| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૧૧-૨૦૧૧| અધીર અમદાવાદી |
આપણે જયલલિતાનાં વારસદાર નથી કે સાડી સાતસો જોડી ચંપલ હોય આપણી પાસે. આપણે માયાવતીનાં વારસદાર પણ નથી કે આપણા ચંપલ આપણી કંપની વગર એકલા એકલા હવાઈસફર કરી શકે. આપણાં જેવા સામાન્ય માનવી પાસે તો બુટ ચંપલની એકાદ બે જોડી હોય છે અને એને ઘણી સાચવવી પડતી હોય છે, ખાસ કરીને મંદિરો અને કેટલાંક હૉસ્પિટલોમાં. આવાં સ્થળોએ
યોગ્ય વ્યવસ્થાનાં અભાવે પગથિયા ઉપર ચંપલ બુટનો ત્યાગ કરવો પડે છે. અમુક જગ્યાએ બુટ ચંપલ મૂકવા માટે ખાસ ઘોડાં ગોઠવેલા હોય
છે, જે કોઈ ટેકનિકલ
કારણસર આવનાર બધાં મુલાકાતીઓના જોડાને સમાવી શકે તેટલી સાઈઝનાં બની નથી શકતા. એટલે આવાં સ્થળો પર કલિંગની લડાઈ પછી સમ્રાટ અશોકને જોવાં મળ્યું હતું તેવું દ્ગશ્ય જોવાં મળે છે.
જાહેર
જગ્યાઓ પર માનવી બુટ ચંપલ કઈ રીતે કાઢે છે કે મૂકે છે તે અંગે હજુ કોઈ સંશોધનો અમેરિકામાં પણ નથી થયાં. જો થયાં હોત તો કયા પ્રકારનાં, કેવા લોકોનાં, કયા મહિનામાં અને દિવસના કયા સમયે ચંપલ વધુ ચોરાય છે એ પ્રકારની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોત. અને સામાન્ય માણસ આ સંશોધનનો લાભ લઇ પોતાના જૂતાં ચોરાતાં અટકાવવા યથાયોગ્ય પ્રયત્ન કરી શકત. પણ આવું સંશોધન થયું ન હોવાથી લાચાર માનવી ખુદ પોતે સ્વાનુભવ અને સ્વભાવનાં જોરે જૂતાં બચાવવા કોશિશ કરે છે.
જેણે
ભૂતકાળમાં ચંપલ ગુમાવ્યા છે તેવાં લોકો જાહેરસ્થળનાં પ્રવેશદ્વારથી જ આખી જગ્યાનું સાડા પાંચ ફૂટની ઊંચાઈએથી હવાઈ સર્વેક્ષણ કરે છે. આ સર્વેક્ષણમાં બુટ ચંપલ મૂકવાનું નિર્ધારિત સ્થળ, આજુબાજુ બેઠેલા લોકો, બહાર જવાનો રસ્તો, ચંપલ બુટ કાઢવાની જગ્યાની મંદિરમાંથી વિઝીબીલીટી વિગેરેનો સમાવેશ થાય છે. આવા લોકો મોટે ભાગે ઘોડામાં સૌથી નીચેનું ખાનું પ્રથમ પસંદગી હોય છે કારણ કે નીચેનાં ખાનામાં મૂકેલાં જોડાં આસાનીથી દેખાતા નથી. આ ઉપરાંત ચોરનારની નજર નીચેના ખાનામાં પડેલા જૂતાં પર પડે તે પહેલાં ઉપર મૂકેલા અન્ય સારા જૂતાં પર પડે છે. આમ નીચલા ખાનામાં મૂકેલા જૂતાં ચોરાવાની સંભાવના ઘણી ઘટી જાય છે. પણ ભૂતકાળના કટુ-અનુભવથી પાઠ શીખેલ માનવ નીચેના ખાનામાં જોડાં મૂકે તો પણ એ અન્યના જોડાની આડશમાં છુપાવીને મૂકે છે.
જોડાં
ચોરાઈ જતાં અટકાવવા અમુક અધમ માનવી જોડાંને કજોડાં કરી નાખે છે. બે બુટને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉતારે છે. ઘણી વાર દર્શન થઈ જાય પછી પોતે જ એ કજોડાંનું ફરી જોડું બનાવતાં હાંફી જાય છે. આમ થવામાં ભારતના લોકોની ફૂટબૉલ
સિવાયની ચીજવસ્તુઓથી ફૂટબૉલ રમવાની ટેવ પણ કેટલાક અંશે જવાબદાર છે. ફેમિલી સાથે મંદિરમાં આવતો મધ્યમવર્ગીય માણસ મંદિરમાં વારા પાડી દર્શન કરવાં જાય છે. એક જણ ચંપલ સાચવે ત્યાં સુધી અન્ય પરિવારજનો દર્શન કરી પાછાં આવી જાય છે. ચંપલવનનાં ચોકીદાર જેવો પેલો ત્યાં સુધી અન્યોનાં બુટ ચંપલની રક્ષા કરતો જોવા મળે છે. આમ થવાથી અંદર ગયેલા નિશ્ચિંત મને
ભગવાનમાં મન પરોવી શકે છે. આ બુટ ચંપલ ચોરાતાં અટકાવવાનો જુનો, જાણીતો અને સફળ કીમિયો છે. આ કીમિયાની કોઈ પેટન્ટ હજુ સુધી અપાઈ નથી માટે ભાવક આ ઉપાયનો પ્રયોગ યથેચ્છ કરી શકે છે.
