| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ભારત દેશને સ્વતંત્રતા મળ્યે છ દાયકા વીત્યા પણ આપણી
પ્રજા નાહવા જેવી ગૌણ બાબતમાં પણ સ્વતંત્રપણે નિર્ણય નથી લઈ શકતી. આમ તો નહાવું કે
ન નાહવું એ આપણો અંગત વિષય છે. પણ જો મિડલ ક્લાસનો માણસ નહાય નહિ, તો એનાં ઘરમાં અને વાત
આગળ વધીને ઓફિસ અને સમાજમાં એ ચર્ચાય છે. ધર્મ રોજ નહાવાનું કહે છે એટલે કદાચ લોકો
રોજ નહાય છે. વેદ અને પુરાણોમાં ઉપવાસનો મહિમા ગવાયો છે, જેમાં મન અને તનની શુદ્ધિ માટે
અન્નનો ત્યાગ થાય છે. તો અણ્ણાને રામદેવ જેવા પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરે છે.
પણ વિરોધ પ્રદર્શનમાં નાહવાના ઉપવાસનો ઉપયોગ થતો સાંભળ્યો નથી. આ તો ખાલી આઇડિયા
આપું છું ઉપવાસવીરોને !
શિયાળો આવે એટલે છાપાઓ કાશ્મીરમાં બરફ પડ્યો અને
કચ્છમાં નલિયામાં કેટલું ન્યૂનતમ તાપમાન થયું એનાં આંકડા આપે એ જોઈ ઘણાં નબળા
હ્રદયના લોકો ઘેરબેઠાં ફફડી ઊઠે છે. નહાવાનું નામ માત્ર પડે તો અમુકને ઠંડી ચઢી
જાય છે. અમુકને તો સવારે બ્રશ કરીને મોઢું ધોતાં ડર લાગે એટલે ટુથપેસ્ટનું સફેદ
ફીણ હોઠની આજુબાજુ લાગેલું હોયને એ ચાનો કપ મોઢે લગાડી દે છે. કમનસીબે જેને નહાવું
ન ગમતું હોય તેવાં છોકરાઓની મમ્મીઓ છોકરાં નહાય એ માટે ખૂબ આગ્રહી હોય છે. જો કે
મોડર્ન મમ્મીઓ પોતે જ નહાવામાં સવારની સાંજ પાડી નાખતી હોય છે એટલે છોકરાઓને બહુ
તંગ નથી કરતી.
નહાનાર બાથરૂમમાં જાય પછી નહાય છે કે નથી નહાતો,
અને જો નહાય છે તો
બરોબર નહાય છે કે નહિ, તે બાબત ગૂઢ જ રહે છે. માણસના મૃત્યુ પછી જે રાઝ દફનાઈ જાય
છે એમાં એ માણસ ખરેખર રોજ નહાતો હતો કે નહિ, તે પણ હોય છે. બાથરૂમમાં પાણી
જવાના અવાજનાં આધારે કોઈ નાહ્યું છે એવું સર્ટિફિકેટ આપવું એ કૉલેજનાં પટાવાળાને
કૉલેજ જવા માટે ડિગ્રી આપવા બરોબર છે. આ ઉપરાંત બરોબર નહાવું કોને કહેવાય એ અંગે
પણ મતમતાંતર છે. અમુક લોકો સાબુ ચોળીને નાહવાને પ્રાધાન્ય આપે છે. અમુક લોકો
માથાબોળ સ્નાનને સંપૂર્ણ સ્નાન ગણે છે. સંપૂર્ણ કપડાં સહિત નદીમાં ડૂબકી મારે એટલે
સ્નાન થયું કહેવાય એ વાત સાથે અન્ય ઘણાં સંમત નથી થતાં. જોકે બ્રાહ્મણોનાં
કિસ્સામાં એમના નાહવાની ખાતરી જનોઈ ભીની છે કે નહિ તે દ્વારા કરી શકાય છે.
આજકાલ ગઠિયા એકના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપવાની
લાલચ આપીને લોકોને લાખો રૂપિયામાં નવડાવે છે. વેપારીઓ એક પર ત્રણ ફ્રી આપવાની બોગસ
સ્કીમો કરી ગ્રાહકોને નવડાવે છે. રાજકારણીઓ તો પ્રજાને કરોડોમાં નવડાવે જ છે. આવી
રીતે નહાવાનું કોઈને ન ગમે તે સ્વાભાવિક છે એટલે દુધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે
એમ આવા ગઠિયાઓ જેને નવડાવે છે એ પછી નહાવાથી એટલો ડરે છે કે શિયાળામાં પણ ડ્રાય
ક્લીનીંગથી કામ ચલાવતો થઈ જાય છે!
લોકોએ દેશસેવા માટે પણ એક ટંક નહાવાનું છોડવું જોઈએ.
ન નહાવાથી પાણી તો બચે જ છે. પણ નાહવાનો સમય પણ બચે છે. શરીર લૂછવાનો સમય બચે છે.
પછી વાળ સૂકવવાનો સમય બચે છે. ફરી તેલ નાખવાનો સમય બચે છે. તેલ અને સાબુના પૈસા
બચે છે. કપડાં કાઢવા અને ફરી પહેરવાનો સમય બચે છે. નાહવા જતાં પહેલાં ટુવાલ
શોધવાનો સમય બચે છે. ટુવાલ ‘એક જ જગ્યાએ કે ઠેકાણે નથી કેમ નથી મૂકતી?’ એ બાબતે પતિ-પત્ની વચ્ચે
ઝગડા થતાં અટકે છે. ન નહાવાથી સોસાયટીનું ઇલેક્ટ્રિક મોટરનું બિલ ઓછું આવે છે અને
બધાં જો સામૂહિક રીતે નાહવાથી અળગાં રહે તો શહેરની પાણીની સમસ્યા હળવી થઈ શકે.
ઉપરાંત ગટરમાં પાણી ન જવાથી ગટરો ઉભરાવાવા પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય. એટલું જ નહિ,
જેમ ગાંધીજી પોતે
આચરણમાં મૂકી બીજાને ઉદાહારણરૂપ બનતાં હતાં એમ મહાપુરુષોએ પણ આ ઉમદા કાર્યમાં
ઉદાહરણરૂપ બનવું જોઈએ. વિચારો કે ભારતનાં સવાસો કરોડ લોકો એક દિવસ ન નહાય તો શું
થઈ શકે ? અંદાજે
ત્રણ હજાર કરોડ લીટર પાણી બચે, પાંચ કરોડ તો સાબુ બચે સમજ્યા? હવે એક કામ કરો, બાથરૂમનાં દરવાજા પર આ
લેખ ચોંટાડી દો ! ■
ડ-બકા
કકડે છે દાંત ને
હલવા લાગે છે દાઢ બકા,
પ્રેમ શબ્દ સાંભળીને
મને ચઢે છે ટાઢ બકા!
No comments:
Post a Comment