| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૪-૧૨-૨૦૧૧ | અધીર અમદાવાદી |
એવું કહેવાય છે કે એક નુર આદમી ને હજાર નુર કપડા. પણ આપણા ત્યાં નિરક્ષરતા હજુ
પણ છે એટલે આ કહેવત માલુમ ન હોવાથી ઘણાં લોકો કપડાં બાબતે ખાસ જાગૃત નથી. આમાં
પુરુષોના કપડાની વાત કરીએ તો પહેલેથી જ દરજીઓ અને ડિઝાઈનરો એ બાબતે ઘણાં નીરસ
રહ્યા છે. એમાં નાઈટ ડ્રેસનાં ઉત્ક્રાંતિવાદનો અભ્યાસ કરીએ તો છેલ્લા ૧૦૦ કરતાં
વધારે વર્ષોમાં આપણે ગુજ્જેશો ધોતીયાથી શરુ કરી વાયા લેંઘા, લુંગી થઈ આપણે બર્મુડા
ચડ્ડી સુધી જ પહોંચ્યા છીએ. ધોતિયાં અને ચડ્ડી તો આજે પણ ગુજ્જેશોનાં પહેરવેશમાં સહઅસ્તિત્વ
ધરાવે છે!
ગોર મહરાજ અને રસોઈયાને બાદ કરતાં સામાન્યતઃ ધોતિયું પહેરનારનાં લગ્ન પચાસ
અથવા એથી પહેલાંનાં દાયકામાં થયેલા હોય છે. આમ ઉંમરલાયક, સ્વાતંત્ર્ય સેનાની, જુનાં
ખડ્ડુસ રાજકારણીઓ અને ચિંગૂસ શેઠ પ્રકારના લોકો જ આજકાલ ધોતિયાં પહેરે છે.
ગુજરાતનાં શહેરોમાં તો ધોતિયું પહેરનાર મહારાજ પેન્ટ પહેરીને મોટરસાયકલ પર જ આવે
છે અને સ્થળ પર જ પેન્ટમાંથી નીકળી ધોતિયામાં પ્રવેશે છે. ધોતિયું પાતળા કાપડનું
હોય છે અને પહેર્યું હોવાં છતાં ન પહેર્યું હોય તેવો અહેસાસ કરાવે છે. એટલે જ જેણે
ધોતિયાની ખરી મજા માણી છે તે ધોતિયું ત્યજી નથી શકતો. ક્યારેક પરદેશગમન પ્રસંગે જો
એ ધોતિયામાંથી પેન્ટધારી બને તો એને લોકો ઓળખી શકતા નથી. પણ એ જ્યારે ‘સાલું
ધોતિયાં જેવી મઝા આવતી નથી’ એવો લવારો ચાલુ કરે એટલે લોકો તરત જ ઓળખી જાય છે ‘અરે,
આ તો શાંતિ ધોતિયું!’.
ધોતિયું પહેરવામાં ચીવટ જોઈએ. પાટલી વાળવા માટે એક બાજુનો છેડો લાંબો રાખવો
પડે. એ જો થોડોક લાંબો ટૂંકો રહી જાય તો છેલ્લે ડૂચા મારવાનો વારો આવે અથવા તો
છેડો કેડ પર ઘુસાડતી વખતે ટૂંકો પડે. જોકે અનુભવી માટે આ કોઈ મોટી વાત નથી. પછી
પાટલી વાળવામાં પણ સમાન માપ રાખવું પડે અને આંગળી અને અંગુઠા વચ્ચે છેડાની પક્કડ
રાખી જાણે વાલ્વ ખોલતા હોઈએ એમ હાથ ફેરવવો પડે. આમાં હાથ એક જ હોય, બીજો હાથ તો
ધોતિયાના છુટ્ટા છેડાને સાચવવામાં લાગેલા હોય. એમાં પાછો જો પંખો પાંચ પર ચાલતો હોય
તો ધોતિયું પહેરવાનું કામ ઘણું કપરું બની જાય. આથી વધારે મુશ્કેલી ધોતિયું પહેરતી
વખતે રૂમમાં અન્ય કોઈની હાજરી સર્જે છે.
ઉત્ક્રાંતિવાદમાં ધોતિયાં પછી લેંઘા અને લુંગી આવ્યાં. લુંગી પહેરનારનાં લગ્ન સંભવતઃ
સિત્તેરનાં દાયકામાં થયા હોવાની સંભાવના છે. લુંગીમાં સાદગી છે. એનો સિલાઈ ખર્ચ
નજીવો આવે છે. લુંગી પહેરવી, કાઢવી, ઉંચી કરવી વિગેરે જેવી અનેકવિધ ક્રિયાઓ
સરળતાથી થાય છે. લુંગી પહેરતાં નાડું બાંધવા જેટલી પણ મહેનત કરવી પડતી ન હોવાથી
આળસુ લોકોને અતિપ્રિય છે. જોકે દક્ષિણ ભારતનાં લોકો કેમ વધારે લુંગી પહેરે છે એ
અંગે આ લખનાર પાસે નક્કર માહિતી નથી.
લુંગી વચ્ચેથી સીવેલી હોય તો કમરનાં ઘેરાવાથી વધારે માત્રામાં નીકળતા કપડાંનાં
બે છેડા પરસ્પર વિપરીત દિશામાં બકરીના કાન પકડી ખેંચતા હોઈએ એમ ખેંચી કમર પર ખોસી
લુંગીની ઉપરની ધાર ઉલટાવી છેડા લોક કરી દેવામાં આવે છે. આ કામ અનુભવ માંગે છે,
અન્યથા આમ કર્યા પછી પહેલું ડગ ભરતાં પગ આગળ વધી જાય છે અને લુંગી એને પહેરનાર
પહેરતી વખતે જ્યાં ઊભો હતો તે સ્થળે જમીન ઉપર કુંડાળું રચી પડી રહે છે. આ ઉપરાંત લુંગીની
નીચે સાડીની જેમ ઘાઘરા કે સ્લીપ ન પહેરાતી હોવાથી હવા આવે તો એ ઉડી જાય છે. કાપડ
બાબતે પુરતી ચીવટ ન રાખી હોય તો (આમેય લુંગી પહેરનાર આળસુ તો હોય છે જ!) પારદર્શક
લાગે છે, આમ લુંગી બહુવિધ રીતે મર્યાદાભંગ કરે છે.
મોટે ભાગે પરણ્યા પછી લોકો મને-કમને લુંગી પરથી લેંઘા, નાઈટ ડ્રેસ કે ચડ્ડી
ઉપર આવી જાય છે. વહુ ઘરમાં આવે પછી ઘણાં સસરાઓને આમ જ ભારે મને લુંગી ત્યાગ કરવી
પડે છે. આમ પરણિત પુરુષોના માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનાં મૂળમાં લુંગી હોય
છે પણ નવી પરણેલી વહુને આ અંગે જવાબદાર ઠેરવવામાં આવે છે. ખેદની વાત એ છે કે
પુરુષોની માનસિક હાલત માટે વહુ નહિ લુંગી જવાબદાર છે, તે અંગે ઘણાં મનોચિકિત્સકો પણ
સાવ અજ્ઞાત હોય છે! ■
ડ-બકા
ચોરાણું સુધી
પહોંચીને સચિન સદી ચુકે છે બકા,
ત્યારે ખાનગીમાં
બોલર ખુદ આંખો લૂછે છે બકા.
No comments:
Post a Comment