Sunday, October 02, 2011

રાવણની સમસ્યાઓ


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત.| ૦૨-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |
રાવણની ભલે બધાં નિંદા કરતાં હોય. રાવણના પૂતળા હજુ પણ ભલે બાળતાં હોય. પણ ખરેખર તો રાવણ અતિ પરેશાન જીવ હતો. અને ખરા અર્થમાં માથાભારે પણ હતો. રાવણને દસ માથા હતાં અને એટલે દસ માથાનો એને બહુ ભાર લાગતો હતો. એટલું નહિ, માથાની કુલ પહોળાઈનાં કારણે રાવણે એનાં મહેલનાં બધાં બારણાં બમણાં પહોળા રાખવા પડતાં હતાં, કારણ કે એમ ન કરે તો એક-બે અને નવ-દસ નંબરના માથા બારણાની ફ્રેમ સાથે અથડાઈ જવાનો ભય રહેતો હતો. અરે અડોસ-પડોસના ઘરો કે જ્યાં બારણાં પહોળા ન હોય, ત્યાં આ માથાનાં લીધે રાવણ બેસવા જઈ નહોતો શકતો. એટલે આવાં ઘરમાં મંદોદરીને એકલા જવું પડતું હતું. કદાચ કીટી પાર્ટીની શરૂઆત કરવાનું શ્રેય એટલે મંદોદરીને શિરે જાય છે.

થોડા સમય પહેલા રાવણ રા-વન નામની ફિલ્મ જોવા થિયેટરમાં ગયો હતો. ફિલ્મનું નામ સાંભળીને પહેલાં તો એને એમ હતું કે કોક ડેરી કે એગ્રિકલ્ચર કમિટીનાં ચેરમેને એનાં ગુણગાન ગાવા અને નંબર વન રાજા જાહેર કરવા આ ફિલ્મ બનાવી હશે. જોકે એવું કશું નહોતું. ફિલ્મ જોવા માટે પણ એણે ટીકીટ ખર્ચીને જવું પડ્યું હતું. એમાં ટીકીટ લેવા એનાં સ્ટાફમાં નવોસવો ભરતી થયેલો કોઈ પટાવાળો ગયો હતો, તે દોઢ ડાહ્યો થઈને કૉર્નર સીટ લઇ આવ્યો હતો. બેઠા પછી એને ખબર પડી કે એનાં ચાર માથા તો દીવાલે ભટકાય છે. એટલે એ દીવાલ સરસો આડો થઈને બેઠો તેમાં એનાં ચાર માથા આગળની અને ચાર પાછળની રોમાં પહોંચી ગયા. ત્યાં બેઠેલાં કપલ ડીસ્ટર્બ થઈ ગયાં એટલે એમણે બેટરીવાળાને ફરિયાદ કરી. પાછું મંદોદરીને તો કાયમ બાજુની સીટ પર નીચા નમીને બેસવું પડતું હોવાથી એને પડદો બરોબર દેખાતો નહોતો. કંટાળીને રાવણ ટીકીટ બદલાવવા કાઉન્ટર પર ગયો તો કાઉન્ટર પરના બુકિંગ ક્લાર્કે ઊલટું માથાદીઠ એક લેખે દસ ટીકીટ લેવી પડે એવો કાયદો બતાવ્યો. રાવણ ઘણો જ્ઞાની ગણાતો હતો, એટલે એણે દલીલ કરી કે માથાં ભલે દસ હોય, પણ સીટ તો એક છે માટે સીટ દીઠ એક ટીકીટ લેવાની થાય. આમ દલીલો ચાલી એમાં ઈન્ટરવલ સુધીનું પિક્ચર પૂરું થઇ ગયું હતું. આમ રાવણની જિંદગીમાં કોઈ સુખ નહોતું.

જોકે નાનો હતો ત્યારે થપ્પો રમતાં દસ માથાને લીધે રાવણનો દાવ જલ્દી ઉતરી જતો હતો કારણ કે એને દૂર સુધી એક જગ્યાએ ઊભા ઊભા દેખાતું હતું. પણ આની સામે એ છુપાય ત્યારે એ જલ્દી પકડાઈ જતો હતો. સ્કૂલમાં પણ એને બેસવા માટે એક આખી બેન્ચ આપવી પડતી હતી. જોકે દસ માથાના લીધે કોલેજમાં એને પરીક્ષામાં ચોરી કરવામાં સરળતા પડતી હતી એટલે એનો સગ્ગો ભાઈ વિભીષણ એનાથી જલતો હતો, અને વખત આવે તને દેખાડી દઈશ એવું મનમાં બોલતો પણ હતો. દસ માથાના લીધે એને વાળ કપાવવામાં ઘણો સમય જતો હતો, અને એટલે એણે વાળ કપાવવાની કડાકુટમાંથી બચવા લાંબા વાળની ફેશન કાઢી હતી. જે એ સમયે લંકામાં તો હીટ ગઈ હતી, અને પછીના યુગમાં પણ ઘણાં રાજા-મહરાજાઓએ એને અપનાવી હતી.   

