| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૨-૦૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
એપલનો સદગત સર્જક સ્ટીવ જોબ્સ જ્યારથી સ્વર્ગમાં ગયો
છે, સ્વર્ગમાં
હલચલ મચી ગઈ છે. આ હલચલની ધ્રુજારી છેક પૃથ્વી સુધી પહોંચી છે. એવું કહેવાય છે કે
જે કામ બ્રહ્માજી સ્વર્ગમાં બેઠાંબેઠાં ન કરી શક્યા અને જોબ્સ પૃથ્વી પર ન કરી
શક્યો, એ કામ
બંને જણાં સ્વર્ગમાં ભેગાં થઈ કરી રહ્યા છે. હા, પત્નીઓમાં મૂકવા માટે જોબ્સે એવી
ચીપ શોધી કાઢી છે જે મૂક્યા પછી પત્નીઓને રીમોટથી ઓપરેટ કરી શકાશે. આ સમાચાર
નારાયણ ન્યૂઝ ચેનલના ચીફ રિપોર્ટર નારદજીએ ખુદ આપ્યા છે. હમણાં જ સ્વર્ગમાં યોજાયેલા
હ્યુમન એકસ્પોમાં મનુષ્યોના નવા મોડલો માનનીય બ્રહ્માજીની અનુમતિથી રજૂ કરવામાં
આવ્યાં હતાં. આમાં રીમોટ કંટ્રોલ્ડ પત્નીનું મોડલ મેદાન મારી ગયું હતું. આ પ્રસંગે
બોલતા સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ‘ભવિષ્યમાં રીમોટને બદલે વોઇસ કમાંડથી (મૌખિક આદેશથી)
કામ કરે તેવા મોડલ પણ બનાવવામાં આવશે’. આ રીમોટ અગામી નાણાકીય વર્ષની પહેલી તારીખે બજારમાં આવશે તેવી આશા રખાય છે.
પત્નીને રીમોટથી કંટ્રોલ કરી શકાય એ સમાચાર સાંભળીને
પૃથ્વી પર ઘણાં લોકો હર્ષઘેલાં થઈ ગયાનાં સમાચાર છે. આગ્રાના પાગલખાનામાં હાઉસફુલનાં
બોર્ડ લાગી ગયાં છે. સમાચાર મળતાં લોકો ‘આ રીમોટ મને મળે તો શું કરું’ એવા તુક્કે ચઢી ગયાં છે. અમુકે
તો ઍડ્વાન્સમાં પત્નીઓને વોઇસ કમાંડ દ્વારા ઓપરેટ કરવાની કોશિશો શરુ કરી દીધી છે.
પણ એમને સામે વાડકીઓ, વેલણ, આગલાં દિવસની ભાખરીઓ વગેરે જેવા ફ્લાઈંગ ઑબ્જેક્ટ મળતાં હતાશ થઈ જવાને લીધે
તેમને મનોચિકિત્સકો પાસે લઈ જવામાં આવી રહ્યા છે. વિશ્વમાં ૮૦ વરસ કરતાં વધારે
લાંબું લગ્નજીવન ધરાવતાં પરણિત પુરુષોમાંથી પણ બે જણાએ આ રીમોટ વસાવવામાં રસ
બતાવ્યો છે. પેલી તરફ અમેરિકામાં અમુક નવરાં અત્યારથી એપલનાં સ્ટોરની બહાર લાઈનો
લગાડીને ઉભા રહી ગયાં છે. જોકે આમેય એમની પાસે નોકરી નથી, એટલે એમને કંઈક કામ મળ્યું એવું
વિચારી સરકાર પણ એમને તંબુ અને બેવરેજીસ મફતમાં વિતરણ કરી સંતોષ માની રહી છે.
ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે આ રીમોટમાં એવી તો શી
ખાસિયત છે કે લોકો આ રીમોટ મેળવવા તલપાપડ થઈ ગયા છે? તો વાંચો આ રીમોટની ખૂબીઓ. આ
રીમોટમાં એક એક્સ્ટ્રા લાર્જ સાઇઝનું ‘મ્યુટ’ બટન હશે, જે દબાવવાથી પત્ની બોલતી બંધ થઈ જશે. એક ફાસ્ટ
ફોરવર્ડનું બટન હશે જે દબાવવાથી એની વાત ૩૨ ગણી સ્પીડમાં ફાસ્ટ ફોરવર્ડ પણ થઈ શકશે,
અને એ પણ એને ખબર
પણ નહિ પડે કે આખી વાત એફ.એફ. થઈ રહી છે! આ સિવાય રીમોટમાં એક ‘મૅમરી ક્લિયર’ બટન હશે જે દબાવવાથી
ઇચ્છિત ઘટનાઓ પત્નીની મેમરીમાંથી કાયમી ધોરણે ઈરેઝ થઈ શકશે. એક ચેનલ ચેઇન્જ બટન પણ
આપવામાં આવશે જે દબાવવાથી પત્ની ભક્તિ કે પિયર ચેનલ મોડમાંથી રોમૅન્ટિક મોડમાં આવી
જશે. આ રીમોટની બીજી એક ખૂબી એ હશે કે પત્ની ઓન થશે ત્યારે બાય ડીફોલ્ટ રોમૅન્ટિક
મોડમાં જ ચાલુ થશે, ગભરાવવાની જરૂર નથી એ મોડ માત્ર પતિઓ માટે જ હશે, અન્ય પુરુષની હાજરીમાં એ ભક્તિ
મોડમાં જ રહશે. આ ઉપરાંત રીમોટ જે તે ફ્રીકવન્સી ઉપર જ કામ કરશે અને અન્યની પત્નીઓ
પર કામ નહિ કરે તેવી તકનીકી જોગવાઈ અમેરિકન એવા સ્ટીવ જોબ્સ રાખશે તો આ અંગે ચિંતા
કરવી નહિ.
જોકે આ ભારતમાં રીમોટનાં સર્વ હક્ક સ્વર્ગમાંથી
સીધાં ભારત સરકારને આપવામાં આવશે. સરકાર પછી ધારે તેને આવા રીમોટનાં લાઈસન્સ આપે
તેવી શક્યતા છે. કંપનીઓ આ રીમોટ વેચવા ઉપરાંત રીમોટનું એન્યુઅલ સબસ્ક્રિપ્શન લોકો
પાસેથી ઉઘરાવી શકશે. આમ થતાં લાઈસન્સ ધારકોને અબજોની કમાણી થશે. જાણીતાં ટેલીકોમ
અને કેબલ ઓપરેટર્સ ઉપરનાં કરોડો રૂપિયા આપીને રીમોટનું લાઈસન્સ મેળવે તેવી સંભાવના
છે. આ સંજોગોમાં રીમોટનાં હક્ક રાજા આણિ મંડળીનાં જ સભ્યો કે અન્ય કોઈ અણીને ન મળે
તે માટે બાબા રામદેવજી સહિત કુંવારા અણ્ણા ઉપવાસ પર બેસે તેવી શક્યતાઓ પણ જણાય
છે.
છેલ્લાં સમાચાર મુજબ આ રીમોટ અંગે માહિતી મળ્યા બાદ
રાહુલ બાબા પણ હવે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. જોકે લગ્ન પછી એ રીમોટ બાબાના
પોતાનાં હાથમાં રહેશે કે કેમ એ સવાલ છે. આ બાજુ ગુજરાતમાં આ રીમોટમાં મૂડી રોકાણ
કરનાર માટે રેડ કાર્પેટ બિછાવાય તેવી શક્યતાઓ સાવ નહિવત્ જણાય છે! ■
ડ-બકું
ઉપર જણાવેલ રીમોટ માટે ડીલરો નીમવાના છે. મળો યા લખો adhir.amdavadi@gmail.com
No comments:
Post a Comment