| સંદેશ | સંસ્કાર પૂર્તિ| લોલમ લોલ | ૨૩-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |
સળગી શકે તેવી બધી ચીજ વસ્તુઓ દિવસે દિવસે મોંઘી થતી જાય છે. રાંધણ
ગેસ, કેરોસીન, પેટ્રોલ,
દારૂખાનું અને લગ્ન આનાં જીવંત ઉદાહરણ
છે. આમ છતાં, તમાચો મારીને ગાલ
લાલ રાખવા આપણે ફટાકડા ફોડીએ છીએ. પણ આ ફટાકડા ફોડવા એ કળા છે જે બધાંને સાધ્ય નથી હોતી. આ
કળા જેને સાધ્ય હોય એ હિંમતવાન પણ હોય છે. ડ્રાઇવિંગ, ઇંગ્લિશ
સ્પીકિંગ, સાલસા ડાન્સ, કુકિંગ,
કેલિગ્રાફી જેવી અનેક વસ્તુઓ કોર્સ
કરીને શીખી શકાય છે, પણ ફટાકડા કઈ રીતે ફોડવા
એનાં કલાસ કોઈ નથી ચલાવતું. ગુજરાતમાં તો અલથી શરુ થાય એવા નામવાળી સંસ્થાઓના કેમ્પ પણ નથી ચાલતા કે જ્યાં બૉમ્બ ફોડવા માટે ટ્રેઇનિંગ આપવામાં આવે. અરે,
ફટાકડા જેવી જોખમી ચીજ સાથે એનું ઓપરેશન મેન્યુઅલ પણ નથી આવતું.
ફટાકડા પોતાની આવડત અને વડીલોના અનુભવના જોરે ફોડવાના હોય છે.
એટલે જ બાળક મોટેભાગે પપ્પા, કાકા અને મોટા ભાઈઓ પાસે ફટાકડા ફોડવાનું શીખે
છે.
નાના
છોકરાં ફટાકડા ફોડે તો એમણે સૂચન આપવા વાળા બહુ હોય. અમુક વાર તો એ સાંભળી ને
આપણને એ સુચના આપનારના પાછલાં ખિસ્સામાં મુકીને બૉમ્બ ફોડવાનું મન પણ થઈ જાય. ‘અરે,
સંભાળીને રાહુલ, જો દૂરથી બેટા દૂરથી’. અને ગભરાયેલો બેટો તો આમેય દૂરથી જ પ્રયત્ન કરતો હોય, એમાં મમ્માનો સાથ મળે એટલે ફટાકડાને વાટનો મેળ સરકારના ખર્ચ અને આવકના આંકડાની જેમ કદી પડે જ નહિ. એટલામાં દાદા આવે અને
ખીજાય કે ‘એય રાહુલિયા, આમ શું બાયલાની જેમ ચાર ફૂટ દૂરથી સળગાવે છે? નજીક જા. અને બૉમ્બ તે કઈ તારામંડળથી ફોડાતા હશે? અગરબત્તી લે’.
ત્યાં રાહુલના પપ્પા આવે એટલે એ ટેકનિકલ સૂચના આપે, ‘જો,
આ વાટ છે
ને એનાં છેડાને આ રીતે ચોળી નાખવાનો, એટલે એકદમ જલ્દી નહિ ફૂટે, અને લુમો હાથમાં લઈને ફોડાય, અમારા વખતમાં તો અમે.....’.
આપણને કહેવાનું મન થાય કે ‘તંબુરો તમારા વખતમાં! હાળા,
ફૂટેલી લુમોમાંથી તું ટેટીઓ શોધવા જતી’તી,
ને લવિંગિયાની સેરો ઉકેલીને દિવાળી પૂરી કરતી’તી’.
આ ફટાકડા
ફોડવામાં મોટી તકલીફ એ છે કે ફટાકડા ફોડો ત્યારે
ઘણું અજવાળું થાય છે, પણ એ પહેલાં ફટાકડાનું સેટિંગ કરતાં હોવ ત્યારે ઘોર અંધારું હોય
છે. આમ થવાથી ટેટો ઉંધો મુકાઈ જવો, ફટાકડા મુકીને તારામંડળ શોધવા જાવ
ત્યાં સુધીમાં ફટાકડો ખોવાઈ જવો, અને
એ જડે ત્યાં સુધીમાં તારામંડળ ઓલવાઈ જવું, ચાંપતી વખતે ફટાકડો આડો પડી જવો, ખુબ અંદર ચાંપી દેવાથી ભાગવાનો સમય ન મળવા જેવી અનેક સમસ્યાઓ નવશિખાઉને નડે છે.
ટાઈમ બૉમ્બ ફોડવામાં આમ તો ખાસ કોઈ આવડતની જરૂર નથી હોતી. એની વાટ
ધીમી બળે છે અને નાસી છૂટવા માટે વધુ સમય આપે છે. તોયે આવાં બૉમ્બ સળગાવી ફાટુડાઓ નાસતા જોવા મળે છે. બૉમ્બ પણ એમની મશ્કરી કરતો હોય એમ ફાટુડો જેટલો ઝડપી નાસે, એટલો સમય લઈને ફૂટે છે. પણ લક્ષ્મી છાપ ટેટા ધાર્યા કરતાં ઝડપી ફૂટે છે. એટલે એ ફોડવા એ
હિંમત જોઈએ. જેનામાં એ ના હોય તે છાપાના કાગળિયાં ભેગાં કરે,
એમાં ટેટો મૂકે, પછી કાગળિયામાં તારામંડળ મૂકીને ભાગે. એમાં કોક વખત
તણખો સીધો વાટને લાગી જાય તો ટેટો પીઠ પછવાડે ફૂટે, અને ટેટામાંથી ઊડેલી ડટ્ટી પાછળ જોરથી વાગે. જે અડધો કલાક સુધી ચચર્યા કરે.
આ બધી તકલીફથી બચવા ફટાકડા ભાડૂતી માણસો પાસે ફોડાવી શકાય છે. ફટાકડા
ફોડવાનું કાર્ય આઉટસોર્સિંગ કરી શકાય છે. અમીર બાપની સારી કે બગડેલી ઓલાદ નોકર પાસે ફટાકડા ફોડાવે છે. આમાં નોકરને ફરજના ભાગ તરીકે ફડાકડા ફોડવાના હોઈ એ ખાસ ખુશ
થઈ શકતો નથી. અમુક ડરપોક આઈટમો તો આમ ભાડૂતી હાથે ફટાકડા ફોડાવતા પણ ડરતી હોય છે. ‘રામુકાકા રોકેટ ના ફોડશો, મને ડર લાગે છે’.
પણ રામુકાકો એમ હાથમાં આવેલું રોકેટ છોડતો હશે? ધરાર ફોડે. એમાં રામુકાકો એટલો આળસુ હોય કે રોકેટ ફોડવા બોટલ લેવા જવાને બદલે ધૂળની ઢગલીમાં ખોસીને ત્યાં જ ચાંપે. એમાં રોકેટ થોડી વાર સુધી તો ધૂળમાંથી છૂટે જ નહિ, અને
છૂટે ત્યારે આડું ફાટે! આમ સરવાળે રૂપિયાનો ધુમાડો થાય છતાં ફોડાવનાર ઘરમાં ઘુસે ત્યાં સુધી ઉંચા જીવે રહે છે! ■
ડ-બકા
જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા,
એની જ લાગી જાય છે વાટ બકા.
No comments:
Post a Comment