| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |
મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવો સારથી ન હોત તો
અર્જુન વિજયી ન થાત. ઉત્તરાયણમાં પણ કુશળ સારથિની જરૂર પડે છે. ઉત્તરાયણની સવારે
ધાબામાં ચઢનારને કદીક અર્જુન જેવો ગ્લાનિ ભાવ પણ થાય છે કે ‘આ તો મારી ગર્લફ્રેન્ડનો ભાઈ,
એનો પેચ મારાથી કઈ
રીતે કપાય ?’ કે ‘આ પિયુષભાઈએ
તો હું બાઈક ખેંચીને થાકી ગયો હતો ત્યારે પોતાનાં સ્કૂટરમાંથી પેટ્રોલ કાઢી આપ્યું
હતું, એમની
સાથે પેચ કઈ રીતે લેવાય?’ પણ આવા વિચારોથી મન મોળું પડે ત્યારે આ સારથી પાનો ચઢાવવાની
સાથે ‘લઈ
લે, ખેંચી
નાખ, જો
હાથમાંથી લે જે’ જેવા વિધાનો કરી તમને પેચ લેવા અને બીજાનાં પતંગ કાપવા ઉત્સાહિત કરે છે.
ઉત્તરાયણમાં જોકે આવા સહાયક પાત્રોને યોગ્ય મહત્વ મળતું નથી, પણ તેમનાં વગર ઉત્તરાયણ
થતી પણ નથી.
ઉત્તરાયણમાં સવારમાં સાત વાગ્યે ધાબે ચઢનારને ખબર
હશે કે ઠંડીમાં ફીરકી જાતે વીંટતા કેટલી તકલીફ પડે છે. ફીરકી પકડનાર વર્ગને પતંગ
ચગાવવામાં ઓછો રસ હોઈ નહાઈ ધોઈ ચા-પાણી નાસ્તો કરી ધાબે ચઢે છે. આ ફીરકી પકડનાર બે
પ્રકારનાં હોય છે. એક, કે જે ધાબા પર ચઢે એટલે સ્વયંભુ ફીરકીનો હવાલો લઈ લે છે,
અને બીજાં કે જેમનાં હાથમાં પરાણે ફીરકી પકડાવવામાં આવે છે. પહેલાં પ્રકારનાં જાતક
પતંગ કઈ દિશામાં ચગે છે, આપણે કેટલાં કાપ્યા, આપણો કપાઈ ગયો, જેવી માહિતી રાખતાં હોય
છે જ્યારે બીજાં પ્રકારનાં જાતકોને આવી માહિતી આપવી પડે છે, જેમ કે ‘વીંટ હવે જલદી, આપડો કપાયો’. ત્યારે એ સારથી જાગે છે
અને મંથર ગતિથી ફીરકી લપેટવાનું શરુ કરે છે. આ કામ કરતાં ચંપલ/સેન્ડલમાં દોરી
ફસાવી કેટલીય ગૂંચો ઊભી કરે છે, અને આ બધાં ગૂંચવાડા દૂર કરી નવો પતંગ ચગાવતાં સુધીમાં હવા
પડી ગઈ હોય છે! એમને પાછાં વધારે ધમકાવો તો રિસાઈને ઘરમાં કે પિયર ચાલ્યાં જાય છે.
ફીરકી પકડવામાં આમ જે ગૂંચો ઊભી થાય એ ઉકેલવાનું કામ
અમુક વડીલો વગર કહ્યે હાથ ઉપર લઈ લે છે. આમાં કરવામાં એમનો પરમાર્થ કે સેવા જેવા
ભાવ નથી હોતા. તેઓ માત્ર પોતે ભલભલી ગૂંચ ઉકેલી શકે છે તે સાબિત કરવાનો એક માત્ર
હેતુ હોય છે. પતંગ શોખીનોને ખબર હશે કે નવી અને કડક દોરીની ગૂંચ કરતાં જૂની દોરીની
ગૂંચ ઉકેલવી અઘરી હોય છે. આવા ગૂંચવીરોને અઘરી ગૂંચ ઉકેલવામાં ક્રૉસવર્ડ પઝલ કે
સુડોકુ સોલ્વ કરવા જેટલો આનંદ આવે છે. જેમ ક્રિકેટમાં ભૂતપૂર્વ ક્રિકેટર કૉમેન્ટરી
કરતાં હોય છે એમ ભૂતપૂર્વ પતંગવીરો ગૂંચ ઉકેલવાનાં કાર્યમાં જોડાતાં હોય છે. જો કે
હર્ષા ભોગલે જેવા અમુક પોતે ખેલાડી ન હોવા છતાં આ ફિલ્ડમાં સફળ થયેલા પણ જોવા મળે
છે!
