Monday, February 27, 2012

પાર્થને કહો ઉઠાવે વડાંપાઉં


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૬-૦૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |    

અને પાર્થે એકદમ દીનભાવ સાથે પોતાનાં સાળા ક્રિષ્નાને કહ્યું કે ‘ડીયર ક્રિષ્ના, સામે ફાસ્ટફૂડ રેસ્ટોરાંમાં બર્ગરના ફોટા મને લલચાવે છે, આ તરફ હું વડાપાઉં બનતા જોઉં છું, પેલી તરફથી પંજાબી સમોસાની અને આ બાજુ ભાજીપાઉંની લારીમાંથી આવતી ખુશ્બુએ તો મારા પગમાંથી ચાલવાની સઘળી તાકાત બિલકુલ હણી જ લીધી છે. સખા, દુકાનમાં રસઝરતી જલેબી જોઈ મારું મન ચકરાવે ચઢ્યું છે. પણ હે મિત્ર, આ બધું મારા માટે વર્જ્ય છે. કારણ કે વડાપાઉં અને સમોસા કોલેસ્ટોરોલ વધારે છે અને ડાયાબિટીસના કારણે જલેબીને તો અડવાની પણ ડોક્ટરે મનાઈ ફરમાવી છે. તો હે સખા, તું જ કહે કે ચારેતરફ સ્વાદિષ્ટ વાનગીઓથી ઘેરાયેલો એવો હું કઈ રીતે સંતૃપ્તિ પામું ?’ ત્યારે ટેસ્ટી ખાવાનું જોઈ ચલિત થયેલા, પરંતુ ડોક્ટરોની ધમકીઓ અને હેલ્થ ટીપ્સ વાંચીને નાસીપાસ થયેલ પાર્થને ક્રિષ્ના કહે છે કે:

‘હે વત્સ, ડોક્ટરોનો ધર્મ છે પેશન્ટની રક્ષા કરવાનો. આ માટે ડોક્ટરો પ્રતિજ્ઞા પણ લે છે. આમ પેશન્ટને ખાવાની મનાઈ ન ફરમાવે તો એ ડોક્ટર એનો ધર્મ ચૂક્યો કહેવાય. પણ ડોક્ટરોના કહેવા છતાં ઈન્દ્રિયોને વશ અમુક દર્દીઓ પોતાનું ધાર્યું ખાય છે અને અંતે વાયા ડોક્ટર થઈને યમલોકને પામે છે. પાર્થ, એક દિવસ બધાએ મરવાનું છે. જે ખાય છે એ પણ મરે છે અને ભૂખ્યો રહે છે એ પણ મરે છે, તો પછી ખાઈને કેમ ન મરવું? વત્સ, એટલે જ તો મને રોજ ત્રણ ફરસાણ અને છપ્પન ભોગ મઠા વગર ખાવાનું ગળે જ નથી ઉતરતું.’

‘અને હે મિત્ર, તું તો માર્કેટીંગનું કામ કરે છે. તારે રોજ કેટલાં ટાર્ગેટ પાડવાના હોય છે જેના માટે તારે શક્તિની જરૂર છે, ઘાસ જેવા કોબીના સલાડ અને સ્વાદહીન દૂધીના ડાયેટ સુપ પર રહીને તું આ ટાર્ગેટ કદાપિ ન પાડી શકે, માટે મારું માન અને આ પંજાબી સમોસાને ચટણી સાથે ન્યાય આપ.’ ક્રિષ્નાની આવી વાતો સાંભળી પાર્થના ચહેરા પર થોડું તેજ દેખાયું. પણ એક દુબળા-પાતળા મિત્રે ગઈકાલે જ હાર્ટ-એટેક અંગે ફોરવર્ડ કરેલાં ઇ-મેઈલને યાદ કરી ભયભીત થયેલ પાર્થ ફરી પાણીમાં બેસવા લાગ્યો અને બોલ્યો, ‘હે સખા, તું મને આ ગલીમાંથી બહાર કાઢ, અહિં મારું કાળજું કાંપે છે’ ત્યારે ક્રિષ્નાએ પોતાનો ઉપદેશ આગળ ધપાવ્યો:    

