| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૧૧-૨૦૧૧ | અધીર અમદાવાદી |
અત્યારે સંસદ, વિધાનસભા, પેટા કે અન્ય કોઈ પ્રકારની ચુંટણી સામે નથી એટલે પેટ્રોલના ભાવ બેરોકટોક વધી રહ્યા છે. આવું ઘણાં માને
છે. પણ પેટ્રોલનાં આ ભાવવધારાનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. ના. અમે યુપીએ સરકારમાં ભાગીદાર નથી. અમે
અબજપતિ
પણ નથી. અમે પેટ્રોલિયમ કંપનીનાં શેરધારક પણ નથી. અમે પેટ્રોલપંપ માલિક પણ નથી. અરે, અમે પેટ્રોલપંપ વાળાની છોકરીને પરણ્યા છીએ, એવું પણ નથી. બોસ, અમારું ચસકી પણ નથી ગયું. સાચે જ. એમ છતાં, જેમ પેલી ડીટરજન્ટની જાહેરાતમાં ‘દાગ અચ્છે હૈ’ આવે છે ને, એમ જ અમે કહીએ છીએ કે પેટ્રોલનો ભાવવધારો સારો છે. પ્રણવ અને મનમોહન માતાજીના આશિર્વાદથી જે કરે છે, તે સારા માટે જ કરે છે!
પેટ્રોલના ભાવ વધવાથી લોકો વિના કારણ
આમતેમ રખડતાં બંધ થશે. આમ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ ઓછી થશે. આમ થવાથી બિલ્ડરો ખાલી રહેતાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરી શકશે, એટલું જ નહિ કોર્પોરેશન કે કોર્ટ આ અંગે વાંધો પણ નહિ ઉઠાવે. રોડ પર ફરતાં વાહનોની સંખ્યા નહીંવત્
થવાથી રોડ તૂટશે નહિ, એવી આશા રાખતા હોવ તો ન રાખશો. કારણ કે રોડ ટેક્સ ઓછો મળવાથી રોડ બનાવવાનાં ખર્ચ પર સરકાર કાપ મુકશે. આમ થવાથી કોન્ટ્રાક્ટરો એક જ પ્રોજેક્ટમાં કરોડપતિ બનવા રોડ વધુ નબળા બનાવશે. એટલે સડકોમાં મોટા ખાડા પડશે. પણ શહેરોનાં આ મોટા મોટા ખાડામાં માત્ર
નાના નાના એક્સિડન્ટ જ થશે. વાહનો હોય તો પણ એ મોટા
એક્સિડન્ટ થાય એટલી સ્પીડે તો નહિ જ ચાલતાં હોય ને? આમ, ડોક્ટરો સિવાય બીજાં બધાં લોકો ખુશ રહેશે.
પેટ્રોલનાં ભાવ આસમાને ચઢશે એટલે ધરતી પરથી વાહનો ધીમેધીમે અદ્ગશ્ય થઈ
જશે.
સાયકલો પછી સ્ટેટસ સિમ્બોલ બની જશે. સાયકલનાં કાળાબજાર થશે. સાઈકલ પર ગર્લ ફ્રેન્ડ સાથે ‘ચાંદી કી સાઈકલ, સોને કી સીટ, આઓ ચલે ડાર્લિંગ ચલે ડબલ સીટ’ જેવા ગીત યુવાનો ગાઈ શકાશે. આમ કસરતની કસરત થશે અને રોમાંસનો રોમાંસ. અરે, સાઈકલની ઘંટડી વગાડવાથી અંગુઠાને પણ કસરત મળશે. સલમાન ખાન જેવા અંગુઠાના મસલ્સનું પ્રદર્શન કરશે અને ગીતમાં આવા અંગુઠાથી
વિચિત્ર હરકત કરી ફિલ્મને હીટ કરશે. જનતાનાં જીમના રૂપિયા બચશે અને ગર્લફ્રેન્ડ સાથે ઘનિષ્ટતા કેળવાશે. ગર્લફ્રેન્ડને પણ માવાખાઉં માવજીનાં પરસેવાની વાસ વહેલી સૂંઘવા મળશે, એટલે ભવિષ્યમાં બેડરૂમમાં રાડા ઓછા થશે. છોકરીઓ પણ પછી ડબલ સવારી સાયકલ ખેંચી શકે તેવાં મજુરીયા છોકરાઓને જ પસંદ કરશે. આમ કસરત કરી બોડી
બનાવનાર
અખાડીયનોને તક મળશે. આમ ધનિક અને શ્રમિક સૌને સમાન તક મળશે.
