મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૩-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |
ઓગણીસ દિવસ સુધી અણ્ણા હજારે મૌન રહ્યા. એમાં શું મોટી ધાડ મારી?
આવું
અમે એકલાં નથી કહેતા. અમારા ઘણાં પરણિત પુરુષ મિત્રોનો પણ આ જ મત છે. હા, અણ્ણા પરણિત નથી. એટલે એમના માટે ચુપ રહેવાનો અનુભવ
કદાચ નવો હોઇ શકે. પરણેલાઓ માટે કદાચ આ રોજિંદો ઘટનાક્રમ હોય છે. પરણેલો પુરુષ બગાસું ખાવા સિવાય મ્હો ખોલે અને એ નસીબદાર હોય તો વધુમાં વધુ મ્હોમાં પતાસું પડે છે. બાકી બધાં બોલવાની કોશિશો કરી અંતે હારી થાકીને છાપું વાંચવામાં
ધ્યાન કેન્દ્રિત કરે છે. છાપાંઓ એટલે જ વધારે વેચાય છે. વિચારો કે પત્ની સતત બોલ બોલ કરતી હોય અને એ દિવસે છાપું પણ ન આવ્યું હોય તો પતિ શું કરે? પણ કુદરત એટલી ક્રૂર છે, આપણે મ્હો બંધ કરી શકીએ છીએ પણ કાન બંધ નથી કરી શકતા. એટલે જ શ્રી વિનોદ ભટ્ટે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ લખ્યું હશે ને!
એક જૂની જોક યાદ આવે છે. એક વખત મહિલાઓનું એક ગ્રુપ નાયગરા ધોધ પર્યટન કરવાં ગયું હતું. ગાઈડે ધોધ વિષે માહિતી આપતાં કહ્યું કે ‘આ ધોધનો અવાજ એટલો મોટો છે કે ધોધ ઉપરથી ૧૦ સુપર સોનિક વિમાનો પસાર થતાં હોય છતાં એ વિમાનોનો અવાજ સાંભળી શકાતો નથી. અને હવે મહિલાઓ કૃપા કરીને શાંત રહો જેથી કરી આપણે ધોધના અવાજને
સાંભળી શકીએ’. આ તો એક જોક થયો. પણ ગુજરાતીમાં કહેવત છે કે ‘ચાર મળે ચોટલા ને ભાંગે ઘરનાં ઓટલા’. અમારું માનવું
છે કે જો વધુ સંશોધન કરવામાં આવે તો આ ઓટલા કદાચ
આ ચાર જણીઓનાં અવાજથી ઉત્પન્ન થતાં ધ્વનિ તરંગોનાં કારણે ભાંગતા હોય એવું પણ બની શકે. આટલે સુધીનો લેખ વાંચીને જે મહિલાઓની ભૃકુટિ તંગ થઈ ગઈ છે, અથવા તો ગુસ્સે
થઈ ગઈ છે એમણે વિચારવા જેવી વાત એ છે કે આવી જોક અને કહેવતો મહિલાઓ માટે જ કેમ બને છે? કોઈ દિવસ પુરુષો માટે સાંભળ્યું કે ‘ચાર મળે ભાયડા ને ભાંગે બાગના બાંકડા’? આગ વગર ધુમાડો શક્ય નથી.
પણ પરિણીત પુરુષ જો ચુપ રહે તો એનાં બે મુખ્ય કારણો હોય છે.
ઘણી વખત પત્નીઓ શોલેની બસંતી કે જબ વી મેટની કરિના(ગીત)ની માફક ખુબ બોલતી હોય છે. આ બસંતી પ્રકારની પત્નીઓ વ્યાકરણમાં કાચી હોવાથી એમના વાક્યમાં કદી પૂર્ણવિરામ આવતું જ નથી. એટલે જ પતિને બોલવાનો મોકો જ નથી મળતો. એક સંશોધન મુજબ આવી પત્નીઓના પતિઓને ઊંઘમાં બોલવાની બિમારી જોવાં મળે છે. જો માણસ વધારે કમનસીબ
હોય તો એને બસંતીની મૌસી જેવી સાસુ નફામાં મળે છે. આમાં પાછું મઝાની વાત એ છે કે બસંતીઓને પોતે બહુ વાચાળ છે એની ઘણેખરે અંશે જાણ જ નથી હોતી. આ બસંતી અને ગીત બંને તો ખાલી ગર્લફ્રેન્ડ હતી, પરણ્યા પછી શું થયું હશે એ આપણે કલ્પના જ કરવી રહી. આવી પત્ની જેને મળે, તેવાં પતિ પર જો કુદરતની મહેરબાની હોય તો સમય જતાં તેઓ ધ્યાન બહેરા થઈ જતાં
હોય છે.
