તકલીફ પડી હોય એ અનુભવોને આધારે નવા પ્રવાસ
આયોજન કરે છે. ‘જોજે હો, દસ દિવસ ચાલે એટલાં ઢેબરા બનાવી લેજે, ગ્યા વરસે બ્રેડના ડૂચા મારીને પેટ ગાભા જેવું થઈ ગયું’તુ’. તો કોઈને વળી ચા માં
ભલીવાર ન આવ્યો હોય એ ‘જોજે ચાનો મસાલો ભૂલતી
નહિ આ વખતે’. વિદેશ પ્રવાસમાં પહેલી વાર જાય
એમાં અંગ્રેજી આવડતું ન હોય એટલે ભારત યાત્રાના અનુભવો પ્રમાણે હિન્દીમાં વાત
કરવાની કોશિશો થાય. એમાં ભાઈનું અંગ્રેજી પણ પાછું ચોથી ફેઇલ જેવું હોય તોયે પેલી
ગુજીષા હિન્દીમાં વાત કરવા લાગે એટલે એની મશ્કરી ઉડાડે ! પાછું એકવાર આવા અનુભવો
થયાં હોય એટલે બીજી વખત પહેલેથી એકબીજાને ચેતવતા ફરે કે ‘જોજે પાછી હિન્દીમાં બાફવાનું ચાલુ ના કરી દેતી’.
પણ ગમે તે હોય, વેકેશનમાં
ફરવા જવામાં ગુજરાતીઓ મોખરે છે. એટલે સુધી કે હવે તો ટ્રાવેલ કંપનીઓ ‘પૅરિસમાં પાતરા’
ને ‘વેનિસમાં વેઢમી’
ઑફર કરે
છે. આપણા જેવાને થાય કે રૂપિયા ખર્ચીને પૅરિસમાં પાતરા જ ખાવાનાં ? તો સામે રખડુ પાર્ટી દલીલ કરે ‘એની જ તો મઝા છે, ફરવાનું
આખી દુનિયામાં પણ ખાવાનું તો ગુજરાતી જ !’. આ
આપણી ગુજરાતીઓની ખૂબી છે. ત્રણ દિવસ ખીચડી વગરના જાય તો જાણે અઠવાડિયું નાહ્યા ન
હોય એવી અકળામણ અનુભવે. હોટેલમાં સામાન મૂકીને સૌથી પહેલાં ‘ગુજરાતી થાળી ક્યાં મળે છે ?’ એ
શોધવા નીકળી પડે. અને પછી જ્યાં ગુજરાતી બોર્ડ દેખાય એટલે જાણે ભગવાન મળ્યા હોય
એટલાં ગદગદ થઈ જાય. ત્યાંથી જ હોટેલમાં કપડાં ધોવા મચી પડેલી પત્નીને મોબાઈલ કરી
દે કે ‘ગુજરાતી હોટલ મળી ગઈ છે તમે લોકો
તૈયાર થઈને આવી જાવ’. પણ ખીચડી વગર ઘેલાં થઈ
ગયેલા આપણા આ ગુજ્જેશો, પછીના વર્ષોમાં ‘ગુજરાતી ખાવાનું મળશે કે નહિ?’ અથવા
‘ગુજરાતી મહારાજ સાથે છે?’ જેવી આગોતરી તપાસ કરીને પછી જ રૂપિયા ભરે છે.
હવે તો વેકેશનમાં ફરવા ન જઈ શકનાર ગુજ્જેશ પરિવાર
માટે વેકેશન અને એની આગળપાછળનો સમયગાળો દોજખ સમાન થઈ જાય છે. ‘છોકરાનું એડમીશન’, ‘સાસુ
બીમાર છે’, ‘રજા મંજૂર નથી થઈ’, જેવા સાચા કારણો આપનાર હાંસીપાત્ર બને છે. એટલે જ અમે આવા
લોકો માટે થોડાંક બહાના વિચાર્યા છે. ‘વેકેશનમાં દિગ્વિજયની સ્પીચ લખવાનું કામ
મળ્યું છે, ‘ફોર્ડની જમીન ફાઈનલ કરવાની છે’, ‘અન્ના જોડે ઉપવાસ પર બેસવાનું છે’ કે ‘આઈપીએલમાં આપણી પર બધી
જવાબદારી છે’ જેવું કહેશો તો લોકો તમારી
વેકેશનમાં વિદેશ ન જવાની લાચારીને ઈર્ષ્યાના ભાવ સહિત ચલાવી લેશે. ■
Good che...
ReplyDelete