જેના બુટને તાજેતરમાં પોલીશ થઈ છે તેવો ચીકણા પ્રદેશનો વાસી બુટ કાઢ્યા પછી પોતાનાં સ્વહસ્તે ઉપાડી બુટ એવી જગ્યાએ મૂકે છે જ્યાં અન્ય કોઈ વ્યક્તિ તેનાં બુટ ઉપર બીજા માળનું ગેરકાયદેસર બાંધકામ ન કરી જાય. નવા વ્હાઈટ રંગના સ્પોર્ટ્સ શુઝનો માલિક પણ લગભગ આવી તકેદારી રાખે છે. જોકે ચીકણા પ્રદેશવાસી જુનાં જૂતાં પણ એટલી જ તકેદારી રાખી ગોઠવતા જોવાં મળે છે. પણ મુકનાર ખાલી ચંપલ ખાનામાં મૂકી સંતોષ પામી બેસી રહેતો નથી, એ મૂક્યા પછી સ્થળ પરની પ્રવર્તમાન સ્થિતિનું અવલોકન કરી ચંપલની સુરક્ષા અને એની અડગતાની ખાતરી થાય એ પછી જ દેવ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
અમુક ભક્તજન મંદિરનો સિઝન પાસ ધરાવતાં હોય છે. આવાં પાસ હોલ્ડર્સ કદી દોરીવાળા બુટ પહેરતા નથી. કવચિત આવાં પાસ હોલ્ડર્સ હાથીની જેમ મંદિરમાં પહેરવાના જૂતાં અને પ્રસંગોમાં કે ઓફિસમાં પહેરવાના જૂતાં અલગ પણ રાખે છે. તેઓ પોતાની પૂર્વનિર્ધારિત જગ્યાએ બુટ ચંપલ ત્યજી આરતીનો સમય સાચવી લે છે. આવાં લોકો પાસે ‘ચોર કઈ ટાઈપના બુટ ચોરે છે?’, ‘ટોળકી કયા દિવસોએ સક્રિય થાય છે?’ જેવી સચોટ માહિતી હોય છે, જેના આધારે તેઓ પોતાની ચંપલ સ્ટ્રેટેજી નક્કી કરે છે.
અમુક બિન્દાસ માણસો બેફિકરાઈથી બુટ ચંપલ કાઢી અંદર ધસી જાય છે. જોડાં જૂનાં હોય કે નવા, પોતે અંદર બે મિનીટ કાઢે કે વીસ, બુટ અંગે તેઓ કોઈ દરકાર નથી કરતાં. આવાં લોકો મોટે ભાગે
ઉતાવળમાં પણ હોય છે એટલે મુંબઈની ફાસ્ટ ટ્રેનની જેમ મંદિરમાં પણ એ ઘડી બેઘડી રોકાઈ વહેતાં થાય છે. એમનું ધ્યાન ભગવાન કે ચંપલમાં ન હોઈ ઘણું ખરું બપોરે ગોઠવેલી મીટીંગમાં વધારે હોય છે. એટલે જ આવાં જાતકો બહાર નીકળી અન્યનાં ચંપલ પહેરી ચાલ્યા જાય તેવી શક્યતાઓ વધી જાય છે. જોકે આવાં માણસના ચંપલ સૌથી બહાર પડેલાં હોવાથી ચોરનાર અને બીજાં ઉતાવળિયા કે ભુલકણા જીવો માટે આસાન ટાર્ગેટ પણ બની જાય છે.
આમ ઘણી
તકેદારી રાખવા છતાં ચંપલ ચોરાયા બાદ મંદિર કે હોસ્પિટલથી ઉઘાડા પગે ઘેર પાછાં ફરનાર અમારા જેવા નિર્દોષ જીવો બીજાં કોઈએ કરેલ ચોરીનાં પાપે આખા રસ્તે શરમાતાં શરમાતાં ચુપચાપ ગૃહપ્રવેશ કરે છે. કેવી કરુણતા? ■
એકદમ સચૉટ વર્ણન... હજી પણ હસવુ રૉકાતુ નથી
ReplyDelete