સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૨-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |
સવારે છ વાગ્યાનો
ઉઠીને એ બ્રશ કરવા લાગ્યો ત્યારે છ ને પિસ્તાલીસે એ બ્રશ કરી રહ્યો. એક માથા દીઠ
પાંચ મિનીટ પ્રમાણે પચાસ મિનીટમાંથી આજે પાંચ મિનીટ બચી એ વાત પર રાવણ ખુશ હતો, પણ
એ એની ભૂલ હતી. હકીકતમાં એણે આજે નવ જ મોઢામાં બ્રશ કર્યો હતો. અને કોગળા પણ નવ જ મોઢાનાં
જ કર્યા હતાં. એમાંય પાછી ગડબડ એવી થઈ હતી કે સાત નંબરના મોઢામાં એણે બ્રશ નહોતો
કર્યો પણ કોગળા કર્યા હતાં, ને ચાર નંબરના મ્હોમાં બ્રશ કર્યો હતો પણ કોગળા કરવાના
રહી ગયા હતાં. ચા પીતી વખતે આ ચાર નંબરના મ્હોમાં એણે કપ માંડ્યો એટલે ટુથપેસ્ટનું
શરબત પીતો હોય તેવું એને લાગ્યું. આજે ફરી ગોટાળો થયો હતો. અને રોજરોજની બબાલથી
કંટાળીને એ માથા સરેન્ડર કરવાનું પણ વિચારતો હતો.
ચા પીધા પછી એ લંકા
ટાઈમ્સ વાંચવા બેઠો પણ એને અક્ષર બરોબર વંચાતા નહોતા. વાત એમ હતી કે છાપું પહોળું
કરીને એ બેઠો હતો એટલે ડાબી બાજુ દસ નંબરના માથાથી બીજું પાનું અને જમણી બાજુ
આવેલા પહેલા નંબરના માથાથી એને અગિયારમું પાનું દેખાતું હતું. બે થી નવ નંબરના
માથા વડે જુદા જુદાં સમાચાર વંચાતા હતાં. આમ ડાબી બાજુ અમથી બાનાં બેસણાથી લઈને જમણી
તરફનાં પાને રાખી કુંભકર્ણ સાથે પરણવા માંગે છે એ સમાચારો એનાં દસ દિમાગમાં ભેગા
થઇ દેકારો મચાવતા હતાં. એમાં કુંભકર્ણ અત્યારે ઊંઘતો હોવાથી આ વાહિયાત સમાચારને એ ઓફિશિયલ
રદિયો પણ આપી શકાતો નહોતો.
આટલું ઓછું હોય તેમ એને
બેતાળાંનાં ચશ્માં આવ્યા હતાં. દુકાળમાં અધિક માસ હોય એમ પાછું દરેક આંખમાં નંબર ઓછા
વત્તા હતાં. એટલે દસે મોઢે દસ ચશ્મા જુદાં જુદાં હતાં, એટલે દરેક મોઢા અને ચશ્માની
જોડને એણે નંબર આપ્યા હતાં. છાપું વાંચતા પહેલા દસ ચશ્માં શોધી યોગ્ય મોઢા પર
પહેરવા પડતાં હતાં, અને આમાં ગડબડ થાય તો વાંચવામાં ડખા થતાં હતા. અને આટલું ઓછું
હોય તેમ લંકાના છાપાંઓમાં વખાણ અયોધ્યાવાસી રામના થતાં હતાં, એટલે એની બહુ હટતી
હતી!
