| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૨-૨૦૧૨ |અધીર અમદાવાદી |
અમે જ્યાં અભ્યાસ કર્યો તે અમેરિકાની ટેક્સાસ એ.
એન્ડ એમ. યુનિવર્સિટી(ટામુ) માં રેવેલી નામની કૂતરી યુનિવર્સિટીની ઑફિશિયલ માસ્કોટ
છે. ૧૯૩૧માં ઓરીજીનલ રેવેલી મળી પછી એના જેવી દેખાતી કૂતરીઓને આ માનદ સ્થાન
આપવામાં આવે છે. ફૂટબોલ ક્રેઝી અમેરિકા અને અમારી એ યુનિવર્સિટીમાં રેવેલીનું
અવસાન થાય તો એને ફૂટબોલ સ્ટૅડિયમમાં સ્કોર બોર્ડ તરફ મોં રહે તે રીતે દફનાવવામાં
આવે છે જેથી એ મર્યા પછી પણ ટીમને ચીઅર અપ કરતી રહે ! યુનિવર્સિટીના કેડેટ્સની ઇ-૨
કંપની એની દેખરેખ રાખે છે. રેવેલીને કેડેટ્સ મિસ. રેવ મેમ કહી બોલાવે છે. જો
રેવેલીને ઇચ્છા થાય અને એ કોઈ કેડેટનાં બેડ પર સૂઈ જાય તો એ રાત કેડેટ ખુશીભેર
જમીન પર સૂઈ જાય છે, એટલું જ નહિ પોતાનું અહોભાગ્ય સમજે છે! રેવેલી જો કૉલેજમાં આંટો મારે અને ચાલુ
ક્લાસ દરમિયાન એ ભસે તો એ ક્લાસને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે છે. આ આખી વાતમાં
અમે સ્વભાવ પ્રમાણે ક્યાંય અતિશયોક્તિ નથી કરી!
આમ જુઓ તો અમેરિકામાં સાત કરોડ એંશી લાખ પાલતું
કૂતરા છે. હાલ સાડત્રીસ ટકા પરિવારો પાસે કૂતરા છે. અમેરિકામાં તો કૂતરાનાં વિશેષ
માનપાન છે. અમેરિકામાં કૂતરા માટેની ફાઈવ સ્ટાર હોટલ, હોસ્ટેલ, બ્યુટી પાર્લર, જીમ વિ. ઘણી સગવડ હોય
છે. વરસે દાડે એક પરિવાર સાડી ત્રણસો ડોલર (પચાસ વડે ગુણી કાઢો) તો કૂતરા પાછળ
મેડિકલ ખર્ચ કરે છે. અહિં ડિપ્રેશનમાં રહેતાં લોકોને કૂતરું પાળવાની સલાહ પણ આપાય
છે. અમેરિકનો કૂતરાને વારસો આપી ને પણ જતાં હોય છે. અમેરિકાઝ ફનીએસ્ટ હોમ વિડીઓઝ
શોમાં મોટા ભાગની ફની ક્લિપ્સ પાલતું શ્વાનના કારનામાંની જ હોય છે. ત્યાંના લોકોને
કૂતરા સાથે વધારે ફાવે છે અને અમેરિકન પત્નીઓને તો કૂતરાનું કહ્યાગરા હોવું બહુ જ
ગમે છે. એટલે જ કદાચ અમેરિકાનાં ધર્મેન્દ્રો ફિલ્મોમાં ‘કુત્તે કમીને મેં તુમ્હારા ખૂન
પી જાઉંગા’ જેવા ડાઈલોગ બોલતા નથી. આ અમેરિકાની વાત થઈ.
અહિં ભારતમાં બે પ્રકારનાં માણસો વસે છે. એક કે
જેમને કૂતરાં ગમે છે, અને બીજાં કે જેમને એ નથી ગમતા. આ બે પ્રકારનાં લોકો એકબીજાને ભારત પાકિસ્તાન
એકબીજાને જુએ છે એ રીતે જોતાં હોય છે. પાકિસ્તાન આતંકવાદીઓને છૂટો દોર આપે છે અને
આતંકવાદીઓ મનફાવે એમ ભડાકા કરે છે. કૂતરાપ્રેમી પરિવારમાં આવી જ કંઈક આઝાદી કૂતરા
ભોગવતા હોય છે. કૂતરું આવા લોકોનાં બેડ પર ચઢીને સૂઈ શકે છે. રસોડામાં આંટા મારી
શકે છે. બે પગ પર ઊભું થઈ મોઢું ચાટવાની ચેષ્ટા પણ કરી શકે છે. એટલું જ નહિ આ બધા
લહાવા પડોશીઓ અને મહેમાનોને પણ મફતમાં મળતાં હોય છે. પણ આવી હરકત કૂતરું ન પાળનાર
સહન કરી શકતાં નથી. આમ ભારતમાં વણજોઈતા મહેમાનો માટે કૂતરું એ શ્રેષ્ઠ હથિયાર છે. ‘તારક મહેતા કા ઊલટા
ચશ્મા’ સિરીયલમાં
જો બબિતાજી કૂતરો પાળતી હોત તો ઐયરની જેઠાલાલ વિષેની ચિંતા કદાચ અડધી થઈ જાત !
