Sunday, January 08, 2012

ભૂલો ભલે બીજું બધું


 મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |

જેલ જવાનો વારો આવ્યો એટલે કલમાડીને ડીમેન્શીયા(વિસ્મૃતિ) નામનો રોગ થઈ ગયો હતો. જૂની વાતો તો જવા દો, પણ એ જેલમાં છે એ ભૂલી જેલર સાથે ચા પીવા પહોંચી ગયો હતો. મ.ન.પા. ખાડા ખોદે છે અને પૂરવાનું ભૂલી જાય છે. ગુજરાત પોલીસ પણ દારૂબંધી છે એ ભૂલી જાય છે એટલે નવા વરસે પીધેલાં લોકો મનફાવે એમ વાહન ચલાવીને અન્યનો ભોગ લે છે. લગભગ બધાં જ નેતાં પોતાનાં સગાઓની ભાગીદારી કઈ કંપનીમાં છે એ ભૂલી જાય છે. અને મારાં-તમારા જેવી ભારતની આમ પ્રજા આ ભારત છે, અહીં તો આવું બધું ચાલ્યા કરે એ ભૂલી જાય છે.

ભૂલવા પર મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. જંગલમાં ઊછરેલી શકુંતલા સાથે ગાંધર્વ વિવાહ કરીને પાછાં જતાં રાજા દુષ્યંત શકુંતલાને યાદગીરી સ્વરૂપે, સ્વેચ્છાથી, વીંટી ભેટ આપે છે. શકુંતલાને ભરત નામે બાળક અવતરે છે. દુર્વાસામુનિનાં શાપને કારણે દુષ્યંત શકુંતલાને ભૂલી જાય છે. શકુંતલાથી નદી પાર કરતી હોય છે ત્યારે આ મોટી સાઇઝની વીંટી (દુષ્યંત કંઈ માપ લઈને વીંટી થોડો લાવ્યો હોય?) આંગળીમાંથી સરકીને પાણીમાં પડી જાય છે. એ વીંટી વાયા માછલીના પેટમાં થઈ છેવટે દુષ્યંત પાસે પહોંચે છે. હિન્દી પિક્ચરમાં જેમ આઘાત લાગવાથી ગયેલી યાદદાસ્ત પાછી આવે છે એમ વીંટી જોતાં જ દુષ્યંતને બધું યાદ આવે છે. અને પહેલીવાર મળવામાં વીંટીનો ખર્ચો પડ્યો હોવા છતાં એ શકુંતલાને શોધતો પાછો જંગલમાં આવે છે. એ સમયે ભરત સિંહનું મોઢું ફાડીને એનાં દાંત ગણવાની કોશિશ કરતો હોય છે. આ વાત એ વખતનાં ટીચર્સ ગણિતમાં કેવાં અઘરા પ્રોજેક્ટ આપતાં હતાં એ બતાવે છે. અને છેવટે દુષ્યંત શકુંતલાનું મિલન થાય છે. જો કે આજના યુગમાં સાચાં પ્રેમીઓ પ્રેમિકાને વગર માંગ્યે વીંટી આપતાં નથી, અને જો આપે તો એ સાચી નથી હોતી !

નોકરીયાત માણસ થાકી પાકીને ઘેર આવે એટલે ખાઈ-પીને સૂઈ જાય છે. સવાર પડે, ઊંઘીને ઊઠે ત્યારે પત્નીનો બર્થ ડે છે એ ક્ષણિક વાર માટે ભૂલી જાય એવું બને. પણ જો ચાનો કપ મુકાય નહિ અને પછડાય તો પણ એને જો ખબર ના પડે કે આને સવારે વિશ કરવાનું રહી ગયું છે, તો નક્કી સમજો કે એ પતિનો આખો દિવસ, એ પછીનું અઠવાડિયું અને જો આ ઘટના લગ્નજીવનના શરૂઆતના તબક્કામાં ઘટી હોય તો બાકીની જીંદગી એને સાંભળવું પડશે. અને આ આખી વાતમાં પુરુષોની કમનસીબી એ છે કે પત્નીઓ (અને ગર્લફ્રેન્ડઝો પણ !) કદી આપણો બર્થ ડે ભૂલતી નથી. અરે, એમને તો પાછું સવાર સવારમાં જ યાદ આવી જાય છે. પુરુષ તો મોબાઈલમાં રીમાઈન્ડર મૂકેને તોયે એ જ્યારે એલર્ટ આવે ત્યારે ભાઈ વાળ કપાવવા ગયાં હોય, અને હાથ છુટ્ટો થાય ત્યાં સુધીમાં ફરી ભૂલી ગયા હોય ! એટલે જ અમે કહીએ છીએ ભૂલો ભલે બીજું બધું પત્નીના બર્થ ડે ને ભૂલશો નહિ.

