મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |
એવું કહેવાય છે કે લાંચ લેતાં પકડાવ તો લાંચ આપીને છૂટી જાવ. દારૂડિયો દારૂને પીવે છે અને દારુ દારૂડિયાને પુરો કરી નાખે છે. આંદોલન સામે પ્રતિ આંદોલન થાય છે. નકલી એન્કાઉન્ટર કેસમાં જે જેલમાં હવા (અને સાબરમતી જેલમાં તો ટેસ્ટી ભજિયાં પણ!) ખાય છે એ પોલીસ અધિકારીઓને નકલી સીબીઆઈ બનેલા ઠગ લુંટે છે. એક પાર્ટી વાળો પૂતળાને હાર ચડાવે તો બીજી પાર્ટી એ પૂતળાને નવડાવે છે. નરેન્દ્ર મોદીનાં ઉપવાસ સામે કોંગ્રેસ ઉપવાસ કરે છે. અને છેલ્લે અડવાણીજીની ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ જનચેતના રથયાત્રાના કવરેજ માટે ભ્રષ્ટાચાર થાય છે. આ બધું આજકાલનો ટ્રેન્ડ છે. અને એમાં ખોટું શું છે? ભ્રષ્ટાચારનો સામનો તો ભ્રષ્ટાચારથી જ થાય ને? અરે, સંસ્કૃતમાં પણ शठं प्रति शाठ्यम् કહ્યું છે. અને તમે શોલે તો જોયું જ હશે. એમાં સલીમ-જાવેદ લિખિત ઠાકુર બલદેવ સિંહના મોઢે મુકાયેલો પેલો પ્રખ્યાત ડાયલોગ ‘લોહા લોહે કો કાટતા હૈ’ યાદ છે કે નહિ? ઠાકુર ગબ્બરને પકડવા જય-વીરુ જેવા અઠંગ બદમાશોનો જ સહારો લે છે ને? અરે, તો પછી? આ મનમોહન-યુગમાં
જીવવું હોય તો દોસ્ત એક જ મંત્ર છે. શીખી લો. એ છે, લોહા લોહે કો કાટતા હૈ.
તમારી પત્ની એની મમ્મીને તમારી સામે હથિયાર તરીકે વાપરે છે? વારે તહેવારે તમારી ઉપર તમારી સાસુને એ છુટ્ટી મૂકી દે છે? એનાં વાગ્બાણ છૂટે
એટલે તમારી બોલતી બંધ થઈ જાય છે? તો ગભરાશો નહિ, તમે સસરાને ઢાલ તરીકે ઉપયોગ કરો, એ ૩૦ વરસનો જુનો અનુભવી છે. એ તમારી સાસુને પોતાનાં અનુભવથી પહોંચી વળશે. સસરા સાથે ખાવા અને ખાસ કરીને પીવાનાં સબંધ કેળવો. એ તમને તમારી જાલિમ સાસુને પહોંચી વળવા કાનમાં રૂ નાખવાથી માંડીને બહાર ખરીદી
કરવાના સોંપાયેલા કામમાં કઈ રીતે છબરડા કરવાં તે અંગે અવનવા નુસખા બતાવશે. અને સૌથી વધુ તો ફાયદો તમને એ થશે કે એનાં દુ:ખ સાંભળીને તમારું પોતાનું દુ:ખ હળવું લાગવા માંડશે.
અને તમારા ઘરમાં ચોરી થઈ ગઈ ? ભલા માણસ મૂંઝાવ છો શું કરવા? લોહા લોહે કો કાટતા હૈ, એ ભૂલી ગયા? ચોરીનો માલ પાછો મેળવવો છે તમારે? બસ તો પછી શોલેવાળી કરો. એટલે એ પાછો મેળવવા બીજાં ચોરને શોધવા નહિ જવાનું. એનાં
બદલે પોલીસને જ રોકવાની! વાત તો એક જ થઈ ને! એમને બધી જાણકારી હોય જ. કોણ, ક્યાં અને ક્યારે
ચોરી કરશે. આ તો શું છે કે જો પોલીસ બધાં કેસ સોલ્વ કરે તો પબ્લિક નિશ્ચિંત થઈને સુઈ જાય. એમ વિચારીને કે આજે ભલે લઇ જાય, કાલે પોલીસ પાછી લાવી આપશે. પણ તમે એમનાં માટે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરો તો ચોક્કસ ચોરીની મત્તા પાછી આવી જાય. સત્યમેવ જયતે.
