Tuesday, October 25, 2011

રોકેટનું ઓપેરેશન મેન્યુઅલ

મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | અધીર અમદાવાદી |


ઈલેક્ટ્રોનિક આઇટમ્સ અને મોબાઈલ ફોન દિવસે દિવસે સસ્તાં અને ફટાકડા દિવસે દિવસે મોંઘાં થતાં જાય છે. આ ઈલેક્ટ્રોનિક્સ આઇટમમાં એક નાનકડી પેન ડ્રાઈવ પણ ખરીદો તો તેની સાથે એ કઈ રીતે વાપરવી તે ઇન્સ્ટ્રક્શન કે ઓપરેશન મેન્યુઅલમાં વિસ્તારપૂર્વક લખેલું હોય છે. પણ કમનસીબે ફટાકડા જેવી જોખમી ચીજનું કોઈ ઓપેરેશન મેન્યુઅલ નથી આવતું. (મેરેજનું પણ નથી આવતું!) જો કોક કોર્પોરેટ કે આઈએસઓ ઓર્ગેનાઈઝેશન ફટાકડામાં ઝંપલાવે તો એનાં પણ મેન્યુઅલ બને. જો રોકેટનું ઓપેરેશન મેન્યુઅલ બને તો તેમાં કેવી સૂચનાઓ હોય તેની અમે કલ્પના કરી છે.

પેકિંગ લીસ્ટ : રોકેટનાં એક પેકેટમાં કુલ દસ રોકેટ પેક કરેલા જોવાં મળશે. એમાં પાંચ પાંચની હારમાં ઉપર નીચેની તરફ મોઢું કરીને ગોઠવાયેલા હશે. પેકિંગમાં એ ભલે ઉપર-નીચે હોય, ફોડતી વખતે રોકેટની સળી નીચે અને શંકુ આકારનો ટોચનો ભાગ આકાશ તરફ રાખીને રોકેટ ફોડવું.

સ્ટોર કરવાની રીત : ઘરમાં બીજાં ફટાકડા સાથે રોકેટનું પેકેટ સ્ટોર કરી શકાય. સામાન્ય રીતે ફોડવાનાં સમયે પેકેટ તોડવું હિતાવહ છે, પરંતુ ઘરમાં નાના છોકરાં હોય તો એ તોડીને રહેશે. આ સંજોગોમાં વાટ હાલી જવાના કે સળી તૂટી જવાની શક્યતા રહેલી હોય છે. ફટાકડા રસોડામાં, પૂજાના સ્થળની નજીક કે બાથરૂમમાં સ્ટોર કરવા નહિ.

બેસ્ટ બિફોર: રોકેટ ડેટ ઓફ મેન્યુફેક્ચરથી ત્રણ મહિનામાં વાપરી નાખવું યોગ્ય છે. પેકેટનાં કવર પર  નીચેની તરફ જમણા ખૂણામાં બનાવટનો મહિનો અને વર્ષ લખેલા હશે, પણ એ તમને વંચાશે નહિ. અનુભવી લોકો સૂંઘીને રોકેટમાં ભે લાગ્યો છે કે નહિ તે કહી શકે છે. તમને આવો રોકેટ સૂંઘવાનો અનુભવ નહિ હોય. આ કામ માટે ઓળખીતા પોલીસ અધિકારીના કૂતરાનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

પૂર્વ તૈયારીઓ: ફટાકડા ફોડતા પહેલાં અંદાજે બસો લીટર પાણી ભરેલું લોખંડનું ડ્રમ ભરી રાખો. વધુ સુરક્ષા માટે ગાર્ડન હોઝ પાઈપમાં લગાવી રાખવો વધારે હિતાવહ રહેશે. હવે હાથ કોરા નેપકીનથી લુછી નાખો. હવે ધીમેથી રોકેટનું બોક્સ ખોલો. (બોક્સ કઈ રીતે ખોલવું એની રીત જોવાં માટે પાન નં. ૪૫ પર જાવ.) બોક્સ ખોલ્યા પછી પ્લાસ્ટિક દૂર કરો અને ઊભા રાખેલ રોકેટમાંથી એક રોકેટ બહાર કાઢો. સૌથી પહેલાં રોકેટની વાટ બરોબર છે તેનું નિરીક્ષણ કરો. મોટે ભાગે વાટ વાંકી હશે. હવે એક ચોખ્ખા કપડાથી હાથ કોરા કરો. હવે કોરાં હાથથી રોકેટની વાટ સીધી કરો. હવે તમે મેદાન તરફ પ્રયાણ કરી શકો છો.