‘હે વત્સ, ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાની રક્ષા કરવાનો, શિક્ષકનો ધર્મ છે જ્ઞાન આપવાનો, અને કંદોઈનો ધર્મ છે મીઠાઈ બનાવવાનો. જો શિક્ષક જ્ઞાન આપવા તૈયાર હોય પણ લેનાર કોઈ ન હોય તો ? વિચાર કે કંદોઈની  બનાવેલ મીઠાઈ વેચાય નહિ તો એનું ઘર કઈ રીતે ચાલે ? એમનાં છોકરાંઓના મોબાઈલ રિચાર્જ કઈ રીતે થાય?  માટે વત્સ તું મુક્તમને મીઠાઈ અને સમોસા આરોગ કારણ કે એમાં જ કંદોઈના છોકરાંઓનું ઇષ્ટ છે.  વ્હાલા, આ સકળ ખાઉગલી અને એ થકી અનેક પરિવારોનું પાલન તારા-મારા જેવા લોકોનાં ચટાકાથી થાય છે. તું આમ ખાઉગલીમાં આવી પાછો ભૂખ્યો જાય તો અનર્થ થઈ જશે. અને યાદ રાખ વત્સ કે જે પુરુષ સ્વાદ-ઇન્દ્રિયને વશમાં રાખે છે તે પુરુષ ઘરમાં પત્નીના હાથનું સ્વાદહીન ભોજન ખાવાને પામે છે.’ શિખાઉ પત્નીના હાથે બનાવેલ દુધીનાં જ્યુસ, સૂપ, શાક અને દૂધીનાં જ ઢેબરાં યાદ આવતાં પાર્થ કાંપી ઉઠ્યો, અને બોલ્યો કે ‘હે સખા, તારી વાતો સાંભળી મારો સંયમ ચળી રહ્યો છે, પરંતુ મારા મનમાં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે’.

ત્યારે ફફડી ઉઠેલા પાર્થને ક્રિશ્નાએ પોતાનું મોઢું ખોલીને વિરાટ દર્શન કરાવતા કહ્યું. ‘હે સખા, જો મારા મોઢામાં માવો ખાવાને લીધે પડેલા ચાંદા દેખાય છે ? મારા પગમાં ડાયાબિટીસને કારણે સડો દેખાય છે ? આટલું ચાલવામાં મને ચઢી ગયેલી હાંફ સંભળાય છે ? હે મિત્ર, આ બધું તો કોઈને પણ થઈ શકે છે, અને તું વહેલો મરીશ તો પણ વૈકુંઠને પામીશ, અહિં આ પોલ્યુશન અને ભ્રષ્ટ દુનિયાથી છુટકારો પામીશ માટે તબિયતથી આ વડાપાઉં ઉપાડ અને નિયતીને એનું કામ કરવાં દે’ ત્યાર પછી અનેક પ્રકારે સાંત્વન પામેલો પાર્થ ક્રિશ્નાના હાથમાં રહેલી બટર વડાપાઉંની પ્લેટમાંથી એક પાઉં હાથમાં લઈ આજુબાજુ બીજું શું ખાવા જેવું છે તેનો ક્યાસ કાઢવા લાગ્યો.

ડ-બકા
ફાસ્ટથી અનેક પ્રોબ્લેમ સોલ્વ થાય છે બકા,
બીજું જે થાય તે, ફેટ ડીસોલ્વ થાય છે બકા. 


--> આપનો પ્રતિભાવ આવકાર્ય છે ....


1 comment:

  1. I like most of your post but not this one. Do not bring god while creating fun. Krishna is worshipped and shall not be used for cheap fun.

    ReplyDelete