| અભિયાન | હાસ્યમેવ જયતે | ૨૩-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |
ગુજરાતીમાં કહેવત છે કે નવું નવ દા’ડા. અણ્ણા હઝારે તો
ઉપવાસના મામલે જુનાં જોગી હતાં એટલે ટકી ગયાં, પણ યોગગુરુ રામદેવજીને તો નવ દિવસના ઉપવાસમાં
આંટા આવી ગયા હતાં. બાબાની પીછેહઠથી ઘણાં ખુશ થયાં હતાં. ખુશ થનાર લોકોનાં લીસ્ટમાં ટોચ પર ભગવા રંગના વિરોધીઓ આવે. બીજા નંબરે આ યોગ, આશ્રમો, ધ્યાન એ બધું તૂત
છે કે રૂપિયા કમાવવાના રસ્તા છે એવું માનનારા આવે. અને
ત્રીજા નંબર પર એલોપેથીનાં ડોક્ટર્સ આવે, કે જેમના ઘણાં પેશન્ટ્સ આ રામદેવ ભરોસે પ્રકારનાં ઉપચારોને કારણે છીનવાઈ જતા હશે! પણ આ આખી વાતમાં ‘ચળકે એટલું સોનું નહિ’ એ કહેવત સાચી ઠરતી હોય એવું લાગે છે. અને એટલે જ, જાહેરાતમાં દેખાતી વસ્તુ, લગ્ન પ્રસંગમાં તૈયાર થયેલી છોકરી, અને બાબા કે સાઉથ ઇન્ડિયન ફિલ્મસ્ટારની તબિયત આ બધું બહારથી જેવું દેખાતું હોય એવું જ હોય, એમ માનવું નહિ.
અત્યારે તો સોનાના ભાવ આકાશે આંબી ગયાં છે. મોંઘુ
સોનું ગરીબ વર્ગને પોસાતું નથી, મધ્યમ વર્ગ પહેરે તો દેખાતું નથી અને ઉચ્ચ વર્ગને
સોનું પહેરવું મિડલ ક્લાસ લાગે છે. સામાન્ય માણસ તો હવે પત્નીને સોનું અપાવવાના
બદલે સોનલ નામની છોકરીને પરણી જવું વધારે ડહાપણ ભર્યું સમજે છે. આમ જોવા જાવ તો જેના નામમાં સોનું આવે છે
તે બધાં આજકાલ તેજીમાં છે. ઓબામાના સલાહકારોમાં એક ગુજરાતી સોનલ શાહ છે. ગાયકોમાં
સોનુ નિગમ તો વિલન તરીકે દબંગવાળો સોનુ સુદ હીટ છે. ટીવીમાં સોની ટીવી કેબીસી થકી આજકાલ
તેજીમાં છે. એક્ટર અનિલ કપૂરની બેબી સોનમ અને શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી બેન
બા પણ માર્કેટમાં હલચલ મચાવી રહ્યા છે!
સોનું અસલી હોય કે નકલી, બન્ને ચળકતા જરૂર
હોય છે, અને ઘણાં લોકો તો એ બે વચ્ચે ફેર જ કહી શકતા નથી. એટલે જ જોનાર પહેરનારની સ્થિતિ જોઈ ઘરેણાં સાચા હશે કે ખોટા તે નક્કી કરે છે. આમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં લોકોનો મરો થઇ જાય છે. જો એ લોકો સાચા ઘરેણાં પણ પહેરે તો પણ કોઈ એને સાચા માનતું નથી, અને આનાથી ઉલટું
આર્થિક રીતે સધ્ધર લોકો જો પિત્તળનું કડું પહેરે તો જોનારને એ સાચું જ લાગે છે. અહિ મહત્વ શું પહેર્યું છે એનું નથી, કોણે પહેર્યું છે એનું છે. એક વખત અમને કોઈએ સોનાની નીબવાળી પેન ભેટમાં આપી હતી. હા, એજ કંપનીની પેન, જે કંપનીએ ચૌદ લાખ રૂપિયાની કીમત ધરાવતી પેનનાં પ્રમોશનમાં પેન્સિલનાં નાના ટુકડાને પણ ફેંકી ન દેતા ગાંધીજીને ચમકાવી બધાને ચોંકાવી દીધા હતા. પણ આવી કંપનીની મોંઘી પેન અમારા ખિસ્સામાં જોઈ અમારા મિત્ર વિતર્ક વાંકદેખાએ માત્ર ‘લાગે છે તો સાચા જેવી જ હોં’ એટલું જ કહ્યું, અને અમે સમજી ગયાં કે આ લખનારનું ખિસ્સું પેનને લાયક નથી, એવું આ નાલાયક વાંકદેખાને લાગે છે !