રોકેટ ફોડવાની રીત : ખુલ્લા મેદાનમાં આવતી વખતે પોતાની સાથે એક સાડા સાત ઇંચ ઊંચાઈ ધરાવતી અને પહોળા તળિયા વાળી એક ચોક્ખી બોટલ સાથે લઇ લેવી. રોકેટ ફોડવા એસિડની ખાલી બોટલો, ધોઈ ચોખ્ખી કરીને વાપરી શકાય. રોકેટ ફોડવા માટે બોટલો જોઈશે એ બહાના હેઠળ દિવાળી પૂર્વે દારુની પાર્ટીઓ કરવી નહિ. રોકેટ ફોડવા પ્લાસ્ટિકની બોટલ વાપરવી પણ હિતાવહ નથી. બોટલ સૌથી પહેલાં સમતલ જમીન પર ગોઠવવી. પેકેટમાંથી એક રોકેટ કાઢી ડાબા હાથે પકડી બોટલમાં ઊભું મૂકવું. બોટલની લંબાઈ ઓછી હોય અને બોટલમાં રોકેટ મૂક્યા પછી એ અસ્થિર જણાય તો રોકેટની દાંડી માપમાં કાપી નાખવી. બોટલની લંબાઈ જો સળી કરતાં વધારે હોય તો બોટલમાં રેતી ભરવી. આ પછી રોકેટ બોટલમાં હળવેથી મૂકવું, રેતીમાં ખોસી દેવું નહિ. પેકેટ પર ફોટામાં રોકેટ પકડીને સુંદર છોકરી ઉભી હોય છે તેવી રીતે ફોડતી વખતે રોકેટ પકડી નહિ રાખવાની મહિલાઓને ખાસ સૂચના આપવામાં આવે છે. આ પછી બોટલથી અંદાજે બે ફૂટના અંતરેથી હાથ લાંબો કરી અગરબત્તી વડે રોકેટની વાટને હળવેથી ચાંપો.   

ફટાકડા ફૂટે નહિ તો શું કરવું? : રોકેટની વાટને ચાંપ્યા પછી અંદાજે પાંચ સેકન્ડમાં રોકેટ ન ઉડે તો તેમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. સામાન્ય રીતે ભે લાગવાથી કે દુકાનદારે તમને ગયા વરસનાં જુના ફટાકડા વળગાડ્યા હોય તેવાં કિસ્સામાં રોકેટ જલ્દી ફૂટતાં નથી. ભે લાગેલા રોકેટને ઓવન કે ગેસ પર ગરમ કરી ભે ઉડાડવાની કોશિશ કરવી નહિ. આમ છતાં પાંચ મિનીટ રાહ જોઈ, ફરી લાંબા સમય સુધી વાટને અગરબત્તી ચાંપવી. આમ છતાં પણ એ ન ફૂટે તો પછી તારામંડળનો ઉપયોગ વાટ સળગાવવા કરી શકાય. તારામંડળ રોકેટની વાટને , અને દૂરથી અડાડવું, છેક નળાકાર દારુ ભરેલા ભાગને અડાડવું નહિ. વાટ ફૂરરર કે સરરર કરીને બળી જાય પણ રોકેટ ન ઉડે તો વાટ બદલવાનો પ્રયાસ કરવો નહિ. અડધી બળેલી વાટ પર ફૂંક મારી સળગાવવાની કોશિશ કરવાથી દૂર રહેવું. બળી ગયેલી વાટને બદલે તારામંડળ ખોસવું પણ યોગ્ય નથી. એક વાર જેને ચાંપ્યું હોય તે રોકેટને પોતાના હાથ વડે બીજા દિવસ સુધી સ્થળફેર કરવું નહિ. આ બધાં પ્રયત્નો છતાં રોકેટ ન ફૂટે તો એ રોકેટને ભૂલી જઈ બીજું રોકેટ લેવું. ભારત અને નાસાનાં અમુક ઉપગ્રહો પણ નિષ્ફળ જાય છે એની સામે માત્ર વીસ રૂપિયાનું આ રોકેટ શું વિસાતમાં?  

ગેરંટી: આ રોકેટ ફૂટશે, નહિ ફૂટે, સીધું જશે, વાંકુ જશે એ અંગે કોઈ ગેરંટી યા વોરંટી આપવામાં આવતી નથી. લીધેલો માલ પાછો લેવામાં નહિ આવે અને રોકેટ આડું અવળું જાય, કોઈનાં ઘરમાં ઘૂસી આગ લગાડે તો નુકસાનની સંપૂર્ણ જવાબદારી ફોડનારની રહેશે અને આ અંગે પાછળથી કોઈ તકરાર ચલાવી લેવામાં  નહિ આવે.

No comments:

Post a Comment