અમદાવાદમાં એલ.જી. હોસ્પિટલમાં એક બાળકના ફ્રેક્ચર થયેલા જમણા હાથને બદલે સાજા-સમા ડાબા હાથમાં ડોક્ટરોએ ભૂલમાં સળિયો નાખી દીધો હતો. એવું કહે છે કે ડોક્ટરો મ્યુઝિક સાંભળતા સાંભળતા ઓપરેશન કરતાં હતાં. હવે આમાં ખોટું પણ શું છે ? સંગીતથી ગાયો વધારે દૂધ આપે છે એવા સંશોધનો થયા છે, તો ડોક્ટરો સંગીત સાંભળી વધારે કામ ના કરી શકે? અને જુઓ થયું જ ને. છોકરાના મા-બાપ પણ બિચારાં, હશે, બીજો હાથ આગોતરો મજબૂત બનશે એમ માની ડોક્ટરોનો આભાર માનતા હતાં, પણ લોકો અને મીડિયાએ નાહક ઊહાપોહ કરી મૂક્યો. આ ડોક્ટરો કાતર હાથમોજા જેવી વસ્તુઓ દર્દીના શરીરમાં ભૂલી જાય તો ફરીવાર ખોલીને ચેકઅપ થઈ શકે કે આગલી વખત કામ બરોબર થયું છે કે નહિ? બાકી આટલી મોંઘવારીમાં એમ કાતર કોઈ થોડી જવા દે છે?

પણ ભૂલકણા હોવાથી અમુક લોકોને ફાયદો થાય છે. આવા લોકો રૂપિયા ઉધાર લઈને પાછાં આપવાનું ભૂલી જાય છે. પુસ્તકોના કિસ્સામાં ૯૦% લોકો પુસ્તક લીધાં પછી પાછાં આપવાનું ભૂલી જાય છે. નેતાં ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી મતદારો અને મતવિસ્તારને ભૂલી જાય છે એમાં એમનો કેટલો બધો કીમતી સમય પ્રજાના ફાલતું પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળવામાં વ્યર્થ થતો બચી જાય છે. અમુક વેપારીઓ રૂપિયા લઈ માલ વેચે છે પણ બિલ આપવાનું ભૂલી જાય છે. લવરબોય ગર્લફ્રેન્ડની બર્થ ડે ભૂલી જવાથી ગીફ્ટના ખર્ચમાંથી બચી જાય છે. હા, પછી ગર્લફ્રેન્ડ બદલવી પડે એ અલગ વાત છે!

એવું કહેવાય છે કે પ્રોફેસર ભૂલકણા હોય છે. છત્રી પલંગ પર મૂકી પ્રોફેસર ખૂણામાં જઈને ઊભા રહી જાય છે એ લોથલ જોક વર્ષોથી પ્રોફેસરોને અપમાનિત કરવા માટે કહેવામાં આવે છે. અમે પ્રોફેસર હોવાને નાતે આ જોકનો સખ્ત વિરોધ કરીએ છીએ. હવે તો પ્રોફેસરો કારમાં ફરે છે એટલે છત્રી લઈને ફરવાનો સવાલ જ નથી આવતો. અને રહી વાત યાદશક્તિની તો પ્રોફેસરોની યાદશક્તિ પણ સારી જ હોય છે. એમને ક્લાસમાં કયો છોકરો અઘરા સવાલો કરે છે, કે એમની મશ્કરી કરે છે કે કયા છોકરાને ટ્યૂશન છે એ પેપર ચેક કરતી વખતે બરોબર યાદ આવે છે. અરે વિરોધી જૂથના પ્રોફેસરનાં માનિતા વિદ્યાર્થીઓના રોલ નંબર પણ પેપર તપાસતી વખતે યાદ આવે છે. આ ઉપરાંત ટયૂશનમાં આવતા વિદ્યાર્થીઓની બાકી નીકળતી ફી પણ કોઈ દિવસ એ ભૂલતા નથી. ખાલી પ્રોફેસરોને બદનામ કરે છે લોકો !

No comments:

Post a Comment