પછી નાસ્તાનો વારો
આવે એટલે પાછી બબાલો શરુ થતી. એનાં હાથ કંઇ અર્જુન જેટલા લાંબા નહોતા, એટલે ખાસ
કરીને એક નંબર અને દસ નંબરના મ્હોમાં કોળીયા નાખવાનું એને ફાવતું નહોતું. આમ તો
પેટ એક જ હોવાથી એ ખાલી પાંચ અને છ નંબરના મ્હોથી ખાય તો પણ ચાલે તેવું હતું. પણ
એનાં ડોક્ટરે કહ્યું હતું કે જો બીજાં મ્હોનો ઉપયોગ બંધ કરશો તો ભવિષ્યમાં જડબા
હાલતાં બંધ થઇ જશે અને દાંત પણ કામ નહિ આપે. ખાસ કરીને ડાબી બાજુએ આવેલા દસ નંબરના
મ્હોમાં એનો જમણો હાથ લગભગ છ ઈંચ જેટલો ટૂંકો પડતો હતો. તો જમણી બાજુની બાજુની
હાલત તો વધારે કફોડી હતી. જેમ વર-કન્યા લગ્ન બાદ કંસાર જમે એમાં ડાબી બાજુ બેઠેલી
કન્યાને જમણાં હાથે જમણી બાજુ બેઠેલાં વરને કંસાર ખવડાવતી વખતે હાથ અવળો પડે,
બિલકુલ એમ જ રાવણને જમણી બાજુ પહેલા નંબરના મ્હોમાં કોળિયા ઓરતા થતું હતું. છરી
કાંટા એ વખતે હજુ શોધાયા નહોતાં, એટલે આ સમસ્યાનાં ઉપાય તરીકે સૌથી દૂરના ડાચાંમાં
એ મૂળા, કાકડી, મકાઈ જેવી લાંબી અને દૂરથી ખવાય એવી આઇટમ્સ જ ઓરતો હતો. એમાં પાછો છેડાનો
ભાગ ખવાય નહિ એમાં મંદોદરી ‘બહુ બગાડ કરો છો’ એવી કાયમ બુમો પાડતી હતી!
રાતે સુવામાં પણ
ધાંધિયા જ હતા. રાવણના ડબલ બેડ ઊભા બનાવવા પડેલા. કારણ કે રેગ્યુલર ડબલ બેડ પર તો
એ એકલો ચાર ઓશિકા સુધી ફેલાઈ જતો હતો. એટલે બે ડબલ બેડ ઊભા અડાડી એ અને મંદોદરી બેઉ
સામસામે પગ આવે એમ સુઈ જતાં હતાં. અને સુઈ જાય એટલે રાવણને એમ કંઇ સુખ નહોતું, એણે
ચત્તાપાટ જ સુઈ રહેવું પડતું, કારણ કે એ પડખું બદલે તો ખભાથી પેટ સુધીનો ભાગ ઉંચો
થઇ જાય એટલે ત્યાં નીચે પેકિંગ મૂકવા પડતાં હતાં. અને જો એ ડાબાં પડખે ન સુઈ જાય
તો એને ગેસ થઇ જતો હતો. રાવણને દસ માથાનાં કેટલાં દુ:ખ હતાં એ તો બિચારો રાવણ જ
જાણે, અને આપણે એનાં પૂતળાં બાળીએ છીએ! ■
ડ-બકા :
શીખી લે દુનિયાનાં
વ્યવહાર બકા
તોજ બનશે બંગલા
દસ-બાર બકા.
બકા આ રાવણ ના માથાના પ્રશ્નો ખુબ સુંદર વર્ણવ્યા, આનંદ થયો કે એક મલ્ટીએબિલીટી (વધારે એબિલીટી ) વાળી વ્યક્તિને પણ પ્રોબ્લેમ્સ હોય છે, એ તે જણાવ્યું, સાચી વાત છે કે રાવણ એક એવી વ્યક્તિ હતા કે જેમને ધર્મશાસ્ત્રો માં પણ નિપુણતા મેળવી હતી, રાજ્યશાસ્ત્રમાં પણ મહેર હતા શક્તિશાળી હતા, શંકરને પણ પ્રસન્ન કાર્ય હતા, આ બધા જ્ઞાન અને શક્તિઓનો ઘમંડ પણ હતો અને આ દસે માથા એનું જ પ્રતિક હતા,
ReplyDeleteપણ બકા તને નથી લાગતું કે આ બધું જ આજની મનમોહન સરકારમાં હાજર છે? જ્ઞાન બધું સરદાજી જેવા કેટલાક મંત્રીઓમાં છે, કેટલાક સોનાની લંકા ઉસેટે છે, અને બાકીના અભિમાન થી છકીને બડબડાટ કરે છે, તારા વાળા રાવણ ને સુવાની તકલીફ હતી, બ્રશ કરવાની, વાંચવાની, એવી બધી તકલીફ હતી પણ એને પોતાને હતી, જયારે આજ ના રાવણ તો લોકોને આ બધીજ તકલીફો પધરાવી બેઠા છે, અને જીવવાની તકલીફો આપે છે, એને માટે તો તે કઈ કહ્યું જ નહિ,
સુપર્બૂ... સરસ લેખ... શું દરેક દશમાથાળો માનવી(અભિમાની) આવી વેદના અનુભવતો હશે?
ReplyDelete