| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૯-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વાંદરા અપગ્રેડ થઈ માણસ
બન્યા. અત્યારે તો માણસ રોબો બનાવે છે, પણ દિવસે દિવસે માણસ રોબો જેવો થતો જાય છે. જુના
કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, મેમરી, પ્રોસેસર અપગ્રેડ થતાં કૅબિનેટ સિવાય બધું બદલાઈ જાય,
એમ વાંદરામાંથી
માણસ બન્યો પણ વાનરવેડા રહી ગયા છે. આપણા આ પૂર્વજો પાસેથી આપણે વાંદરાની જેમ
જાહેરમાં ખંજવાળતા શીખ્યા છીએ. જાહેર જગ્યાએ અણછાજતી હરકત કરતાં યુવાપ્રેમીઓને
જોઈએ ત્યારે પણ વાંદરાં યાદ આવી જાય છે. મનુષ્યો પોતાના આ પૂર્વજોને ભૂલ્યા નથી એ
વાતની સૌથી મોટી સાબિતી જોઇતી હોય તો વિધાનસભા અને સંસદમાં ધમાલ કરતાં અને એક
પાર્ટીમાંથી ગુલાંટ મારી બીજી પાર્ટીમાં જતાં નેતાઓને જુઓ. એમણે જ વાંદરો ઘરડો થાય
તો ગુલાંટ મારવાનું ભૂલે નહિ તે ઉક્તિને યોગ્ય ઠેરવી છે. આ માણસ ટોળીની સરદારી
કરવાના મામલે વાંદરાની જેમ જ જીવ પર ઊતરી આવે છે.
ગાય પાસેથી માણસજાત ઘણું શીખી છે. અમુક મનુષ્યો
મોંઘી કાર લઈને નીકળે તો છે, પણ ચાર રસ્તા વચ્ચે ગાયની જેમ અનિર્ણીત દશામાં ઉભા રહી ‘હવે કઈ બાજુ જશું?’
તે નક્કી કરે છે.
ગાય પાસેથી પત્નીઓ શિંગડા મારવાનું અને વાગોળવાનું શીખી છે. ને ગાયોની જેમ પત્નીઓ એક
વાર કૂચો ન થઈ જાય ત્યાં સુધી લીધેલી વસ્તુને છોડતી નથી, ખાસ કરીને પતિની કુટેવો અને
લફરાં એને જલદી પચતાં નથી. પત્નીઓની જેમ ગાય પણ કદી વિન્ડો શોપિંગ કરતી નથી.
અમદાવાદનાં માણેકચોકમાં પસાર થતી ગાય કોઈ પણ ઘડીએ કોઈ પણ શાકની લારીમાં મહો મારી લે છે. બરોબર આમ જ ઘણી સ્ત્રીઓ પણ શોરૂમ
જોઈ પોતાના પગ એ તરફ વાળી દે છે. જોકે શોરૂમવાળા સમજુ હોવાથી તેઓ સ્ત્રીઓને ગાયની
જેમ ‘હટ હટ’
નથી કહેતા!
કીડી પાસેથી મનુષ્ય મહેનત કરતા શીખ્યો એવું ઘણાં
માને છે. પણ કીડી સમાજમાં ડાબેરી પાર્ટીની લાલ કીડી મહેનત કરતી હશે કે કેમ એ
ઝુઓલોજીસ્ટ જાણે, પણ એ ચટકે છે જરૂર. માણસો પણ પોતાની આસપાસ અને સમાજમાં અન્યને યથાશક્તિ નાના
મોટાં ચટકા ભરતો રહે છે. આ ચટકા શારીરિક, આર્થિક કે માનસિક કોઈ પણ પ્રકારના હોઈ શકે. કીડીને
ગળપણ પ્રતિ વિશેષ રુચિ જોવા મળે છે, એટલે જ્યાં ગળ્યું મળે ત્યાં કીડીઓનું ઝુંડ ભેગું થઈ
જાય છે. આમાં મીઠાશ એ સુંદર છોકરીઓનું પ્રતિક છે, અને કીડી એ દિલફેંક
યંગીસ્તાનનું. કીડીઓ પોતાના ખુદના વજન કરતા વીસેક ગણું વધારે વજન આસાનીથી ઊચકીને
ફરે છે. કીડી પાસેથી પ્રેરણા લઈને મુંબઈની સબર્બન ટ્રેન સેવા બની, જે કીડિયારાં જેવા દ્ગશ્યો તો તાદ્રશ્ય કરે જ છે
અને કેપેસીટી કરતાં વધારે મુસાફરો વહન કરે છે.
કૂતરા પાસેથી માણસે શું શીખવા જેવું છે ? સો ટકા લોકો આનો જવાબ
વફાદારી આપશે. પણ વફાદાર લોકોની હાલત આજકાલ ધોબીનાં કૂતરા જેવી થાય છે, એટલે પછી એજ લોકો
કૂતરાનાં વફાદારી પછીના ક્રમની કરડવાની લાક્ષણિકતા શીખે છે. કૂતરાની પૂંછડી પર
વિદેશોમાં ઘણું સંશોધન થયું છે. એવું કહે છે કે કૂતરાની પૂછડી બાર વર્ષ પાઈપમાં
રાખો તો પાઈપ વાંકી થઈ જાય પણ પૂંછડી સીધી ન થાય. હવે આ અતિશયોક્તિ ભરી વાતમાં બે
મુદ્દા વિચાર માંગે છે. ૧) શું આ પ્રયોગમાં સરકારી ગુણવત્તા મુજબની પાઈપ વાપરી
હોવાથી એ વળી ગઈ હશે? અને ૨) બાર વરસ સુધી કૂતરાની પૂંછડી પાઈપમાં રાખવાનાં આ પ્રયોગની સૈધાંતિક
મંજૂરી કોણે આપી? યાર, જીવદયા
જેવી કોઈ ચીજ પણ હોય ને? આમ છતાં આ આખી વાતમાં અતિશયોક્તિ અવગણીએ તો પણ માણસજાત
કૂતરાની પૂછડી જેવી ટાંકી જ છે, અને આમાં દાખલા આપવાની જરૂર નથી.
સિંહ જંગલનો કહેવાતો રાજા છે. જંગલમાં શાકાહારી,
માંસાહારી એમ બધી
જાતના પ્રાણીઓ રહે છે. બહુમતી ધરાવતાં
શાકાહારી પ્રાણીઓનાં મતથી માંસાહારી સિંહ જંગલનો રાજા બને છે. આ રાજા એની જ
પ્રજાનું ભક્ષણ કરે છે. એટલું જ નહિ પ્રજાને ભક્ષણ સહજ લાગે તે માટે એ ‘સિંહ ભૂખ્યો થાય પણ કદી
ઘાસ ન ખાય’ એવી વાતો પણ ફેલાવે છે. ભોળી પ્રજા એની વાત માની લે છે. આમ એ વરસોથી જંગલ પર
રાજ કરે છે. ખબર પડી નેતાઓ ક્યાંથી શીખ્યા આ બધું ? ■
ડ-બકા
તમન્ના તો ઘણીયે છે કે
હોન્ડા સીટીમાં ફરું બકા,
પણ લ્યુનાનાં ચઢેલા હપ્તા
તો પહેલા ભરું બકા!
No comments:
Post a Comment