| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૮-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |
અનારકલી ડિસ્કો જાય છે, એ સમાચાર આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. એટલે જ બધી ચેનલ્સના પત્રકારો અનારકલી અને સલીમને શોધતા હતા. વાત જ એવી હતી ને. બધાંને એવું હતું કે પ્રિન્સ સલીમનું અનારકલી જોડે ચોકઠું ગોઠવાયેલું છે. સલીમ અને અનારકલી લીવ-ઇન રિલેશનશિપ ધરાવે છે ને વેકેશન માણવા સાથે જાય છે. અનારકલીએ કોઈ ફંક્શનમાં એક ટેણિયાના ગાલે ચીંટિયો ભર્યો એમાં તો ‘શું અનારકલીને સારા દિવસો જાય છે?’ એવા બ્રેકિંગ ન્યૂઝ એક ચેનલ પર ચોવીસ કલાક એક જ ફોટા સાથે બતાવવામાં આવ્યા હતા એટલે જ તો અનારકલી સલીમને મૂકી ડિસ્કો જતી હોય તો દાળમાં જરૂર કંઈક કાળું છે અને એમાં ચાંચ મારવી એ ચેનલોનો ધર્મ છે. એટલે જ અધીર ન્યૂઝ નેટવર્ક (ANN)ના ચબરાક પ્રતિનિધિએ સલીમને પકડી પાડયો હતો અને થોડી રકઝક બાદ સલીમ ઇન્ટરવ્યૂ આપવા રાજી થયો હતો. તો આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો.
ANN : સલીમ સર, શું એ વાત સાચી છે કે અનારકલી ડિસ્કો ગઈ છે?
સલીમ : હા, ગઈ હશે, એમાં શું મોટી વાત છે. એ ઉંમરલાયક છે એને નાચવું ગમે છે, તો જાય જ્યાં જવું હોય ત્યાં.
ANN : પણ સલીમને મૂકી ને?
સલીમ : મને નાચતા નથી આવડતું એટલે કંટાળો આવે છે. ડિસ્કોમાં જઉં અને ક્યાંક એનો પગ કચરાઈ જાય તો નકામો વીમો પાકે!
ANN : અનારકલીના પગનો વીમો છે? ફૂટબોલ પ્લેયરના પગનો વીમો હોય, પણ અનારકલીના પગનો?
સલીમ : કેમ એ સારું કથ્થક કરે છે. ડાન્સર છે. પગનો વીમો ન હોય?
ANN : હોય ને, પણ ડિસ્કો તો ભીડભાડવાળી જગ્યા છે, ત્યાં ન જવું જોઈએ.
સલીમ : અલા, મને વાંધો નથી, મારા ડોહાને વાંધો નથી અને તને વાંધો છે?
ANN : ઓહ ઓકે. ચાલો વાંધો પાછો ખેંચી લઉં છું, આ તો એવું સાંભળ્યું હતું કે અનારકલીના પગ ભારે છે એટલે.
સલીમ : એ તો તમે એની સાથે ડિસ્કો કરો અને એનો પગ તમારા પગ પર પડે તો તમને ખબર પડે!
ANN : સારું સારું, પણ આ અનારકલી તમને મૂકીને ડિસ્કો ગઈ પછી તમને કેવું
લાગે છે?
સલીમ : ખરું કહું? બહુ સારું લાગે છે. આ બધાં જે બેઠા છે ને આસપાસ, એ દોસ્તોને બહુ વખતે મળ્યો. યુ સી, અનારકલી થોડી પઝેસિવ છે.
ANN : (કેમેરા સામે જોઈને ) અનારકાલીના એકલા ડિસ્કો જવાથી ખુશ છે સલીમ. શું સલીમના જીવનમાં બીજી કોઈ કલી આવી છે? આપણે એક નાના વિરામ પછી સલીમ સાથે વાત આગળ વધારીશું ત્યાં સુધી ક્યાંય જશો મા.
--
ANN : સલીમજી, અમારી પાસે કર્ણદીદ (ચશ્મદીદની જેમ) ગવાહ છે, જે કહે કે અનાર તમારી વધારે ઉંમરને કારણે તમને અંકલ કહીને બોલાવે છે...
સલીમ : તમારા એ કર્ણદીદ ગવાહનું નાક તોડવું પડશે મારે...
ANN : ઓહ, જવા દો, અમે સાંભળ્યું છે કે કોઈ એનજીઓ એ ‘અનારકલી...’ ગીત માટે વાંધો ઉઠાવ્યો છે?
સલીમ : એમ?
ANN : એમનું કહેવું છે કે ઇતિહાસના પુસ્તકમાં સલીમ વિશે પાઠ આવે છે, પણ ગીતના શબ્દોને કારણે છોકરાંને જાતજાતના સવાલ થાય છે. શહેજાદા ગલીમાં શા માટે રહેતા હશે? અનારકલી કેમ એકલી ડિસ્કો જતી હશે?
સલીમ : લોકોને અત્યારે આ બધું સૂઝે છે? મારા ડોહાને જોધા અકબરમાં અભણ બતાવ્યા ત્યારે ‘સૌ ભણે, સૌ આગળ વધે’ નો ઝંડો લઈ ફરવાવાળા ક્યાં ગયા હતા?
ANN : તમારા ડોહા, બોલે તો ડેડની વાતથી યાદ આવ્યું કે શું અનારકલી અને તમારા ડેડને બનતું નથી?
સલીમ : કોણે કહ્યું? તમેય બોસ મોગલે આઝમના જમાનાની વાત કરો છો. ડોહા તો કજરારેમાં અમિતાભે ઐશ્વર્યા વહુ સાથે ડાન્સ કર્યા ત્યારથી અનારકલી સાથે ડિસ્કો કરવા થનગને છે. આ તો મમ્મીએ પકડી રાખ્યા છે. તમેય ક્યાંથી લઈ આવો છો આવાં પડીકાં?
ANN : (કેમેરા સામે જોઈને ) બ્રેકિંગ ન્યૂઝ, અનારકલી સાથે ડિસ્કો જવા આતુર છે મોગલે આઝમ...
સલીમ : આજે ડોહા જરૂર ખુશ થશે પબ્લિસિટીથી!!
ANN : હેં ???
No comments:
Post a Comment