Sunday, March 11, 2012

સુદામા નગરી


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૧-૦૩-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

અને સુદામા જેની સાથે એક જમાનામાં મ્યુનિસિપાલિટી સ્કૂલની એક જ બેન્ચ પર બેસી ભણ્યો હતો તે હાલના બાંધકામ અને શહેરી વિકાસ મંત્રી ક્રિશ્નાના સાત માળના આલીશાન ફલેટ જેવા બંગલામાં પ્રવેશ્યો. એ સમયે ક્રિશ્ના છઠ્ઠા માળે સ્વિમિંગ પુલ પાસે પત્ની રુક્મિણી સાથે હીંચકો ખાતા બેઠા હતા. તકદીરની વાત છે, સુદામો ધોરણ દસ સુધી ભણી શહેરની ધગધગતી સડકો પર પરચૂરણ વસ્તુઓ વેચી જીવનનિર્વાહ કરતો હતો, જ્યારે ક્રિશ્ના કોઠાકબાડા કરી કોલેજ સુધી પહોંચી ગયો હતો. પછી તો કોલેજમાં જ નેતાગીરી ચાલુ કરી દીધી. વીસ વર્ષમાં તો એ વિદ્યાર્થી યુનિયનનો પ્રતિનિધિ, સેનેટ મેમ્બર, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્ય અને છેવટે આ મંત્રીપદ પામ્યો હતો. પણ એક જમાનામાં સુદામા સાથે રેલવે ટ્રેક પાસે પડેલા કોલસા વીણવા જતો હતો, એ વાત હજુ ભૂલ્યો નહોતો.

એમાં ‘બિલ્લુ બાર્બર’ ફિલ્મ જોયા પછી સુદામાની પત્ની એને ઘોંચપરોણા કર્યા કરતી હતી કે “તમારા ખાસ મિત્ર મંત્રી છે, તો આ ઝૂંપડીનું કંઈક કરો, ચોમાસામાં તો બળ્યું રહેવાતું નથી. અને ઘણા સંકોચ સાથે સુદામો ક્રિશ્નાને મળવા તૈયાર થયો હતો. એણે ગાર્ડને પોતાની ઓળખ આપી. સુદામાના આશ્ચર્ય વચ્ચે માત્ર કલાક રાહ જોવડાવ્યા બાદ એને છઠ્ઠા માળે જવા કહેવામાં આવ્યું. એની પત્નીએ બનાવી આપેલું ખીચું એ ડબ્બામાં  સંતાડીને લાવ્યો હતો. એને ખબર હતી કે ક્રિશ્નાને ખીચું બહુ ભાવતું હતું. પણ ક્રિશ્ના સુદામાને જોઈ ઊભા થઈ ગયા. એને આવકાર્યો અને સાથે હીંચકા પર જ આગ્રહ કરીને બેસાડયો. રુક્મિણી મોબાઈલ પર કદાચ એ વખતે પિયર વાત કરતાં હશે, એટલે એમનું ધ્યાન અડધું પડધું જ બે જૂના સખાની વાતોમાં હતું.

તાજાં ફળો, વેફર્સ, સૂકો મેવો સાથે ફ્રેશ કિવી જ્યૂસ સુદામાને ધરાયા ત્યારે સુદામાને ખીચું લાવ્યાનો ક્ષોભ થયો. પણ ક્રિશ્નાએ સામેથી કહ્યું કે “અરે, ભાઈ સુદામા આ તારી પોટલીમાંથી મને ખીચાની સુગંધ આવે છે, જરા ખોલ તો ખરો.” અને સુદામાને જિંદગીમાં પહેલી વાર પોતાની પત્ની પર ગર્વ થયો. એણે લંચબોક્સ ખોલીને ક્રિશ્નાને ધર્યું. ક્રિશ્ના તો ઉપર ભારોભાર તેલ ઠપકારેલું ખીચું દબાવવા લાગ્યો. પણ એટલામાં રુક્મિણીની નજર એના પર પડી. તરત જ દોડીને એણે ખીચું ઝૂંટવી લીધું અને બોલી “તમને ડોક્ટરે ના પાડી છે તેલ ખાવાની, સમજતા નથી?” ક્રિશ્નાના મુખ પર લાચારીના ભાવ છવાઈ ગયા, એ બોલ્યો “જોયું મિત્ર, બધું છે, પણ નાસ્તામાં ઘાસ જેવા બિસ્કિટ અને ખાંડ વગરની ચા મળે છે. મિત્રની આ દશા જોઈ સુદામાની આંખોમાં પાણી આવી ગયાં. થોડો સમય બેસી સુદામા રવાના થયો. પાછળ ક્રિશ્ના રુક્મિણીને કશુંક સમજાવવા લાગ્યો.

આખા રસ્તે સુદામા ક્રિશ્નાને પોતાની ઝૂંપડી બાબતે ન કહી શકવા અંગે અફસોસ કરતો રહ્યો અને ઘરે જઈ પત્નીને શું જવાબ આપશે એ બાબતે ચિંતિત પણ થઈ ગયો. પણ ઘરે પહોંચીને જુએ છે તો કોર્પોરેશનની દબાણ હટાવવાની ગાડીઓ અને પોલીસનો મોટો કાફલો ઊભો હતો. નદી કિનારે એની ઝૂંપડી તથા આજુબાજુનો વિસ્તાર સાફ કરી દેવામાં આવ્યો હતો. એની પત્ની સામે ઊભી ઊભી રડતી હતી. ત્યાં કોઈએ એના હાથમાં કાગળો પકડાવી દીધા.

સુદામાએ કાગળો વાંચ્યા અને ખુશીથી ઊછળી પડયો. જોયું, ક્રિશ્નાની કમાલ, તારું બનાવેલું ખીચું ખાધું નથી ને આ બાજુ આપણને નદી કિનારા વિસ્થાપિત યોજના હેઠળ એક બેડરૂમનો ફલેટ સુદામા નગરીમાં ફાળવી દીધો. એની પત્નીને સમજ પડી. બન્ને જણા સામાન બાંધી નવી જગ્યાએ પહોંચી ગયાં. પણ ત્યાં જુએ તો નવાં મકાનોમાં ઠેરઠેર તિરાડો, ફલોરિંગ તૂટેલું અને ઈલેક્ટ્રિકના વાયરો લટકતા હતા. પણ ‘જે છે તે, પણ ઝૂંપડા કરતાં તો સારું છે’ એવું કોઈ સરકારી અધિકારીએ સમજાવ્યું એ એના મગજમાં ઊતરી ગયું. પણ નવી જગ્યાએ જવાથી બે સમસ્યા સર્જાઈ હતી. એક તો એની પત્ની જે રસોઈ અને ઘરકામ માટે જતી હતી, તે કામ બંધ થઈ ગયું કારણ કે નવું ઘર બહુ દૂર હતું. અને બીજું કે એ જ્યાં રસોઈ બનાવતી હતી એ ઘરોમાં કકળાટ ચાલુ થઈ ગયો. એટલે સુધી કે પત્નીઓના હાથનું ખાવાનું અઠવાડિયું ખાધું, એમાં સાત-આઠ તો ડિવોર્સના કેસ ફાઈલ થઈ ગયા. સુદામાને પેલી શાન ફિલ્મના શાકાલનો ડાયલોગ યાદ આવી ગયો ‘મેં હસું, યા રોઉં?’
 
ડ-બકા
શહેર આખામાં ચર્ચાય છે એક જ કિસ્સો બકા,
અનારકલી મુજરો મૂકીને જાય છે ડિસ્કો બકા.

No comments:

Post a Comment