પાળેલા કૂતરાનું સ્થાન એક પરિવારના બાળક જેટલું જ
મહત્વનું હોય છે. એને રમાડવામાં આવે છે, એને ફરવા લઈ જવામાં આવે છે, એને ખવડાવવામાં આવે છે, બધું જ બાળકની જેમ.
બાળકની જેમ જ મહેમાનો આગળ કૂતરાના શો પણ થતાં હોય છે, જેમાં કૂતરું કવિતા કે ફિલ્મનું
ગીત ગાવા સિવાયના મોટાં ભાગના બાળક કરે એવા ખેલ કરી બતાવે છે. નાની સાઇઝનું કૂતરું
હોય તો એને બાળકની જેમ ઊચકીને ફેરવવામાં આવે છે. બાળકની જેમ એને રસી મુકાય છે. એ
હીંચકા ખાય છે. ફ્રીઝ્બી રમે છે. એ એસીમાં સુવે છે. તો કૂતરું કારમાં પાછલી સીટમાં
બેસી બારીમાંથી માથું બહાર કાઢી લોકોને ચોંકાવી પણ દે છે. જો કે કૂતરાને ટયુશને કે
સ્કુલે જવું નથી પડતું, એ કૂતરાનું સદભાગ્ય છે. રૂપાળી સ્ત્રીઓને કૂતરાને ફરવા લઈ
જતી કે રમાડતી જોઈ ઘણાં પુરુષો આવા સદનસીબ કૂતરાનાં સદભાગ્યની ઈર્ષ્યા કરતાં પણ
જોવા મળે છે.
જોકે અમારા જેવા કૂતરા વિરોધીઓને કાયમ એક સવાલ થતો
હોય છે કે માણસ કૂતરાને પાળે છે કે કૂતરો માણસને? કૂતરો પાળો એટલે એની કેટલી તો
પળોજણ હોય. તમે બહારગામ જાવ તો એને કોકને ભળાવીને જવું પડે. ઘરમાં રાખો ઘર આખું
ઉપર નીચે કરે. એને ટ્રેનિંગ આપવામાં કલાકો ખર્ચી કાઢો ત્યારે માંડ એ શેક હેન્ડ
કરતાં કે ફેંકેલો બોલ પાછો લઈ આવતાં શીખે. ચોત્રીસ કિલો વજન ધરાવતાં કૂતરાને
જ્યારે ચોપન કિલોનો માણસ ફરવા લઈ જતો હોય એ જોઈ આપણને એમ થાય કે માણસ કૂતરાને ફરવા
લઈ જાય છે કે કૂતરો માણસને ? અને આ ફરવાવાળી વાતમાં મઝા એ છે કે લોકો ખરેખર તો કૂતરાને ‘ખાલી કરવા’ લઈ જતાં હોય છે, પણ કહે એમ કે અમે કૂતરાને
ફરવા લઈ જઈએ છીએ!
કહેવાય છે કે મુંબઈમાં કૂતરા ઉપર-નીચે પૂંછડી હલાવે
છે કારણ કે પૂંછડી આડી હલાવવા જેટલી તો અહિં જગ્યા જ નથી. એટલે જ મુંબઈ જેવા
શહેરમાં કૂતરું પાળવું એ લકઝરી છે. અહિં ધનકુબેર અને ખાસ કરીને ફિલ્મસ્ટાર્સ કૂતરા
રાખે છે. પણ આ ફિલ્મ સ્ટાર્સ જ્યારે દારૂ પી ને અંદર લડે ત્યારે આપણને એમ થાય કે
આનાં કરતાં તો કૂતરા સારા ! ■
મેડમ પોલિસ ટેશને ફરિયાદ લખાવા ગ્યા...
ReplyDeleteહેલ્લો...ઇન્સ્પેક્ટર સાહેબ..મારો હસબન્ડ અને મારો પાળેલો કુત્તરો ગુમ થઈ ગ્યો સે...
ઇસ્પેક્ટર :મેડમ ..પહેલા કુત્તરાનુ વર્ણન કરો...એ કેવો અને કઈ જાતિનો હતો..?
મેડમ : જી..ડોબરમેન જાતિનો કુતરો
હાઈટ :બે ફૂટ
લંબાઈ:૩ ફુટ સાડા ચાર ઈંચ
રંગ :ચહેરે થોડો ડલ ગ્રે બેકસાઈડ સ્મોકીબ્લેક
જમણા જડબાના બે દાંત તુટેલા..
ઇન્સ્પેક્ટર : અચ્છા તો હવે તમારા પતિનુ વર્ણન કરો
મેડમ થોડુ વિચારીને : સોરી સર.. પુરી વિગત જાણીને આપને જણાવીશ