ઉત્તરાયણમાં જ્યારે હવા બરોબર હોય અને સવારનાં
અગિયાર વાગ્યાનો સમય હોય ત્યારે ભારે રસાકસી જામી હોય છે. આવામાં ભલભલાં શીખાઉ
લોકોનાં પતંગ પણ એક જ ઠૂમકામાં ઊંચા થઈ જતાં અને કપાઈ પણ જતાં હોય છે. આવામાં
પાછળનાં ધાબેથી ચગાવતો ટેણિયો પણ તમારો પતંગ કાપી જાય એવું બને. અને પછી જે લાગી
આવે આપણને. એમ થાય કે ‘હે ભગવાન, આવતી ઉત્તરાયણે ક્યાં તો અવળી દિશામાં પવન આપજે અથવા તો
પેલાં નાલાયકની પાછળની બાજુ ઘર અપાવજે!’ પણ આમ નિરાશા ભર્યા સુર કાઢતાં હોઈએ ત્યારે જ કોઈ
પકડેલા પતંગમાં ફીરકી જોડીને દોરી આપણા હાથમાં પકડાવી દે તો કેવી મઝા આવે? મોટે ભાગે આ રોલ મોટાભાઈ
અને મોટા સાળા કરતાં હોય છે. આપણે પતંગ કપાય અને નિરાશ થઈ આજુબાજુના ધાબામાં
નિરર્થક દ્ગષ્ટિ કરતાં હોઈએ ત્યારે એ કિન્ના બાંધેલો પતંગ આપણાં હાથમાં પકડાવી દે,
‘જા ફતેહ કર’ એવા ભાવ સાથે. એટલું જ નહિ પતંગ કપાય ત્યારે બૂમો પાડવામાં
પણ તેઓ અગ્રેસર હોય છે.
આવું જ ઉમદા કાર્ય ભત્રીજાઓ અને નાના ભાઈઓ પણ કરતાં
હોય છે. ચગાવતાં જે હજુ શીખે છે પણ જેને હજુ ઝાઝી ફાવટ નથી, એવો ભત્રીજો જ્યારે રણમેદાનમાં
દેકારો મચ્યો હોય, અને ધાબાં પરથી એક પછી એક કપાયેલા પતંગ પસાર થતાં હોય, ત્યારે પતંગ ચગાવવાનું છોડીને
પતંગ પકડવામાં લાગી જાય છે. આ બાજુ જેટલા પેચ કપાય છે, પકડનાર સામે એટલાં જ પતંગ પકડતો
જાય છે. પકડેલા પતંગ કિન્ના બાંધેલા તો હોય છે જ પણ પતંગ છાપ ન ખાય એ માટે ઢઢ્ઢો
વિ. વાળીને ચકાસેલા પણ હોય છે. ‘એ કપાયો છે, માટે ચગ્યો તો હશે જ’, એ સિદ્ધાંત મુજબ પકડેલા પતંગ ઓછી
હવામાં નવાં પતંગ ન ચગતાં હોય ત્યારે ખાસ અજમાવવામાં આવે છે. પકડેલા પતંગમાં સૌથી
વધારે સુખ એ વાતનું હોય છે કે આવા પતંગ કપાય તો ખાસ દુઃખ થતું નથી.
પણ આ બધામાં એક કલાકાર કે જે ફીરકી પકડવાથી માંડીને
ફૂડ સપ્લાય કરવા સુધીનાં મહત્વના અદા રોલ કરે છે તેને ભૂલવી નહિ. આજુબાજુના
ધાબામાં પેચ લગાવતો, કોઈ પણ ધાબા પર ગોથ ખાતો અને કોઈ સુંદર ચીલ જોઈ પેચ લેવાનું ભૂલી જતો પતિ ભલે
એમ સમજે કે પોતે પતંગ ચગાવે છે પણ એની દોરી જેના હાથમાં છે તે એનાં સંસારરથની
સારથી એવી ભાર્યાની ઇચ્છા વિરુદ્ધ પાંદડું પણ હાલતું નથી અને એ જેટલી ઢીલ આપે એટલે
દૂર સુધી જ એનો પતંગ જઈ શકે છે. આ
કલાકારની એન્ટ્રી ભલે ફિલ્મમાં મોડી થઈ હોય, એક્ટીંગનાં બધાં એવૉર્ડ તો એને જ
મળવાના છે ! ■
No comments:
Post a Comment