શું તમારે ધંધો કરવાં કેપિટલની જરૂર છે? જમીન જોઈએ છે?
બેન્ક
લોન આપવામાં ગલ્લા તલ્લા કરે છે? સરકારના વિવિધ ખાતાઓ પ્રોજેક્ટ મંજુર કરવામાં ઠાગાઠૈયા કરે છે? ચાલો લોહા-લોહે વાળી કરીએ. તમે એક કામ કરો. એક સરસ સુટ-બુટ પહેરેલો, ડાઈ કરેલાં વાળવાળો અને ચૌદ હજાર
રૂપિયાનાં
ચશ્માં પહેરતો કન્સલ્ટન્ટ રોકી લો. એની પાસે એક સરસ મઝાનો પ્રોજેક્ટ રીપોર્ટ બનાવો. આ રીપોર્ટ યોગ્ય સમયે રજૂ કરી સરકાર સાથે એમઓયુ કરી નાખો. પ્રોજેક્ટની સાઈઝ પ્રમાણે મુખ્યમંત્રીથી માંડીને મેયર સુધીની કોઈ વ્યક્તિ સાથે એમઓયુ કરતાં ફોટા પડાવો. જે પ્રોજેક્ટ એક વાર ઠેર ઠેર રિજેક્ટ થતો હતો, તે હવે વાઈબ્રન્ટ બની જશે. તમને સસ્તા ભાવે જમીન મળશે. લોન પણ મળશે. અને સૌથી મોટું કામ તો એ થશે કે તમારી દસ બાય દસની બફારો મારતી ઓફિસમાં લગાવવા માટે એક
સરસ ફોટો પણ મળશે!
અને તમને ખુબ ગુસ્સો આવે છે કે સુશ્રી. માયાવતીજી પોતાના જ પુતળા માટે એક્સ્ક્લ્યુઝિવ પાર્ક બનાવે છે? અને આ પાર્કમાં ખડા કરાયેલા હાથીના પૂતળાં પંજાથી રોકાતા નથી કે કમળને કચડી નાખે છે? એનો પણ ઉપાય છે. તમે એ પાર્કમાં ૧૦૧ કૂતરાં છુટ્ટા મુકો. હા, પ્રાણી સામે પ્રાણી, હાથી સામે કૂતરાં. પછી છો એ લોકો એમ કહેતા કે કૂતરાં ભસે તેથી હાથીને શું ફેર પડે? બહુ ફેર પડશે. હાથીનાં પગ તો આમેય થાંભલા જેવા હોય છે. જુઓ પછી કૂતરાં એનો કેવો ઉપયોગ કરે છે. અરે, મુખ્યમંત્રીના પૂતળાને પણ એ નહિ છોડે. અને આ ઉપરાંત તમે આ પાર્કમાં શાંતિ અને ગંદકીના દૂત એવાં કબૂતરોને ઉછેરી શકો છો. રોજ પાર્કમાં જઈ દાણા નાખો. પછી જુઓ. કબૂતરોની વસ્તી પૂતળાંને કાળામાંથી કેવા સફેદ બનાવે છે!
પણ કોકવાર જુઠ્ઠું બોલીને
છોકરાં છોકરીનો સંબંધ થાય ને લગ્ન સંપન્ન થયાં હોય એમાં છોકરાનો બાપ કહે કે ‘જગ જીતે બેટે કાણીયે’. ત્યાં છોકરીનો બાપ ‘બીબી પાંવ સે ચાલે તબ દેખીયો’ કહી હિસાબ સરભર કરે એવું બને. ઘણી વખતે એવું પણ થાય કે માણસ પ્રકૃતિ પ્રમાણે ઇન્કમટેક્સની ચોરી કરે અને એની પત્ની છોકરાવ શોપિંગ કરી એ ધનને પાછુ બજારમાં ફરતું કરી દે, જેમાંથી અમુક ટેક્સ
રૂપે સરકાર પાસે પાછું જાય. અને ફિલ્મ સ્ટાર્સ ફિલ્મની ખોટી સફળતાનાં આંકડા રૂપિયા ખર્ચી પ્રસિદ્ધ કરાવે તો અન્ડરવર્લ્ડના ભાઈ લોગ એ આંકડાનાં આધારે ખંડણી વસુલ કરે. આ
લોહા લોહે કો કાટતા હૈ એ તો ઠીક પણ કુદરતનો ન્યાય થોડો ભૂલી જવાય છે? ■
Dear Adhirbhai,
ReplyDeleteAlways enjoying your writing...
Sam
Fantastik ...
ReplyDelete