| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |
કોમ્પ્યુટર કહ્યા પ્રમાણે કામ કરે છે. એના પોતાનામાં કોઈ અક્કલ હોતી નથી, એ
ચિઠ્ઠીનું ચાકર છે. ઈલેક્ટ્રોનિક્સ કે કોમ્પ્યુટર એન્જીનિયર એને ડીઝાઈન કરે છે.
સોફ્ટવેર પ્રોગ્રામર એમાં પ્રોગ્રામ નાખે છે. અને ટેકનીશિયન આવીને તમારા ઘરમાં એ લગાડી
જાય છે. પછી સ્વીચ ચાલુ કરો એટલે એ કામ શરુ કરે છે. તમે એનાથી કાગળ ટાઈપ કરી શકો,
પણ કાગળમાં શું લખવું એ તમારે જાતે વિચારવું પડે છે. એ સરવાળા, બાદબાકી, ગુણાકાર પણ
કરી શકે છે, પણ આંકડા તમારે પોતે નાખવા પડે છે. એ તમારી કંપનીનું સરસ પ્રેઝન્ટેશન
પણ બનાવી આપે છે, પણ એ માટે કંપનીએ નાની મોટી કંઇક ધાડ મારી હોવી જરૂરી છે. કોમ્પ્યુટર
ગીત પણ વગાડી શકે છે, પણ તમારે ‘પાઈરેટેડ’ સીડી લાવી કોમ્પ્યુટરમાં નાખવી પડે છે.
ટૂંકમાં પચીસ ત્રીસ હાજર ખર્ચીને લાવેલા કોમ્પ્યુટરને તમે કોઈ કામ બતાવો એ પહેલા કોમ્પ્યુટર
તમને કામ બતાવે છે !
આમ છતાં, ઘરમાં કોમ્પ્યુટર વસાવવું એ સ્ટેટસ સિમ્બલ મટીને જરૂરીયાત બની ગયું
છે. કોમ્પ્યુટર વસાવતા પહેલા ખરીદનાર ચાર જણને પૂછે છે. ‘કયું સારું?’, ‘તમે કોની
પાસેથી ખરીદ્યું ?’, ‘મોનીટર કેટલા ઇંચનું
છે ?’, ‘બધાં પ્રોગ્રામ નાખી આપે છે ?’, ‘કેટલામાં પડ્યું ?’. કમનસીબે લગ્નપૂર્વે ઘણાં
છોકરા-છોકરીઓને હજુ આટલા બધાં પ્રશ્ન પૂછવાની છૂટ નથી મળતી. આમ ગુજરાતી વેપારી અને
બિન-વેપારી વર્ગ પોતાની સઘળી આવડતનો ઉપયોગ કરી, વેચનારને બગડે તો રીપેર કરવા માટે
બાંધી લઇ, સારું મુહુર્ત જોઈ કોમ્પ્યુટર ઘેર લાવે છે.
ઘેર નવી વહુ આવે ત્યારે છોકરાના સિંગલ બેડરૂમને ડબલ કરવા બધું આઘું પાછું થાય,
તેમ કોમ્પ્યુટર આવતાં ટેબલ પર પડેલા ધૂળ ખાતા ચોપડાઓ અને કચરપટ્ટી અન્યત્ર ખસેડી,
ધૂળ ઝાપટી, કોમ્પ્યુટરને સાંકડમાંકડ જગ્યા કરી ઘુસાડવામાં આવે છે. કોમ્પ્યુટર
ઇન્સ્ટોલ કરી ટેકનીશિયન જાય એટલે તરત ચાંદલા કરી કોમ્પ્યુટરને ફાટેલી ચાદરનું
રક્ષા કવચ ચઢાવવામાં આવે છે. એ કહેવાની જરૂર નથી કે ગુજજુ નર અઠવાડિયા સુધી
કોમ્પ્યુટર ચાલે એની ખાતરી કરીને પછી જ વેચનારને રૂપિયા ચૂકવે છે. આ તરફ વેચનારને
પણ ખબર છે, કે અઠવાડિયા સુધી તો કોમ્પ્યુટર વપરાશે જ નહિ, ખાલી સાફસૂફ જ થશે, એટલે
બગડવાની ખાસ શક્યતા નથી. એટલે એ પણ પેમેન્ટ માટે અઠવાડિયું ખમી ખાય છે.
પણ બજારમાં આજકાલ કોમ્પ્યુટરનાં બે મોડલ ચાલે છે. એક લેપટોપ અને બીજું ડેસ્કટોપ.
ડેસ્કટોપ ઘરમાં કે ઇન-ડોર રહે છે. સામાન્ય રીતે ડેસ્કટોપ ડબ્બા જેવું હોય છે,
જેમાં સીપીયુ, મોનીટર, કી-બોર્ડ, માઉસ વિગેરે વિગેરે અલગ અલગ ફેલાયેલું હોય છે. જ્યારે
લેપટોપ સ્લીક હોય છે. લેપટોપ કોમ્પેક્ટ હોય છે, રંગબેરંગી હોય છે. એ બહાર સાથે લઇ
જવાય છે. અને પુરુષો એને બતાવવામાં ગર્વ અનુભવે છે. લેપટોપનું વજન સામાન્ય રીતે ઓછું
હોય છે અને એ મોંઘુ હોય છે. લેપટોપના ઇન-બિલ્ટ સ્પીકર ઘણાં નાના હોય છે, જ્યારે
ડેસ્કટોપની સાથે જોડાયેલા સ્પીકર મોટા અને કાન ફાડી નાખે એટલો ઘોંઘાટ કરી શકે છે. ડેસ્કટોપ
ઘરનાં બધાને સેવા પૂરી પાડે છે, જ્યારે લેપટોપ એક જ વ્યક્તિને સેવા આપે છે. થોડા
સમય પહેલા તો ડેસ્કટોપમાં ફક્ત સીઆરટી પ્રકારનાં મોનીટર આવતાં હતાં, જે ઘણી જગ્યા
રોકતા હતાં. પણ હવે ડેસ્કટોપમાં પણ સ્લીક એલસીડી પ્રકારનાં સલીમ મોનીટર આવવા
લાગ્યા છે, એટલું સારું છે!