ભર્તૃહરિ નીતીશતકમાં કહે છે કે :
यस्यास्ति वित्तं स नरः
कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः।
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ।।
અર્થાત જેમની પાસે સોનું છે તે સર્વગુણ સંપન્ન છે. પૈસાપાત્ર વ્યક્તિ નકલી સોનું પહેરે તો એ બધાને અસલી દેખાય છે. માલદાર માણસ કવિતા
લખે તો એમાં મર્મ હોય છે. લખપતિ લેખ લખે તો
એનાં વિચારોમાં વૈવિધ્ય જોવા મળે છે. એ ગીત ગાય તો એમનાં અવાજમાં દર્દ હોય
છે. એ શેર કહે તો 'દુબારા' એવી બૂમો સ્વયંભૂ પડે છે. એ કોઈ વાત પર હસે તો એ એમની ઉંચી સેન્સ ઓફ હ્યુમરની નિશાની ગણાય છે. આવાં મહાનુભાવો જો કોઈ ગરીબ સાથે હાથ મિલાવે તો એમાં એમની મહાનતા છતી થાય છે. એ રૂમમાંથી
બહાર નીકળતા લાઈટ પંખા બંધ કરે તો એ ચીવટવાળા કહેવાય છે. જોકે આ જ બધું મિડલ ક્લાસનો મોહન કરે તો કૈક જુદું અર્થઘટન થાય છે. જેમ કે, મોહન નકલી સોનું પહેરે તો ‘કેવા શોખ રાખે છે’, એ ગઝલ લખે તો ‘છંદની હજુ પકડ નથી’, એ ગીત ગાય તો ‘હજુ વધુ રીયાઝની જરૂર જણાય છે’, એ કોઈનાં જોક પર હસે તો એ ‘જ્યાં ત્યાં દાંત કાઢે છે’, એ કોઈની સાથે હાથ મિલાવે તો ‘નવરો છે’ એવાં અર્થઘટનો થાય છે. અને જો એ લાઈટ પંખા બંધ કરે તો એ ઘટના જોવાવાળું જ કોઈ હોતું નથી !
પણ આજ સોનાને કારણે અમદાવાદમાં આજકાલ અસલી પોલીસ કરતાં નકલી પોલીસનો વધારે આતંક છે. એટલે સુધી કે હવે ઠેર ઠેર ‘ગાય,
કૂતરા
અને નકલી પોલીસથી સાવધ રહેજો’ એવાં બોર્ડ જોવા મળે છે. આ નકલી પોલીસભાઈઓ વૃદ્ધ અને
સ્ત્રીઓ એકલા જતાં હોય તો એમને રોકીને દમદાટી આપીને કે પછી સમજાવીને ઘરેણાં ઉતારી લે છે. ગુજરાતમાં મોર્નિંગ વોક કે શાક લેવા જતી વખતે ઘરેણાં પહેરવાનું ફરજીયાત હોવાથી ગુજરાતી સ્ત્રીઓ કાયમ ઘરેણાં પહેરીને જ બહાર નીકળે છે. જોકે આમાં અમદાવાદી સ્ત્રીઓ નકલી પોલીસનાં કહેવાથી સોનાનાં દાગીના ઉતારીને થેલીમાં મૂકી દે છે,
એ વાત
અસલી પોલીસ સહિત કોઈના ગળે ઉતરતી નથી, એટલે નકલી પોલીસ નવા નવા શિકાર કરતી રહે છે. જોવા જેવી વાત એ છે કે આ નકલી પોલીસ માત્ર એનાં શિકારને જ અસલી પોલીસ તરીકે દેખાય છે, પણ અસલી પોલીસને તો તે બિલકુલ દેખાતી જ નથી ! એટલે જ છાપાના એક ચોક્કસ પાના પર ચોક્કસ જગ્યાએ રોજ ‘નકલી પોલીસનો આતંક’ એ મથાળા હેઠળ નવા
નવા શિકારની વિગતો છપાતી રહે છે. જોકે આમ થવાથી અસલી પોલીસનાં આતંક લોકો સુધી પહોંચતા નથી, એટલે ઘણાં લોકોને
અસલી પોલીસનો આ નકલી પોલીસ પાછળ હાથ હોય એમ પણ લાગે છે.
