| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |
પ્રેમમાં જે પડે છે એ હવામાં ઊડે છે. પછી તો એને હવા
પણ ગુલાબી લાગે છે. ઠંડી ખૂબ હુંફાળી લાગે છે. તડકો રેશમી લાગે છે. ચહેરામાં ચાંદ
દેખાય છે. વાદળમાં એને પ્રેમિકાનાં વાળની ઘટા દેખાય છે. એનાં અવાજમાં સુર રેલાય
છે. આંખો મળે તો તીર વાગે છે અને જુદાઈ હોય ત્યારે દિલમાં શૂળ ભોંકાય છે. પણ
પરણ્યા પછી બંને જમીન પર પાછાં આવી જાય છે. પછી હવા પ્રદૂષિત લાગવા લાગે છે.
ઠંડીમાં શરદી થઈ જાય છે. તડકામાં સનગ્લાસ વગર ચાલતું નથી. ચહેરામાં ખીલ દેખાય છે
અને ફેસિયલ કરવાની જરૂરિયાત પણ જણાય છે. વાળમાં તેલ નડે છે અને એનાં અવાજથી ડિસ્ટર્બન્સ
થાય છે. જુદાઈનાં પ્રસંગો બહુ સારા લાગે છે.
આમ છતાં ફેબ્રુઆરી મહિનાની ચૌદમી તારીખે વેલેન્ટાઈન
ડે આવે એટલે લોકો ધંધે લાગી જાય છે. પ્રેમીઓ મહિનાઓ પહેલેથી આ દિવસના આગોતરા આયોજન
કરે છે. આ દિવસે પાર્ટી, એન્ગેજમેન્ટ, અને ગોર મહારાજો જો આ તારીખને મંજૂરી આપવામાં આડોડાઈ
ન કરે તો તેઓ લગ્ન પણ કરી નાખે છે. આપણે ત્યાં વેલેન્ટાઈન ડે પર થયેલા લગ્નો પર
કોઈ ખાસ વિશેષ સંશોધનો નથી થયાં બાકી આ અમેરિકા હોત તો કોકે રિસર્ચ કર્યું હોત કે
વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનાર લાબું જીવે છે, એમને શરદી નથી થતી, અથવા તો આ દિવસે કરેલાં
લગ્ન અન્ય લગ્નો કરતાં સાડા ત્રણ મહિના વધારે લાંબા ચાલે છે, વગેરે વગેરે. પણ આ
અમેરિકા નથી. આ ઈન્ડીયા છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. એટલે અહિં વેલેન્ટાઈન ડે જરા
જુદી રીતે ઊજવાય છે.
વેલેન્ટાઈન ડે નજીક આવે એટલે મોલ્સમાં ગુલાબી અને
લાલ રંગ છવાઈ જાય છે. પણ જેમ સાંઢ લાલ રંગ જોઈ ભડકે એમ અમુક લોકો ભડકી ઊઠે છે. ખાસ
કરીને લેખકો. લેખકો લેખ લખી વેલેન્ટાઈન ડે ના દુષણો વિષે લોકોને નવેસરથી માહિતગાર
કરે છે. રૂઢિચુસ્તો પણ પાનનાં ગલ્લેથી માંડીને ઑફિસના ટૅરેસ સુધી સિગરેટ પીતાં
પીતાં આ વિષય પર ઉગ્ર ચર્ચા કરે છે. કૉલેજ મૅનેજમેન્ટ પોતે જે યુવાનીમાં નથી કરી
શક્યા એ છોકરાઓ ન કરે તે માટે આચારસંહિતા જાહેર કરે છે. યુનિવર્સિટીઓ ‘કઈ કોલેજે આચારસંહિતા
નથી લાગુ પાડી?’ તેનું ધ્યાન રાખે છે. લેડિઝ હોસ્ટેલનાં વોર્ડન નાઇટ આઉટ માટેની મંજૂરીઓ પર
અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવે છે. આમ વિવિધ લોકો ‘વેલેન્ટાઈન ડે એ ભારતીય સંસ્કૃતિ
પર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ છે’ એ મુદ્દે એક થઈ જાય છે. જો આવી એકતા લોકોએ અંગ્રેજો
ભારત આવ્યા ત્યારે દેખાડી હોત તો કદાચ દેશ વહેલો આઝાદ થઈ ગયો હોત !
આ દિવસે રૂપિયા ખર્ચી યુવાનો છાપામાં વેલેન્ટાઈન ડે
મૅસેજ છપાવે છે. ગુજરાતી છોકરો કેવો બદલાઈ ગયો છે તેનો આ તાદ્રશ્ય પુરાવો છે.
જ્યારે મોબાઈલ પર પચાસ પૈસામાં ફોન થઈ શકતો હોય, અને સો જણને ફ્રી મૅસેજ થઈ શકતો
હોય તે સંજોગોમાં પાંચસો રૂપિયા ખર્ચીને આવી જાહેરાત છપાવે એ બીજું કોઈ હોય પણ
ગુજરાતી તો ન જ હોઈ શકે. હવે તો છોકરીઓ પણ બોલ્ડ થઈ ગઈ છે. ગયા વરસે અમે એક
અંગ્રેજી અખબારમાં આવી કોઈક જાહેરાત વાંચી હતી જેમાં લખ્યું હતું કે
ડિયર રાજ...
