| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |
એક જમાનામાં હિન્દી ફિલ્મમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી મુખ્ય મુદ્દો રહેતો
હતો. હવે પ્રોફેસરો ડફોળ છે અને એમને કશું આવડતું નથી એવું બતાવવામાં આવે છે. થ્રી
ઈડિયટ્સથી લઈને બધી જ નવી ફિલ્મોમાં આજકાલનાં ભણતર અને પ્રોફેસરોની ફીરકી
ઉતારવામાં આવી રહી છે. પ્રોફેસરોએ કઈ રીતે ભણાવવું એ સલાહ સુચનો કૉલેજમાં ગયેલા,
પણ બહાર ન નીકળેલા ફિલ્મી લેખકો આપે છે. આ બધાંને કારણે વિદ્યાર્થીઓ વાતવાતમાં
પ્રોફેસરોને લાફા ઠોકી દે છે. પ્રોફ્સરોનું તો જીવવું દુષ્કર થઈ ગયું છે. તો આવા
કઠિન સમયે વિદ્યાર્થીઓ પર પોતાની ધાક કઈ રીતે જમાવી રાખવી એ અંગે પ્રોફેસરોને ખાસ ટીપ્સ.
સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને ડરાવવા તમારા દેખાવ ઉપર ધ્યાન આપો. જો તમારો
દેખાવ ઇમરાન ખાન કે શાહિદ કપૂર જેવો ચૉકલેટી હોય તો સૌથી પહેલાં વેકેશનમાં કે રજા
પાડીને અજય દેવગણ જેવી મૂછો ઉગાડો. શક્ય હોય તો જીમ જોઈન કરી સંજય દત્ત જેવું
પડછંદ શરીર બનાવો. વાળ ક્યાં તો કાળા રાખો અથવા તો સંપૂર્ણ ધોળા. કારણ કે મિડલ એજ
પ્રોફેસરો કુણા હોય છે એવી છાપ પ્રવર્તે છે. કાયમ લાકડાની એડીવાળા જૂતાં પહેરો.
કાચાં-પોચા છોકરાઓ તો લૉબીમાં તમારા આવવાનાં અવાજ માત્રથી જ કાંપી ઊઠશે. અને ફાવે
તો ‘હો હો હો હો’ કરીને રાવણની જેમ અટ્ટહાસ્ય કરો. આ બધાં
ઉપાયોથી ખડ્ડુસ છોકરાં તો નહિ ડરે, પણ
અડુકીયા દડુકિયાતો ઉધરસ આવતી હશે તો એ ખાતાં પણ ડરશે.
આજકાલ વિદ્યાર્થીઓને એવો વહેમ હોય છે કે ‘આ પ્રોફેસરને તો કશું આવડતું નથી’. એટલે તમે એની પરીક્ષા કરો એ પહેલાં એ તમારી
પરીક્ષા કરવા તમને પ્રશ્નો પૂછશે. ગભરાશો નહિ. કોઈ પણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો
સૌ પ્રથમ ‘ગુડ ક્વેશ્ચન’ કહી એને બિરદાવો. એ પછી જો સાચો જવાબ આવડતો
હોય તો જવાબ આપો. અને ન આવડતો હોય તો ‘આવા પ્રશ્નો જવલ્લે જ ઊભા થતાં હોય છે, બહુ હાઈપોથેટીકલ સવાલ છે. અને એના જવાબ સમય સંજોગો અનુસાર
જુદાં જુદાં હોય છે. એક કામ કર તું બપોરે મને ઑફિસમાં પ્રશ્નનો સંદર્ભ લઈને મળ તો
આપણે ડિસ્કસ કરીએ’ એવું કહો.
પેલો બપોરે નહિ આવે એની અમારી ગેરંટી. અને છતાંય જો આવે તો ‘ઇફ યુ કેન નોટ કન્વીન્સ ધેમ, કન્ફયુઝ ધેમ’. આ સૂત્ર યાદ રાખો. પણ આ સૂત્ર તમારી કૅબિનમાં કદી ચોંટાડશો નહિ.
છોકરાં પર ધાક બેસાડવા ક્લાસમાં તમે દાખલ થાવ પછી બીજા કોઈને દાખલ ન થવા
દો. અને અઠવાડિયે એક દિવસ ઘડિયાળ પાંચ મીનીટ આગળ કરી દો. ક્લાસમાં વહેલા જઈ હાજરી
પૂરો અને એ પછી જે આવે એને કાઢી મૂકો. અડધા છોકરાં તો ઘડિયાળ પહેરતા જ નથી,
અને જે પહેરે છે એ દરેકની ઘડિયાળમાં
જુદોજુદો સમય હશે. આમ છતાંય જો કોઈ મોડું આવે તો ભણવાનું અટકાવી એને ગબ્બર
સ્ટાઇલમાં વેલકમ કરો. ‘આઓ,
આઓ ..’ મોડો આવેલ વિદ્યાર્થી બેસી જાય પછી એને પૂછો કે ‘ભાઈ પેન, નોટ છે ને?’ અને હોય કે ના હોય એની આજુબાજુવાળાને એને પેન પેપર આપવા કહો, એમ કહીને કે ‘બચારો મારું લેક્ચર ભરવા કેટલો દોડમદોડ આવ્યો છે’.
વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊંઘે તો કાયમ પ્રોફેસર ‘બોરિંગ છે’ એમ કહી પ્રોફેસરને બદનામ કરાય છે. પણ મોટેભાગે વિદ્યાર્થીની ઊંઘનું કારણ
એનાં આગલી રાતના કર્મો હોય છે, પ્રોફેસર
નહિ. જો કોઈ સ્ટુડન્ટ કાચી ઊંઘમાં હોય તો એ પૂરો ઊંઘી જાય ત્યાં સુધી એની તરફ
ધ્યાન આપી એને ઊંઘતો રોકવાની કોશિશ ના કરશો. એ પૂરો ઊંઘી જાય પછી બોલવાનું ચાલુ
રાખી એની નજીક પહોંચો, અને એને ‘ભાઉ’ કરીને કે તાળી પાડી બિવડાવી દો. આખો ક્લાસ હસશે અને એ છોભીલો પડી જશે.
બધું શાંત થાય એટલે એને કાઢી મૂકો. અને જો ચાલુ ક્લાસમાં જો કોઈ છોકરો ઘડિયાળ જુએ
તો તમે ભણાવતા અટકી જાવ. પછી એને પૂછો ‘કેટલી વાર છે ક્લાસ પૂરો થવામાં ?’ એ એમ કહે કે ‘દસ મીનીટ બાકી છે’ તો
તમે ‘ઓહ, દસ જ મીનીટ ? હજુ તો મારે અડધો કલાક જેટલું ભણાવવાનું બાકી છે, સારું છે આ છેલ્લો પીરિયડ છે’. ભણાવવાનું દસ જ મીનીટ, પણ ત્રીસ મીનીટ ભણવાનાં વિચાર માત્રથી બધાની ઊંઘ ઊડી
જશે. અને છતાં જો કોઈ સ્ટુડન્ટ બગાસાં ખાતો હોય તો કદી ગુસ્સે ન થશો. એ બગાસું ખાય
છે એ એનાં જાગતાં હોવાનો જીવતો જાગતો પુરાવો છે!
વિદ્યાર્થીઓને ધાકમાં રાખવા વેલન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, ક્રિસમસ જેવા દિવસની એકદમ પછીના દિવસે એસાઇન્મેન્ટ
સબમીશન ડેટ રાખો. છોકરાઓ ટેવ મુજબ છેલ્લા દિવસ સુધી એસાઇન્મેન્ટ કરશે નહિ અને
જ્યારે જાગશે ત્યારે એમની ફેં ફાટી ચૂકી હશે. તમારું નામ એવું બદનામ થઈ જશે કે
વિદ્યાર્થી નેતાઓ તમારી સાથે આ એસાઇન્મેન્ટ મોડું કરાવવા નેગોશિયેશન પર ઊતરી આવશે.
પછી ક્લાસમાં વધુ ધાક જમાવવા ક્લાસ શરુ થાય એટલે છેલ્લેથી બીજી બેંચ પર બેઠેલાં
નોટોરીયસ વિદ્યાર્થીને પૂછો ‘બતાવ
તો તારી નોટ, લાસ્ટ ક્લાસમાં
કયાં સુધી ચલાવ્યું હતું?’. પછી
એ નોટ આપવામાં ગલ્લાતલ્લા કરે તે માણો. અને શક્ય હોય તો ક્લાસમાં સૌથી બદમાશ
વિદ્યાર્થીની બધાની સામે ફીરકી ઉતારો. બીજા અડુકીયા દડુકિયા તો માથું ઉપર કરવાની
પછી હિમ્મત જ નહિ કરે.
જોકે તમે ખરેખર બહુ બોરિંગ પ્રોફેસર હોવ તો આ બધું કરવાની જરૂર નથી,
કારણ કે વિદ્યાર્થીઓને એમનાં કર્મોની
સજા આપોઆપ મળી જાય છે. ■
આનાથી બીજું કાઈ નહિ તો પણ તમે તમારા લેક્ચર્સ ભરનાર ની સંખ્યા અડધી તો કરી જ શકશો ;) :) :દ
ReplyDeleteજોકે તમે ખરેખર બહુ બોરિંગ પ્રોફેસર હોવ તો આ બધું કરવાની જરૂર નથી, કારણ કે વિદ્યાર્થીઓને એમનાં કર્મોની સજા આપોઆપ મળી જાય છે...
ReplyDeleteઆ પંચ વાંચીને કાળજાના લીરે લીરા થઈ ગયા! :)))
tame professor lago cho
ReplyDelete