| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૬-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |
અમદાવાદ
શહેરમાં કૂતરાંની વસ્તી કૂદકે અને ભુસ્કે વધી રહી છે. એમાં ભાદરવો મહિનો ગયો એટલે
કોર્પોરેશન દ્વારા તમારા, મારા,
અને આપણા રૂપિયે થતી ખસીકરણ યોજનાની નિષ્ફળતાનાં માસૂમ પુરાવાઓ શેરીઓમાં ફરતાં દેખાઈ રહ્યા છે.
લોકો તો એમ પણ કહે છે કે કોર્પોરેશન સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું છે! પણ આ માસૂમ ગલુડિયાઓ ખૂંખાર ડાઘિયા બની એક રાત્રે આપણી જ મોટર સાઈકલ પાછળ દોડશે,
ત્યારે પગ સ્ટિયરિંગ પર મૂકી ચલાવવાનો વારો આવશે. અને પછી એ
કૂતરાઓથી માંડ પીછો છોડાવીશું ત્યાં પોલીસવાળા આપણને બાઈકર્સ ગેંગનાં સભ્ય તરીકે પકડશે. કેમ? સ્ટિયરિંગ પર પગ મૂકીને કોણ બાઈક ચલાવે?
પછી ખુલાસા કરજો, કે ‘ઇસ્પેક્ટર ઉધર પિછવાડે કી ગલીમેં હમારે પીછે દો ડાઘીયે પડે થે ઇસલિયે ઇસ્ટેરીંગ પે પગ રખને મિજે નાઠણા પડા, એસે મેં ભિરેક કોંતી મારે?’.
કોર્પોરેશનનો સ્ટાફ બનતા પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ જેમ સરકાર મોંઘવારી
કાબુમાં નથી કરી શકતી તેમ કૂતરાંની વસ્તી વિસ્ફોટની સમસ્યા બેકાબુ થતી જાય છે. એમાં શહેરીકરણથી સમસ્યા વધી છે. કૂતરાઓને રહેવા માટે જગ્યા નથી.
એક એક કાર નીચેથી હવે બે-બે કૂતરાં નીકળે છે. દિવસે દિવસે કૂતરાઓની ટેરીટરી નાની થતી જાય છે,
જેના કારણે કૂતરાઓની ગેંગવોરનાં અનેક નવા કેસ સોસાયટીના ચોકીદારોએ નોંધ્યાં છે. અને આ તો સારું છે કે વિકાસનાં પગલે પગલે વાહનોની સંખ્યા પણ શહેરમાં વધતી જાય છે એટલે કમસેકમ કૂતરાઓની દૈનિક ક્રિયાઓમાં વિક્ષેપ નથી પડતો!
કૂતરાંની વસ્તીને નિયંત્રણમાં રાખવા તજજ્ઞોની બનેલી એક કમિટીમાં તાજતરમાં થયેલ ચર્ચામાં કેટલાક સૂચન આવ્યાં છે. એક આધેડ અપરણિત બહેને કૂતરાં અને કૂતરીઓને અલગ કરી દેવાનું સૂચન આપ્યું હતું. જોકે અમુક પશુ નિષ્ણાતોએ આથી કૂતરાં વધુ આક્રમક બની જઈ શકે એવો ભય વ્યક્ત કર્યો હતો. તો એક વયોવૃદ્ધ સભ્યે એવો મત પણ વ્યકત કર્યો હતો કે કૂતરીઓની ગેરહાજરીથી અંકુશ નહિ રહેવાના કારણે અમુક કૂતરાં હર્ષઘેલા થઈ આતંક મચાવી શકે છે. અમુક રૂઢિચુસ્ત લોકોએ આ સૂચન અમલમાં મૂકવાથી કૂતરાઓમાં વિકૃતિ આવી જશે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો. આમ
સર્વાનુમતે આ સૂચન પડતું મૂકવામાં આવ્યું હતું.
કમિટીનાં એક દાઢીધારી સભ્યે કૂતરાઓમાં બ્રહ્મચર્ય લાવવાની
દરખાસ્ત મૂકી હતી. નોંધવા જેવી વાત એ હતી કે આ સભ્યના છોકરાં પરણીને અમેરિકામાં સેટલ થયેલા છે. એમનાં પત્ની પણ બહુ ધાર્મિક પ્રકૃતિના છે. કૂતરાઓને કઈ પ્રકારની તાલીમ આપવી એ માટે એ સભ્ય પાસે યોજના પણ તૈયાર હતી. આ યોજના મુજબ કૂતરાઓના ઉઠવાના સમયથી માંડીને, આહાર, વિહાર અને વિચાર પર નિયંત્રણ લાવવાનું હોય છે. પણ આ
પ્રકારની તાલીમ આપવા માટે એ સભ્યની એનજીઓને જ કામ આપવું પડે તેમ હોવાથી અમુક સભ્યોએ આ સૂચનનો ભારે વિરોધ કર્યો હતો. અમુકે એવાં પ્રશ્નો ઊભા કર્યા હતાં કે કૂતરાઓ ખરેખર બ્રહ્મચર્યનું પાલન કરે છે કે નહિ, તેનું મોનીટરીંગ કોણ કરશે? કોર્પોરેશનમાં તો આમેય સ્ટાફની અછત છે.
અન્ય એક સભ્યે કૂતરાઓમાં જાગૃતિ લાવવા પર ખાસ ભાર મુક્યો હતો. જોકે માણસો માટે તો પોસ્ટરો,
જાહેરાતો અને હોર્ડીંગ્ઝ દ્વારા આ કાર્ય થઈ શકે, પરંતુ કૂતરાઓને માટે એડવર્ટાઈઝિંગ નીતિ શું હોઈ શકે તે અંગે ઘણાં મતમતાંતર હતાં. અમુક લોકોએ હાડકાનાં ફોટા સાથે સંદેશો મૂકવાની વાત કરી. અમુક લોકોએ કારના પૈડા ઉપર સ્ટીકર ચોટાડવાની તરફેણ કરી તો અમુકે ઈલેકટ્રીકના થાંભલા પર બોર્ડ લટકાવવાની વાત કરી. જોકે આ દરખાસ્તનો એક જાણકાર સભ્યે વિરોધ કરતાં કહ્યું કે ‘મારાં અવલોકન મુજબ કૂતરાં લઘુશંકા કરતી વખતે થાંભલા
તરફ જોતાં જ નથી’.
કમિટીના બધાં સભ્યોએ ટેબલ થપથપાવી આ અવલોકનને દાદ આપી હતી. ઇલેક્ટ્રિકનાં થાંભલા પર આમેય કરંટ લાગવાથી
કૂતરાં મરી જતાં હોઈ, એક એનજીઓનાં પ્રતિનિધિ સભ્યે આ દરખાસ્તનો ભારે વિરોધ કર્યો હતો. આમ,
કોઈ મામલે સર્વાનુમતિ ન સધાતા જાહેરાતની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી.
કૂતરાઓનું કુટુંબ નિયોજન કઈ રીતે કરવું તે આખી
બાબત પર લાંબી ચર્ચાનાં અંતે સર્વાનુમતિ સાધી શકાઈ ન હતી. છેવટે ખાઈ-પીને બધાં છુટા પડ્યા અને વધેલો નાસ્તો બહાર નખાયો જે કૂતરાં ફેંદવા લાગ્યા હતાં!
ડ-બકા
બકો :
અલી, તારા દાંત તો મોતી જેવા
છે...
અલી : બકા, મોં સંભાળીને બોલ બકા.
મોતી મારા કૂતરાનું નામ છે.
No comments:
Post a Comment