જોકે આ સિવાય સોનાની તફડંચીનાં બીજાં બે કીમિયાઓ પણ અવારનવાર છાપાંઓમાં ચમકે છે. પહેલામાં સોનાના દાગીનાને સાફ કરી આપવાના બહાને પ્રેશર કૂકરમાં મૂકી, ‘ઠરે એટલે કાઢી લેજો’ કહી ઠગ લોકો વિદાય થઇ જાય છે, અસલ દાગીના સાથેસ્તો ! અમદાવાદની ભોળી પ્રજાને આ ઠગ લોકો ‘ઘરેણાં સાફ કરીએ છીએ’ એવું સ્પષ્ટ કહેતા હોવા છતાં અને આ કીમિયો પણ બહુ પ્રચલિત હોવા છતાં, આ કીમિયાને સફળ બનાવવા રોજ નવા નવા લોકો આગળ આવે છે. અન્ય એક કીમિયામાં કીમયાગર ‘ખોદકામ કરતાં જુના સોનાનાં સિક્કા જડ્યા છે’ એવી જાહેરાત કરે
છે. પણ સિક્કા જડવાથી એનું દિમાગ ફૂટી જતું હશે કે ગમે તેમ એ સિક્કાઓને અડધી કિંમતે વેચી નાખવા માંગે છે. લોભિયાઓ આવું સસ્તું સોનું ખરીદવા આંખો મીચીને કૂદી પડે છે. આવાં બનાવો વારંવાર અને એટલા બધાં બને છે કે જો આ ભેજાબાજો એક જ કીમિયાથી અનેક લોકોને ઠગવાના ગિનીસ રેકોર્ડઝ માટે નામ નોધાવે તો તેઓ ભારતનું નામ જરૂર રોશન કરે !
રેકોડર્ઝ તો સ્પોર્ટ્સમાં પણ થતાં રહે છે. રમત ગમતમાં અવ્વલ આવનારને ગોલ્ડ
મેડલ મળે છે, એનાથી ઉતરતા ક્રમે આવનારને સિલ્વર અને પછી બ્રોન્ઝ મેડલ મળે છે. રમતના સૌથી મોટા આયોજન એવાં ઓલમ્પિકસમાં તો આપણે ભારતીયો ‘વસુધૈવ કુટુમ્બકમ’ કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ કરીને મેડલ્સ મોટા ભાગે ચીનાઓના માટે જતાં કરીએ છીએ. પણ એથી આપણને સોનાનો મોહ નથી એવું પણ ન કહેવાય. લગ્નની સીઝન કે પુષ્ય નક્ષત્ર આવે એટલે સોનાની ધૂમ ખરીદી થાય છે.
ખરેખર તો આપણા દેશમાં સોનાના ઉંચા ભાવ માટે આ લગ્નમાં છોકરીને સોનું આપવાનો રીવાજ અને બપ્પી લહેરી બે મુખ્યત્વે જવાબદાર છે. રીવાજ તો જાણે વર્ષોથી ચાલ્યો આવે છે, પણ બપ્પી લહેરીએ પુરુષો પણ સોનું પહેરી શકે, એ પણ જથ્થાબંધ, એની લોકોને જાણ કરી
છે.
