એક સાઉથ ઇન્ડિયન હતો, નામ એનું રામનાથ અને અટક એની ‘રેડી’ હતી. એક દિવસ એને ‘રેડી’મેડ કપડા ખરીદવા હતાં. એટલે સાંજે એ સીજી રોડ પર નીકળ્યો હાથમાં બેટરી લઈને એવ‘રેડી’. પણ રોડ પર પહેલેથી ઘણી લાઈટો હતી ઓલ‘રેડી’. એ ચાલતો જતો હતો ત્યાં એક ઇલેક્ટ્રોનીક્સની દુકાનના ડિસ્પ્લેમાં ટીવી હતું, એ પણ એચ.ડી. ‘રેડી’. પછી ત્યાંથી આગળ ગયો તો એને બીજી એક લુંગી મળી ગઈ એટલે બેઉ જણા થઇ ગયા રાજીના રેડ ! પછી વાતો કરતાં કરતાં બેઉ ગયા ચાની કીટલી પર, કીટલી પર ટેણીએ એ બેનાં કપમાં ચા ‘રેડી’. અને ત્યાં જ કીટલીનાં ‘રેડિ’યો પર ગીત વાગ્યું ‘ઢીંક ચિકા’. ને ચાનો ઘૂંટડો ભરતા જ એ બે થઇ ગયા નાચવા ‘રેડી’ ! આર યુ ‘રેડી’ ?
ગભરાશો નહિ, આ રેડી ફિલ્મની સ્ટોરી નથી. આજકાલ હિન્દી કોમેડી ફિલ્મોમાં આમેય સ્ટોરી જેવું ક્યાં હોય છે ? એમાંય સલમાનના પિકચરમાં સલમાનની બોડી જોવાની હોય કે સ્ટોરી યાર ? એટલે ઉપર લખી એવી સ્ટોરી લાઈન હોય અને ફિલ્મ હીટ જાય એવું પણ બને, બસ પ્રમોશન અને માર્કેટિંગ બરોબર હોવું જોઈએ ! રેડી ફિલ્મમાં સંજય દત્ત મેરેજ રજિસ્ટ્રારની વિશેષ ભૂમિકામાં દેખા દે છે. પણ મુન્નાભાઈને સર્કિટ જોડવાની સાથે તોડવાની પણ આવડત છે એટલે એ સરકારી મેરેજ રજિસ્ટ્રારની નોકરીની સાથે સાથે ડાઈવોર્સ લોયર તરીકેનું પ્રાઈવેટ કામ પણ કરે છે. આટલાથી તમને સ્ટોરીની તાકાત સમજાઈ ગઈ હશે એટલે આગળની વાર્તા નથી કહેતો. રેડી ફિલ્મની હિરોઈન અસીન છે, પણ અસીન જોઈએ એટલી હસિન કે કમસીન નથી. પણ ખાન કાકાઓની ફિલ્મોમાં હિરોઈનને આમેય કોણ જુએ છે ? ઝરીન, ભૂમિકા, સ્નેહા, આયેશા, અમ્રિતા, અલી, ચાંદની, શીબા, ભાગ્ય શ્રી આ બધી ભૂતકાળમાં સલમાનની હિરોઈન હતી, યાદ છે ?
રેડીમાં સલમાનના કેરેક્ટરનું નામ ઢીલા નથી પણ પ્રેમ કપૂર છે. આ પ્રેમએ પ્રેમની મૂર્તિ છે, એટલે અસીનથી વધારે રૂપાળી એવી ઝરીનને દોસ્ત માટે ભગાડે છે. પ્રેમ શું ભણ્યો છે એ દિગ્દર્શક આપણને કહેતા નથી, પણ જેની આટલી સરસ બોડી હોય એને ભણવાનો સમય મળે એવી શકયતા આ લખનારને લાગતી નથી. પ્રેમનું ફેમિલી ઘણું ધનાઢ્ય છે એમનાં ઘરમાં સ્વીમીંગ પુલ છે પણ બંગલામાં એક પણ ઝાડ નથી. કેરેક્ટર ઢીલા હૈ ગાનાર અને ઢીલા પેન્ટનાં બે ખીસામાં હાથ નાખી (ફીટ પેન્ટમાં હાથ આ રીતે ન ફરી શકે !) ઢીંક ચિકા જેવો વિશિષ્ઠ ડાન્સ કરનાર પ્રેમ પોતે હીરોઈનનાં કપડાં ઢીલા નહિ પરંતુ ફીટીંગવાળા હોય તો જ પ્રશંસા કરે છે તેવું આ જોનારે બે વાર નોધ્યું છે. પ્રેમ એ કરુણાનો પ્રતિક છે એટલે એ હીરોઈન સાથેના સંસર્ગ અને વિલન સાથેના દરેક મુકાબલા પહેલા એ ‘કોઈ તો રોકો’ કહે છે. પણ પ્રેમને રોકીને ફિલ્મનાં ખર્ચેલા દોઢસો રૂપિયા બગાડવા કોણ તૈયાર થાય ? એટલે હીરોઈનને અપેક્ષિત ચુંબન અને વિલનને છેવટે ધોલાઈ મળે છે.
