| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૮-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |
જ્યારે જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે ત્યારે કેટલાક ઉત્સાહી જીવડા અમારી ફેસબુકની વોલ પર આવી લખી જાય છે કે “હવે તો રોડ પર વાહનને બદલે પ્રાણીઓ ફરતાં થઈ જ જશે.” ન કરે મનમોહન ને આ આઇડિયા જો ક્યારેક સચ્ચાઈ બની જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવું લાગે છે.
પ્રાણીઓ રોડ પર આવી જાય તો સડક પર બબાલો વધી જાય. અત્યારે તો વાહનો એક બીજાને ઘસરકા મારે એ બાબતે ઝઘડા થાય છે પણ વિચારો કે સિગ્નલ પર ઊભા હોવ અને તમારું ગધેડું બાજુવાળાની ગધેડીને ચાટવા લાગે કે લાતો મારે તો શું પરિસ્થિતિ થાય? અને આવા સંજોગોમાં સિગ્નલ ગ્રીન થયા પછી પણ ગધેડાં ગધેડી આગળ દર્શાવેલી પ્રવૃત્તિઓ જો ચાલુ રાખે તો? આ ઉપરાંત કોઈ નવરાં કાકા હાથી પર ફરવા નીકળે અને સિગ્નલ ગ્રીન થયા પછી ચાર રસ્તા ક્રોસ કરતાં હાથીને વાર થાય એવું બને. આ સંજોગોમાં પાછળ ઊભેલા માણસો પોતપોતાનાં પ્રાણીઓનાં હોર્ન વગાડે તો કેવો દેકારો મચી જાય?
જો પ્રાણીઓ વાહનોની જગ્યા લઈ લે તો પછી પીયુસી ર્સિટફિકેટ માટે કેવા ટેસ્ટ થાય એ સંશોધનનો વિષય છે. વાહનોમાં તો કાર્બન ડાયોક્સાઈડ અને મોનોક્સાઈડ મપાય, પણ પશુના કિસ્સામાં મિથેન ગેસ પણ માપવો પડે. આમાં, એન્જિન ચાલુ હોવા છતાં મિથેન ગેસ ક્યારે છૂટશે તેવું ખાતરીબંધ ન કહી શકાય. એટલે જ પીયુસી ર્સિટફિકેટ કઢાવવામાં સવારથી સાંજ પડી જાય એવું બને. પેલી બાજુ સરકાર માટે આ પીયુસી ર્સિટફિકેટની સમયમર્યાદા કેટલી રાખવી તે મુદ્દો પણ પેચીદો બની શકે છે, કારણ કે પ્રાણીઓના કિસ્સામાં ગેસ પ્રોડક્શનની માત્રા રોજ જુદી જુદી હોઈ શકે છે. આ સંજોગોમાં કદાચ એવરેજ પોલ્યુશન માપી ચલાવવું પડે. જોકે આમ થવાથી પીયુસી કઢાવવામાં મહિનો નીકળી જાય. આ સમસ્યાના ઉકેલ માટે પોર્ટેબલ ગેસમાપક ઉપકરણ પ્રાણીના પૂંછડા પાસે બાંધી દેવાય જેનો ડેટા સીધો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની લેબોરેટરીમાં રેકર્ડ થયા કરે. આમ છતાં પ્રાણીઓના કિસ્સામાં વાયુ પ્રદૂષણ ઉપરાંત ઘન કચરો (સોલિડ વેસ્ટ) પણ પેદા થતો હોવાથી ર્સિટફિકેશનની પ્રક્રિયા વાહનચાલકો અને સરકાર માટે માથાના દુખાવારૂપ બની જાય તેવી શક્યતાઓ દેખાય છે.
પ્રાણીઓ જો વાહન વ્યવહારમાં વપરાય તો પાર્કિગની નવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે. આમ તો કાર કરતાં પ્રાણીઓ ઓછી જગ્યા રોકે, પરંતુ પાર્કિગમાં લાતાલાતીની ઘટનાઓ પણ બને. આ ઉપરાંત ઊંટ અને હાથી જેવાં વાહનો પાર્ક કરવા સ્લેબ થોડો ઉપરના લેવલ પર લેવો પડે, ખાસ કરીને એપાર્ટમેન્ટસમાં. પ્રાણીઓને પાર્કિગમાં બરોબર બાંધવા પડે નહિતર જો પ્રાણી છૂટું થઈ જાય તો પાર્કિગમાં રહેલા બીજાં પ્રાણીઓના ઘાસચારામાં મોઢું મારી શકે અને જો પ્રાણી ભાગી જાય તો એકસરખાં મોડલનાં અનેક પ્રાણીઓમાં પોતાનું પ્રાણી શોધવું ઘણું મુશ્કેલ થઈ પડે.
વળી, પ્રાણીઓનાં વિવિધ મોડલ જોવા મળે જેમાં જાતવાન ઘોડાનું સ્થાન સ્પોર્ટ્સ કાર જેવું હશે. ઘોડાનાં સૌથી નાની સાઈઝ અને ઓછાં હોર્સપાવરનાં મોડલ જેવા કે ખચ્ચર અને ટટ્ટુ બજારમાં લાખ રૂપિયામાં મળશે અને ખરીદનાર ‘દિવસમાં કેટલું ઘાસ ખાય છે? કેટલાં ડેસિબલ અવાજ કરે છે? ૦થી ૨૦, કેટલી કેટલી સેકન્ડમાં? ર્ટિંનગ રેડિયસ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ કેટલું? જેવી માહિતી મેળવ્યા બાદ જ ખરીદી કરશે.
પ્રાણીઓનો ઉપયોગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ થશે. પછી ‘હાથ ઊંચો કરો અને બેસો’ જેવી સેવા લોકો રખડતી ગાય થકી મેળવી શકશે. આ સેવા પહેલાંની જેમ કોર્પોરેશન હસ્તક જ રહેશે. કોર્પોરેશન પણ ગૌરવભેર કહી શકશે કે ‘દર બે બે મિનિટે અમારી ગાય તમારી સેવામાં.’ આમ થવાથી પાલિકાનો ઢોર ત્રાસ નિવારણ વિભાગ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવામાં ભળી જશે. ગાયોને રખડતી મૂકનાર ગોપાલકો કાયદેસર રીતે ગાયો લીઝ પર આપી કોર્પોરેશન પાસેથી ભાડું વસૂલ કરી શકશે. ગાયો બગડે, એટલે કે બીમાર થાય તો કોર્પોરેશનના વર્કશોપમાં જાનવરોના ડોક્ટરો એમને રિપેર કરી દેશે. આ ગાયોને સ્પેશિયલ બનાવેલા રસ્તા પર ચલાવવામાં આવશે. આ એવોર્ડ વિનિંગ સેવાને ‘ગાય રેપિડ ટ્રાન્સપોર્ટ ર્સિવસ (જીઆરટીએસ)’ જેવું રૂપાળું નામ પણ આપી શકાશે. જોકે આ બધું થવાથી પ્રજાને ખાસ ફેર પડે તેવું લાગતું નથી, કારણ કે પ્રજા તો અત્યારે પણ શિંગડે ચઢે છે અને પછી પણ ચઢશે ! ■
ડ-બકા
તપે સહરે શાશ્વત સંબંધ બકા,
કરો સત્વરે ઊંટનો પ્રબંધ બકા.
No comments:
Post a Comment