પ્લેન્ટી ઑફ લવ,
ટન્સ ઑફ કિસીઝ,
હોપ સમ ડે
ટુ બી યોર મિસીઝ.
યોર સિમરન.
બચારો રાજ. એક તો ટનના ભાવે ચુંબનો લેવાનાં અને ઉપરથી પાછી પેલીને મિસીઝ બનાવવાની! આ કિસ્સામાં પેલી આપતી હોવાથી આપણો ગુજ્જેશ બચારો ચુપચાપ લઈ લેતો હશે, બાકી જો છોકરી એમ કહે કે ‘એક ચુંબન લેવા દે, તો ચોક્કસ પેલો ના પાડી દે !
ડિયર રાજ...
પ્લેન્ટી ઑફ લવ,
ટન્સ ઑફ કિસીઝ,
હોપ સમ ડે
ટુ બી યોર મિસીઝ.
યોર સિમરન.
બચારો રાજ. એક તો ટનના ભાવે ચુંબનો લેવાનાં અને ઉપરથી પાછી પેલીને મિસીઝ બનાવવાની! આ કિસ્સામાં પેલી આપતી હોવાથી આપણો ગુજ્જેશ બચારો ચુપચાપ લઈ લેતો હશે, બાકી જો છોકરી એમ કહે કે ‘એક ચુંબન લેવા દે, તો ચોક્કસ પેલો ના પાડી દે !
આ દિવસે ગર્લ ફ્રેન્ડ્સને ચોકલેટ, ફુગ્ગા, ગ્રીટિંગ કાર્ડસ અને
ગિફ્ટ્સ આપવાનો રિવાજ છે. વિદેશમાં તો છોકરીઓ બોય ફ્રેન્ડસને પણ ગિફ્ટ આપતી હોય
છે. કાગળ બચાવવા અને પર્યાવરણની રક્ષાકાજ ભારતીય યુવાધન ગ્રીટિંગ્સ ન આપતાં ફેસબુક
કે મોબાઈલ મેસેજથી કામ ચલાવી લે છે. પણ જેમની પાસે ખર્ચની જોગવાઈ નથી તેવાં અને
પાર્ટી કે ક્લબના મફત પાસની ગોઠવણ ન થઈ હોય તેવાં લોકો બગીચા કે અન્ય એકાંત સ્થળોએ
ગીફ્ટની લેણદેણ માટે મળે છે. પછી આ આદાનપ્રદાનની પ્રક્રિયા સ્ક્રિપ્ટની બહાર પણ
જાય છે. પણ ત્યાં જ પોલીસ દાદા રંગમાં ભંગ પડાવવા આવી પહોંચે છે. કલાપીની ‘રે પંખીડા સુખથી ચણજો
ગીત વા કાંઈ ગાજો’ એ કવિતા સ્કૂલમાં ભણ્યા હોવા છતાં પોલીસ એ પંખીડાઓને સુખેથી ચણવા દેતાં નથી એ આપણાં
ગુજરાતી શિક્ષકોની નિષ્ફળતા દર્શાવે છે. પણ પંખીડા જેને કીધાં, એ પંખીની જેમ જ એક
જગ્યાએથી ઉડાડો તો બીજી જગ્યાએ જઈ ગુટર ગુ કરવા લાગે છે.
વેલેન્ટાઈન ડે પર યુવાનો ફેસબુક અને મેસેજમાં શાયરી
મોકલે એવો રિવાજ છે. તુષારભાઈએ ‘એમ પૂછીને થાય નહિ
પ્રેમ’ દ્વારા
મા બાપ કે સામેવાળા પાત્રને પૂછવાની મનાઈ ફરમાવી છે. જોકે રૂબરૂમાં શાયરી કહેવાની
આવડત અને હિંમત ઘણાં ઓછા લોકોમાં હોય છે. શાયરીના લખનારા કવિઓ પણ શું પોતે પ્રેમની
રૂબરૂ અભિવ્યક્તિ કરે છે, કે શ્રી સુરેશ દલાલની પેલી પંક્તિની જેમ પ્રેમની વાતો જ કરે
છે ? આ
સવાલ સંશોધન માંગી લે છે. કોઈક વિદ્યાર્થીએ ‘ગુજરાતી કવિઓ અને પ્રેમ :
કવિતાથી વાસ્તવિકતા સુધી’ એ વિષય પર શોધ નિબંધ લખવાની તાતી જરૂર છે. ■
વાહ
ReplyDeleteadhir bhai aa vkht na article ma depth o6i lagi tmara level nu ntu aa..
ReplyDeleteGood છે
ReplyDeleteअप्रतिम, अतिसुंदर.
ReplyDelete