ચીજવસ્તુઓનાં પ્રમોશન માટે ગોલ્ડ એક કેટેગરી તરીકે પ્રચલિત છે જેમ કે થીયેટરમાં પહેલાના લોઅર સ્ટોલ સિલ્વર અને અપર સ્ટોલ હવે ગોલ્ડ ક્લાસ બની ગયાં છે. ક્રેડિટ કાર્ડમાં પણ સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ એવાં કાર્ડ આવે. અરે ચાની ભૂકીથી લઈને પંખા, ગંજી, અને સાઈકલ સુધીની આઈટમમાં હવે ગોલ્ડ ક્લાસ આવે છે. આ બતાવે છે કે લોકોના મગજમાં ગોલ્ડ એટલે શ્રેષ્ઠ એવું કદાચ ઠસી ગયું
છે, પછી ભલે એ લોખંડની બનેલી સાઈકલ કેમ ન હોય ! જો કે આજકાલ ગોલ્ડ છોડીને બિલ્ડરો પ્લેટીનમ નામ પર ફિદા થઇ ગયાં છે, પછી ભલે એમની સ્કીમમાં લોખંડના સળિયા પણ બી.આઇ.એસ. માર્કા ધરાવતા ન હોય, પણ નામ તો પ્લેટીનમ પાર્ક કે પ્લેટીનમ પ્લાઝા જ રાખવાનું !
પહેલાનાં સમયમાં ફિલ્મ જો ૫૦ અઠવાડિયા ચાલે તો એની ગોલ્ડન જ્યુબિલી ઉજવાતી હતી. હવે તો એ જ્યુબિલી યુગ જતો રહ્યો છે,
અને
અત્યારે તો ફિલ્મ ચાર પાંચ અઠવાડિયા ચાલે તો પણ એ સુપર ડુપર હીટ કહેવાય છે. શાળા કોલેજોનાં ગોલ્ડન જ્યુબિલી ફંક્શન પણ થતાં હોય છે, જેમાં એક જમાનામાં
શિક્ષકોનો ઘણો માર ખાધેલ પણ પછી સફળ થયેલા લોકો ભાષણો અને ડોનેશનો આપે છે. જોકે હવે શિક્ષકોનો માર ખાધો હોય એવા લોકો ભવ્ય ભૂતકાળ બની જવાના એટલી
જાગૃતિ વાલીઓમાં આવી ગઈ છે. એટલે જ હવે મહેતો મારેય નહિ અને ભણાવેય નહિ એ કહેવતનો પૂર્વાર્ધ સત્ય ઠરે છે. અને ઉત્તરાર્ધ વિષે તો કઈ
કહેવાની ક્યાં જરૂર છે ?
આપણા સારા સમયને આપણે સુવર્ણ યુગ
કહીએ છીએ. લગ્ન પછીનાં બે ચાર મહિના ઘણાંને સુવર્ણયુગ લાગતા હોય છે. પણ ૨૫ વર્ષે સિલ્વર, ૫૦ વર્ષે ગોલ્ડન, અને ૭૫મા વર્ષે પ્લેટીનમ જ્યુબિલીનાં બદલે લગ્નના બે વર્ષ પછી ઘણાને પિત્તળ યુગ, પછી વધુ એક વરસ જાય એટલે લોખંડ યુગ અને બીજા એક બે
વરસ જતાં ક્યારેક ભંગાર યુગ પણ આવી જાય છે.
અને ભારતમાં તો આપણે વર્ષોથી ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા કરતી હો બસેરા’ ગીત ગર્વથી ગાઈએ છીએ. પણ હકીકત આજે એવી છે કે મોબાઈલ ટાવરોના માઈક્રોવેવ્સનાં લીધે હવે ચકલીઓ અદ્રશ્ય થઇ રહી છે. અને રહી વાત સોનાની ચીડીયાની તો, એ તો કોઈ સ્વામીજીના આશ્રમ કે પછી રાજા-કલમાડી જેવાં કોઈના બંગલાના ઝાડ
પર કદાચ જોવા મળે તો મળે, તપાસ કરો !!!! ■
અસલ સોનાની લગાડી જેવો લેખ.
ReplyDeleteવાંચ્યું કારવ્યું લેખે લાગ્યું.