રેડીમાં ડ્રીમ સીનમાંય આખરે દબંગ સલમાન શર્ટ ઉતારે એટલે દોઢસોની ટીકીટ ખર્ચીને આવેલ લાલ પીળા શર્ટ પહેરેલા છવ્વીસની છાતી, અને તેરે નામ બ્રાંડ હેરસ્ટાઈલ રાખનાર ‘આપરા વારા’ ચાહકો સીટી મારીને સલમાનને વધાવી લે છે. ચાર આઠ આનાથી વધારે ઉછાળાય એવું ફિલ્મમાં છે નહિ, અને ચાર આઠ આના આજ કાલ મળતાં નથી નહિતર ફિલ્મમાં પરચુરણ ઉછળે એવાં ઘણાં સીન છે. એવી જ રીતે સલમાન ત્રણને (આઈ, મી, એન્ડ માયસેલ્ફ) અન્ડર એસ્ટિમેટ ન કરવા એનાં ફેમસ વિલંબિત અંદાજમાં કહે એટલે પબ્લિક ફિદા થઇ જાય. બીજા ભલે એનાં પર ફિદા થઇ જાય, પણ અમને તો સલમાનની આ ડાઈલોગ ડીલીવરી પ્રોસ્ટેટનાં દર્દીને પેશાબ થતો હોય એવી ત્રૂટક ત્રૂટક લાગે છે
ઢીંક ચિકા ગીતમાં ‘ન ગાડી હોગી ન ઘોડી હોગી પૈદલ હી લાઉંગા બારાત રે’ દ્વારા સલમાન પેટ્રોલના ભાવવધારા સામે ઝઝુમવા માટે રાહ ચીંધે છે. આ ઉપરાંત ઘોડી પણ ન વાપરી એ ચિંકારાવાળી ઘટનાનું પ્રાયશ્ચિત પણ કરે છે. આટલી બધી સારી વાતો વચ્ચે આ જનરેશનને પ્રેમ નેટ સેવી નથી એ ખૂંચે, કારણ કે એ હજુ તો ‘ઈન્ટરનેટ લગવાઉંગા મેં’ જેવી વાતો એ ગીતમાં કરે છે. હવે સલમાન એક તો કુંવારો છે અને એમાં પાછુ ઘણી બધી છોકરીઓ સાથે એનું નામ જોડાયેલું રહ્યું છે. એટલે સહજ સવાલ થાય કે ફિલ્મનું બીજું હીટ ગીત ‘કેરેક્ટર ઢીલા’ સલમાનને મળ્યું એમાં કોઈ સંકેત છે કે કેમ ? બાકી ‘કેરેક્ટર ઢીલા’ જેવા ગીત કેમ અમિતાભ કે શાહરુખ જેવા વેળાસર પરણીને ઠરી જનારના ભાગે કેમ નથી આવતાં ? ગીતકાર જવાબ આપે !
ફિલ્મમાં અમુક વાતો આ લખનારને નોંધપાત્ર લાગી. એક તો બાળકોને ગમે એવી વાત ફિલ્મમાં એ છે કે વિલનનો પોરિયો એનાં ટીચરને ધીબેડે છે. બીજી વાત એ કે થાઈલેન્ડમાં પોલિસની બબાલ બહુ હોતી નથી. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત એ કે આ ફિલ્મમાં બધાં મહિલા કેરેક્ટર્સ સંપીને રહે છે અને સમ ખાવા પૂરતું પણ અંદર અંદર ઝગડતાં નથી. હિન્દી સિરીયલો જોયા પછી ફોર અ ચેન્જ આ સારું લાગે છે. હવે તો સિરીયલોવાળા આ ફિલ્મમાંથી કોઈ પ્રેરણા લે તો આપણાં ડ્રોઈંગ રૂમમાં કઇક શાંતિ થાય ! ■
Wonderful review !!
ReplyDeleteપેટ પકડીને હસાવવા માટે આટલો વ્યંગ પુરતો છે.ઓવરડોઝથી દરદ થવાની શક્યતા ખરી...એકદમ મસ્ત..!
ReplyDeleteઆખી રામાયણ વાંચીને આપણે પણ "રેડી" થઇ ગયા બોસ... અને છેલ્લે લખેલી પ્રેરણાદાયક વાત બહુ ગમી..... પણ સિરિયલોવાળા ને ગમે તો કાંઇક ફાયદો થાય.
ReplyDeleteતો હવે શું કરવું ? અધીરભાઈ ? પિક્ચર જોવું કે નઈ ??
ReplyDeletetoo good
ReplyDelete