Monday, November 28, 2011

વરરાજાનો મંડપ પ્રવેશ


મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |

લગ્ન ગાળો આવી ગયો છે. લગ્નગાળો એટલે મહિલાઓ માટે બની-ઠનીને મહાલવાનો સમય. સ્વતંત્રતા છીનવાઈ જવાનો આગોતરો અણસાર આવી જતાં પરણનારા આ સમયે થોડા નર્વસ હશે. મામા, માસાઓ, કાકાઓ અને કઝિનોની દોડધામથી ઘરો હર્યાભર્યા હશે. મેનુમાં છેલ્લી ઘડીનાં ફેરફારો અને ગોર મહારાજે બે કલાકનાં ફાળવેલા ટાઈમ સ્લોટમાં લગ્ન કેવી રીતે આટોપવું એ નક્કી કરવાં ચા સાથે ભજિયાં-ગોટા મઢી રાત્રિ બેઠકો ગોઠવાતી હશે. આવી રાત્રિ બેઠકોમાં બે પ્રકારનાં લોકો ભાગ લે છે. એક કે જે લગ્નનાં આયોજન કરે છે, અને બીજાં પ્રકારનાં લોકો ગોટા, ચા, ગાંઠિયા (ને કવચિત છાંટો પાણી) જે મળે તે લઇ કાલે ઓફિસ વહેલા જવાનું છે એવું કહી ઘેર જઈ તબિયતથી સૂઈ જાય છે. અને એમ કરતાં એ મંગળ દિવસ આવી જાય છે, જ્યારે વરસ દાડાનાં કરેલાં આગોતરા આયોજનો પર લોકો ચાર કલાકમાં મિનરલ વોટર પી પ્લાસ્ટિકના ગ્લાસ અને પેપર નેપકિન ફેરવી દે છે.

લગ્નનાં દિવસે વરરાજા જાન લઈને નીકળે એટલે જુનાં નવા રિવાજો અમલમાં મૂકવા ભાભીઓ અને કાકીઓ મેદાનમાં આવી જાય છે. વરરાજા માંડવે પહોંચે એટલે નવા રીવાજ મુજબ ઉત્સાહી અપરણિત મિત્રો, અર્ધઉત્સાહિત પરણિત મિત્રો અને એમની સરસ તૈયાર થયેલી પણ સદા થાકેલી પત્નીઓ સામસામે હાથમાં હાથ પરોવી હાથોનો માંડવો ઊભો કરી દે. એમાં મેહુલ જેવા અપરણિત છોકરાની સ્થિતિ જોવા જેવી હોય છે. એને પાર્ટનર હોય નહિ, પણ કોકવાર નસીબ હોય તો સુંદર યુવતી સામે ગોઠવાઈ જાય. અને એ મનમાં ને મનમાં પેલો વરરાજો આવવામાં મોડું કરે તેવી પ્રાર્થનાઓ કરતો હોય. પણ વો દિન કહાં કે ... ના નાતે આવાં સદનસીબ કરતાં મોટે ભાગે તો લુઝ ઇલેક્ટ્રોન જેવો કોક ટપુડો સામે અંકલ આઈ જાવ આપણે બેઉ કહી પરાણે એનાં ચોકલેટવાળા હાથથી હસ્તમેળાપ કરી દે છે. આઈન્સ્ટાઈનનાં સાપેક્ષવાદને સાર્થક કરતો હોય તેમ આ વખતે એ મેહુલ વરરાજો જલ્દી આવે તો સારું એવું વિચારે છે, અને કવચિત એને આવતાં વાર થાય તો એ ટપુ સાથેનો હસ્તમેળાપ ઝટકા સાથે ટેમ્પરરી છુટો પણ કરી દે છે. 

અને વરરાજો નીચે પાથરેલ લીલા કપડામાં અટવાતા વાંકો વળીને શેરવાની, હાર અને વાળ સાચવતો ચાલ્યો આવે છે, એમાં બે ચાર વાર તો પાછી એની મોજડી નીકળી જાય. વચ્ચે હાથના માંડવામાં બે ટેણીયા હાથ નીચા કરી રોકી પાડે એટલે ઘડીક અટકી આજે ભલે ગમે તેટલાં વિઘ્નો નડે, પરણીને રહીશ એવાં મક્કમ નિર્ધાર સાથે મિત્રો અને સગાવહાલાના ટોળાં સહિત આગળ ધપી હોલનાં પ્રવેશદ્વાર પર પહોંચી જાય છે. ત્યાં એની સાસુ, થોડીવાર પહેલાં જેની મોટર સાઈકલ પર એન્ટ્રી પડી છે અને ખૂણો શોધી પેન્ટમાંથી જે તાજો ધોતિયાધારી થયો છે એવાં મોબાઈલ પર બપોરના કસ્ટમરને સુચનાઓ આપતાં ગોર મહારા સાથે, પોંખવા તૈયાર ઉભી હોય છે. એની પાછળ એની હરખઘેલી સાળીઓ, ઈર્ષાળુ મામીજીઓ અને સૌથી છેલ્લે ટેન્શનમાં પડીકી મોઢામાં ઓરતા સસરા સહિતનું કોરસ ઘોંઘાટ કરતું ઊભું હોય છે.

