Monday, February 20, 2012

માંગવાનો અધિકાર

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
સુભાષચન્દ્ર બોઝે તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગાકહી લોકો પાસેથી કુરબાની માંગી અને સ્વતંત્રતા માટે પ્રેર્યા હતાં. ગાંધીજી અને મહંમદ અલી ઝીણા પણ એ વખતે દેશ માટે દાન માગતા હતા. જોકે આજકાલ પરિસ્થિતિ અલગ છે. ભાજપ આજકાલ ખુલ્લેઆમ ધનસંચય ઝુંબેશ ચલાવી રહ્યું છે. આમ તો બધાં રાજકીય પક્ષ ફંડ માટે આવી ઝુંબેશ જાહેર કે ખાનગીમાં ચલાવતા જ હોય છે. આ રીતે ભેગાં કરેલાં રૂપિયા દેખાડી ઉમેદવાર અને પક્ષ ચૂંટણી સમયે મત માંગે છે, પણ જીત્યા પછી પ્રજાને શું જોઈએ તે મત ભાગ્યે જ કોઈ માંગે છે. એ વાત જગજાહેર છે કે ચૂંટાયા પછી જ્યારે થૂંકના સાંધા કરી સરકાર રચાતી હોય છે ત્યારે એ સાંધા કરવામાં ભાગીદાર થવા પણ રૂપિયા અને પૉર્ટફોલિયો માંગવામાં આવે છે. દેશમાં બૉમ્બ ધડાકા કરી પાકિસ્તાનમાં છુપાઈ ગયેલા આતંકવાદીઓને આવી રીતે ચૂંટાયેલી કાર્યક્ષમ સરકાર પકડી શકતી નથી એટલે એ પાકિસ્તાન સરકારને અપીલ કરી ગદ્દારોને પાછાં સોંપવા માગણી કરે છે. આ છે માંગવાની બોઝથી આજ રોજ સુધીની વાત. 
 
આમ તો માંગવું એ ઘણું વ્યાપક દૂષણ છે. હમણાં જ ગયેલા વેલેન્ટાઈન ડે પર અનેક યુવક યુવતિઓએ એકબીજાના હાથ કે જીવનભરના સાથ માંગે છે. ચાઈનીઝ માલ જેવાં છોકરાના મા-બાપ પણ હજુ દહેજ માંગે છે. અમુક નાના નાના પ્રદેશો અલગ રાજ્ય માંગે છે. મંદિરની બહાર ભિખારીઓ ભીખ માંગે છે. આ ભિખારીઓને ભીખ આપી જે અંદર જાય છે એ અંદર જઈ ભગવાન પાસે પાછું કંઈક માંગતા હોય છે. અને બીજાનાં વતી દાન માંગવું એ પણ આજકાલ ફૅશનમાં છે. ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ અવારનવાર કોઈ ઉમદા કામ માટે ચેરિટીની ટહેલ નાખે છે. પ્રજા રૂપિયાથી એમની ઝોળી છલકાવી દે છે. પણ સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો આ દાનના રૂપિયા વાપરી વિમાનોમાં ફરે છે ત્યારે આપણને સાલું લાગી આવે છે.  
 
આ માંગવાની રીત જોઈએ તો બે પાંચ રૂપિયા માંગનાર ભિખારી હોય છે. ટાબોટા પાડી પાંચસો ઉઘરાવનાર કિન્નર હોય છે. બસો થી બે હજાર ઉછીના માંગનાર દોસ્ત હોય છે. બૅન્ક પાસેથી બે લાખ રૂપિયા લોન લેનાર મધ્યમવર્ગીય હોય છે. પબ્લિક ઈશ્યુના નામે પબ્લિક પાસેથી કરોડો લેનાર કોર્પોરેટ કંપની હોય છે. અવળા ધંધા કર્યા બાદ ખોટ જાય એટલે સરકાર પાસે કરોડોના બેઈલ આઉટ પેકેજ માંગનાર એરલાઈન્સ કંપનીના માલિક દેશમાં ઇજ્જતદાર બિઝનેસમૅન તરીકે લેખાય છે. તમારી ગણના ભિખારી તરીકે થાય કે બિઝનેસમૅન તરીકે એનો આધાર તમારી માંગવાની રીત પર છે. તમે જો મર્સિડીઝમાં ફરતાં હોવ તો તમને લોન આપવા લોકો તમારી આગળ પાછળ ફરશે. પણ જો તમે સ્કૂટર પર ફરતાં હશો તો તમારી લોન અરજી સાથે રજૂ કરવા પડતા કાગળોની ફોટોકોપી અને પ્રમાણિત નકલ કરવા જાતે દોડવું પડશે, અને એ કરાવ્યા પછી પણ પચીસ હજારની લોન પાસ થતાં પચીસ દાડા નીકળી જશે.  
 
