Monday, April 23, 2012

ક્યાં મંગતા ? મોબાઈલ કે ટોઇલેટ ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી


કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ આજકાલ દુઃખી છે, કારણ કે ગ્રામીણ મહિલાઓ હવે ટોઇલેટ કરતાં મોબાઇલને વધુ પસંદ કરે છે. એક અહેવાલ પ્રમાણે ભારત દેશમાં ટોઇલેટ કરતાં મોબાઇલ વધારે છે, પણ મંત્રીશ્રી રમેશભાઈને કોણ સમજાવે કે ગામડામાં ઘણી ખુલ્લી જગ્યા હોય, કુદરતી પર્યાવરણ હોય. એમાં કુદરતને ખોળે બેસી લોકો તનાવમુક્ત થતા હશે. બાકી મોબાઇલ વગર તો જીવી જ કઈ રીતે શકાય? અશક્ય.
અમને લાગે છે કે મહિલાઓનો મોબાઇલપ્રેમ યોગ્ય છે. પહેલું તો મહિલા અને મોબાઇલ બન્ને સિંહ રાશિનાં છે. બીજું કે બન્નેમાં મોડલનું ઘણું મહત્ત્વ છે. મહિલાઓ મોબાઇલથી મોટેભાગે પિયર કનેક્ટ થાય છે. આજકાલની છોકરીઓ ભણે એટલે એમને ખાવાનું બનાવતા નથી આવડતું. મોબાઇલ હાથવગો હોવાથી એ પિયર ફોન કરી મમ્મી કે ભાભીને ચા કઈ રીતે મૂકવી’ કે ‘મમરા વઘારવામાં દરેક મમરો તેલમાં ડુબાડવાનો કે નહીં?’ જેવા પ્રશ્નો પૂછી શંકાનું શીઘ્ર સમાધાન કરી બદનામીથી બચી શકે છે. જોકે ટોઇલેટમાં આવા કોઈ ફાયદા નથી.

આમ તો મોબાઇલ અને ટોઇલેટમાં ઘણી સમાનતા છે. મોબાઇલ અને ટોઇલેટ બીજાનાં વાપરી શકાય છે, પણ બન્ને પોતાનાં હોય એ જરૂરી છે. મોબાઇલ પર મિત્રો સાથે વાત કરીને કે ટોઇલેટ જઈને માણસ હળવો થાય છે. મોબાઇલમાં આજકાલ જાતજાતની એપ્લિકેશન આવે છે એ પૈકી એક પ્લાનર છે, જેમાં તમે દિવસભર કે મહિનામાં કરવાનાં કાર્યોની યાદી બનાવી શકો છો. ટોઇલેટમાં પણ પ્લાનિંગ થઈ શકે છે. પરીક્ષા આપી વિદ્યાર્થી જ્યારે પરીક્ષાખંડમાંથી ત્રણ કલાકે બહાર નીકળે છે ત્યારે બે કામ કરે છે, એક હળવો થવા ટોઇલેટ જાય છે અને બીજું, મોબાઇલ ઓન કરી મિસ કોલ કે મેસેજ જુએ છે. મોબાઇલ વપરાશ કરવાથી રિચાર્જ કરાવવો પડે છે, ટોઇલેટમાં માણસ ડિસ્ચાર્જ કરી આવે એ પછી પાછો રિચાર્જ થઈ જાય છે. કબજિયાતનો દર્દી અને બેલેન્સ વગરનો માનવી ક્વચિત રઘવાયા થઈ જાય છે અને સૌથી અગત્યનું એ કે મિત્રોમાં કોઈ નવો મોબાઇલ લાવે તો બધાંને ગર્વથી બતાવે છે. એવી જ રીતે નવું ઘર બનાવ્યું હોય તો એમાં ટોઇલેટ ખાસ દરવાજો ઉઘાડીને બતાવવામાં આવે છે, ‘ટોઇલેટ એટેચ્ડ છે હોં!

લોકો ભલે ટોઇલેટ અને મોબાઇલની સરખામણી કરે, પણ બેઉંમાં ઘણા પાયાના તફાવત છે. મોબાઇલમાં વાત છે, તો ટોઇલેટમાં એકાંત છે. મોબાઇલમાં અન્ય સાથે કનેક્ટ થવાય છે, જ્યારે ટોઇલેટમાં માણસ પોતાની સાથે કનેક્ટ થાય છે. મોબાઇલનો ઉપયોગ અનેક વખત થાય છે, જ્યારે ટોઇલેટનો ઉપયોગ સામાન્ય રીતે દિવસમાં એક જ વાર થાય છે. મોબાઇલમાં બેલેન્સ છે, તો ટોઇલેટમાં ફ્લો છે. મોબાઇલમાં રિકરિંગ ખર્ચા ઘણા છે, ટોઇલેટ સાફ્સફાઈથી વિશેષ ખર્ચ નથી માગતું. મોબાઇલમાં ટેક્નોલોજી છે, ને ટોઇલેટમાં સાદગી છે. ટોઇલેટમાં પાણી વગર ચાલતું નથી, તો મોબાઇલ પાણીમાં ચાલતો નથી!
મોબાઇલ ગિફ્ટ તરીકે આપી શકાય છે, પણ ટોઇલેટ ગિફ્ટ તરીકે નથી આપી શકાતું. મોબાઇલથી ટેક્સ્ટ મેસેજ, કોલ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, ગેમિંગ, બેન્કિંગ, રેલવે બુકિંગ જેવું ઘણું થાય છે. આમાંનું કશું જ ટોઇલેટથી નથી થઈ શકતું.

અમિતાભપુત્ર અભિષેકે મોબાઇલને નવા આઇડિયા સાથે જોડી દીધો છે, પણ ટોઇલેટ તો પહેલેથી વિચારભવન તરીકે જાણીતું છે. ટોઇલેટમાં જઈ માણસ ગહન ચિંતન કરે છે. ઘણા લેખકોને ઉચ્ચ વિચારો ટોઇલેટમાં જ આવતા હશે. છતાં કમનસીબે ટોઇલેટને જોઈએ એટલું મહત્ત્વ મળ્યું નથી. હજુ સુધી કોઈ જ્ઞાનપીઠ કે બુકર એવોર્ડ વિજેતા લેખકે પોતાના ઉચ્ચ વિચોરોનું શ્રેય ટોઇલેટને નથી આપ્યું. કોઈએ એમ નથી કહ્યું કે, ‘એ વખતે હું ટોઇલેટમાં બેઠો હતો, થોડુંક કબજિયાત જેવું હતું એટલે વધારે વાર થઈ હશે અને મને ફલાણો વિચાર સ્ફૂર્યો અને મેં પછી ટોઇલેટ પેપર પર જ વિચારો લખી નાખ્યા હતા.હકીકતે ટોઇલેટમાંથી બહાર નીકળનાર જાતજાતના આઇડિયા સાથે બહાર નીકળે છે. આ તો સારું છે કે આપણે ભારતીયો આર્કિમિડીઝને અનુસરતા નથી, બાકી એક ઝક્કાસ વિચાર આવે અને ‘યુરેકા યુરેકા’ કરી માણસ બહાર ભાગી આવે એવી ઘટનાઓ તો આપણે ત્યાં રોજ બને! અને આર્કિમિડીઝથી ન્યુટન તરફ આગળ વધીએ તો ન્યુટને ટોઇલેટમાં જો ધ્યાન આપ્યું હોત તો અમારા મતે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા એને સફરજનના ઝાડ સુધી લાંબા થવાની જરૂર જ ન પડત !

No comments:

Post a Comment