પણ મહારા તૃણ, ફૂલ અને પાણી સાસુનાં હાથે ચારે બાજુ ફેંકાવે અને લાલ પાક્કા રંગ મિશ્રિત કંકુ અને બાસમતી ચોખાના તિલક કરી છુટો દોર આપે એટલે સાસુ જમાઈનું નાક ખેંચવા ધસે છે. જેણે દસમું ધોરણ પણ પહેલાં પ્રયત્ને પાસ કર્યું નથી, અને આખી જિંદગી જેણે અભરાઈ ઉપરથી ડબા ઉતારવા પતિનો ઉપયોગ કર્યો છે એવાં જયાબેનના હાથમાં જમાઈનું નાક એમ કંઇ પહેલાં પ્રયત્ને આવે? પણ જમાઈને શરદીનો કોઠો છે એ બરોબર ખબર હોવાં છતાં યેનકેન પ્રકારેણ એ નાક ખેંચીને રહે છે! અને જમાઈનું નાક હાથમાં આવતાં સમગ્ર રાવણસેના જાણે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ હોય એમ જોરથી કિલકારીઓ કરવા લાગે છે.

અંતે કન્યાની એન્ટ્રી થાય છે. ફિલ્મોમાં આવે છે એમ ધીરે પગલે હાથમાં હાર લઇ એ ચાલી આવે છે. આમાં એનું ધીરેથી ચાલવું એ ફિલ્મોની નકલરૂપ નહિ પરંતુ સાડી વિગેરેનો આટલો ભાર ઉપાડીને એ કોઈ દિવસ ચાલી નથી એટલે હોય છે. અને જેને કાયમ જીન્સ ટીશર્ટમાં જોઈ છે એને કથકલી નૃત્યકાર જેવા રંગરોગાન કરી પાનેતર પહેરી આવતી જોઈ વરરાજા પણ ઘડીક વિમાસણમાં મુકાઈ જાય છે, કે કોઈ બીજી તો નથી ને?. પણ આ એ છે બકા, જેને તેં સત્તર જણીઓને રીજેક્ટ કર્યા પછી સિલેક્ટ કરી છે, અને જે હવે આખી જિંદગી તારી મેથી મારવાની છે! બે જણા સામ સામે થાય એટલે ફૂટબોલ મેચમાં મધ્યમાં બોલ મુકાય અને રેફરીનાં ઇશારાની રાહ જોવાતી હોય એવી ઉત્તેજના બેઉ પક્ષની છાવણી અને સરસેનાપતિ સમાન ઉચકવાવાળામાં છવાઈ જાય છે. છેવટે રેફરીની સિટીની રાહ જોયા વગર કન્યાનાં પહેલવાન મામા કન્યાને ઊંચકી લે છે. પેલી બાજુ જેની સાથે આગલી રાતે બેચલર્સ પાર્ટીમાં પ્લાનીંગ થયું હતું તે બોડી બિલ્ડર પકો તો ખૂણામાં જઈ એસએમએસ જોતો હોય એટલે એ આવે ત્યાં સુધીમાં વરપક્ષની આબરુ રાખવા સળી જેવો સત્તુ હિંમત કરી વરરાજાને ઊંચકવાની વ્યર્થ કોશિશ કરે છે, અને એવાં ડામાડોળ બેલેન્સ વચ્ચે કન્યા વાલમનાં ગાળામાં હારનો ગોલ કરી પહેલું રાઉન્ડ જીતી જાય છે. ફરી રાવણ સેના ચિચિયારીઓ પાડી ઉઠે છે.

આમ અનેક નવા જૂનાં રિવાજો વચ્ચે વરરાજાનો મંડપ પ્રવેશ થાય છે. ત્યાં ગોર મહારા ડીઝાઈનર થાળીઓમાં વસ્તુઓ આઘીપાછી કરતાં વરરાજાને જાતજાતનાં હુકમો છોડવાનું શરુ કરે છે, અને વરરાજો એક વાર કરવું છે ને એવાં ખોટા આશ્વાસન મનને આપી હુકમોને તાબે થાય છે. આમ ડેર ડેવિલ ડુડનાં  કહ્યાગરા કંથમાં પરિવર્તનની શરૂઆત થાય છે.

2 comments:

  1. વાહ.. વર્ણન એટલે અધીર અમદાવાદીનું...

    ReplyDelete
  2. અધીરજી જોરદાર રીતે વરરાજાનો શાબ્દિક પ્રવેશ કરાયો છે .દરેક લગ્ન પ્રસંગે આપનો લેખ જરુરુ યાદ આવી જશે .

    ReplyDelete