આથી વિરુદ્ધ શારીરિક રીતે
નબળા વર્ગના યુવાનો ડબલ સવારી ન ખેંચી શકવાને
કારણે ઘેર પડ્યા રહશે. સમય જવા છતાં આ લોકો માવડિયામાંથી ગર્લફ્રેન્ડ-વડિયા ચાહે તો પણ નહિ બની શકે. આમ થવાથી માતાઓ રાજી થઈ પોતાનાં ‘દીકુઓ’ને બમણું ખવડાવશે. આમ બબુકડો દીકુ ફૂલીને સુમો બની જશે. જોકે આમ થવાથી તેઓ ખાતાં-પીતાં ઘરનાં છે એવો દેખાવ સર્જાશે. આ પરિસ્થિતિમાં એમને છોકરી મળી તો જશે, પણ છોકરી પણ ખાતા-પીતાં ઘરની હોવાથી ઘરમાં, અને ખાસ કરીને બાથરૂમ આગળના પેસેજમાં અવરજવર દરમિયાન મીઠી અથડામણો સર્જાશે. આમ એકંદરે ઘરોમાં સુમેળભર્યું વાતાવરણ સર્જાશે.
અને આમ જ ફ્યુઅલના ભાવ વધતાં જશે તો લોકો વાહન
વાપરવાનું બંધ કરી દેશે. પેટ્રોલ પમ્પ્સ પછી બંધ થઈ જશે. બંધ મિલોની જેમ અમુક ખંડેર બની જશે, તો અમુક વેચાઈ જશે. અમુકમાં બેસી નવરાં લોકો પત્તા રમશે. કોક સાહસિક પંપ માલિક ખર્ચો કરી પેટ્રોલની ટાંકીઓને ઉપરથી ખુલ્લી કરી સ્વીમીંગ પુલ બનાવી દેશે. અને આમ પેટ્રોલ પંપ ઇતિહાસ બની જશે. હજારો વર્ષ વીતશે. પુરાતત્વ ખાતાને ખોદકામ કરતાં પેટ્રોલ પંપની ટાંકીઓ મળી આવશે. એનાં તળિયામાંથી મળેલા પ્રવાહીના કાર્બન ટેસ્ટ થશે. એ ટેસ્ટનાં આધારે એક જમાનામાં આ પેટ્રોલ સંગહ કરવાની ટાંકી હતી એવું જાહેર
થશે. એનાં આધારે ભારત એક જમાનામાં ખુબ સમૃદ્ધ હતું એવું કોઈક સાબિત કરશે. આ ગૌરવભરી સ્ટોરી પ્રજા એસ.એમ.એસ.થી કે ઇ-મેઇલ દ્વારા ફોટા સહિત ફોરવર્ડ કરશે. અને મોકલનાર અને
વાંચનાર બંને ભારત દેશ માટે ગર્વથી ફૂલ્યા નહિ સમાય! તો પછી, ભાવ વધારો સારો છે કે નહિ? તમે જ નક્કી કરો દોસ્ત! ■
ડ-બકા
નિસાસા નાખે જો ન સળગે
ગઝલ બકા,
તો લઇ આવ તું એક લીટર
ડિઝલ બકા.
No comments:
Post a Comment