પરણિત પુરુષના ચુપ રહેવાનું બીજું કારણ એની પત્નીની ધાક હોઈ શકે. પત્ની આંખો કાઢી એને ચુપ કરી દેતી હોય છે. એટલે જ ઘણાં પતિઓ પત્ની સાથે નજર મિલાવતા ડરે છે. ઓફિસમાં જે બોસ જંગલના સિંહની જેમ ત્રાડો પાડી આખા સ્ટાફની ઊંઘ હરામ કરતો હોય, તે ઘરમાં પ્રવેશે એટલે સર્કસનો સિંહ બની જાય છે. પેલો બિચારો કઈ બોલવા જાય તો ‘તમે ચુપચાપ બેસો, તમને સમજ ના પડે આવી વાતોમાં’ કહી ચુપ કરી નિર્ધારિત જગ્યાએ બેસાડી દેવાય છે. એવું કહે છે કે બીગ બીનાં ઘરમાં જયાભાભી ઇચ્છે એ જ શાક બને છે. અને આપણા શહેનશાહ પોતાની વાત બ્લોગ અને ટ્વિટર દ્વારા રજૂ કરે છે!
જે પરણેલાઓની ભાર્યા આ ઉપર જણાવેલા બે પ્રકારની ન હોય, તેઓ સુખી છે એમ
ધારી લેવાની જરૂર નથી. કારણ કે બાકીની સ્ત્રીઓને ‘એ ન બોલે તો એનું તાળવું બોલે’ કહેવત તો લાગુ પડે જ છે. એવું કહેવાય છે કે ગુજરાતી ભાષામાં જ્યારે કહેવતોની વહેંચણી થતી હતી ત્યારે પતિઓના ભાગે ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત આવી હતી. સદનસીબે.
લોકસભામાં જોકે અવળો માહોલ છે. લોકસભામાં સ્પીકર તરીકેનો હોદ્દો મીરાં કુમાર નામનાં
એક કુમારી સંભાળે છે. લોકસભાના આ પહેલાં મહિલા સ્પીકર છે. આમાં સ્પીકર અને મહિલા
હોવું એ એકબીજાના પૂરક છે. પણ સાચી લોકશાહી લોકસભામાં વધારે જોવાં મળતી હોવાથી સ્પીકરને ત્યાં બોલવા કરતાં ‘કૃપયા આપ શાંતિ રખે’ એવી વિનંતીઓ વધારે કરવી પડતી હોય છે. અને તોયે ઉત્સાહી સાંસદો ઊભા થઈને બોલ્યા કરે છે ત્યારે આપણાં આ કુમારી કુમાર ‘પ્લીઝ શીટ ડાઉન’ એવું કહી બધાંને બેસાડી દેવા વ્યર્થ કોશિશ કરે છે. પણ તોફાની વિદ્યાર્થી જેવા સાંસદો આ મહિલાને પણ ગાંઠતા નથી. વિચારવા જેવી વાત એ છે કે સાત આઠ ટકા મહિલાઓની ઉપસ્થિતિમાં આ હાલ છે તો મહિલા અનામત બિલ પસાર થયાં બાદ ૩૩% મહિલાઓની હાજરીમાં સંસદની શું પરિસ્થિતિ થશે?
અને આટલી બધી વાતો મહિલાઓ અને શાંતિ વિષે થઈ એમાં મુદ્દાની વાત તો કરવાની રહી જ ગઈ. આ વખતનું શાંતિ માટેનું નોબલ પારિતોષિક ત્રણ મહિલાઓને ફાળે ગયું છે. લો કરો વાત!
No comments:
Post a Comment