રાવણ ટુ વ્હીલર પર જાય તો એને દસ તો હેલ્મેટ પહેરવી પડતી હતી. એમાં ઘણી વાર તો એવું બનતું કે વધારે ટ્રાફિક હોય તો એનું માથું આજુબાજુ પસાર થતી કારના ખુલ્લા કાચમાંથી અંદર ઘુસી જતું હતું. એમાં એકવાર એક બહેને તો ચાલુ કારે રાવણને લાફો ઠોકી દીધો હતો. ઉપરથી પાછી ટ્રાફિક પોલીસ એની મેથી મારતી હતી. એટલે એણે વચ્ચે સ્ટીયરીંગ હોય એવી કાર બનાવવા માટે ઇન્ડિયામાં રાજકોટનાં કોક કારખાનામાં સ્પેશિયલ ઓર્ડર કર્યો હતો. એણે ઓર્ડર કર્યો એમાં ભાષાના ડખાના લીધે સામાવાળાને વચ્ચે બેસીને ચલાવાય એવું ફેમિલી વાહન જોઈએ છે એટલું સમજાયું હતું. એટલે કારના બદલે છકડો નામનું કોક વાહન ડીલવર થયું હતું. આમ પહેલ વહેલી વખત છકડો રાવણનાં સ્પેસિફિકેશન પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાવણની યાદમાં હજુ પણ અમુક લોકો છકડામાં દસ દસ અરીસા લગાડી ફરતાં જોવા મળે છે. આ ફેમિલી વાહન ડિઝાઈન કરવામાં અમુલ્ય યોગદાનને લઈને, રાવણને અજરામર કરવા માટે, છકડાનું ફાયરીંગ રાવણ હસતો હોય એવું છેક એ સમયથી રાખવામાં આવ્યું હતું. આ લખનારે તો એવું પણ સાંભળ્યું છે કે રામાયણ સીરિયલ બનતી હતી ત્યારે રાવણનો રોલ કરનાર અરવિંદ ભાઈએ ચોક્કસ ઢબે હસવાનું શીખવા માટે મહિના સુધી તો છકડો ભાડે રાખ્યો હતો!

અને છકડો આવ્યો એટલે લાઈસન્સ કઢાવવા રાવણ આરટીઓ ગયો હતો. પણ એના માટે એણે પહેલા પાસપોર્ટ સાઈઝનાં ફોટા કઢાવવા પડ્યા હતાં. આ ફોટા પડાવવા એણે ચાર ગણા રૂપિયા આપવા પડ્યા હતાં, અને તોયે પાસપોર્ટ સાઈઝનો ફોટો પોસ્ટકાર્ડ સાઈઝમાં પ્રિન્ટ થયો હતો. આટલી તકલીફ લઈને ફોટો પડાવ્યા છતાં અમેરિકન એમ્બેસીએ તો ફોટો નિયમોનુસાર ન હોવાને કારણે એનાં વિઝા રીજેક્ટ કર્યા હતાં. ગામમાં પણ એનાં વિઝા રીજેક્ટ થવાને કારણે એ છાપે ચઢી ગયો હતો. આ તો ઠીક છે એનાં પર શંકર ભગવાનની દયા હતી કે ઇન્ડિયન એમ્બેસીએ દસ માથાવાળો ફોટો જોયા વગર એને વિઝા આપી દીધાં હતાં. નહિતર એ ભારત આવી ન શકત, ને સીતાનું હરણ પણ ન કરી શકત!

7 comments:

  1. Revised it today on blog as well... Can't stop laughing... true top class imagination

    ReplyDelete
  2. રાવણ પ્રત્યે આજે ખરેખર દયા આવી....
    મજ્જા આવી ગઇ વાંચીને.

    ReplyDelete
  3. બિચારો રાવણ, રામને વિમાન અને રાવણ ને છકડો, બહુ અન્યાય છે, આટ આટલી તકલીફો છતાં જીવતો સળગાવે છે લોકો,

    ReplyDelete
  4. Sirji really nice made me laugh

    ReplyDelete