માંગવું એ આજકાલ લોકોનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો હોય એવું લાગે છે. રૂપિયા ઉધાર માંગનાર જો સંબંધી કે મિત્ર હોય તો એ હકથી માંગે છે. તમને એ પ્રેમના દરિયામાં ડુબાડે છે. તમે તરફડીયા મારી કિનારા પર આવો તો તમને તમારી જ દરિયાદિલીની તમને પણ ન ખબર હોય તેવી વાતો કરી સીધાં ચણાના ઝાડ પર ચઢાવે છે. ચણાના ઝાડ પર ચઢાવનાર માટે તમને આત્મીયતા જાગે છે. આમ તમે ભાવાવેશમાં આવી જાવ એ પછી માંગનાર હળવેકથી તમારી પાસે ફોગટમાં સાવ નજીવા વ્યાજે પડ્યા રહેલા રૂપિયામાંથી થોડા ઢીલાં કરવા તમને રાજી કરી દે છે. અને એ પછી સંતાકૂકડી અને હાથતાળીની ખરી રમત શરુ થાય છે !   
 
ગુજરાત સરકારે વાંચે ગુજરાતનામનું ખૂબ જ પ્રશંસનીય અભિયાન પ્રજાને આપ્યું છે. અંગ્રેજીમાં બાય, બેગ, બોરો ઓર સ્ટીલ (ખરીદો, માંગો, ઉધાર લો કે ચોરો) એ વાક્ય પ્રખ્યાત છે. આ વાક્યને જીવનમાં ઉતારી પુસ્તકોને મામલે માંગી-ભીખીને, ઉછીનું લઈને, ચોરીને કે ઠામીને જ વાંચે છે ગુજરાત. પકડેલા પતંગ ચગાવવામાં જેમ વધારે આનંદ આવે છે તેમ લોકોને તફડાવેલા પુસ્તકો વાંચવામાં આનંદ આવે છે. આ કામ અતિ સફાઈપૂર્વક થાય છે. સૌથી પહેલાં તો ભોગ બનનારનાં પુસ્તક કલેક્શનને વખાણવામાં આવે છે. પછી પોતે કેમ પુસ્તકો વસાવી નથી શક્યા એનાં ખુલાસા થાય છે. આ પછી મને પણ વાંચવાનો બહુ શોખ છે હોંએવા ભોળવી દે એવા વિધાનો થાય છે. અને અંતે બે ચાર વાંચવા લાયકપુસ્તકની માગણી થાય છે. આપનાર શરમના માર્યો કે લેનારના દરજ્જાને ધ્યાનમાં લઈ ભારે હૈયે પુસ્તક આપી દે છે.  
 
માંગવાની આખી પ્રક્રિયામાં સૌથી અગત્યનું કામ માગવાનું છે અને એ એક કળા છે! માગ્યા વિના તો મા પણ ના પીરસે અને આપનાર ઈશ્વર નથી કે તમે મનમાં માગ્યું હોય એ પણ આપી દે એટલે તમારે સ્પષ્ટ શબ્દોમાં માગણી કરવી પડે! જોકે આમ ચણા મમરા જેવી રકમ કે બસો પાંચસોના પુસ્તક માંગનાર પામર જીવો ક્ષુલ્લક રકમ માટે પોતાની આબરૂ દાવ પર લગાડી દે છે. આવા લોકોને અમારી એક જ સલાહ છે કે હાથ ફેલાવો તો બે પાંચ કરોડ માટે, નહિતર ના ફેલાવો. કારણ કે નિશાન ચૂક માફ છે, નહિ માફ નીચું નિશાન !  

1 comment: