| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૫-૧૨-૨૦૧૧ | અધીર અમદાવાદી |
આપણે કોઈ વાતમાં પાછળ નથી એ સાબિત કરવાં કે પછી મુંબઈ જેવા શહેરની અસરનાં
કારણે ગુજરાતમાં પણ ક્રિસમસ ઉજવાતી થઈ ગઈ છે. ગુજરાતીઓની ક્રિસમસ ઉજવણી આખી
દુનિયામાં ન થતી હોય તેવી અનોખી હોય છે. સાન્તા ક્લોઝ ક્રિસમસ પર ગુજરાતમાં આવે
એટલે શાંતા બની જાય છે. ક્રિસમસ હોય એટલે સફેદ દાઢીવાળો શાંતા અને ભલું હોય તો
આસોપાલવના ઝાડ પર શણગાર, બત્તીઓ કરીને ક્રિસમસ ટ્રી બનાવી હોય! હાસ્તો, તહેવારમાં
તો આસોપાલવ જ હોય ને, ક્રિસમસ ટ્રી ક્યાંથી લાવવું?
ક્રિસમસની રાતે ગુજ્જેશ કુમાર એની ગુજીષા અને જીગા કે જીગીને બબ્બે સ્વેટર્સ અને
બુઢીયા ટોપી પહેરાવી બાઈક પર આંટો મરાવવા નીકળે. હાસ્તો, છોકરાને મુકીને જવાનો જીવ
થોડો ચાલે? પછી કોઈ મોલની અંદર કે શોપિંગ સેન્ટરની બહાર પ્લેટફોર્મ પર ચઢી આપણા
‘શાંતા’ ક્લોઝ કઈંક ખેલ કરતાં હોય ત્યાં પહોંચી જાય. શાંતા પાસેથી જીગા માટે હાથોહાથ
ચોકલેટ લેવાનું કામ પતે એટલે અડધી ક્રિસમસ ઉજવાઈ જાય. ત્યાંથી નીકળીને જુનાં
ફૂટપાથીયા લોખંડના ડગુમગુ ટેબલ અને પ્લાસ્ટિકિયા ઠંડી ખુરશીઓ પર બેસી ભાજીપાંવ ખાય
એટલે બાકીની ક્રિસમસ પૂરી થઈ જાય. બાકી હોય તે સાડા દસે ઘેર પહોંચી ટીવી પર સમાચાર
જુએ, એનાં પર ગુજ્જેશ એક્સપર્ટ કોમેન્ટ આપે, અને ગુજીષા દહીં જમાવે, એમ દિવસ પુરો
થઈ જાય!
જો કે અમુક, ખાસ કરીને નવપરણિત અને છોકરાં થયાં ન હોય તેવાં, પાર્ટી કરવાં પણ
જતાં હોય છે. ગુજ્જેશે તો મોટે ભાગે ઓફિસેથી આવી ને કપડાંય ન બદલ્યા હોય, અને બદલે
તો બહુ બહુ તો જીન્સ ટી-શર્ટ પહેર્યા હોય. ઉપર તિબેટીયન માર્કેટમાંથી લીધેલું
ગોદડાં જેવું નાયલોનના કાપડનું જેકેટ ચડાવ્યું હોય. અને ગુજીષાઓએ પણ એક દિવસ સલવાર
કમીઝ છોડી જીન્સ-ટી શર્ટ પર્હેર્યા હોય. પણ જિન્સમાં (રંગસૂત્રોમાં) જે આવ્યું હોય
એ થોડું બદલાય છે? એટલે હાથમાં બ્રેસલેટ સાથે જાતજાતની બાધાના દોરા અને ગળામાં
મંગલસુત્ર સહઅસ્તિત્વ ધરાવતાં હોય. ગુજીષા મોડર્ન હોય તો એનું ટી-શર્ટ થોડું
ટૂંકું હોય, બાકી ઉપર સ્વેટર તો હોય જ. ને ડિસેમ્બરની ઠંડીમાં એ પાર્ટીમાં પણ અદપ
વાળીને જ ઉભી હોય. હાસ્તો, પાર્ટીમાં જાવ એટલે શું ઠંડી લાગતી બંધ થોડી થઈ જાય છે?
ઘરે સાસુ સસરા માટે રસોઈ અને બીજાં કામ પતાવીને નીકળવાનું હોઈ લિપસ્ટિક સિવાય
મેકઅપ કરવાનો વિશેષ સમય મળ્યો ન હોય એટલે એકંદરે ઢેબરાં પર ચીઝ લગાડ્યું હોય એવો
દેખાવ થાય.
પણ જેણે ગરબા જ કર્યા હોય એને વેસ્ટર્ન ડાન્સનાં સ્ટેપ્સ ક્યાંથી સેટ થાય? એમાંય
પાછાં આપણાં ભઈને તો ગરબાય ન આવડતા હોય. તોયે આપણું આ હેપી કપલ બોલડાન્સ કરવાં
જાય. પેલો એક હાથ કમર પર મૂકે પણ પેલીએ જેકેટ કે સ્વેટર પહેર્યું હોય એટલે એનાં
હાથમાં કમરના બદલે જેકેટ જ આવે અને એ નીચેની તરફ ખેંચાય. ને પેલી તરફ ભાઈના જમણાં અને
બેનનાં ડાબા હાથનો હસ્તમેળાપ થાય. પણ ભાઈના હાથમાં મોબાઈલ હોય કે બેને હાથરૂમાલ
પકડી રાખ્યો હોય, એટલે ત્યાં પણ સેટિંગ ના થાય. એમાં બોલડાન્સમાં ધીમે ધીમે
હાલવાનું હોય. એટલે ઘડિયાળના લોલકની જેમ બેઉ બાજુ ઊંચાનીચા થયાં કરે. એમાં જો બંનેની
સ્પીડ જુદી હોય તો બે ચાર વખત ગુજીષાનાં પગ પર ગુજ્જેશનો દસ નંબરનો બુટ પડે. અને
જો પેલીએ પેન્સિલ હિલ પહેરી હોય તો દસ મીનીટમાં જ પગમાં દુખાવો થતાં એ ડાન્સ
એરિયામાંથી બહાર નીકળી ખુરશી શોધતી થઈ જાય. આમ એકંદરે ડાન્સ પાર્ટીમાં ડાન્સફ્લોર
પર આપણું પાર્ટી કપલ દસ મિનીટ માંડ ટકે. અને બિચારો ગુજ્જેશ બીજાં કપલ્સને (ખાસ
કરીને પાતળી કમરવાળી છોકરી હોય એવાં કપલને) ડાન્સ કરતાં જોઈ નિસાસા નાખતો કોક સમદુખિયા
જોડે વાતોમાં ગૂંથાઈ જાય.
આવી રીતે પાંચ છ ક્રિસમસ જતાં સુધીમાં એક બે છોકરાં આવી ગયાં હોય, ઘરે એ છોકરાંને
મુકવાની સમસ્યા, પેલી બાજુ ગુજીષાનો કમરનો ઘેરાવો વધતો જતો હોઈ (ડિલીવરી પછી તો
વધે જ ને?) અને ડાન્સ પાર્ટીમાં જવાનો રસ ઓછો થતો હોઈ, ગુજ્જેશ કુમાર જાહેર કરે
કે, આ બધું આપણી સંસ્કૃતિની વિરુદ્ધનું છે માટે આપણે આવી પાર્ટીઓમાં જવા કરતાં ઘેર
બેસી ટીવી પર કાર્યક્રમો જોવા જોઈએ. આમ, આવી રીતે પણ આપણી સંસ્કૃતિ અને આપણી
પરંપરાઓ જળવાઈ રહે છે! ■
ડ-બકા
વર્તુળ કેન્દ્રમાં સ્થાપિત
તું સ્થિર બકા,
ફરતે ચકરાતો ચારેકોર
હું અધીર બકા.
hehe ... debra par chees... jordar..
ReplyDeletehahahahahaha superb !
ReplyDeleteGood one !! solid observation !!
ReplyDelete