ઉપરનું વાંચીને તમે કદાચ એવાં તારણ પર આવો કે અમે લેપટોપ એટલે ગર્લફ્રેન્ડ અને
ડેસ્કટોપ એટલે પત્ની એવું આડકતરી રીતે કહેવા માંગીએ છીએ. પણ ના, એવું કશું નથી.
કોમ્પ્યુટરને પત્ની સાથે સરખાવવું એ નરી મૂર્ખતા છે. અરે, પત્ની એ પત્ની છે. પત્ની
એવું ઘણું કરી શકે છે, જે કોમ્પ્યુટર નથી કરી શકતું. પત્ની સાંજે મોડા આવો તો
તમારી ઉલટતપાસ કરી શકે છે. પત્ની તમે જુઠું બોલો તો પકડી શકે છે. કોમ્પ્યુટર એક
વક્ત સ્વીચ ઓફ કરો એટલે એની રેન્ડમ એક્સેસ મેમરી (રેમ) જતી રહે છે, પણ પત્ની રાતે
સુઈ જાય તો સવારે બે વાત વધારે યાદ કરીને ઉઠે છે. કોમ્પ્યુટરનો ફાયદો ગણો તો એ કદી
પિયર જતું નથી રહેતું. પત્ની જ્યારે કોમ્પ્યુટર ગેમમાં કાર રેસ રમે તો તમે શાંત
ચિત્તે એ જોઈ શકો છો, પણ જો એ વાસ્તવમાં ડ્રાઈવ કરતી હોય તો તમને પરસેવો છૂટવા
લાગે છે, અને અમુક લોકો તો આવાં સમયે એક પણ ભૂલ વગર હનુમાન ચાલીસા પણ કડકડાટ બોલી
નાખે છે !
પણ આમ છતાં કોમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ (ઓએસ) વગર કોમ્પ્યુટર ન ચાલે તેમ
ગૃહિણી વગર ઘર ચાલતું નથી. ઓપરેટીંગ સિસ્ટમની જેમ ગૃહિણી શરૂઆતમાં સ્લો લાગે, પણ
પછી એકવાર ખુલે એટલે ભલભલા કામ ચપટીમાં કરી નાખે. ઓએસથી જેમ જાતજાતનાં પ્રોગ્રામ
રન થાય છે તેમ આપણાં ઘરના પ્રોગ્રામ ગૃહિણીથી ચાલે છે. જોકે આજ ગૃહિણીમાં શોપિંગ
નામનો વાઈરસ ઘુસી જાય અને એને જો ઇચ્છિત વસ્તુ ન મળે તો ગુસ્સે થઇ રિસાઈને એક વાર
હેંગ પણ થઇ જાય છે. પછી મનાવવામાં માટે તમારે પરણ્યા પહેલા જે બધું કરતાં હતાં એ
બધું ‘રિસ્ટાર્ટ’ કરવું પડે છે.
અધીરભાઈ..એક ગોંડલના વેપારી પાહેથી મે લેપટોપ ખરિદેલુ...એકાદ વરહ કેડ્યે હેન્ગ માંડ્યુ થાવા..મે ઇન્કવાયરી કરી તો કહેવામા આવ્યુ કે...શો-રૂમ પર ગોંડલ પાછુ મોકલો...થોડા સમય કેડ્યે જવાબ આવ્યો વી હજાર મોકલો//એક હાર્ડવેર પાર્ટ્સ તમારે વસાવવો પડશે...
ReplyDeleteહવે ઘરમા વિજળીની ખપતમા પેલુ અટેચેડ હાર્ડવેર પાર્ટ્સ પણ પાવર ખાવા લાગ્યુ...પાંચ વરહ કેડ્યે ગોંડલ શો-રૂમથી ઓર્ડર છુટ્યો..અટેચેડ હાર્ડવેરપાર્ટ્સને સ્કુલમા અપગ્રેડ કરવા મોકલવુ પડશે...અને યાર સ્કુલના હપ્તા તો મારી નાખે એવા...અટાણે લેપટોપની બેટરી ફુલી ગય સે..અને પેનડ્રાઈવ વાયરલેસ માઊસ અને એવા તો અનેક પાર્ટસ જોડાઈને લેપટોપ, ડેસ્ક કરતા પણ વધારે જગ્યા રોકે સે...!કંપની મેન્યુફેક્ચરર કઈ ધ્યાન આપે એમ નથી..મારો રળેલો પગાર આ લેપટોપમા કંઝમ્પ્ટ થઈ જાય સે..જહદણના ’ ગોધાભાઈ ગોલવાડીયા ’તો લેપટોપ એક ગરિબ નિહાળીયાને દાનમા દઈ દેવા તૈયાર થયેલો પણ સમાજે એને રજા નો આપી...આવા ગોધા તો ગામડે ગામડે ઢગલા મઢે પયડા સે..વેપારીને તો ધંધા પાર વગરના હોય..અટલે એને જાજી સિસ્ટમની જરૂર પડે...અને કાઈ યાર.....સિસ્ટમ હાટુ વેપારી થોડુ થવાય..હે ભાય...લ્યો ખડઅખડાટ